માનવ સંશાધન વિકાસ અને ઉદ્યોગસાહસિકતા

Facebooktwitterredditpinterestlinkedinmail

~ હિરણ્ય વ્યાસ

આપણા આર્થિક જગતમાં વર્ષ 1980 સુધી કોઇ પણ કંપનીમાં એચ.આર. ડીપાર્ટમેન્ટ ન હતા. ત્યારે માત્ર પર્સોનેલ-Personnel અને મજુર કલ્યાણ Labour Welfare જ હતા. હવે કંપનીઓમાં એચ.આર વ્યાવસાયિકોની ભુમિકા વધતી ચાલી છે. એચ.આર. વિભાગ પાસે અપેક્ષાઓ પણ વધી રહી છે. આજે હવે માનવ સંશાધન વિભાગ એ વિવિધ કામગીરી નીભાવવાના રહે છે.

એચ.આર.ડી એ માનવ શક્તિને ભાડે રાખો અને ધમકાવો- hiring & firing ની પરંપરાગત ભુમિકામાંથી (traditional role) બહાર આવીને સ્ટ્રેટેજીક બીઝનેસ પાર્ટનરની કામગીરી આરંભેલ છે. લઘુ ઉદ્યોગકારે આ પરિવર્તન બાબતે ખાસ ભાર આપવો પડશે.

મેક્સ વેબર નામના જર્મન સમાજશાસ્ત્રીએ વહીવટીતંત્ર (બ્યુરોક્રસી) ને બુધ્ધિથી, કાયદાથી, ઊચનીચનાં ક્રમથી કામ કરતા સંગઠન તરીકે ગણ્યાવ્યુ છે. જ્યાં લોકો એકઠા મળી ચોક્કસ કામ નીપટાવતા હોય ત્યાં કામ કોણ અને કેવી રીતે કરશે તેના નિયમોનું શાશન (રુલ ઓફ લો) હોય છે. પણ વાસ્તવમાં આ ઔપચારિકતા બની શકે છે. નિયમો ઉપરાંત અહમ્, સંબંધો, લેવડ-દેવડ, મુલ્યો તથા દબાણો વગેરે બાબતો અનૌપચારિક રીતે વહીવટીતંત્રના નિર્ણય પર અસર કરતાં હોય છે. આમાંથી ઔપચારિકતા અને અનૌપચારિકતા વચ્ચેના આંતરવિરોધો ઉભા થાય છે. જો આ આંતરવિરોધને ન સમજીએ અને “કાયદો કાયદા નું કામ કરે” એવો સહજ ભાવ દુ:ખ નિષ્પન કરે. આથી આંતરવિરોધને બરાબર સમજવું અનિવાર્ય લેખાય.

એચ.આર.માં પ્રભાવી તાકાત- influencing power હોવી જોઇએ, વિશ્વસનીય સક્રીય નેતા બનવું ઘટે તથા વ્યુહાત્મક સ્થાપત્યકારની ભૂમિકાનું જ્ઞાન હોવું જરુરી છે. એચ.આર. એ સ્ટાફથી વિશેષ બીઝનેસ પર પણ ફોકસ કરવું જરુરી છે. એચ.આર. એ તેનાં કામમાં નિપૂણ-એક્ષ્પર્ટ હોય અને તેની યોગ્ય પ્રેક્ટીશ હોવી આવશ્યક છે.

ધંધા-ઉદ્યોગમાં મેનેજ શું કરવાનું? માણસો Man, મુડી Money મશીનરી Machine, મટેરીયલ Material તથા માર્કેટ-સેવા Market-Service… આ બધામાં મની, મશીન અને મટેરીયલ નિર્જીવ છે. એક વાર મેનેજ કરો એટલે સતત ચાલતા રહે, પરંતુ માનવ સજીવ છે તેનાં વલણ અને વર્તન સતત બદલાતા રહે છે. આથી માર્કેટ તથા માનવ સંશાધનને સતત મેનેજ કરતા રહેવું પડે. વળી મની, મશીન અને મટેરીયલને નિ:જસ્વાર્થ યા હિત નથી અને તે બીજાને મેનેજ કરતા નથી કે દખલ પણ કરતા નથી. જ્યારે માનવ પોતાના હિત વિશે વિચારે છે. મેનેજમેન્ટ જેમ માનવ સંશાધનને મેનેજ કરે છે તેમ માનવ સંશાધન પણ મેનેજમેન્ટને મેનેજ કરવા કોશીષ કરે છે. આથી નાણા કે ઉત્પાદનનાં મેનેજમેન્ટ કરતા માનવ સંશાધનનું મેનેજમેન્ટ વધુ અઘરું અને સંકુલ છે.

માનવ વર્તનનાં સિધ્ધાંતો પણ અઘરા છે. ઇંટ સીમેન્ટનાં બે માળખા બરાબર હોઇ શકે, પરંતુ સો માણસોનાં બે ઔદ્યોગિક સંગઠનો એક સરખાં (Identical) કદીએ ન હોઇ શકે. બે કારખાનાં એક સરખા બનાવી શકાય, પરંતુ બે ઉદ્યોગસાહસિકો એક સમાન કદી ન હોઇ શકે. પૈસા આપવાથી “બધા કામ કહીએ તે કામ કરે” તેવું માનવાવાળા ઉદ્યોગપતિ ઘણીવાર ખોટા પડે છે. કેટલાક ઉદ્યોગપતિઓ પોતાના સગા અને ઓળખીતા લોકોને વિશ્વાસનાં કામ સોંપે છે, તેમાંથી કેટલાકને છેતરાયાની ખબર પડે છે જ્યારે કેટલાકને તો છેતરાયાનો ખ્યાલ પણ નથી આવતો. “મારો માણસ થોડો ઓછો કાર્યદક્ષ હશે તો ચાલશે, તેમને તાલીમ આપીને સારા બનાવી દઇશું.” તેમ માનવાવાળાને એટલું જ કહેવાનું કે “મારો માણસ લઇને તેને સારો બનાવવા કરતા સારો માણસ લઇને તેને મારો માણસ બનાવવો એ નીતિ અધિક ડહાપણભરી લેખાય.”

પરંતુ ઉદ્યોગપતિઓ, મેનેજરો કે નીતિના ઘડવૈયાઓ તર્કથી નથી સમજતા તેટલું કથાનાં અર્કથી સમજે છે, માનવ સંશાધનને આ કથા અસરકાર રીતે વ્યક્ત કરે છે.

એક જંગલમાં એક પારધી જાળ પાથરીને તેમાં દાણા નાંખીને વિવિધ પક્ષીઓને ફસાવતો. આ જંગલના એક કબૂતરે ભારે વરસાદ આવતા પાણીમાં ડૂબતા એક ઉંદરને બચાવેલો. ત્યારે ઉંદરે ભવિષ્યમાં મદદ કરવાનું વચન આપેલું. હવે આ કબૂતર અને તેના સાથીઓ પારઘીની જાળમાં ફસાયાં. બધા કબૂતરોએ ગભરાઇને આજુબાજુ ઉડવાની કોશિશ કરી તો વધુ ફસાતા ચાલ્ય. પેલા ઉંદરવાળા કબૂતરે કહ્યું: ‘આપણે બધા એકજ દિશામાં ઉડશું તો જાળ સહિત પણ ઊડી શકીશું. પછી મારા મિત્ર ઉંદરપાસે જાળ કપાવી દઇશું.’ બધા જ એક સામટા ઉડ્યા, ઉંદર પાસે પહોંચ્યા. ઉંદરે જાળ કાપતા બધા જ મુક્ત થયાં.

બોધ:

બધા પોતપોતાની રીતે નિર્ણય લે તે સમુહ-ટોળુ કહેવાય. બધા એક નિર્ણયને અનુસરે તે ટીમ (જુથ) કહેવાય. ટીમવર્કથી જ ધ્યેય હાંસલ થઇ શકે. બીજી વાત ઉંદર “મારો” નહોતો (કબુતર નહોતો), પણ આ કામ માટે “સારો” જરુર હતો. મારો નહી પણ સારો માણસ પસંદ કરો.

એચ આર વિભાગ બદલી રહ્યો છે પોતાની ભૂમિકા:

રાધિકાએ છ મહિના પહેલા જ બાળકને જન્મ આપ્યો છે અને હજુ થોડા સમય પહેલા જ પોતાની જોબ પુન: જોઇન કરી છે. તેની ઓફિસ કામગીરીના રુટિનમાં અઠવાડિયામાં ત્રણ દિવસનાં ડાન્સ ક્લાસનો પણ સમાવેશ થાય છે, જ્યાં તે લેટિન અમેરિકન બિટ્સ પર નૃત્ય કરે છે. ખાસ વાત એ છે કે આ સુવિધા તેને ઓફિસ દ્વારા પુરી પાડવામાં આવી છે.

તેની ઓફિસના એચઆર વિભાગે પોતાની ભૂમિકા બદલી નાખી છે. હવે તે કર્મચારીના આરોગ્યની સાથે-સાથે તેમની માનસિક અને શારીરિક તંદુરસ્તીને ઘ્યાનમાં રાખીને કાર્યક્રમ ચલાવી રહ્યો છે. રાધિકાનો ડાન્સકલાસ ઓફિસ સમય બાદ એકથી દોઢ કલાક ચાલે છે. મુંબઈ જેવા શહેરમાં ફિટ રહેવું કોઈ સરળ કામ નથી. ત્યાં મોટાભાગનો સમય એકથી બીજા સ્થળે જવામાં જ પસાર થઈ જાય છે. મોર્નિગ કે ઇવનિંગ વોક માટે તો સમય રહેતો જ નથી. આ વાતને ઘ્યાનમાં રાખીને જ અનેક કંપનીઓ માનવા લાગી છે કે તેમના કર્મચારીઓની તંદુરસ્તી ટકાવી રાખવા માટે કંઈક કરવું જોઈએ. રાધિકાની કંપનીએ તેને જે સુવિધા આપી છે, તેનું પરિણામ પણ જોવા મળ્યું છે. રાધિકા ડાન્સકલાસ એટેન્ડ કરવા માટે પોતાનું રોજનું કામ સમયથી પહેલાં જ પૂરું કરી નાખે છે. રજાઓ પણ નહીં જેવી જ લે છે. બાળકના જન્મ બાદ જ્યારથી તેણે ઓફિસ જોઈન કરી છે, માત્ર તેના જન્મદિવસની જ રજા લીધી છે. બાકીના અન્ય સ્ટાફની પણ કંઈક આવી જ સ્થિતિ છે. કંપનીનું આ નવું પગલું અસર દેખાડી રહ્યુ છે. ભવિષ્યના બોસ હવે માત્ર એ વાતનું ઘ્યાન નથી રાખતા કે તેના કર્મચારી કેટલું કામ કરી રહ્યા છે. એવું પણ જોઈ રહ્યા છે કે તે બરાબર ઊઘ લે છે કે નહીં. ફોકસ એ વાત પર પણ છે કે કર્મચારી ફિટ રહેવા માટે વોક પર જાય છે કે નહીં અને કસરત વગેરે કરે છે કે નહીં. હેતુ માત્ર એક જ છે કે તેઓ કંપનીને વધુને વધુ સારું વળતર આપે. મુંબઈના જ લોઅર પરેલમાં એક સોલ્યુશન્સ એજન્સી છે. અહીંના કર્મચારીઓને આઝાદી આપવામાં આવી છે કે તેઓ કંપનીની નવી પહેલ ‘ફિટફોકસ’ જોઈન કરે. ફિટફોકસ અંતર્ગત કર્મચારીઓને ફિટ રહેવાની સુવિધાઓ અને તક આપવામાં આવે છે. જેમાં યોગ, ડાન્સ, જિમ વગેરે સુવિધાનો સમાવેશ થાય છે. અહીં પણ સારું પરિણામ જોવા મળી રહ્યું છે. કર્મચારીઓ બીમારીના નામ પર ઓછી રજાઓ લઈ રહ્યા છે. ભરપૂર ઉત્સાહ સાથે કામ કરતા જોવા મળે છે. ચા-કોફી ઓછી અને પાણી વધારે પીવે છે. આટલું જ નહીં ઓફિસમાં ખાંડનો વપરાશ પણ ૬૦ ટકા જેટલો ઘટી ગયો છે. આ ઉપરાંત લોકો હવે પટાવાળા પર પણ વધુ નિર્ભર રહ્યા નથી. મોટાભાગનાં કામ જાતે જ કરવા લાગ્યા છે. કેમ કે તેઓ હવે વજન ઘટાડવા માટે ઓફિસની અંદર પણ હરવા-ફરવાને પ્રાથમિકતા આપવા લાગ્યા છે. ઓફિસના વિભાગો વરચે કો-ઓર્ડિનેશન સારું થયું છે. તેનાથી કામમાં મોડું થવાની ફરિયાદો પણ ઘટી ગઈ છે.
તાત્પર્ય એ છે કે: સમય બદલાઈ ચૂકયો છે. હવે એચ.આર.ની ભૂમિકા પણ બદલાઈ છે. અગાઉ આ ડિપાટર્મેન્ટ માત્ર કંપનીના કર્મચારીઓની નિમણૂક, રજા અને પગાર વગેરે બાબતો જ જોતું હતું. ત્યાર બાદ કર્મચારીઓના આરોગ્ય સંબંધિત ચિંતાઓ તેની સાથે જોડાઈ અને હવે ફિટનેસનો વિચાર પણ અમલમાં મુકાયો છે.

એચ.આર.ડી વિષયનાં મહત્વને ધ્યાન લઇ આ અંગે વિશેષ વાતો ફરી આગળ ઉપર જારી રાખીશું..

 *****

  શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર: મો.: 98254 33104 Email: hiranyavyas@gmail.com

Web. www.hiranyavyas.yolasite.com Face Book Community: https://www.facebook.com/groups/735774343154133/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *