





– સમીર ધોળકિયા
કેટલી જૂની હશે આ કહેવત !
આ કહેવતમાં ફક્ત કપડાંની જ વાત હશે કે બાહ્ય દેખાવ કે ટાપટીપ વિષે પણ ટકોર છે? આપણે બધા નાના હતા ત્યારે શેખ સાદીની બહુ જાણીતી વાત સાંભળી હતી, જેમાં શેખ સાદી પોતાના કિંમતી કપડાંને ખાવાનું ખવડાવતા હતા કેમ કે એક યજમાનને ત્યાં તેમનું સન્માન તેમનાં કપડાંને આધારે થયું હતું, તેમના પોતાના વ્યક્તિત્વને આધારે નહિ !
પણ શેખ સાદી તો પ્રસિદ્ધ ફારસી કવિ હતા અને આપણે સામાન્ય લોકો છીએ. તેમણે જે રીતે કિંમતી કપડાનું “મહત્વ” સમજાવ્યું તે રીતે આપણે સામી વ્યક્તિઓને ન સમજાવી શકીએ. પણ આ જાણીતા પ્રસંગથી એ તો સાબિત થાય જ છે કે જમાનો જૂનો હોય નવો, સામી વ્યક્તિઓ કિંમતી કપડાંથી અંજાય છે તે નક્કી!
કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ પરિસ્થિતિમાં સામાનો દેખાવ જ આપણી નજરમાં પહેલો આવે છે, પછી બીજી બધી લાયકાતો કે ખૂબીઓ. તેથી દેખાવને નજરઅંદાઝ કોઈ હિસાબે ન કરી શકાય. પણ તેને કેટલું મહત્વ આપવું, કેટલા સમય સુધી આપવું તે એક મોટી સમસ્યા કે મુંઝવણ છે.
ઉપરાંત કોઈ વ્યક્તિ બાહ્ય દેખાવે ખૂબ સરસ હોય પણ તેને આપેલ કામમાં જો સક્ષમ ન હોય તો શું કરવું ? આ સંજોગોમાં હજાર નૂરનું કોઈ કામ કે મહત્વ રહે?
સારો દેખાવ સાચી છબી દર્શાવી શકે છે અને ખોટી તેમ જ ગેરમાર્ગે દોરનારી પણ……
કોઈ વ્યક્તિ નોકરીના કે અન્ય પ્રસંગ માટેના ઇન્ટરવ્યુ માટે જાય ત્યારે તેણે બાહ્ય દેખાવ અને કપડાં વિષે સજાગ રહીને તૈયાર થવું જ પડે, કારણ કે સૌથી પહેલાં તો વ્યક્તિની બાહ્ય છબી જ નજરમાં આવવાની છે. એ બાહ્ય દેખાવ જો યોગ્ય ના હોય તો બીજી રીતે ખૂબ જ લાયક હોવા છતાં તેની પસંદગી ન થાય એવી પૂરી શક્યતા રહે છે. ચક્રવ્યૂહનો પહેલો કોઠો તો બાહ્ય દેખાવ-કપડાં જ રહેવાનો !
જુદા જુદા વ્યવસાયની અલગ અલગ જરૂરિયાતો હોય છે. કોઈમાં ફક્ત બાહ્ય દેખાવની જરૂર હોય છે અને પછી બીજા ગુણોની જરૂરિયાતો વિષે વિચારવાનું હોય છે. દા.ત. સિનેમામાં અભિનેતા કે અભિનેત્રીમાં પહેલી જરૂરિયાત દેખાવની જ હોય છે. બીજા બધા ગુણો હોવા એટલા બધા આવશ્યક નથી. દેખાવ સારો હોય એટલે જગ જીત્યા ! પણ આ જ ક્ષેત્રમાં દિગ્દર્શક કે સંગીતકારની પસંદગીમાં તેમનો દેખાવ ન જોવાય. તેમાં હજાર નૂર ને બદલે સો નૂર હોય તો પણ ચાલે! પણ તેનામાં દિગ્દર્શન કે સંગીત અંગેની શક્તિ પૂરતી હોવી જોઈએ. એ જ રીતે સાદી નોકરીઓમાં ફક્ત સુઘડ દેખાવની જરૂરત હોય છે, ખુબ ટાપટીપની નહિ.
એક વાત નક્કી છે કે થોડો સમય વીતી જાય પછી તો તમારું કામ જ બોલે છે, ભલે ગમે તે ક્ષેત્ર હોય. પછીથી દેખાવનું, બહારની ચમક-દમકનું મહત્વ ઓછું થઈ જાય છે. હા, ફિલ્મજગત, નાટ્ય જગત અને મોડેલિંગ જેવા ક્ષેત્રે છેલ્લે સુધી બાહ્ય દેખાવનું મહત્વ રહે છે, પરંતુ તેમાં પણ જો અભિનયશક્તિ ન હોય તો ફક્ત દેખાવ તે વ્યક્તિને લાંબા સમય માટે ટકાવી શકતો નથી. બાકીનાં બીજાં ક્ષેત્રોમાં તો બાહ્ય દેખાવ એ પ્રાથમિક જરૂરીયાત જ નથી હોતો .
અહી “હજાર નૂર કપડાંમાં ફક્ત કપડાં નહિ, બધી જ બાહ્ય ચમક/દેખાવ વિષે વાત થઈ રહી છે.
પણ હા, કોઈ પણ સ્થળે કે સંજોગોમાં સુઘડ રહેવું સારું, ભલે તેની અગત્યતા કે જરૂર હોય કે નહિ. જેમ કે લેખન ક્ષેત્રે, પત્રકારત્વ ક્ષેત્રે, વહીવટી ક્ષેત્રે ઓફીસોમાં, દેખાવ છેક પાછળ જતો રહે છે પણ દરેક વ્યક્તિએ સુઘડ તો રહેવું જ પડે. હજાર નૂર નહિ તો ત્રણસો-પાંચસો નૂર કપડાં તો જોઈએ જ !
સાથે સાથે હજાર નૂર કપડાંવાળી વ્યક્તિ આપણી સામે હોય ત્યારે એને ચકાસવાની આપણી જવાબદારી વધી જાય છે. જેમ કપડાની અને બાહ્ય ચમક ઉપર કોઈને નોકરી ન અપાય એ જ રીતે બાહ્ય ચમક કે દેખાવ પરથી કાયમના સંબંધો ન બંધાય – ભલે તે સંબંધ ભાવિ વર કે કન્યા માટે હોય.
આ બધી વાતો સાથે એક વાત સ્વીકારવી જ પડે કે “હજાર નૂર કપડાંને કદી અવગણી ન શકાય. પણ હા, તેના પરથી આખરી નિર્ણય પણ ન લેવાય. આજના આધુનિક યુગમાં પણ ઘણા વલણો અને નિર્ણયો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પરથી લેવામાં નથી આવતા? આ પાવરપોઈન્ટ પણ નવા જમાનાના “હજાર નૂર કપડાં’ જ છે ને ! વ્યક્તિનું કે પ્રોડક્ટનું ખરું મૂલ્ય, ઉપયોગિતા, કાર્યક્ષમતા અને અનુભવ વિષે સમય વીત્યે તો ખબર પડવાની જ છે. અને બંનેમાં શરૂઆતનો દેખાવ કેટલો સાચો કે ખોટો હતો તેની પણ પાછળથી જાણ અવશ્ય થશે. આ અનુભવોનું વિશ્લેષણ કરીએ ત્યારે જ ‘કપડા’ની શરૂઆતની ચમક યોગ્ય કે ભરોસાપાત્ર હતી કે નહિ તે ખબર પડે.
સહેજ ઊંડું વિચારીએ તો ફક્ત બાહ્ય દેખાવ કે ચમકથી અંજાઈ જઈને કોઈ નિર્ણય લેવાનું વલણ દર્શાવે છે કે આપણે દેખાવને જ સંપૂર્ણ મહત્વ આપીએ છીએ અને વ્યક્તિ કે વસ્તુને ઊંડાણથી જોવાની, તપાસવાની ટેવ છોડી દીધી છે. ગુણવત્તા છોડીને દેખાવને જ અપનાવી લીધો છે તે બાબત આપણા માટે તકલીફ કે ચિંતાનો વિષય થવો જોઈએ. શું સારા દેખાવું એ જ અગત્યનું છે, સારા હોવાનું કોઈ મહત્વ કે કિંમત નથી? આ સવાલ Ron Rolheiser નામના નિષ્ણાત પૂઃછે છે. જો કે “એક નૂર આદમી હજાર નૂર કપડાં’ કહેવતમાં આવો કોઈ નકારાત્મક અર્થ નીકળતો નથી. આ તો કહેવત વિષે વિચાર આવ્યો અને ચર્ચા કરી .
આપણી ભાષામાં આવી ઘણી વિરોધાભાસી કહેવતો છે. દા.ત. “બોલે તેનાં બોર વેચાય” અને “નવ બોલ્યામાં નવ ગુણ”. એ જ રીતે એક કહેવત છે “ચળકે એ બધું જ સોનું ન હોય ”, જે “હજાર નૂર” કહેવતની સામે પડે છે.
છેલ્લે એમ કહી શકાય કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં ન દેખાતી ખૂબીઓ દેખાય તે ખૂબ જરૂરી છે, પણ તેને સામે આવવાની તક મળે તે માટે પણ હજાર નૂરની જરૂર પડે જ છે…….લગભગ દરેક જગ્યાએ.
શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.
કેટલાય ભપકાદાર દેખાતા સજ્જનો જ્યારે મોઢું ખોલે ત્યારે એમની અસલિયત ઉઘાડી પડી જાય છે.
બિલકુલ એ જ રીતે સાવ સામાન્ય દેખાતા લોકો જ્યારે બોલે ત્યારે ખબર પડે કે એમનો બાહ્ય દેખાવ એ તેમની અસલિયત નહોતી !
સરસ વિષય અને છણાવટ !
કોઈક વાર હજાર નુર એક નુર બની જાય છે અને એક નુર હજાર .
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર
માર્કેટીંગ મૅનેજમૅન્ટમાં પ્રોડક્ટ અને પેકેજીંગ એ બન્ને ને બ્રાંડને યાદ રાખવા માટે મહત્ત્વનાં પરિમાણો ગણવામાં આવે છે. પેકેજીંગ નબળું હોય તો સારી પ્રોડ્ક્ટ ખરીદવા માટેનો પહેલવહેલો ઉમળકો જ ન આવે, એટલે તેને વાપર્યા પછીના સુખદ અનુભવ સુધી પહોંચાય નહીં. પ્રોડક્ટ નબળી હોય તો શરૂઆતનાં આકર્ષણ પછી પ્રોડક્ટ વાપર્યા બાદ થતી નિરાશા વધારે અવળી અસર છોડી જઈ શકે છે.
‘આદમી’ અને ‘કપડાં’ને પણ આ જ સિધ્ધાંત લાગુ પડે.
બિલકુલ બિલકુલ સાચી કોમેન્ટ .
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર !