





નિરંજન મહેતા
હિન્દી ફિલ્મીગીતોમાં જેટલા ઊંડા ઉતરીએ તેમ તેમ નવું નવું જાણવા મળે. આવી જ એક નવીનતા છે કે ખાદ્યસામગ્રીને લઈને કેટલાય ગીતો રચાયા છે જેમાના થોડાકનો આસ્વાદ આ લેખમાં માણશું.
સૌ પ્રથમ તો જુના જમાનાની ફિલ્મમાં પણ આવો પ્રયોગ થયો હતો તે આશ્ચર્યજનક લાગે. વાત છે ચણાની અને ચણા પર તો એક કરતા વધુ ગીતો રચાયા છે. સૌ પ્રથમ ૧૯૪૦ની ફિલ્મ ‘બંધન’નું ગીત.
चने जोर गरम बाबू मै लाया मजेदार, चने जोर गरम
રસ્તે ચણા વેચતા ફેરિયા ઉપર આ ગીત રચાયું છે જેના રચયિતા છે કવિ પ્રદીપ અને સંગીત સરસ્વતીદેવીનું. સ્વર અરૂણકુમારનો.
આ જ ગીત ફિલ્મમાં બીજી વખત આવે છે પણ તેનો વીડિઓ નથી પ્રાપ્ત. બાકીની વિગતો ઉપર મુજબ.
૧૯૫૬ની ફિલ્મ ‘નયા અંદાઝ’નું જે ગીત છે તેમાં મીનાકુમારી કહે છે
चना जोर गरम बाबू मै लाया मजेदार
આના જવાબમાં કિશોરકુમાર કહે છે
मूंगफली गरम गरम मै लाया मजेदार
ગીતને સ્વર આપ્યો છે શમશાદ બેગમ અને કિશોરકુમારે જેના શબ્દો છે જાનીસાર અખ્તરના અને સંગીત ઓ.પી. નય્યરનું.
૧૯૬૬ની ફિલ્મ ‘લડકા લડકી’માં પણ જે ગીત છે તેમાં મુખડામાં વચ્ચે અને દરેક અંતરામાં છેલ્લે આ શબ્દો મુકાયા છે.
बाते जाना सरकार नहीँ तो हम समजायेगे
चना जोर गरम
આ ગીતનો પણ વીડિઓ પ્રાપ્ત નથી એટલે કોના ઉપર છે તે જણાતું નથી પણ વિગતો આ પ્રમાણે. ગીતકાર રાજીન્દર ક્રિશ્ન, સંગીત છે મદન મોહનનું અને ગાનાર કલાકાર ઉષા ખન્ના.
૧૯૮૧ની ફિલ્મ ‘ક્રાંતિ’માં ચણા ઉપર જે ગીત છે તેમાં એક કરતાં વધુ કલાકારો છે જે છે દિલીપકુમાર, મનોજકુમાર, શત્રુઘ્ન સિન્હા અને હેમા માલિની. ગીતકાર સંતોષ આનંદ અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાનાર કલાકારો પણ ચાર છે, રફીસાહેબ, કિશોરકુમાર, નીતિન મુકેશ અને લતાજી.
दुनिया के हो लाख धर्म
पर अपना एक धर्म चना जोर गरम
ચણા પછી ચોકલેટને યાદ કરીએ. ૧૯૪૨ની ફિલ્મ ‘સ્ટેશન માસ્ટર’ના એક ગીતમાં ચોકલેટનો ઉલ્લેખ છે
बाबा चोकलेट लाए
अकेली कौन खाए बलम नहीँ
આ ગીતનો ઓડીઓ હોવાથી કલાકારની જાણ નથી પણ ગાનારનું નામ છે કૌશલ્યા. ગીતના શબ્દો છે પંડિત ઇન્દ્રના અને સંગીત નૌશાદનું.
ચોકલેટ પર અન્ય ગીત છે ૧૯૯૪ની ફિલ્મ ‘હમ આપ કે હૈ કૌન’માં જેમાં ચોકલેટ ઉપરાંત લીંબુ શરબત અને આઈસ્ક્રીમનો પણ ઉલ્લેખ છે
चोकलेट लाइम ज्यूस आइसक्रीम टोफिया
માધુરી દિક્ષિત પર રચાયેલ આ ગીતને લતાજીનો સ્વર મળ્યો છે. શબ્દો છે દેવ કોહલીના અને સંગીત રામ લક્ષ્મણનું.
રસગુલ્લા કોને પ્રિય નથી? તેના પર પણ કેટલાક ગીતો રચાયા છે. ૧૯૭૯ની ફિલ્મ ‘જાને બહાર’માં ગીત છે
मार गयो रे हे मार गयो
रसगुल्ला घुमाई के मार गयो रे
ગોહર કન્પુરીના શબ્દોને સંગીત આપ્યું છે બપ્પી લાહિરીએ. કલાકારો છે જગદીપ, મંજુ અસરાની અને કનૈયાલાલ જેમને સ્વર આપ્યો છે રફીસાહેબ, આનંદકુમાર સી. અને રુના લૈલાએ.
આવું જ અન્ય ગીત છે ૧૯૯૦ની ફિલ્મ ‘ઈજજતદાર’નું.
एक रसगुल्ला कहीं फट गया रे रे बाबा रे
फट के जलेबी से निपट गया रे रे बाबा रे
ગીતના કલાકારો ગોવિન્દા અને માધુરી દિક્ષિત. જેને સ્વર આપ્યો છે અમિતકુમાર અને અલકા યાજ્ઞિકે. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલ્લાલનું.
૧૯૯૦ની અન્ય ફિલ્મ ‘આજ કા શહેનશાહ’નું આ ગીત પણ રસગુલ્લા પર રચાયું છે.
मेरी गली के नुक्कड़ पे हलवाई की है दुकान
————-
रसगुल्ला रसगुल्ला खिलाये के मार गयो रे
વીડિઓ ન હોવાને કારણે કલાકારની જાણ નથી પણ આ નૃત્યગીતના રચયિતા છે અન્જાન અને સંગીત બપ્પી લાહિરીનું. સ્વર અલકા યાજ્ઞિકનો.
એ જ રીતે ૨૦૦૬ની ફિલ્મ ‘સેન્ડવીચ’માં પણ ગીત છે
अरे मस्त जवानी होठ गुलाबी मस्त जवानी
हाय मस्त जवानी होठ गुलाबी गाल है गुलगुला
हुस्न बंगाल का रसगुल्ला
આ ગીતનો ઓડીઓ છે એટલે કલાકાર જણાતા નથી પણ ગોવિંદા મુખ્ય કલાકાર છે. ગીત ગાયું છે વિનોદ રાઠોડ અને જસ્પિન્દર નરુલાએ. શબ્દો છે તબીશ રોમાનીના અને સંગીત રાજેશ ગુપ્તાનું.
૨૦૧૬ની ફિલ્મ ‘કહાની – ૨’નું ગીત છે જેમાં મુખડા પછીના બીજા અંતરામાં શબ્દો છે
लम्हों के रसगुल्ले
लझीस मीठे मीठे
लम्हों के रसगुल्ले
फ्री मै है खरीदे
ગીત પાર્શ્વગીત છે જેના શબ્દો અને સંગીત છે ક્લીન્ટન સેરેજોનાં. ગાનાર કલાકારો સુનિધિ ચૌહાણ અને બીઆન્કા ગોમ્સ.
ખાદ્યસામગ્રીની હજી ઘણી વાનગીઓ પીરસવાની છે જે હવે પછીના લેખમાં.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
મીઠાઈ ઉપર સરસ લેખ. ગીત કાનને તો ગમે પણ મોંઢામાંય પાણી આવી જાય. અભિનંદન.