





સાહિત્ય વિશ્વમાં ખૂબ જ જાણીતા,સશક્ત કવિ,નવલકથાકાર અને ચિત્રકાર શ્રી માધવ રામાનુજનાં બે સુંદર ગીત પ્રસ્તૂત છે. અત્રે પ્રસિધ્ધ કરવાની સંમતિ આપવા બદલ વે.ગુ. સમિતિ સહર્ષ આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરે છે.
– ‘વેગુ’ સાહિત્ય સમિતિ વતી: દેવિકા ધ્રુવ
( ૧ )
અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….
કવિ શ્રી માધવ રામાનુજ.
(૨)
એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !
એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !
એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !
તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…
કવિ શ્રી માધવ રામાનુજ.
કવિસંપર્કઃ ફોન નંઃ +91 98797 67009