સાયન્સ ફેર : હવે તો ચોક્કસપણે ચંદ્ર ઉપર ‘સજીવો’ની હાજરી છે!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજા કયા ગ્રહો ઉપર જીવનની શક્યતાઓ કે સજીવો જોવા મળી શકે, એ બાબતે નિરંતર ચર્ચાઓ ચાલતી જ રહે છે. હાલ સુધી તો આ બાબતે છાતી ઠોકીને કહી શકાય એવું કશું નહોતું. પરંતુ ૧૧ એપ્રિલ પછી ખાતરીપૂર્વક કહી શકાય કે કમસેકમ ચંદ્ર ઉપર તો ‘જીવન’ છે જ! જો કે અહીં એલિયન્સ (પરગ્રહવાસીઓ) વિષે નહિ, બલકે પૃથ્વી ઉપરથી જઈ પહોંચેલા કેટલાક વિશિષ્ટ યાત્રીઓની વાત થઇ રહી છે.

આખી બાબત સમજવા માટે સૌથી પહેલા ઇઝરાયેલના મિશનની વાત કરવી પડે. ચંદ્ર ઉપર પહોંચવાની દોડમાં ઇઝરાયેલ પણ સામેલ છે. જો કે હજી સુધી તેને આ બાબતે ખાસ સફળતા હાથ લાગી નથી. ઇઝરાયેલની એક ખાનગી કમ્પની SpaceIL દ્વારા ચંદ્ર સર કરવા માટે એક વોશિંગ મશીનની સાઈઝનું અને દોઢસો કિલોગ્રામ વજનનું લેન્ડર તૈયાર કરાયું, જેનું નામ હતું ‘બેરેશીટ લેન્ડર’. હિબ્રૂ ભાષામાં બેરેશીટ (beresheet) એટલે શરૂઆત (in the beginning), પરન્તુ ઈઝરાયેલી કંપનીના આ મિશનનો શરૂઆતમાં જ અંત આવી ગયો. ચંદ્ર ઉપર લેન્ડ થવાને બદલે એપ્રિલની ૧૧ તારીખે આ લેન્ડર ચંદ્રની ભૂમિ ઉપર ક્રેશ થઇ ગયું! ખેર, આ પ્રકારના મિશનમાં નિષ્ફળતા મળે એ કંઈ બહુ નવાઈની વાત નથી. પણ આ લેન્ડર ઉપર જે પે-લોડ હતો એની વાત રસપ્રદ છે.

બેરેશીટ મિશનમાં એવું નક્કી થયેલું કે યાનની અંદર ટાઈમ કેપ્સ્યુલ પણ મૂકવી, જેથી ચંદ્રની સપાટી ઉપર ઇઝરાયેલના આ મિશનની કાયમી યાદગીરી રહે. આ ટાઈમ કેપ્સ્યુલમાં અંગ્રેજી ભાષામાં લખાયેલ ડેટાના ૩૦ મિલિયન પેજ જેટલો એનેલોગ અને ડિજીટલ ડેટા હતો. એ સિવાય હિબ્રૂ ભાષાનું કેટલુંક સાહિત્ય, ઇઝરાયેલનો ધ્વજ અને રાષ્ટ્રગીત, ઇઝરાયેલના ડેકલેરેશન ઓફ ઈન્ડિપેન્ડન્સના દસ્તાવેજની કોપી, બીજા વિશ્વયુદ્ધ વખતના હોલોકોસ્ટ સર્વાઈવર્સની યાદગીરી વગેરે જેવી ચીજો હતી. આ બધા સિવાય કેટલોક સાયન્ટિફીક પેલોડ પણ હતો, જેમકે મેગ્નેટિક ફીલ્ડનો ક્યાસ કાઢવા માટેનું મેગ્નેટોમીટર અને અવકાશીય અંતર માપવા માટેનું લેઝર રેક્ટોરિફલેક્ટર વગેરે. પરંતુ આ બધા માલ-સામાન કરતા વધુ રસપ્રદ હતી કેટલાક ખાસ પ્રકારના સજીવોની હાજરી! આ જીવો એટલે વોટર બેઅર તરીકે ઓળખાતા ટાર્ડીગ્રેડ્સ (Tardigrades).

ટાર્ડીગ્રેડ્સ એક ખાસ પ્રકારના અતિસૂક્ષ્મ જીવો છે, જેમના ગુણધર્મો બીજા સજીવોની સરખામણીએ અદભૂત કહી શકાય એવા છે. ૦.૦૫ થી માંડીને ૧.૨ મિલીમીટર જેટલી લંબાઈ ધરાવનારા આ જીવો પોતાના વિચિત્ર શરીરની સરખામણીએ સાવ ટચૂકડા એવા આઠ પગ અને હાથ ધરાવતા હોય છે. વૈજ્ઞાનિકોના મતે ઉત્ક્રાંતિના કોઈ એક તબક્કે આ સજીવોએ thorax, એટલે કે ધડનો ભાગ બનવા માટે જવાબદાર એવા જીન્સ ગુમાવી દીધા. પરિણામે ટાર્ડીગ્રેડ્સના શરીરમાં ધડ જેવું કશું હોતું જ નથી, હોય છે માત્ર માથું અને એની સાથે જોડાયેલા સાવ ટચૂકડા હાથ-પગ. આ સૂક્ષ્મ જીવોને વૈજ્ઞાનિકો અજેય માને છે, કેમકે એમના ઉપર ગમે એવા વાતાવરણની કોઈ અસર થતી નથી! ભલભલા શક્તિશાળી જીવોના રામ રમી જાય એવી ૩૦૦ ફેરનહીટની ભારે ગરમીમાં કે પછી શૂન્યથી નીચે, -૩૨૮ ડીગ્રી જેટલા તાપમાને પણ ટાર્ડીગ્રેડ્સને મોજેમોજ જ હોય છે! અરે હવાની સંપૂર્ણ ગેરહાજરી હોય એવા વેક્યુમમાં પણ તે જીવી જાય છે, અને હેવી રેડિયેશન સામે પણ ટકી જાય છે. આવું કઈ રીતે શક્ય બનતું હશે?

જ્યારે પણ ટાર્ડીગ્રેડ્સ તાપમાનમાં થતા બદલાવને કારણે બાહ્ય ખતરો અનુભવે, ત્યારે તે પોતાના ટૂંકા-જાડા-ટચૂકડા શરીરમાંથી બધું પાણી બહાર ઓકી નાખે છે. સંકોચાયેલું શરીર એકદમ નાની સાઈઝના દડા જેવું થઇ જાય છે. જ્યારે ખતરો ટળી જાય ત્યારે ટાર્ડીગ્રેડ્સ ફરીથી પાણી ગ્રહણ કરી લે છે અને મૂળ સ્વરૂપ ધારણ કરે છે. ખૂબીની વાત એ છે કે ડીહાઈડ્રેશન અને રિ-હાઈડ્રેશનના આ આખા પ્રોસેસ બાદ ટાર્ડીગ્રેડ્સના જૈવિક બંધારણમાં કોઈ પણ પ્રકારની વિપરીત અસર જોવા મળતી નથી! આ સિવાય, ટાર્ડીગ્રેડ્સ ઉપર સૂર્યના અન-ફીલ્ટર્ડ રેડીયેશનની કોઈ અસર થતી નથી, કેમકે એનું જાડું-ટૂંકું શરીર પોતે જ અવકાશયાત્રીઓના સ્પેસ સ્યુટ જેવું છે. વળી તે હવાવિહીન પરિસ્થિતિમાં જીવી શકે છે. ટાર્ડીગ્રેડ્સની આવી ખાસ શક્તિઓ માટે એક ચોક્કસ પ્રકારના પ્રોટિનને જવાબદાર ગણવામાં આવે છે. કારણ ભલે ગમે તે હોય, પણ ટાર્ડીગ્રેડ્સની આવી ક્ષમતાઓને કારણે અવકાશયાત્રાઓ માટે એની પસંદગી થતી રહી છે.

સપ્ટેમ્બર ૨૦૦૭માં રશિયાએ તેના FOTON-M3 મિશન હેઠળ ટાર્ડીગ્રેડ્સને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલેલા. આ પૈકીના કેટલાકનું ડીહાઈડ્રેશન કરાયેલું અને બાકીના હાઈડ્રેટ હતા. મિશન દરમિયાન સૂર્યના યુવી કિરણો અને સ્પેસ વેક્યુમ વચ્ચે પણ ૬૦% જેટલા ટાર્ડીગ્રેડ્સ જીવિત બચી ગયા! એટલું જ નહિ પરંતુ પૃથ્વી પર પાછા ફર્યા બાદ જીવિત રહેલા ટાર્ડીગ્રેડ્સ પૈકીના ઘણાનું સફળ રિપ્રોડકશન પણ થયું! સૃષ્ટિનો બીજો કોઈ સજીવ આવી ક્ષમતા દાખવી શક્યો નથી. ત્યાર બાદ મે ૨૦૧૧ અને નવેમ્બર ૨૦૧૧ દરમિયાન થયેલા પ્રયોગોમાં પણ સાબિત થયું કે ટાર્ડીગ્રેડ્સ દુનિયાના એકમાત્ર એવા સજીવ છે, જે અવકાશમાં પણ ઝાઝા કોઈ પ્રયત્ન વિના જીવી શકે છે.

શરૂઆતમાં જેની વાત કરી એ બેરેશીટ મિશન દરમિયાન લેન્ડર પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ જવાને કારણે ચંદ્રની સપાટી પર તૂટી પડ્યું છે. તેમ છતાં વૈજ્ઞાનિકો માને છે કે લેન્ડરમાં મુસાફરી કરી રહેલા ટાર્ડીગ્રેડ્સ ચોક્કસપણે ચંદ્રની સપાટી પર જીવિત રહેશે. ટાર્ડીગ્રેડ્સ વર્ષો સુધી સુષુપ્ત રહ્યા બાદ ફરીથી એક્ટિવ થઇ શકે છે અને પ્રજનન પણ કરી શકે છે!

સો મોરલ ઓફ ધી સ્ટોરી ઇઝ, આપણે ચોક્કસપણે કહી શકીએ કે પૃથ્વી ઉપરથી આવીને પછડાયેલા વિશિષ્ટ સજીવોને કારણે હવે ચંદ્ર ઉપર પણ સજીવોની હાજરી તો છે જ !


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images / videos in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *