પ્રકાશ ન. શાહ – ઉર્વીશ કોઠારીની સાથે સંવાદમાં

Facebooktwitterredditpinterestlinkedinmail

પરિચયકર્તા: અશોક  વૈઃણવ

સાર્થક સંવાદ શ્રેણી’ હેઠળ શ્રી ઉર્વીશ કોઠારીની પ્રકાશ ન. શાહ સાથે જીવનચરિત્રાત્મક સવાદ સ્વરૂપની મુલાકાતોનાં શબ્દાંકનમાંથી ‘પ્રકાશ ન. શાહ’નાં વ્યક્તિત્વનાં અનેક બહુરંગી પાસાંઓનું દસ્તાવેજીકરણ થયેલ છે. પ્રકાશભાઈને ‘નિરીક્ષક‘ના તંત્રી લેખોમાં કે ‘દિવ્યભાસ્કર’માં તેમની અઠવાડીક નિયમિત કોલમના વાંચકો વિશિષ્ટ શબ્દપ્રયોગો સાથેની તેમની અટપટી ભાષાના સર્જક તરીકે ઓળખે. તેમના લેખોમાં રજૂ થતી વિવિધ વિષયોની ચર્ચાઓમાં પ્રકાશભાઈની રાજકારણ, સમાજ, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને સાહિત્યકારો, જાહેર જીવનમાં પ્રવૃત્ત વ્યક્તિત્વો સાથેના સંબંધ જેવા અનેક વિષયોનીસૂક્ષ્મ સમજ પણ દેખા દેતી રહે. એ હિમશીલાની ટોચ જેવાં ઉપરથી દેખાતાં પત્રકાર જીવન અને જાહેરજીવન સાથે સંકળાયેલાં પ્રકાશ ન. શાહનાં વ્યક્તિત્વની અંદર પ્રસ્તુત પુસ્તક વાચકને લઈ જાય છે.

આપણે ઉર્વીશ કોઠારીસાથેના સંવાદની મદદથી ‘પ્રકાશ ન શાહ’ નો ટૂંક પરિચય કરીએ.

‘પ્રકાશભાઈ કેવા?’ તેના જવાબમાં પ્રકાશભાઈનું કહેવું છે કે ‘જીવનનો ઉલ્લાસ સમજાય તે રીતે બધાં ક્ષેત્રોને માણનાર તે વ્યક્તિ છે. તેઓ કોઈ પક્ષની કે સંસ્થાની કે ‘વાદ’ની રૂઢિગત વ્યાખ્યામાં બંધ થયા સિવાય ન્યાયી સમાજરચનાવાળી નવી દુનિયાની રચનામાં સહભાગી થવાય તેવી જાહેર જીવનની સાહજિક પ્રવૃત્તિઓ તેમની પ્રાથમિકતાઓમાં રહે છે. વાંચનના સંસ્કાર તેમનામાં નાનપણથી ઘૂંટાયા છે.

બી.એ. થયા ત્યાં સુધી ડૉ. રાધાકૃષ્ણનનાં પુસ્તક ‘હિંદુ વે ઑફ લાઈફ’, ગાંધીજીનાં ‘હિંદ સ્વરાજ’ અને રવીન્દ્રનાથ ઠાકુરનાં ‘સ્વદેશી સમાજ’નાં વાંચને તેમનાં વૈચારિક ઘડતરનો પાયો ઘડ્યો. પણ તેઓ કહે છે તેમ ગાંધીજી માટેની તેમની સમજ ડૉ. રામ મનોહર લોહિયાને વાંચવાથી અને માર્ક્સની સમજ જયપ્રકાશ નારાયણને વાંચવાથી સ્પષ્ટ થઈ. જોકે તેમના વિચારોની પ્રતીતિ, અભિવ્યક્તિ અને ભાવ તેમનાં પોતાનાં આગવાં વિકસ્યાં.

પ્રકાશ શાહ જ્યારે એમ.એ.નાં પહેલાં વર્ષમાં હતા ત્યારે મહાદેવભાઈ વક્તૃત્વ સ્પર્ધામાં ‘સંસદીય લોકશાહીમાં સીધાં પગલાંને સ્થાન છે કે નથી?’ એ વિષય પર તેમણે સીધાં પગલાંની હિમયાત કરી હતી. એકાદ દાયકા પછીથી શરૂ થનાર જાહેર જીવનના તેમના વિચાર અને વ્યવહાર, તેમની સાથે પરિચયમાં આવનારાં વ્યક્તિત્વો સાથે તર્જ મેળવતાં રહેવા છતાં, કેમ તેમના પોતાના આગવા રહ્યા તે વાતનો પહેલો અણસાર અહીં જોવા મળે છે.

આચાર્ય કૃપાલાણી સાથે પ્રકાશ ભાઇનો પ્રત્યક્ષ પરિચય ૧૯૬૮-૬૯માં થયો કૃપાલાણીજી એ સમયે અમદાવાદમાં રહ્ય અત્યારે તેમની સાથે વાતચીત કરવા અને પુસ્તકો વાંચી સંભળાવવા પ્રકાશભાઈ ગુજરાત વિદ્યાપીઠમાં જતા, તેમાં તેમના ‘તાર મળી ગયા’. વાંચતાં વાંચતાં કે સાંભળતાં સાંભળતાં કૃપાલાણીજી બહુ ઊંડા વિચારમાં પડી જાય, કોઈ વાતચીત ન કરે. તેઓ જ્યારે આનંદમાં હોય તો વચ્ચે વચ્ચે ટહુકો કરી લે. તેમની વાતોમાં સિંધી કહેવતો અને લોકગીતની પંક્તિઓ આવે. અનુભવના આધારે માર્મિક અવલોકનો આવે. તેમનાં પત્ની સુચેતાજી જોડે તેમનો પ્રેમ અલૌકિક સ્તરની ગાઢતાનો ઉમળકાનો હતો. સરદાર પટેલ માટે દિલથી માન હોવા છતાં તેમના વિચારોમાં જ્યારે તફાવત હોય ત્યારે સરદાર પટેલ વિષે તેઓ સ્પષ્ટ ટીકા કરી શકતા.

(ઈંદિરાજીએ ૧૯૭૫માં જાહેર કરેલ આંતરિક) કટોકટીના સમયમાં રાજકારણ સાથે સંકળાયેલી ખુલ્લી સંસ્થાઓમાંથી જે બેચાર જણાને સૌથી વધારે જેલવાસ થયો હશે તેમાંના એક પ્રકાશભાઈ પણ હતા. એ માટે સૌથી વધારે કારણભૂત થવા પાછળનું કારણ હતું જયપ્રકાશ નારાયણ અને તેમની ચળવળના ગુજરાતના છેડાના સીધા સંપર્ક તરીકે પ્રકાશભાઈની ભૂમિકા. જેલવાસ દરમ્યાન વાંચન ખુબ કર્યું પણ પોતાનાં પત્ની અને દીકરીઓને કૌટુંબીક ભાવનાથી લખેલ પત્રો સિવાય, રાજકરાણની બાબતો પર પોતાના સ્વતંત્ર, ગંભીર વિચારોને વ્યકત કરતું, બીજું ખાસ કંઈ તેમણે લખ્યું નહીં. જેલવાસમાં તેમના અન્ય સાથીઓ સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને સર્વોદયની વિચારધાળા પણ કેટલા અન્ય લોકો સાથે હતા, એટલે તેમની માનસીક વિચારધારાને બહુ નજદીકથી જોવા જાણવાની એક તક પ્રકાશભાઈને ત્યાં મળી હતી. જેલવાસ દરમ્યાન ચાર દિવસ માટે પેરોલ પર બહાર આવ્યા હતા ત્યારે તેમને મળવા આવનાર ઘણા લોકોમાં નરેન્દ્ર મોદી પણ હતા. તેમના તે પછીના સંબંધો ભૌતિક રીતે એક હાથનું અંતર રાખીને એકબીજાના વિચાર પર આલોચનાત્મક નજર રાખવાના રહ્યા છે એમ કહી શકાય.

પ્રકાશભાઈની રાજકીય વિચારસરણીની મૂળ તરજ જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયાની વિચારધારા સાથે મેળમાં બેસે એટલે તેઓ જનસંઘની વિચારધારાના જેટલા ટીકાકાર તેવા જ કોંગ્રેસના પણ ટીકાકાર હતા. જનતા પાર્ટીના તૂટ્યા પછી પ્રકાશભાઈની જે સૈધ્ધાંતિક અને વ્યાવહારિક ભૂમિકા રહી તેમાં તેમની કોગ્રેસના ટીકાકાર હોવાની છાપ ભુંસાઈ ગયાનું તેમને યાદ આવે છે.

એક સમય ગાળામાં પ્રકાશભાઈને શ્રી લાલ કૃષ્ણ અડવાણીને અનૌપચારિક રીતે મળવાના પ્રસંગો બનતા. એવી એક મુલાકાત સમયે વાતવાતમાં અડવાણીજીને પૂછવામાં આવ્યું કે આર્થિક સુધારાને વરેલી કોંગ્રેસ અને ભાજપામાં તાત્વિક અંતર શું રહ્યું છે? તેના જવાબમાં એમણે કહ્યું હતું કે ‘અમારા આર્થિક વિચારો તો એક જ છે..લેકિન હમારી પહેચાન હિંદુત્વમેં હૈ.’ ભાજપની મૂળ વિચારધારાનું આ અંગ પ્રકાશભાઈ જેવા સ્વતંત્ર મિજાજવાળા વિચારકને વિરોધ પક્ષની ભૂમિકામાં ખડા કરી દેવા પૂરતું બની રહે.

રામ મનોગર લોહિયા જેવા જ ઉદ્દામ વિચારો એક સમયે ધરાવતા જયપ્રકાશ નારાયણ (જેપી) લોહિયાજીની દૃષ્ટિએ સર્વોદય પ્રવૃતિઓમાં સક્રિય થવાને લીધે ‘ઘીસાઈ’ ગયા હતા, તેમ છતાં જો કોઈ પરિવર્તન લાવી શકે તેમ હોય તો તે માત્ર જેપી જ છે તેમ લોહિયા માનતા હતા. ૧૯૭૨ કે ૧૯૭૩ના વર્ષોની એક જાહેર ચર્ચામાં પ્રકાશભાઈએ નોંધ્યું હતું કે જેપી કોંગ્રેશ, પછી સમાજવાદી પક્ષ અને પછી સર્વોદય, સિવાયના નવા પરિમાણની શોધમાં જણાય છે. પોતાનાં જીવનનાં નવા વળાંક પર ઊભા જોવા મળે છે.

પ્રકાશભાઈની વૈચારિક ભૂમિકાના વિકાસમાં અને લેખનમાં તેમના આ બધા અનુભવોની ઓછી વત્તી અસર રહી છે. તેમનું લેખન શરૂ થયું તો તેમના શાળાજીવનથી જ હતું, તે પછી જૂદી જૂદી વિચારધારાઓ ધરાવતાં સામયિકોમાં તેમણે અલગ અલગ વિષયો પર પોતાની લેખનીને અજમાવી, જે ‘નિરીક્ષક’ના વિકાસ સાથે સાથે એક ચોક્કસ દિશામાં ઢળતી ગઈ. એ બે વચ્ચે ‘વિશ્વમાનવ’ કે ‘જ્ઞાનગંગોત્રી’ ગ્રંથ શ્રેણી કે ઇન્ડિયન એક્સપેસ જૂથનાં ‘જનસતા’ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જૂથનાં ગુજરાતી અખબારો સાથેના તેમના વિધિસરના વ્યાવસાયિક અનુભવોમાં તેમની લેખન કળા અને લેખનના વિષયોની પસંદગી ઘડાતી રહી.

પ્રકાશભાઈનો સક્રિય રાજકારણ સાથેનો નાતો ગુજરાત અને બિહારનાં આંદોલન (જાન્યુઆરી-માર્ચ ૧૯૭૪), ગુજરાતમાં જનતા મોરચો (આશરે જૂન ૧૯૭૬), કટોકટી (જૂન ૧૯૭૫- ૧૯૭૭), જનતા પાર્ટનો ઉદય (૧૯૭૭)ની આખી પ્રક્રિયા દરમ્યાન બની રહ્યો હતો. રાજકારણની સાથે સાથે તે નાગરિક શક્તિના ઉદયનો પણ સમય હતો. ૧૯૮૭ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં પ્રકાશભાઈ અને સમાન વિચાર ધરાવનારા સાથીઓએ નાગરિક સમિતિનો પ્રયોગ પણ કર્યો . તેમના આ અનુભવમાંથી ૧૯૯૩માં તેમણે સેક્યૂલર લોકશાહી આંદોલન (મૂવમેન્ટ ફૉર સૅક્યૂલર ડેમૉક્રસી)ની સ્થાપના કરી. આ સંસ્થાના ઉપક્રમે પ્રકાશભાઈએ ૨૦૦૨ના ગોધરા-અનુગોધરા ઘટનાક્રમમાં બિનસાંપ્રદાયિક ભૂમિકાએ માનવ અધિકાર પંચ, ચૂંટણી પંચ કે ક્રિષ્ણા અય્યર પંચ સમક્ષ રજૂઆતો જેવા સાંપ્રત વિષયો પર રજૂઆતો દ્વારા નાગરિક હસ્તક્ષેપની ભૂમિકા નિભાવતા રહ્યા છે. .

પ્રકાશભાઈનું જાહેર જીવનના મહત્ત્વના મુદ્દાઓ જેટલો જ મહત્ત્વનો, ચર્ચાસ્પદ અને રસપદ પણ, મુદ્દો તેમની લેખનીની ભાષા રહી છે. સામાન્યપણે પત્રકારત્વ કે સાહિત્યનાં લખાણોમાં ન વપરાતા નવા શબ્દો તેમના લેખોમાં બહુધા જોવા મળે. પ્રકાશભાઈના વિચારો સાથે અસહમતિ ધરાવતા લોકો માટે તેમની આ ભાષા પણ અસહમતિ ધરાવવા માટેનો મહત્ત્વનો મુદ્દો બની રહે. તેમની શૈલી બહુ સરળ અને વિષયની રજૂઆત એકદમ સ્પષ્ટ હોય,પણ વચ્ચે વચ્ચે સહજપણે પ્રયોજાયેલા તેમના પોતાના આગવા શબ્દપ્રયોગોને કારણે તેમના ચાહક વાંચકોને પણ તેમના લેખ સહેલાઈથી સમજાય નહી એવી એક ફરિયાદ તેમની સામે રહે.

આજે હવે જીવનના આઠમા દાયકામાં પ્રવેશદ્વારે તેમનાં સ્વપ્નની વાત કરતી વખતે તેમને યાદ આવે છે કે યુવાનીમાં તેમને કાઉન્ટેસનાં દૃષ્ટિબિંદુથી તૉલ્સ્તોય વિષે નવલકથા લખવાની ખેવના હતી. તે પછી, ૧૯૭૫થી ૧૯૯૦ના અરસામાં, જેપી મૂવમેન્ટમાં સક્રિય હતા ત્યારે ગાંધીજી હયાત હોય, પટેલ -નહેરુ સરકારમાં હોય અને ગાંધીજી લોહિયા અને જયપ્રકાશ નારાયણને લઈને નવી શરૂઆત કરે છે એવી વાર્તા લખવાની ઈચ્છા હતી. આજે હવે તેમને તેમના વિચારો વ્યક્તવ્યો દ્વારા વધારે વ્યક્ત કરવાના અવસર સાંપડે છે, ત્યારે તે ‘સરખું ગોઠવી’ને મૂકવાની તેઓ આશા સેવે છે, જેથી વર્તમાન દુનિયામાં રહીને જે બધા વિચારપ્રવાહોમાં પસાર થવાનું થયું એમાંથી નિપજતી એક સામાન્ય સમજ નવી દુનિયા માટે મૂકી જવાય અને તેની અસરો થોડો સમય ટકી પણ રહે …..

એકંદરે, ઉર્વીશ કોઠારીનું ‘પ્રકાશ ન શાહ’માં રજૂ થયેલ પ્રકાશભાઈનાં જાહેર જીવનના અગત્યના તબક્કાઓનું આલેખન પ્રકાશભાઈનાં બહુરંગી વ્યક્તિત્વને આપણી સમક્ષ રજૂ કરવામાં સુપેરે સફળ રહે છે.

પ્રકાશ ન. શાહ
લેખક ઉર્વીશ કોઠારી © July 2019
ISBN: 978-93-84076-37-5
પૃષ્ઠ સંખ્યા ૧૬૦ કિંમત રૂ.૧૫૦

પ્રકાશક: સાર્થક પ્રકાશન ,અમદાવાદ
મુખ્ય વિક્રેતા: બુક શૅલ્ફ, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *