ટાઈટલ મ્યુઝીક : ૧૭ : આહિસ્તા આહિસ્તા (૧૯૮૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

મોહમ્મદ ઝહૂર હાશમી નામના સંગીતકારનાં ગીતો અતિ લોકપ્રિય છે એમ કહીએ તો સામેવાળો માથું ખંજવાળતાં વિચારે કે આ કયા સંગીતકાર? આ જ સંગીતકારે શરૂઆતમાં ‘શર્માજી’ના નામે પણ સંગીત પીરસેલું. આમ છતાં, ખ્યાલ ન આવે કે એ કોણ? એ સંગીતકાર એટલે ખય્યામ, જેમણે 1953 માં રજૂ થયેલી ફિલ્મ ‘ફૂટપાથ’થી પોતાનું નામ ‘ખય્યામ’ ધારણ કર્યું. 18 ફેબ્રુઆરી, 1927 ના રોજ જન્મેલા આ સંગીતકારનું 19 ઑગષ્ટ, 2019ના રોજ અવસાન થતાં એ પેઢીનું પ્રતિનિધિત્વ કરતા આખરી સંગીતકારે વિદાય લીધી. ખય્યામની કારકિર્દીમાં કેવા કેવા દૌર આવતા રહ્યા?
છેક 1948 ના ‘હીરરાંઝા’ થી આરંભાયેલી કારકિર્દીમાં 1966 સુધીમાં તેમણે 19 ફિલ્મોમાં સંગીત પીરસ્યું. પણ તેમણે ‘ફૂટપાથ’, ‘લાલારુખ’, ‘ફિર સુબહ હોગી’, ‘શોલા ઔર શબનમ’, ‘શગુન’, ‘આખરી ખત’ જેવી ફિલ્મોના સંગીત થકી પોતાની આગવી મુદ્રા ઊપસાવી.

(યુવાનવયે ખય્યામ)

1976માં રજૂ થયેલી યશ ચોપરાની ‘કભી કભી’ના ગીતોથી તેઓ ફરી ચમકવા લાગ્યા. ત્યાર પછી તેમણે ‘શંકર હુસૈન’, ‘ત્રિશૂલ’, ‘ચંબલ કી કસમ’, ‘નૂરી’, ‘થોડી સી બેવફાઈ’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘દર્દ’, ‘ઉમરાવજાન’, ‘બાઝાર’, ‘રઝિયા સુલતાન’ જેવી નોંધપાત્ર ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમના સંગીતમાં રાગ તેમજ શાસ્ત્રીય સંગીતનો આધાર વધુ રહેતો એમ લાગ્યા વિના રહે નહીં. તેમનાં સંગીતબદ્ધ કરેલાં ગીતોની ખાસિયત એ લાગે કે તેમણે ઉત્તમ કવિઓની ઉત્તમ રચનાઓને સ્વરબદ્ધ કરી.
તેમનાં જીવનસંગિની જગજીત કૌરે થોડાં ગીતો ગાયાં છે, પણ સંગીતરસિયાઓમાં તેમની મુખ્ય ઓળખ ‘શગુન’ના ‘તુમ અપના રંજ-ઓ-ગમ ઈસ દિલ કી પરેશાની મુઝે દે દો‘ના ગાયિકાની છે.
ખય્યામસાહેબે એક પંજાબી ફિલ્મ ઊપરાંત કેટલાંક બિનફિલ્મી ગીતોમાં પણ સંગીત આપ્યું છે. તેમની સંગીતબદ્ધ કરેલી ફિલ્મોની કુલ સંખ્યા 54 છે, જેમાંની ‘એક હી મંઝીલ’ છેલ્લી ફિલ્મ છે, જે 2000માં રજૂ થઈ હતી. આમ, ફિલ્મસંગીતના અનેક બદલાતા પ્રવાહોના તેઓ સાક્ષી રહ્યા છે, છતાં પોતાની ઓળખ તેમણે જાળવી રાખી છે એમ કહી શકાય.

1981માં રજૂ થયેલી સિબ્તે હસન રિઝવી નિર્મિત, ઈસ્માઈલ શ્રોફ દિગ્દર્શીત ‘આહિસ્તા આહિસ્તા’માં મુખ્ય ભૂમિકા પદ્મિની કોલ્હાપુરે અને કુણાલ કપૂરની હતી. આ ફિલ્મનાં ગીતો ઠીક ઠીક લોકપ્રિય થયાં હતાં. એમાં પણ નિદા ફાઝલીએ લખેલી ગઝલ ‘કભી કિસી કો…’ ફિલ્મના થીમસોંગ જેવું કહી શકાય. તેના એક એક શેર અદ્‍ભુત છે. ‘જુબાં મિલી હૈ, મગર હમજુબાં નહીં મિલતા’ તો સદાકાળ પ્રસ્તુત બની રહે એવો શેર છે. ‘માના તેરી નજર મેં’ હકીકતમાં ખય્યામના સંગીતવાળી ‘ખાનદાન’ (1979) માટે રેકોર્ડ થયેલું. પણ સંજોગોવશાત તેમાં લઈ શકાયું નહીં અને પછી તેનો ઉપયોગ ‘આહિસ્તા આહિસ્તા’માં કરવામાં આવ્યો.

(નિદા ફાજલી)

ફિલ્મનાં કુલ આઠ ગીતો હતાં, જે નિદા ફાજલી અને ‘નક્શ’ લ્યાલપુરીએ લખેલાં હતાં. ‘બિન બુલાયે હમ ચલે આયે ગવારા કિજીયે’ (આશા) અને ‘માના તેરી નજર મેં’ (સુલક્ષણા પંડિત) નક્શ લ્યાલપુરીએ લખેલાં હતાં.

(ગાયક અનવર)

નજર સે ફૂલ ચુનતી હૈ નજર આહિસ્તા આહિસ્તા‘ (અનવર, આશા), ‘કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા’ (ભૂપીન્‍દર અને આશાના અવાજમાં અલગઅલગ), ‘હમકો મિલે તુમ, તુમ કો મિલે હમ’ (અનવર, આશા), ‘જબ કોઈ ખ્વાબ ચમકતા હૈ હકીકત બનકે’(આશા) અને ‘કઈ સાલ પહલે યે દિન રાત થે’ (અનવર, આશા) નિદા ફાજલીએ લખેલાં હતાં.

‘નક્શ’ લ્યાલપુરી (ડાબે) અને ખય્યામ

આ ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક શરૂ થતાં અગાઉ એક આખી દૃશ્યાવલિ છે, જેમાં 2.10 સુધી સિતારના સૂરો સંભળાતા રહે છે. ત્યાર પછી સંતૂર, સારંગી, ફ્લૂટના સૂર સાવ ધીમા ધીમા સંભળાય છે. શશીકલા ટેબલનું ડ્રોઅર ખોલીને ઘૂંઘરુ કાઢે છે ત્યારે 3.06 થી પશ્ચાદભૂમાં તબલાં અને ઘૂંઘરુનું સંગીત શરૂ થાય છે. 4.21 થી ટાઈટલ મ્યુઝીકનો આરંભ થાય છે. ઉઘાડ તંતુવાદ્યસમૂહથી થયા પછી તેજ ગતિના તાલ સાથે તે આગળ વધે છે. 4.33 થી ગિટાર પ્રવેશે છે અને છેક 5.08 સુધી તેનું વાદન છે, જે બહુ પરિચીત જણાય છે અને એમ લાગે કે હમણાં ‘કભી કિસી કો મુકમ્મલ જહાં’ની ધૂન શરૂ થશે. 5.08 થી 5.17 સુધી ફરી તંતુવાદ્યસમૂહ છે, અને આ ધારણા આગળ વધે છે. 5.21 થી ગિટાર અને 5.26 થી શરણાઈ શરૂ થાય છે, જે છેક 5.40 સુધી આગળ વધે છે. આખરે આપણને જેની ધારણા હતી એ ‘કભી કિસી કો મુકમ્મલ જહાં’નું મુખડું સિતાર પર આરંભાય છે. 5.55 સુધી તે વાગે છે અને પછી તંતુવાદ્યસમૂહ પર તે આગળ વધે છે. 6.25 પર તેનું સમાપન થાય છે. આખી ટ્રેક અદ્‍ભુત અસર ઊભી કરે છે.
અહીં આપેલી ‘આહિસ્તા આહિસ્તા’ની લીન્‍કમાં 4.21 થી 6.25 સુધી ટાઈટલ મ્યુઝીક છે.


કેવળ નોંધ ખાતર એટલી માહિતી કે આ જ નામની અન્ય એક ફિલ્મ 2006માં પણ રજૂઆત પામી હતી.


(તસવીરો નેટ પરથી, લીન્‍ક યૂ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *