વલદાની વાસરિકા : (૭૩) લોકવાયકાઓ કે અફવાઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

વલીભાઈ મુસા

અફવા એ સામાજિક દૂષણ છે. તેનો વધારે દુઃખદ ભાગ એ છે કે અફવાને ઊભી કરનારાને આપણે જાણી શકતા નથી હોતા. અફવાના મૂળને શોધી કાઢવું એ નદીના મૂળ સુધી પહોંચવા જેટલું મુશ્કેલ છે. એમ પણ કહી શકાય કે અફવાના સ્રોતને જાણવો એટલે આપણા પોતાના દૂરના પૂર્વજો વિષે જાણવું. આપણે કેટલીક પેઢીઓ સુધી પાછા જઈ શકીએ અને આગળ આપણે ક્યાંક અટકી જવું પડે. લોકવાયકા કે અફવા આગની જેમ ફેલાય છે. વળી જ્યાં આગ હોય ત્યાં પવન તો હોય જ! તે જ પ્રમાણે, જ્યારે અફવા શરૂ થાય છે,ત્યારે તેને કોઈ નિયંત્રિત કરી શકે કે રોકી શકે નહિ. માનવીના મગજની આ પણ એક કમજોરી છે કે જે જણ કોઈપણ અફવાને સાંભળે છે ત્યારે તેમાં અતિશયોક્તિ કરીને જ પછી આગળ પસાર કરે છે. અફવાની સત્યતા હંમેશાં પાંગળી હોય છે કેમ કે તે કોઈની અંગત જાણકારી ઉપર આધારિત નથી હોતી. કોઈકનું વિધાન કોઈ પણ જાતના સંગીન આધાર વગર કેટલીય જીભ અને કાન વચ્ચેથી પસાર થતું થતું સાંભળનાર સુધી પહોંચતું હોય છે. એટલા જ માટે કાનૂની વ્યવસ્થા અર્થાત્ અદાલતો પણ પુરાવાના કાયદાઓ મુજબ આવી અફવા આધારિત જુબાનીને માન્ય ગણતી નથી કારણ કે સાક્ષી સોગંદપૂર્વક તેમ કહેવા અશક્તિમાન હોય છે.

લોકવાયકાઓ કે અફવાઓ કે જે વ્યક્તિઓ, જ્ઞાતિસમુદાયો, ધર્મો અથવા કદાચ રાષ્ટ્રોને લગતી પણ હોય; જે હોય તે, પણ તે લોકોમાં ગેરસમજ ઊભી કરવા ઉપરાંત સત્યથી સાવ વેગળા એવા વિપરિત સંદેશાઓ પણ સર્વત્ર ફેલાવે છે. અફવાઓના ભોગ બનેલાઓને ભરપાઈ કરવી મુશ્કેલ એવી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી હોય છે. લોકોના માનસમાં એક વખત ઘર કરી ગએલા આવા પૂર્વગ્રહો કે ગ્રંથિઓને ભુંસાવામાં ઘણો સમય લાગતો હોય છે. વ્યક્તિગત કિસ્સાઓમાં બેજવાબદાર અને બદઈરાદાથી ઘડી કાઢવામાં આવેલી આવી કથિત વાતો ભોગ બનેલાઓ માટે માનસિક રીતે તીવ્ર પીડાદાયક બનતી હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આવી અફવાઓનો શિકાર બનેલી વ્યક્તિ એવા માનસિક દબાણ હેઠળ આવી જતી હોય છે કે જેના પરિણામે તે આત્મહત્યા કરી લેવાની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. તો વળી કોઈકવાર શંકાના દાયરામાં આવી જતા એવા ધારી લીધેલા દુશ્મન ઉપર ઉશ્કેરાઈ જવાનું પણ બનતું હોય છે, જેના પરિણામે વેર વાળવાના આશયે સામેવાળાની સાથે તે વ્યક્તિ ઝગડો કરી બેસે, તેનું ખૂન કરી નાખવાની હદે પહોંચી જાય કે પછી અન્ય કોઈ રીતે તેને નુકસાન કરી બેસે. આવી ઉશ્કેરાટમાં આવીને કરવામાં આવતી કઠોર પ્રતિક્રિયા વખોડવા લાયક છે અને છેવટે તેમ કરનારને કાયદાનુસાર થતી સજા ભોગવવાનો વારો આવતો હોય છે. વિલિયમ જ્યોર્જ બોનીન (William George Benin) કે જે હત્યારો હતો અને જેને એકાદ દસકા પહેલાં અમેરિકામાં ફાંસી આપવામાં આવી હતી તેના આખરી શબ્દો આ પ્રમાણે હતા, ‘હું સૂચન કરું છું કે જ્યારે કોઈ વ્યક્તિને કાયદા વિરુધ્ધનું કોઈ કૃત્ય કરવાનો વિચાર આવે, ત્યારે તેણે કોઈ એકાંત સ્થળે ચાલ્યા જવું જોઈએ અને તે કરવા પહેલાં ગંભીરતાપૂર્વક વિચારી લેવું જોઈએ.’

હવે આપણે ‘અફવાઓ’ની સમસ્યાને સ્પર્શતાં અન્ય પાસાંઓ ઉપર વિચારીશું કે જે સરળ અને સ્થિર રીતે જીવાતા મનુષ્યજીવન ઉપર મનોવૈજ્ઞાનિક અને સામાજિક કેવા પ્રત્યાઘાતો પેદા કરે છે. આગળ આપણે વ્યક્તિઓને સંબંધિત બાબતોની જ ચર્ચા હાથ ધરીશું.

સર્વ પ્રથમ તો, અફવાના દૂષણનો સામનો કરવા માટેની હિંમત કેળવવા આપણે વ્યક્તિઓએ આપણી પીઠ પાછળની થતી નિંદા અને આપણને લક્ષ બનાવીને ફેલાવવામાં આવતી અફવાઓને જો આપણે સાચા હોઈએ તો ગંભીર મુદ્દા તરીકે ન લેવી જોઈએ.જો લોકવાયકા કે અફવાને આપણા કોઈ હિતેચ્છુ દ્વારા આપણા ધ્યાન ઉપર લાવવામાં આવે તો તેને હળવાશથી સ્વીકારી લેવી જોઈએ. એપિક્ટેટસ (Epictetus) નામના ગ્રીક ફિલોસોફરે નોંધ્યું છે કે “જો તમને જાણવા મળે કે કોઈક તમારા વિષે ખરાબ બોલી રહ્યું છે, તો તમારી જાતે તેનો બચાવ કરવાના બદલે એમ કહેવું જોઈએ કે ‘દેખીતી રીતે તે મને સારી રીતે ઓળખતો નથી કેમ કે તે ઘણા બધા મારા બીજા દોષો વર્ણવી શક્યો હોત!’” આવી અફવાઓથી આપણે પ્રભાવિત કે ચલિત ન થતાં તેમના સામે એક ખડકની જેમ શાંત અને અડીખમ ઊભા રહેવું જોઈએ. આપણે હતાશાનો ભોગ ન બનવા ઉપરાંત વધારે પડતા લાગણીશીલ પણ ન થઈ જવું જોઈએ. આવી ચેષ્ટા કરવી એ મનુષ્યના સ્વભાવની એક કમજોરી છે કે જ્યાં કેટલાક લોકો માત્ર હલકી મનોવૃત્તિ જ ધરાવતા નથી હોતા, તેઓ ઈર્ષાળુ પણ હોય છે.

આપણે એ અપેક્ષા ન રાખવી જોઈએ કે બધા જ આપણા પરિચિત કે અપરિચિત લોકો આપણા જીવનમાં જે કંઈ બની રહ્યું હોય તેનાથી ખુશ થતા હોય. લોકોના અભિપ્રાયોનું કોઈ વજૂદ કે વજન હોતું નથી. જો આપણે તેમની અવગણના કરીશું, તો તેઓ આપમેળે શાંત પડી જશે. જેમ જેમ સમય પસાર થતો જશે, તેમ તેમ આપણા વિષે ફેલાવવામાં આવેલી અફવાઓ વિસારે પડતી જશે અને બીજી જ કોઈ નવી અફવા તેનું સ્થાન લઈ લેશે. એટલે જ એમ કહેવાય છે કે લોકોની યાદદાસ્ત હંમેશાં કમજોર હોય છે.

હવે, આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એ શેતાની પ્રકૃતિવાળા માણસો કોણ હોઈ શકે કે જે પોતાની તોફાની પ્રવૃત્તિઓ ફક્ત પોતાના માટે સાવ ક્ષુલ્લક આનંદ ખાતર જ કરતા હોય છે. સર્વ પ્રથમ તો, આપણી શંકાની સોય એવા લોકો તરફ ફંટાશે કે જે આપણા છૂપા કે જાહેર દુશમનો હોય. કેટલાક મનોવૈજ્ઞાનિકોએ પોતાનાં તારણોથી શોધી કાઢ્યું છે કે દરેક સમાજમાં એવા લોકો હોય છે કે જે પોતાની જ સમસ્યાઓમાં એવા ઘેરાયેલા હોય છે કે તેઓ પોતાની જાત માટે બિનસલામતી મહેસુસ કરતા હોય છે, જેના પરિણામે તેઓ ઈર્ષા અને આંતરિક બળતરામાં ઘેરાઈ જતા હોય છે. તેઓ હંમેશાં બીજાઓના જીવનના સારા કલાકોનો હિસાબ માંડતા રહેતા હોય છે. આવાં શેતાનનાં કારખાનાં જેવાં તેમનાં મગજ કોઈક નવી જ વ્યક્તિને શોધી કાઢીને તેમની લાગણીઓને ઠેસ પહોંચાડવા કાર્યાન્વિત થઈ જતાં હોય છે. એકાએક તેઓ પોતાનાં અફવાઓનાં હથિયારો વડે સજ્જ થઈને આક્રમક બની જતા હોય છે. હવે, આપણી પાસે બે વિકલ્પ ખુલ્લા રહે છે; કાં તો આપણે આપણી જાતને આવા મારાથી ઈજા પહોંચવા દઈએ, કે પછી તેનો મુકાબલો કરીએ. પાછળવાળો વિકલ્પ અપનાવવો એ સજ્જનનું ડહાપણ નથી. ધારો કે આપણે લડી લેવા માગીએ છીએ, તો પ્રશ્ન ઊભો થશે કે કોની સાથે લડી લેવું! આમ કરવું એ અંધારામાં બચકાં ભરવા બરાબર છે! હું ત્રીજો જ વિકલ્પ સૂચવું છું અને તે એ છે કે આપણે એ બધી વાતોની અવગણના કરવી જોઈએ અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે આપણામાં શક્તિ એકત્ર કરવી જોઈએ.

અફવાઓ હંમેશાં પુરાવાઓ આગળ ટૂંકી પડતી હોય છે. તેઓ સત્ય અને અસત્યનું મિશ્રણ હોય છે.અફવાઓ પાછળના લોકો ખરું સત્ય સપાટી ઉપર લાવી શકતા નથી હોતા. વળી તેઓ તેમના ચહેરા પણ આપણી આગળ બતાવી શકશે નહિ. આપણે કદીય જાણી નહિ શકીએ કે તેઓ આપણી પાછળ શું રાંધી રહ્યા છે કે જેથી આપણને ખૂબ માન આપતા અને આપણામાં પૂર્ણ વિશ્વાસ ધરાવતા લોકોની નજર આગળ આપણે હલકા પડીએ. તેઓ કાયરતાભરી રીતે આપણી પીઠ પાછળ ચપ્પાનો ઘા કરીને આપણને ખતમ કરવા માગતા હોય છે. તેમના ઈરાદાઓ ગમે તે હોય આપણે આવી ઘટનાઓને એમ વિચારીને ભૂલી જવાનો પ્રયત્ન કરવો જોઈએ જાણે કે તે એક ખરાબ સ્વપ્ન હતું. આપણા જીવનમાં એવું કદીય શક્ય બની ન શકે કે બધા જ લોકો આપણા મિત્રો જ હોય અને એકેય દુશ્મન ન હોય! જે સમાજ વચ્ચે રહે છે તેના કેટલાક વિરોધીઓ પણ હોઈ શકે છે. આવા વિરોધીઓ બે પ્રકારના હોય છે; એક પ્રકારના ઉમદા કે ખાનદાન અને બીજા પ્રકારના લુચ્ચા. ખાનદાન હંમેશાં મોંઢેમોંઢ સામે જ આવશે, જ્યારે પેલો બીજો આપણાથી અદૃશ્ય જ રહેશે. તેઓ દૃઢ નિશ્ચય કરી બેઠા હોય છે કે આપણે તેમની જીભોથી સલામત નથી જ. પરંતુ આપણે એટલા જ દૃઢ નિશ્ચયી થવું ઘટે કે આપણે તેઓની ગંદી રમતો તરફ ધ્યાન આપવાવાળાઓ માંહેના નથી.

એ તો સાવ જ દેખીતુંછે કે જ્યારે ઢોરના છાણના પોદળાને જમીન ઉપરથી ઉપાડવામાં આવે, ત્યારે તેની સાથે વળગેલી માટી સાથે ઉપડતી હોય છે. તે જ પ્રમાણે, આવા દુષ્ટ કૃત્યની ઓછી કે વધારે અસર આપણાં સગાંસંબંધી, મિત્રો કે આપણા કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા માણસોના માનસ ઉપર પડતી હોય છે. આનાથી એવું પણ બને કે તેઓમાંના કેટલાક આપણા તરફ તેમની પીઠ ફેરવી દે અને પેલાં તોફાની તત્ત્વોની ટોળકીમાં જોડાઈ જાય, એ પણ પોતાના ચુકાદાને અનામત રાખ્યા વગર કે આપણે ભૂલ કરનારા કે ગુનેગાર છીએ કે નહિ. આવા સંજોગોમાં, આપણે તેમની વર્તણૂકને ચેતવણીરૂપ સમજવી જોઈએ કે તેઓ આપણા સાચા મિત્રો કે સંબંધીઓ નથી. પછી તો એ જ ઉત્તમ રહેશે કે આપણે તેવાઓથી કાં તો છૂટા પડી જઈએ અથવા તેમની સાથે ઔપચારિક સંબંધો ચાલુ રાખીને એવા મિત્રોનું નવું વર્તુળ બનાવી લઇએ કે જે ભવિષ્યમાં આવા જ દુઃખદાયક સમયે આપણી પડખે ઊભા રહે. સાચા મિત્રો અને સંબંધીઓ એ જ કહેવાય કે આપણા સારામાઠા સમયે આપણને વળગી રહે.

આ લેખના સમાપન પૂર્વે, આપણા અંતરાત્માને પૂછવા માટેના કેટલાક પ્રશ્નો મૂકીશ, જે આ પ્રમાણે છેઃ આપણે સમાન રંગનાં પીછાં ધરાવનાર પંખીઓ અર્થાત્ તેઓના જેવા તો નથી કે જેમના પ્રત્યે આપણે અણગમો સેવીએ છીએ? આપણે પણ પેલા લોકોની જેમ બીજાઓ વિષેની ખરાબ બાબતોને માની લેવાનું વલણ ધરાવનારાઓ તો નથી ને? આપણે આપણી જાતને કોઈ જૂઠાણાં કે ઘડી કાઢેલી વાતોથી દૂર રાખીએ છીએ ખરા? આપણે શુદ્ધ વિવેકબુદ્ધિ ધરાવીએ છીએ ખરા? આપણે પોતાનો મત કે અભિપ્રાય ફેલાવનારા લોકો જેવા તો નથી? બીજાઓને સ્પર્શતી અફવાઓ કે લોકવાયકાઓને પવન નાખીને તેમને વધારે ફેલાવનારાઓ પૈકીના તો આપણે નથી ને? આપણે અફવાઓનો ભોગ બનનારાઓને તેમના ભાગ્ય ઉપર છોડી દઈને ભાગી જનારાઓ જેવા તો નથી ને? કોઈ પણ તારણ ઉપર આવવા પહેલાં ભોગ બનનારને મળી લેવાની અને હકીકત જાણી લેવાની આપણી તૈયારી હોય છે ખરી? આવા ઘણા પ્રશ્નો આપણી જાતને પૂછી શકાય. જો આપણા જવાબો સાચા અને વ્યાજબી હોય, તો આપણે બીજાઓની ટીકાટિપ્પણી કરી શકીએ છીએ, નહિ તો એમ કરવાનો આવો કોઈ અધિકાર આપણને મળી જતો નથી.

“બીજાઓ સાથે એવી રીતે વર્તો કે જેવા વર્તાવની તમે તેમની પાસે અપેક્ષા રાખો છો.”

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977

નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *