સંસ્કૃતિની શોધમાં : ૧૭ : હરપ્પાની શોધ

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

હરપ્પા મ્યુઝિયમને લોકલ લોકો “જનરલ એલેકઝાંડર કનિંઘમ મ્યુઝિયમ” તરીકે પણ ઓળખે છે. જેની સ્થાપના ૧૯૨૬માં કરાયેલી, સત્તાવાર રીતે પણ ૧૯૬૬ -૬૭ માં પાક સરકારે અહીં બિલ્ડીંગ મૂક્યું.

અમે અહીં પહોંચ્યાં ત્યારે અમારી પાસે કેવળ અડધી કલાક હતી, આ અડધી કલાકમાં જ અમારે એક યુગને જોઈ લેવાનો હતો, તેથી ઓછા સમયનો ખેદ કરતાં કરતાં અમે મ્યુઝિયમ તરફ દોડી ગયાં.

મ્યુઝિયમનાં ગેઇટમાં પ્રવેશતાં જ અમારી પહેલી નજર પાથ પર બનાવેલ સંજ્ઞાઓ પર પડી જેમાં પહેલો હતો ઊલટો સ્વસ્તિક. આ સ્વસ્તિક જોઈ અમને હિટલરની યાદ આવી ગઈ.

અને બીજી નજર ત્યાં રહેલ બોર્ડ પર પડી જેમાં ચાર સંસ્કૃતિઓ વિષે લખેલ. મ્યુઝિયમની અંદર ગયાં પછી જાણવા મળ્યું કે, આ પાથ પરની આ સંજ્ઞાઓ તે તે યુગમાં લઈ જવાનું સૂચક હતું અને બોર્ડમાં લખેલું હતું કે; ઇજીપ્ત, મેસોપોટેમિયા, ચીન અને મોહેં-જો-દારો અને હરપ્પાની મિક્સ એવી સિંધ સંસ્કૃતિ એ ચારેય વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ છે પણ આ સંસ્કૃતિમાં સિંધ સંસ્કૃતિ સૌથી મોટી હતી. જોવાની વાત એ કે, આ સંસ્કૃતિની શોધ તો થઈ પણ આ સંસ્કૃતિમાં વસેલા લોકોની લિપિ, ભાષા સંજ્ઞા શું દર્શાવતાં હતાં તે વિષે આજેય એક રહસ્ય બની રહેલ છે. કારણકે આ ભાષા અને લિપિનો અભ્યાસ ઉપર જોઈએ તેવું સંશોધન નથી થયું.

સંસ્કૃતિઓનું વિભાજનકરણ:-

એક સમયે સિંધ નદી એ સાગર સમાન વિરાટ હતી. આ નદી જે પ્રદેશમાંથી વચ્ચેથી વહેતો હતો તે પ્રદેશ સિંધ પ્રાંત ગણાયો અને આ પ્રાંતમાં વસેલી સભ્યતાને સિંધ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવી. આ સંસ્કૃતિનું સૌથી પ્રખ્યાત નામ છે મોહેં-જો -દારો. પણ વિભાજન પહેલાંના અખંડ ભારતમાં આ આખો પ્રાંત સિંધ પ્રદેશને નામે જ ઓળખાતો હતો. જ્યારે ફારસી લોકો ઈરાનથી અખંડભારત તરફ આવ્યાં ત્યારે તેઓ “સ” ને “હ” કહી ઉચ્ચારણ કરતાં હતાં. વર્ષો પછી અંગ્રેજો પણ આ પ્રાંતમાં આવ્યાં ત્યારે તેઓએ પણ આ જ પ્રકારનું ઉચ્ચારણ ચાલું રાખ્યું. આમ “સિંધનું હિન્દ બની ગયું”. વિભાજન પછી સંસ્કૃતિઓ અલગ પડી ગઈ. પાકિસ્તાનની સંસ્કૃતિમાં સિંધ સંસ્કૃતિ અને રાવી સંસ્કૃતિ એમ બે ભાગ પડ્યાં. આ બંને સંસ્કૃતિઓમાંથી “રાવી સંસ્કૃતિ એ ઈન્ડ્સ સંસ્કૃતિ” તરીકે વધુ પ્રખ્યાત બની. એનું કારણ એ છે “ઈન્ડ્સ સંસ્કૃતિ એ નામ સિંધ પરથી નહીં બલ્કે ઇન્દ્રરાજા પરથી આવ્યું છે”. વિભાજન પછી લખાયેલ પાકિસ્તાની ઇતિહાસ મુજબ તેઓ પોતાનાં દેશની ભૂમિને ઇન્દ્રને આધીન સ્વર્ગની ભૂમિ તરીકે ઓળખે છે આથી Indra થી Indus અને રાવીનો એરિયા Valley તરીકે ઓળખાયો.

૧૮૨૬નો સમય ચાલી રહ્યો હતો. “ચાર્લ્સ મેસન” નામનો એક અંગ્રેજ લાહોરની એક ગલીની હાટડીમાં ચા પી રહ્યો હતો. આ હાટડી પર જમા થયેલ માણસો પાસેથી તેને જાણવા મળ્યું કે; લાહોરથી અમુક અંતર પર આવેલ ગામ હરપ્પામાં સદીઓ જૂનો ઇતિહાસ દટાયેલો છે. આ સાંભળી આ વાતની ખાતરી કરવા ચાર્લ્સ હરપ્પામાં આવ્યો અને આ જગ્યાની શોધખોળ કરવા લાગ્યો. ત્રણ-ચાર અઠવાડીયાની રખડપટ્ટી પછી તેની નજરમાં માટીમાં દબાયેલાં આ સંસ્કૃતિ આવી તેણે આ સંસ્કૃતિનાં એરિયાની રૂપરેખા સાથે અહીં રહેલ મિનારા અને દીવાલોની નોંધ કરી. ચાર્લ્સનું માનવું હતું કે આ સંસ્કૃતિ તે ગ્રેટ રોમનની છે તેથી તેણે બ્રિટિશ લાઈબ્રેરીમાં આ વાતની નોંધ મૂકી કે તેણે એલેકઝાંડર ધ ગ્રેટ નાં સમયનાં કેટલાક ઇતિહાસને શોધી કાઢ્યો છે. પણ આ સમયમાં હજુ ભારત -પાકિસ્તાનમાં અંગ્રેજ સામ્રાજ્યનો સૂરજ ઉગવાની શરૂઆત થઈ રહી હતી. તેથી ચાર્લ્સની આ વાતને બહુ મહત્વ આપવામાં ન આવ્યું.

ઈ.સ.૧૮૬૧માં સર કનિંઘમે ચાર્લ્સ મેસનની નોંધને ધ્યાનમાં રાખી હરપ્પામાંથી જે સંસ્કૃતિ શોધી તેવી જ અન્ય અન્ય સંસ્કૃતિનાં અવશેષો -મોહેં-જો-દારો, લોથલ અને ધોળાવીરામાંથી શોધી કાઢ્યાં અને કહ્યું કે એલેકઝાંડર ધ ગ્રેટથી પણ જૂની છે. આ આ સંસ્કૃતિનો સમયગાળો ૫૦૦૦ વર્ષ કે તેથી વધુ જૂના સમયમાં લઈ જાય છે. સર કનિંઘમની આ વાતથી વિશ્વ આંચકો ખાઈ ગયું, જો આટલી જૂની સંસ્કૃતિ હોય તો તેનો અર્થ એ થયો કે આ સંસ્કૃતિનાં મૂળ ઈજિપ્ત અને મેસોપોટેમિયા જેટલા જ ઊંડા છે. સર કનિંઘમે હરપ્પા, મોહેં -જો-દારો, ધોળાવીરા, લોથલની આ રૂપરેખાને અખંડ ઈન્ડિયાનાં નકશામાં ગોઠવ્યાં. આ રૂપરેખા ઉપર જનરલ એલેકઝાંડર કનિંઘમના નેતૃત્વ નીચે ઈ.સ.૧૮૬૧માં જ આર્ક્યોલોજિકલ સર્વે ઓંફ ઇન્ડિયાની સ્થાપના થઈ પણ ત્યાર પછી આ આર્ક્યોલોજિકલ સાઇટ્સ પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું. ૧૮૬૩માં જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા GSI ના અધિકારી રોબર્ટ બ્રુસ ફૂટે પ્રાચીન યુગનાં ખોદવામાં કામ આવે તેવાં ઓજારો શોધી કાઢેલા પણ આ સમયે પણ ઉત્ખનનનાં આ કાર્યને ખાસ વેગ મળ્યો નહીં.

રોબર્ટ બ્રુસ ફૂટે

ઇ.સ ૧૯૨૧-૨૨નો એ દિવસ અદ્ભુત હતો. આ સમયે લાહોર હરપ્પા વચ્ચે રેલ્વે લાઇન બની રહી હતી. આ રેલ્વે લાઇન પર એક એંજિનિયર અને સર જોન હ્યુબર્ટ માર્શલ ( જન્મ ૧૯ માર્ચ ૧૮૭૬- મૃત્યુ ૧૭ ઑગસ્ટ, ગિલફર્ડ -બ્રિટન ૧૯૫૮ અને ઈન્ડિયામાં તેમનો કામ કરવાનો સમયગાળો ૧૯૦૨ થી ૧૯૨૮ ) જેઓ એક આર્કિયોંલોજિસ્ટ હતાં તેઓ પોતાની ટીમ અને ગામલોકો સાથે કામ કરી રહ્યાં હતાં. આ કામ દરમ્યાન ઈંટોનો સ્ટોક ખલાસ થઈ ગયો. આથી રેલ્વે લાઇનનાં એંજિનિયરે વધુ ઈંટો લાવવા માટે કહ્યું. આ ઈંટો લાવવામાં પણ આવી પણ જે રીતે તેનો સ્ટોક આવી રહ્યો હતો અને મૂળ બ્રિક્સની ડિઝાઇનથી ભિન્ન જે ડિઝાઇન હતી તે જોઈ એંજિનિયરની સાથે ઉભેલ સર જોન માર્શલને કોઈ શંકા ગઈ, તેણે ઈંટો લાવનારને પૂછ્યું કે આ ઈંટો ક્યાંથી આવે છે? જવાબ મળ્યો કે; અહીંથી થોડે દૂર અમુક ટિંબાઓ છે અને આ ટીંબાઓ નીચે અનેક ઈંટો દટાયેલી છે. આ દટાયેલી ઈંટોને બહાર કાઢી અહીં લાવવામાં આવી છે. આ સાંભળી સર માર્શલને શંકા ગઈ કે સર કર્નિઘમ જે ઇતિહાસની વાત કરતાં હતાં તે ઇતિહાસ કદાચ આજ હોય શકે આથી તેમણે રેલ્વે લાઇનનું કામ સ્થગિત કરાવ્યું અને પોતે તે ટિંબા તરફ ચાલી નીકળ્યાં. સાથે આવનાર વ્યક્તિને તેમણે તે જગ્યા બતાવવાનું કહ્યું. આ જગ્યા જોઈ ત્યાં માર્શલે ઉત્ખનન કરાવતાં “વિવિધ સમયની” આ હર્પ્પિયન સંસ્કૃતિ બહાર આવી. જોવાનું એ કે મોહેં-જો-દારોની સંસ્કૃતિ હરપ્પા સંસ્કૃતિથી વધુ જૂની હોવા છતાં આ સંસ્કૃતિ હરપ્પાની સંસ્કૃતિ બાદ શોધવામાં આવેલી એ ય છેક ૩૫ વર્ષ પછી. અહીં વિવિધ સમયની વાત પર ભાર મૂકેલો છે. તેનું કારણ એ છે કે અમે પણ અહીં સર માર્શલની જેમ વિવિધ સમયને જોયો. ( ૧૯૦૦ BC થી શરૂ કરી ૨૬૦૦ BC સુધીનાં ક્રાલ જોયાં. )

અહીં એક બોર્ડ લગાવવામાં આવેલું હતું જેમાં જૉન માર્શલને મદદ કરનારાનાં હિન્દુઓના નામ વિષે લખેલ હતું. આ નામ જાણી મને થોડાં આશ્ચર્ય સાથે આનંદ એ થયો કે અન્ય ઇતિહાસની જેમ પાક સરકારે આ બોર્ડનો ઇતિહાસ બદલ્યો નથી. ૧૯૨૧માં ઉત્ખનન શરૂ કરાયું ત્યારે સંસ્કૃતનાં નિષ્ણાત શ્રી દયારામ સાહિનીએ સાથ આપ્યો હતો. ( જન્મ ૧૬ ડિસેમ્બર ૧૮૭૯ -મૃત્યુ ૭ માર્ચ ૧૯૩૯ ), બીજા શ્રી રખાલદાસ બેનર્જી હતાં, જેઓ એપિગ્રાફિસ્ટ એટલે કે આલેખ કરનારા હતાં. શ્રી રખાલદાસજીએ હડપ્પામાંથી મળેલા આલેખની લિપિઓમાંથી અમુક સંજ્ઞાઓને ઉકેલી હતી તેવો ઉલ્લેખ જૉન માર્શલે તેમના લખાણોમાં કર્યો છે. જ્યારે ત્રીજા સજ્જન હતાં માધોસરૂપ વત્સ જેઓએ મોહેં-જો-દારોમાં ખોદકામ કરી આ વિસ્તાર પણ હડપ્પન સંસ્કૃતિનો જ વિસ્તરેલો હિસ્સો છે તેવું વિધાન સિધ્ધ કર્યું હતું. ( જન્મ ૧૨ એપ્રિલ ૧૮૯૬ – મૃત્યુ ૭ ડિસેમ્બર ૧૯૫૫ )

સર માર્શલનું માનવું હતું કે; જેટલાં ઊંડેથી સંસ્કૃતિ મળે તેટલી સંસ્કૃતિ જૂની જૂની થતી જાય. અમે સર માર્શલની એ વાતને સત્ય કરતાં અમે અહીં અનેક પોટરીનાં ટુકડાઓ જોયાં જેની જાડાઈ નક્કી કરતી હતી કે તે ક્યા ક્યા સમયમાં બનાવવામાં આવેલાં હતાં. આ ઉત્ખનન સાથે મોહેં -જો-દારોની યે વાત બહાર આવી તેથી સર માર્શલનાં હાથ નીચે આ સંસ્કૃતિ પણ શોધવામાં આવી. જોવાની વાત એ છે કે હરપ્પામાં અને તેની આસપાસનાં વિસ્તારમાંથી કેવળ હર્પ્પિયન સંસ્કૃતિ જ નહીં બલ્કે બૌધ્ધ સંસ્કૃતિનાં પણ કેટલાક અંશો મળી આવ્યાં છે. જો’કે આ અંશો બહુ જ જૂજ કહી શકાય તેવાં છે.


ફોટોગ્રાફી :- પૂર્વી મોદી મલકાણ


© પૂર્વી મોદી મલકાણ યુ.એસ એ. | purvimalkan@yahoo.com

3 comments for “સંસ્કૃતિની શોધમાં : ૧૭ : હરપ્પાની શોધ

 1. vimla hirpara
  September 10, 2019 at 1:54 am

  વાહ,પુર્વીબેન,તમે તો અમને ભુતકાળમાં કયા સુધી ગયા.એ પણ સંશોધકોના નામઠામ ને જીવનઝરમર સાથે.
  ભણતા હતા ત્યારે રખાલદાસ બેનરજીનુ નામ સાંભળ્યુ હતુ. મોહન જ દેરો એટલે કે મરેલાનો ટેકરો. એવુ સમજાવેલું. ગમે તેમ પણ આ પ્રાચીન સંસ્કૃતિ જાણવાની મજા આવી.

 2. September 11, 2019 at 4:32 am

  ગુજરાતી સ્કુલમાં હડપ્પા અને મોહેન જો દેડો વિષે ભણ્યા હતા, પણ ત્યારે બહુ સમજણ નહોતી પડતી. આ લેખ વાંચીને ઘણું જાણવા મળ્યું.

 3. Bharti
  September 11, 2019 at 8:02 am

  Maja padi gai. AA Harppa vishe ane Sindhu sanskruti vishe school ma Khub study karel.pan Tamara Karne aaje navo itihas ne navo drishtikon malyo.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *