પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં. ૮

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના  પટેલ, લેસ્ટર, યુકે.

પ્રિય દેવી,

વસંત અને વેલેન્ટાઈન પર કેટલું બધું લખાયું છે? પણ સાચું કેટલાએ અનુભવ્યુ એ એક પ્રશ્ન છે. તેં લખ્યુ છે તેમ, એને શબ્દોના વસ્ત્રોમાં કે અક્ષરોના ઓશીકામાં ન વીંટળાય. હમણાં વળી મેં કોઈના મોંઢે નવો શબ્દ સાંભળ્યોઃ “વસન્ટાઈન”! ટુ ઇન વન !! એમાં યે લાખો લોકોની લગ્નતિથિ પણ વસંત પંચમીની હોય. તેથી એ બધા તો વળી ‘થ્રી ઇન વન’ ઉજવે ! તેમાં તું યે આવી જાય!

તું લખે છે કે કોઈ નવી વાત, નવો વિચાર લઈને આવજે. પણ તારો પત્ર વાંચીને પ્રેમ અંગે મારા વિચારો તને જણાવવા તત્પર બની ગઈ. ક્યારેક પ્રેમની અભિવ્યક્તિ જરુરી છે એમ મારું માનવું છે. એ અભિવ્યક્તિ, કેટલી અને ક્યારે કરવી તે વ્યક્તિના વિવેક પર આધારિત છે. શ્રી સુરેશભાઈ દલાલે ‘ડોસી ડોસાને પ્રેમ કરે છે’ કવિતાની જેમ આપણા જીવનસાથીને વાંસો દુખતો હોય અને તે માંગે તે પહેલા ગરમ પાણીની કોથળી આપવી એ પણ પ્રેમની અભિવ્યક્તિ જ છે ને?  પ્રેમ હંમેશા ચૂપ રહે એ પણ યોગ્ય નથી અને દેખાડો કર્યા કરે એ પણ બરાબર નથી. તેં કહ્યું તેમ એ કોઈ અજાણી વ્યક્તિ સાથેની ‘કેમેસ્ટ્રી’થી શરુઆત થાય અને જ્યારે તેને તેના બધાં જ ગુણ-અવગુણ સાથે સ્વીકાર થાય તો એ પ્રેમ છે. એ ઉપરાંત તમારી જેમ કોઈ બે જણ ડેક ઉપર સવારના સાથે ચા પીતા શાંતિથી બેઠા હોય ત્યારે એ અપ્રગટ પ્રેમના મૂક સાક્ષી, પેલા પંખીઓ છે જેમની લાક્ષણિકતાઓને, રોજ સાથે નિરખતા હોવ..બરાબર ને?

બીજું, ભારતમાં વેલેન્ટાઈન ડે ઉજવાય છે તે આપણને પહેલી નજરે અજુગતું લાગે એ સ્વાભાવિક છે. એનું કારણ હું એ સમજું છું કે, માનવીને સામાન્ય જીવનમાં નવીનતા જોઈએ છે.પરંતુ જ્યારે તે પોતાની સંસ્કૃતિના ભોગે એનું આંધળુ અનુકરણ કરે તે યોગ્ય નથી જ. યુ.કે.માં અંગ્રેજ લોકો આપણા ખોરાકને ખુબ જ માણે છે. કારણ આગળ મેં લખ્યું તેમ રોજીંદા જીવનમાં નાવિન્યની શોધ માત્ર. પરંતુ એ લોકોએ ક્યારેય આપણા ઉત્સવોને તેમની સંસ્કૃતિમાં સ્થાન આપ્યું નથી. એશીયનોની વસ્તી વધતાં અને વૉટ બેંક માટે દિવાળી, ઈદ અને વૈશાખી જેવા ઉત્સવો ઉજવવા માટેની આર્થિક સહાય અને સગવડ જરૂર કરી આપી છે પરંતુ એમની સંસ્કૃતિમાં એનો સ્વીકાર નથી કર્યો.

શ્રી શરદભાઈ ઠાકોરે ડૉક્ટરની ડાયરીમાં ક્યાંક લખ્યું છે તેમ નવરાત્રી પછી કુંવારી છોકરીઓમાં ઍબોર્શનનું પ્રમાણ ખુબ વધી જાય છે એ વાંચ્યું ત્યારે મને પહેલો વિચાર એ આવ્યો હતો કે, આપણો સમાજ નીતિમત્તાની સીડી પરથી ખૂબ ઝડપી ગતિએ અવગતી તરફ જવા માંડ્યો છે. હવે તું જ્યારે ‘વેલેન્ટાઈન ડે’ની વાત લખે છે ત્યારે થાય છે કે એ નવરાત્રી હોય કે વેલેન્ટાઈન ડે; પણ દેવી, જ્યારે તે શારીરિક ભૂખ (ખોરાકની જેમ જ જાતીય સુખની) પૂરતી મર્યાદિત થઈ જાય ત્યારે તે જોઈને સમાજની આપણા જેવી અનેક વ્યક્તિઓ ‘ફ્રસ્ટ્રેશન’ અનુભવે એ સ્વભાવિક છે. પ્રેમની અભિવ્યક્તિ યુગે યુગે બદલાતી રહેવાની અને આપણે એક એવા સમયગાળામાંથી પસાર થઈએ છીએ કે જે આપણા સમાજને ઉર્ધ્વગતિ તરફ તો નથી અને નથી જ લઈ જતો. એના સાક્ષી બનવાનું નસીબમાં લખ્યું હશે એમ માની આ જ રીતે પત્ર દ્વારા મનની સંવેદનાઓને મોકળી કરવી જ રહી. ક્યાંક કોઈને આમાંથી ચિનગારી મળે એવી આશા રાખીએ. ગયા પત્રના પ્રતિભાવમાં શરદભાઈ શાહે સાચું જ લખ્યું છે કે, ખરેખર જરુર છે બ્રેઈન અને હાર્ટ બન્નેની. દરેક ક્ષેત્રમાં એક સમતોલનની જરુર છે.

ન્યૂયોર્કની ટ્રેઈનવાળી વાળી વાત વાંચીને મને પણ યાદ આવ્યું કે, મનની સાવ કાચી,નાજુક અને કુમળી વયે હું યુકે. આવી ગઈ હતી ત્યારે એવાં તો કેટલાં બધા આંચકા અનુભવ્યા હતાં. સારી બાબતો આનંદ આપે એથી વધુ ખોટી અને ખરાબ વસ્તુઓ દઝાડે. બે વિરાધાભાસી સંસ્કૃતિ વચ્ચે જીવવા મથતાં એશિયનોની જીવન-પધ્ધતિ, અહીંની સમાજ રચના વગેરેથી થી અકળાતી મારી અભિવ્યક્તિને એક તક મળી અને મેં આ બધી સંવેદનાઓને વણી ‘કેડી ઝંખે ચરણ’ નામે નવલકથામાં. એ રીતે બ્રિટનમાં રહેતા આપણા અને અંગ્રેજ સમાજ પાસેથી ખુબ લીધું તે થોડું પાછું આપ્યાનો આનંદ મળ્યો.

ચલ, ખૂબ ભારે ભારે લખી નાંખ્યું, હવે એક હળવાશની વાત લખી પત્ર પૂરો કરું.

હું ભારતમાં હતી ત્યારે મારા મોટા ભાભી સાથે ખૂબ જ મસ્તી કરતી. એમની સામે હું આંખ મિચકારું એટલે એ હંમેશા છણકો કરી કહેતાં, ‘સાલી મવાલી જેવી છે.’ વર્ષો પછી જ્યારે યુ.કે આવી અને એક વખત માર્કેટ્માં શોપીંગ કરવા ગઈ ત્યારે એક ફ્રૂટવાળાએ મને આંખ મારી- મને એકલી એકલીને ખૂબ હસવું આવ્યું!

પ્રેમને આપણે ખૂબ સંકુચિત અર્થમાં લઈ લીધો છે. કોઈ ગમતી વ્યક્તિ તરફની અભિવ્યક્તિ અને પ્રેમની અભિવ્યક્તિની મર્યાદા સમજીએ અને સ્વીકારીએ એ જ આશા સાથે ( ન છૂટકે)વિરમું છું.

આપણે અઠવાડીયે પત્ર લખવાની જગ્યાએ ક્યારેક થાય કે રોજ પત્ર લખીએ તો કેમ?

નીનાની સ્નેહ યાદ.


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *