ફિર દેખો યારોં : ઉજવણીનો જીવલેણ ઉન્માદ

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

તહેવારો એકધારા માનવજીવનમાં વૈવિધ્ય લાવવાનું અને એ રીતે જીવનરસને ટકાવી રાખવાનું કામ કરતા હોવાનું મનાય છે. તેમની ઉજવણી આ કારણે જ વ્યક્તિગત નહીં, પણ સામૂહિક અથવા તો જાહેર રીતે કરવામાં આવતી હશે. આમ, તહેવાર આનંદની અભિવ્યક્તિનો, મનોરંજનપ્રાપ્તિનો અને ફરી પાછા કામે લાગી જવા માટે તાજામાજા થવાનો અવસર બની રહે છે. આ બાબત પાઠ્યપુસ્તકમાં લખવા કે ચિંતનલેખોમાં સમજાવવા પૂરતી બરાબર કહેવાય. વાસ્તવિકતા સાવ જુદી છે એ આપણે સૌ જાણીએ છીએ. કેવી છે આ વાસ્તવિકતા?

તહેવારોની સામૂહિક ઉજવણી ઘણા વખતથી વધુ ને વધુ ત્રાસદાયક બનતી રહી છે. તેમાં ઉન્માદ, આવેશ, વિચારહીનતા અને ઘેટાશાહીનું ઘાતક મિશ્રણ વરસોવરસ વધતું રહ્યું છે. આમાં ઉમેરો થાય છે સત્તા, તાકાત અને નાણાંના સંયોજનનો. આનું પરિણામ એ જ મળે છે, જે મળવું જોઈએ. ગણેશોત્સવ, નવરાત્રિ યા દિવાળીની ઉજવણી આપણી સાંસ્કૃતિક પરંપરા અવશ્ય હશે, પણ આ તહેવારોની ઉજવણીના નામે અત્યારે જે કંઈ નજર સામે થઈ રહ્યું છે એને પણ આપણી સાંસ્કૃતિક પરંપરા ગણીએ તો તેના માટે ગૌરવ અનુભવતાં પહેલાં સહેજ વિચારવું પડે.

જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન મટકીફોડનો કાર્યક્રમ યોજાય અને એ અગાઉ અત્યંત ઊંચી તીવ્રતાવાળાં સ્પીકરોમાં ધૂમધડાકાભર્યો ઘોંઘાટ રેલાય. મટકીફોડ વખતે ખેલૈયાઓ એકબીજા પર ચડવા જાય અને તેમાંનું કોઈ પટકાઈને હાથપગ ભાંગે એ કિસ્સાઓ અપવાદરૂપ નથી. ગણેશોત્સવના આરંભ અગાઉ તેમની મૂર્તિઓની સ્થાપના કાજે તેને સરઘસાકારે લઈ જવામાં આવે છે, જેમાં ઘોંઘાટ, ઉન્માદ અને અરાજકતા કેન્‍દ્રસ્થાને હોય છે. આ વર્ષે ઓછામાં ઓછા ત્રણેક સ્થળે એવું બન્યું કે મૂર્તિ લાવતી વખતે રસ્તાની ઉપરથી પસાર થતા વીજવહન કરતા જીવંત વાયરના સંપર્કમાં મૂર્તિની સાથેના લોકો આવ્યા અને વીજપ્રવાહને કારણે મૃત્યુ પામ્યા. અંકલેશ્વરની કે વડોદરા જિલ્લાની આવી દુર્ઘટનાઓની વિડીયો ક્લીપ પણ ફરતી થઈ. ગણેશોત્સવનો આરંભ આ રીતે થયો, તેમ તેને અંતે પણ દુર્ઘટનાઓ નિશ્ચિત હોય છે. વિસર્જનવેળા અનેક લોકો ડૂબે એ કંઈ નવી વાત નથી. આ રીતે અકાળે મૃત્યુ પામનાર મોટે ભાગે યુવાનો હોય છે. આવી દુર્ઘટનાનો ભોગ બનનારના પરિવાર પર શું વીતતી હશે એ તો જેમણે તેને ગુમાવ્યા છે એ જ જાણે. વીજકરંટ લાગવાની દુર્ઘટના આ વર્ષે થઈ, પણ વિસર્જનવેળા ડૂબીને મૃત્યુ પામવાની દુર્ઘટનાની નવાઈ નથી. આવી દુર્ઘટનાઓ જાણ્યા છતાં આ તહેવારની ઉજવણી વિશે ફેરવિચાર કરવાનું કોઈને કેમ સૂઝતું નથી? તેને બદલે ઉન્માદ અને વિચારવિહીનતામાં દિનબદિન વૃદ્ધિ થઈ રહી હોવાનું કેમ જણાય છે?

ગણેશોત્સવ આરંભ થવા આવે, ન આવે ત્યાં નવરાત્રિમાં ગરબાસમાપ્તિની સમયમર્યાદાની ચર્ચાઓ, રજૂઆતો અને સર્વેક્ષણો ચાલુ થઈ જાય છે. નવરાત્રિની વર્તમાન ઉજવણીમાં બીજું જે કંઈ હોય એ ખરું, પણ તેમાંથી સંસ્કૃતિ અને પરંપરાનો સદંતર લોપ થયો છે એ સત્ય સ્વીકારવા માટે આંખ, કાન અને મન ખુલ્લું હોવું પૂરતું છે. એક તરફ આર્થિક મંદી અને મોંઘવારીની બૂમો પાડવામાં આવે અને બીજી તરફ આ તહેવારોની ઠાઠમાઠયુક્ત ભવ્ય ઉજવણીઓ થાય, ત્યારે સમજવું મુશ્કેલ થઈ પડે કે આર્થિક મંદી ખરેખર ક્યાં છે અને કોને નડે છે!

તહેવારો કે ઉજવણી સામે વાંધો હોઈ ન શકે, કેમ કે, અગાઉ જણાવ્યું એમ તે માનવજીવનને એકવિધતામાંથી ઉગારે છે. પણ આ ઉજવણી ત્રાસદાયક બની રહે, આપણા રોજિંદા જીવન પર વિપરીત અસર કરે, પર્યાવરણને હાનિકર્તા નીવડે અને સાથેસાથે જીવનભક્ષક પણ બને તો તેના અંગે પુનર્વિચાર કરવો આવશ્યક છે. પણ આ પુનર્વિચાર કોણ કરે? ક્યારે કરે? શા માટે કરે? પહેલાં તો આમ વિચારનારા લઘુમતિમાં હોય છે. આથી તેઓ કશો બદલાવ વિચારવાને બદલે થોડો ત્રાસ વેઠી લેવાનું સમાધાનકારી વલણ કેળવી લે છે. તેમને એમ પણ હોય છે કે પોતાના એકલાના વિચારવાથી કશું વળવાનું નથી, આથી નગારખાનામાં પોતાની તતૂડી શા માટે વગાડવી? રાજ્યસત્તા આવી ઉજવણીને કાનૂની બંધ કરે એ શક્યતા નથી, કેમ કે, એ રીતે અળખામણા બનવાનું કોઈ પક્ષને પોષાય નહીં. આથી પ્રતિબંધ તો બાજુએ, આવી સામૂહિક ઉજવણીઓને રાજ્યાશ્રય મળતો રહે છે.

બીજો એક મોટો, જાગ્રત વર્ગ એવો છે કે જે આવી ઉજવણીઓને પોતાના ધર્મના શક્તિપ્રદર્શન તરીકે જુએ છે અને આવી ઉજવણીઓની ટીકા કરનારાને આજકાલની ફેશન મુજબ ‘સેક્યુલર, લીબરલ, ડાબેરી’નું લેબલ લગાવવા તત્પર હોય છે. અન્ય ધર્મીઓ(એટલે કે મુસ્લિમ)ના તહેવારોની ઉજવણી વિશે કેમ કોઈ બોલતું નથી એવી કાયમી દલીલ કરીને તેઓ પોતાના ઉપદ્રવપ્રેમને સંસ્કૃતિપ્રેમ અને છેવટે રાષ્ટ્રપ્રેમના વાઘાથી સજાવવાનો બાલીશ પ્રયત્ન કરતા જોવા મળે છે. વાસ્તવિકતા એ છે કે હિન્‍દુ, મુસ્લિમ યા અન્ય કોઈ પણ કોમ હોય, તહેવારોની જાહેર ઉજવણીના નામે નાગરિકધર્મને કોરાણે મૂકીને વિવિધ પ્રકારના પ્રદૂષણ અને ત્રાસ ફેલાવવાનું કોઈ પણ પરંપરામાં છે નહીં. આથી પરંપરાના નામે જ્યાં પણ આવું થઈ રહ્યું હોય તો તેને ઘટાડવા, અટકાવવા માટે સહુએ મળીને વિચારવું જોઈએ. સરકારી મંજૂરી કે નીતિઓની સાથે તેને સાંકળવાને બદલે તેને સામાન્ય બુદ્ધિ સાથે સાંકળીને વિચારવા જેવું છે. પણ ઉજવણીનો ઉન્માદ, ધર્મપ્રેમી યા સંસ્કૃતિપ્રેમી દેખાવાનો આવેશ અને બળપ્રદર્શનનો ઉત્સાહ એટલો પ્રચંડ હોય છે કે તેમાં સૌથી પહેલો ભોગ સામાન્ય બુદ્ધિનો જ લેવાતો હોય છે.

પોતાનું બળ, બુદ્ધિ અને ધન વધે એવી પ્રાર્થના સૌ ઈશ્વર પાસે કરતા હોય છે, પણ આ માગણીમાં સામાન્ય બુદ્ધિનો સમાવેશ થતો નથી. બુદ્ધિને બદલે ઈશ્વર પાસે સામાન્ય બુદ્ધિ માગવામાં આવે, તો ઈશ્વર તે આપે કે નહીં, પણ માગનારને એટલો અહેસાસ તો થાય કે પોતાની પાસે તેનો અભાવ છે!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૫-૯– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *