ચેલેન્‍જ.edu :: પ્રાઈમ ટાઈમ

Facebooktwitterredditpinterestlinkedinmail

રણછોડ શાહ

કર્મ કરવું એ જ સહુથી શ્રેષ્ઠ છે પૂજા,
ના અમે અટવાઈએ કોઈ પથ મહીં બીજા,
શ્રમ તણા મહિમાનો કરીએ મનભરી આદર,
હે પ્રભુ ! તું એટલી કરજે કૃપા અમ પર,
પથ અમારો ઝળહળે તુજ જ્યોતથી હરપળ.

                                                       – અશોક જાની (આનંદ)

આપણને ચીલાચાલુ જીવન જીવવાની આદત એટલી હદે પડી ગઈ છે કે યુવાન વયે વૃદ્ધત્વને નિમંત્રણ આપીએ છીએ. પ્રત્યેક પરિસ્થિતિ કે પ્રસંગે ‘અગાઉ શું થયું હતું?’, ‘કોણે કર્યું હતું?’, ‘કેવું કર્યું હતું?’ જેવા પ્રશ્નોના જે ઉત્તર મળે તેવું જ આપણે આજે કરવાનું તેમ આપણે સમજી બેઠા છીએ. કોઈકને ત્યાં લગ્નપ્રસંગે જવાનું હોય તો આપણને પહેલો વિચાર એ આવે કે તે વ્યકિતએ આપણે ત્યાં લગ્નપ્રસંગ હતો ત્યારે કેવો અને કેટલો વ્યવહાર કર્યો હતો? અગાઉની ચાંલ્લાની નોટ ખોલી વ્યકિતનું નામ શોધી તે પ્રમાણે આપણે આપ-લે કરીએ છીએ. કોઈકે પંદર કે વીસ વર્ષ ઉપર રૂપિયા એકાવનનો ચાંલ્લો કર્યો હોય તો આપણે પણ તે જ રકમ પરત કરવાની માનસિકતા ધરાવીએ છીએ. થોડા દિવસ પહેલાં એક લગ્નપ્રસંગે ચાંલ્લાની નોટને બદલે લેપટોપ ઉપર વ્યવહારની નોંધણી થતી જોઈ ત્યારે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા!

વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરી લેવાની વિધિવત પ્રક્રિયા વર્ષોથી એ જ પુરાણી ઢબથી ચાલી આવે છે. કોઈક નામ બોલીને, તો કોઈક નંબર બોલીને હાજરી પૂર્યાનો સંતોષ મેળવે છે. વર્ગખંડની હાજરી પૂરવાની પદ્ધતિ કયારેક જ જીવંત બને છે. આપણે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે જે રીતે હાજરી પૂરાતી તે જ રીતે આજે પણ ચાલે છે. અહીંયા આપણી રૂઢિગત માન્યતા સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે.

હાજરી પૂરવાની પ્રક્રિયાને મહદ્‌અંશે વેઠ તરીકે જોવામાં આવે છે. તેને એક કંટાળાજનક જવાબદારી ગણવામાં આવે છે. હાજરી લીધા બાદ શિક્ષકખંડમાં મૂકેલી નોટમાં વર્ગદીઠ હાજરી ભરવાની પદ્ધતિ તો મોટાભાગના શિક્ષકોને ત્રાસદાયક લાગે છે. નિરીક્ષક કે આચાર્યશ્રીએ આ કાર્ય માટે શિક્ષકોને અનેકવાર ટોકવા પડતા હોય છે.

મોટા ભાગના શિક્ષકો એમ સમજે છે કે હાજરી પૂરવાની એટલે વિદ્યાર્થી શારીરિક રીતે શાળાએ આવ્યો છે તેની માત્ર નોંધ લેવાની. શિક્ષકશ્રી હાજરી લે ત્યારે વિદ્યાર્થી વર્ગમાં પ્રત્યક્ષ ઉપસ્થિત છે તેની ખાત્રી કરી લેવામાં આવે છે. શિક્ષક પણ કયારેક તો શારીરિક રીતે ઉપસ્થિત હોય છે અને મન કયાંક બીજે હોય તેવું પણ બને. ‘શાળામાં આવ્યા છીએ એટલે ભણાવવું તો પડશે જ ને?’ જેવી મનોગ્રંથિથી જ શિક્ષક શાળામાં શૈક્ષણિક કાર્યની શરૂઆત કરે છે. હાજરી પૂરવામાં અને પોતે હાજર છે તેવી સમજણ આપવામાં ચેતનાનો સદંતર અભાવ સ્પષ્ટ નજરે પડે છે. આ સંજોગોમાં શાળાઓ ‘ચાલે છે’ ખરી પરંતુ ‘શિક્ષણકાર્ય થતું નથી’.

વિદ્યાર્થીઓની હાજરી લેવાની પ્રક્રિયા પણ શિક્ષણનો એક મહત્વનો ભાગ છે. શિક્ષક ધારે તો વિદ્યાર્થીની ઉપસ્થિતિની નોંધ લેવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી શકે. કયારેય કોઈ શિક્ષકને વિદ્યાર્થીના નામનો અર્થ જાણી કે જણાવી હાજરી લેતા જોયા છે ખરા? તેના નામના પર્યાયવાચક શબ્દો શોધી લાવવાનું ગૃહકાર્ય કોઈ શિક્ષક આપે છે ખરા? વિદ્યાર્થીના નામ સાથે કોઈ પૌરાણિક પ્રેરક પ્રસંગ કે કથા હોય તો તે કહીને વર્ગખંડમાં ચેતનાનો નવો સંચાર લાવી શકાય. કદાચ પ્રસંગની ચર્ચા કરી જે તે પુસ્તક વાંચવા માટે પણ વિદ્યાર્થીને પ્રેરણા આપી શકાય. વિદ્યાર્થીઓના રોલ નંબરને આધારે બેઠકવ્યવસ્થા બદલી વિદ્યાર્થીઓને નવા મિત્રો બનાવવાની તક આપી શકાય. પ્રત્યેક સપ્તાહ કે માસના અંતે આ ગોઠવણીમાં ફેરફાર કરી શકાય. અવૈધિક રીતે ગણિતનું શિક્ષણ આપવામાં રોલ નંબર ચોક્કસ જ મદદરૂપ થઈ શકે. કયારેક પૂર્ણવર્ગવાળી સંખ્યાઓના આધારે તો કયારેક અવિભાજ્ય સંખ્યાઓને આધારે બેઠકવ્યવસ્થા ગોઠવી વિદ્યાર્થીઓને ગણિતમાં રસ લેતા કરી શકાય. કક્કાવારીના આધારે બેઠક ગોઠવતાં વિદ્યાર્થીઓને ગુજરાતીનું શિક્ષણ આપી શકાય. અંગ્રેજી એ, બી, સી, ડી.થી શરૂ થતા નામ પ્રમાણે બેઠકવ્યવસ્થાનું આયોજન થઈ શકે. આ તમામ કામગીરી શિક્ષક હાજરી પૂરવાની કામગીરી દરમિયાન કરી જ શકે.

વિદ્યાર્થીઓ શાળાના પ્રારંભ ટાણે ખૂબ સ્ફૂર્તિમાં હોય છે. તેઓ ઉત્સાહપૂર્વક શાળામાં પ્રવેશે છે. ચેતનાનો સંચાર ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી શાળામાં હાજરી પૂરવાનો સમય તો ‘પ્રાઈમ ટાઈમ’ છે. આ તો શાળા સમયનો શ્રેષ્ઠત્તમ તબક્કો છે. બાળકો સર્વોત્તમ ઝીલવા માટે સંપૂર્ણપણે તત્ત્પર હોય છે. આ સમયનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે અને વેડફાય નહીં તેની પ્રત્યેક શિક્ષકે અચૂક કાળજી રાખવી આવશ્યક છે. શિક્ષકે બાળકના આગમનને આવકારવાનું છે, વધાવવાનું છે. દૈનિક ક્રિયા શરૂ કરતાં અગાઉ આ સમયનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય. ગામ, શહેર, દેશ કે પરદેશની અગત્યની ઘટનાની માહિતી આપી વિદ્યાર્થીઓ તેમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે તે સમજાવવાનો આ ઉત્તમ સમય છે. તો ચર્ચાસ્પદ મુદ્દાઓનો હાજરી લેતાં લેતાં ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને ચર્ચામાં ભાગ લેતા કરી શકાય. ચર્ચામાં ભાગ લેવા માટે આમંત્રણ આપી તેમની હાજરીની વિશેષ ઓળખ ઉપસાવી શકાય. અન્ય વિદ્યાર્થીઓને તેમના સાથીમિત્રોની જાણકારી વિશે અહોભાવ ઉત્પન્ન થાય તેવું વાતાવરણ સર્જવાનો આ સર્વોત્તમ તબક્કો છે. જો શિક્ષક વિદ્યાર્થીને નજીકથી ઓળખવાની ઈચ્છા ધરાવતા હોય તો આ સમયે એ જરૂરથી શકય બની શકે. આગલે દિવસે ગેરહાજર રહેલ વિદ્યાર્થીની ગેરહાજરીનું કારણ જાણી તેણે વિતાવેલા દિવસ વિશે વર્ગને જાણકારી આપવા માટે પ્રોત્સાહન આપીને તેની વકતૃત્ત્વ શકિતનો વિકાસ કરી શકાય. આગલા દિવસે આનંદપ્રદ ઘટના બની હોય તો શિક્ષક અને વર્ગ સામેલ થઈ તેના આનંદને બેવડાવી શકે. શોકપ્રદ કે અઘટિત ઘટના બની હોય તો તેના દુઃખમાં ભાગીદાર બની તેનામાં સંવેદનાનું વાવેતર કરી શકાય. જીવનમાં આવા પ્રસંગો બને ત્યારે હતોત્સાહ થવાને બદલે કુદરતના નિયમને સ્વીકારવાની સમજ આપી વિદ્યાર્થીને લાગણીસભર બનાવી હૂંફ આપી શકાય. વિદ્યાર્થીના મિત્રોને માર્ગદર્શન આપીને તેના દુઃખને કેવી રીતે ઘટાડી શકાય તેની સમજ આપવાની જવાબદારી શિક્ષક નિભાવી શકે.

શિક્ષક ધારે તો હાજરી પૂરતાં પૂરતાં રમૂજી પ્રસંગો કહીને વર્ગના વાતાવરણને હળવું અને આનંદિત બનાવી શકે. આગલા દિવસે વિશ્વમાં બનેલી પ્રેરણાત્મક ઘટનાનું વર્ણન કરીને વિદ્યાર્થીઓની સારપને ઓળખવાનું શીખવી શકે. કદાચ કોઈ વિદ્યાર્થી અન્ય પ્રસંગ જાણતો હોય તો તેને બોલવાની તક આપી વર્ગને પૂરક માહિતી પૂરી પાડી શકાય.

વર્ગમાં હાજરી પૂરવાની ઘટના માત્ર વિધિવત પૂર્ણ કરવાની નથી. તેને યાંત્રિક ક્રિયા બનાવી દેનાર શિક્ષક વર્ગને દિવસની શરૂઆતમાં જ નિરાશાની ગર્તામાં ધકેલી દે છે. તેને બદલે પ્રત્યેક દિવસે માત્ર ‘યસ સર’ બોલવાને બદલે નવા નવા ટૂચકાઓ દ્વારા સર્જનાત્મક બનાવી શકે. કયારેક વિદ્યાર્થીઓને સ્વરચિત અથવા કોઈક કવિની કાવ્યપંકિત બોલી હાજરી પૂરાવવાનું જણાવી શકાય. કોઈક મહાન પુરૂષનું નામ સાંકળી હાજરી પૂરાવી શકે. મધર ટેરેસા, અબ્રાહમ લિંકન, દાનવીર કર્ણ જેવાં નામો બોલીને હાજરી પૂરાવે તો કયારેક નાનકડા સુવિચારથી હાજરી પૂરાવવાની રીત અપનાવીએ તો ! ‘સંપ ત્યાં જંપ’, ‘work is worship’ જેવા નાનકડા સુવિચાર વિદ્યાર્થી બોલે તેવી વ્યવસ્થા કરી શકાય. સુવિચાર વધુમાં વધુ પાંચ શબ્દોનો હોય તેવું ગોઠવી શકાય. ‘વસંતના વધામણા’ કરતી વખતે પુષ્પનું નામ બોલીને હાજરી પૂરાવવાની પદ્ધતિ અપનાવીએ તો વિદ્યાર્થીને કયું ફૂલ ગમે છે તે જાણી શકાય. હાજરી પૂરવાની પદ્ધતિને સર્જનાત્મક અને હેતુપૂર્ણ બનાવવાની જવાબદારી શિક્ષકની છે. શાળા, વિદ્યાર્થી અને શિક્ષકના જીવનના આ ‘પ્રાઈમ ટાઈમ’નો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું વિચારી શિક્ષક દૈનિક કાર્ય શરૂ કરે તો અડધું યુદ્ધ જીતાઈ ગયા જેવી પરિસ્થિતિ પેદા થાય જ. જીવંત શિક્ષક આ કામગીરીમાં વૈવિધ્ય લાવી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પ્રેરવાનું કાર્ય કરી શકે. આવા નૂતન અભિગમવાળા શિક્ષકને વિદ્યાર્થીઓ સન્માનની લાગણીથી જોશે. શિક્ષક ચોક્કસ જ વિદ્યાર્થી પ્રિય બની શકે.

આચમન :
ડૉકટરની ભૂલ કબરમાં સમાય,
વકીલની ભૂલ ફાઈલોમાં લપેટાય,
એન્જિનીઅરની ભૂલ ઈમારતમાં ચણાય,
શિક્ષકની ભૂલ સમાજમાં ફેલાય.


(તસવીર પ્રતીકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.)


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *