ફિર દેખો યારોં : હમ સે કા ભૂલ હુઈ, જો યે સઝા હમ કા મિલી…

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

શાળાઓનું મુખ્ય કામ શું? મોંઘીદાટ ફી લેવાનું. શિક્ષકોનું મુખ્ય કામ શું? સરકારશ્રીની વિવિધ યોજનાઓ કે કાર્યક્રમોના અમલમાં સંકળાવાનું. પોલિસનું મુખ્ય કામ શું? નેતાઓ અને વી.વી.આઈ.પી.ઓની આગળપાછળ ઊભા રહેવાનું. આવા અનેક સવાલો હોઈ શકે, જેના જવાબનો અર્થ એટલો નીકળે કે પ્રત્યેક વ્યક્તિએ પોતાનું મૂળભૂત કામ નહીં, પણ ભળતું જ કામ વિના વિરોધે કરવાનું છે. અલબત્ત, આ પરિસ્થિતિ સૌને એટલી કોઠે પડી ગઈ છે કે તેમાં કંઈ અજુગતું લાગતું નથી.

કેન્‍દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ હમણાં ઘોષણા કરી છે કે હવે ટ્રાફિકને લગતા નવા કાયદાઓનો અમલ થતાં ટ્રાફિકના નિયમોના ભંગ બાબતે ટ્રાફિક પોલિસે નિર્ણય લેવાની જરૂર નહીં પડે. ઠેરઠેર લગાવાયેલા કેમેરામાં ઝડપાયેલા દૃશ્યો વડે તે નક્કી કરવામાં આવશે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ અત્યાર સુધીના, પ્રમાણમાં હળવા કહી શકાય એવા દંડની સરખામણીએ આકરો દંડ ફટકારવામાં આવશે. આ દંડના પ્રમાણમાં દસ ગણા સુધીનો વધારો સૂચવાયો છે. જેમ કે, કારમાં સીટબેલ્ટ બાંધ્યા વિના હંકારવા બદલ સો રૂપિયા દંડ હતો, જે વધારીને સીધો એક હજાર રૂપિયા કરી દેવાશે. મદ્યપાન કરીને હંકારવા બદલનો દંડ બેથી દસ હજાર કરવામાં આવશે.

અલબત્ત, મંત્રીશ્રીના જણાવ્યા મુજબ આવા કાનૂનનો મૂળભૂત ઉદ્દેશ્ય દંડ એકઠો કરવાનો નહીં, બલ્કે ટ્રાફિકના નિયમોના ભંગની સામે જાગૃતિ લાવવાનો છે. ‘ભય બીન પ્રીત નાહી’ જેવો આ મામલો છે. અત્યાર સુધી આપણે રસ્તાઓના સંગમે મૂકાયેલી લાલ-પીળી-લીલી લાઈટોને વારેવારે રંગ બદલતી લાઈટોથી વિશેષ મહત્ત્વ આપ્યું નથી. ટ્રાફિકના સુચારુ વહન માટે સર્કલ બનાવાયાં હોય, નિયંત્રણ માટે લાઈટો મૂકેલી હોય અને છતાં ટ્રાફિક પોલિસો ખડેપગે ફરજ બજાવતા જોવા મળે એ દૃશ્યો મોટા ભાગનાં નગર કે શહેરોમાં સામાન્ય છે. આમ છતાં, ટ્રાફિક જામ થાય, સવારના અને સાંજના અમુક કલાકો દરમિયાન રીતસર અરાજકતા પ્રસરી જાય, ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ થાય એ દૃશ્યો પણ અતિ સામાન્ય છે. વાહનોની સંખ્યા અને રસ્તાઓની પહોળાઈ દિન બ દિન વધતી જાય છતાં સામાન્ય વાહનચાલકોની સમજણ તેનાથી વ્યસ્ત પ્રમાણમાં રહેતી હોવાનું લાગ્યા વિના રહે નહીં.

આ તમામ જળોજફાનો અચાનક અંત કળાવા લાગ્યો. માર્ગો પર ઠેરઠેર મૂકાયેલા કેમેરા, તેના થકી ઝડપાતી પુરાવારૂપી તસવીરો અને સીધો જ દંડ ભરવાનો આદેશ આપતા મેમો લોકોને ઘેરબેઠે મળવા લાગ્યા. અચાનક જાણે કે ચમત્કાર સર્જાવા લાગ્યો હોય એમ લોકો હેલ્મેટ પહેરવા લાગ્યા, સીટબેલ્ટ બાંધવા માંડ્યા અને ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટને માન આપવા લાગ્યા. આનો અર્થ એવો હરગીઝ નથી કે લોકો નિયમપાલનમાં વિશ્વાસ ધરાવતા થઈ ગયા કે સ્વયંશિસ્ત કેળવતા થઈ ગયા. આ ડર હકીકતમાં દંડનો છે. આ દંડ એવો છે કે જેમાં કોઈ ‘તોડ’ થઈ શકતો નથી. તેને ફટકારનાર કોઈ અધિકારી નજર સામે ન હોવાથી પોતે ‘નિર્દોષ’ હોવાની કે ‘ફરી આવું નહીં કરવા’ની દલીલ કરી શકાતી નથી. બસ, પાવતીમાં સૂચવાયેલી જગ્યાએ જઈને તેને ભરી દેવાનો છે.

કોઈ પણ નવી પ્રણાલિનો અમલ કરાવવો કપરો હોય છે, પણ તેની પાછળનો મૂળભૂત હેતુ જાહેર હિતનો હોય તો તે વહેલામોડા સ્વીકૃત બને છે. અલબત્ત, આપણા દેશમાં કોઈ પણ નવી પ્રણાલિને અમલી બનાવવાની એક શાસ્ત્રીય પદ્ધતિ છે. એ અનુસાર એક વાર તેને લાદી દેવાની હોય છે. તેમાં રહેલાં છીંડાં કે સુધારા બાબતે વિચારણા પછી કરવામાં આવે છે. આપણા દેશમાં વયજૂથ અને ભૌગોલિક વિસ્તારનું વૈવિધ્ય બહોળું છે. આ કશું ધ્યાનમાં લીધા વિના જે રીતે નવી પ્રણાલિઓને લાદી દેવામાં આવે છે એ બહુ વિચિત્ર મુશ્કેલીઓ પેદા કરે છે. સરવાળે આવી કોઈ પણ પ્રણાલિનો મૂળભૂત હેતુ જળવાતો નથી, અને તે એક યંત્રવત વિધિ બનીને રહી જાય છે. ઘણા ખરા કિસ્સામાં તે ભ્રષ્ટાચાર માટેની નવી બારી પણ ખોલી આપે છે. આનું સાવ સાદું ઉદાહરણ ‘પી.યુ.સી.’ તરીકે ઓળખાતા, વાહનો માટેના ‘પોલ્યુશન અન્‍ડર કન્‍ટ્રોલ’ સર્ટિફિકેટ છે. વાહન દ્વારા ઉત્સર્જિત વાયુનું પ્રમાણ નિર્ધારીત માત્રામાં હોવાનું પ્રમાણપત્ર વાહનચાલકે સાથે રાખવું ફરજિયાત છે. તેનું વાહન ગમે એટલા કાળા ધુમાડા કાઢતું હોય, પણ તેની પાસે ‘પી.યુ.સી.’ હોય તો વાંધો નથી. આમ, અહીં પ્રદૂષણને નિયંત્રિત રાખવાને બદલે એમ થતું હોવાનું પ્રમાણપત્ર મહત્ત્વનું બની રહે છે. આવી સ્થિતિ ભ્રષ્ટાચારને જન્મ ન આપે તો જ નવાઈ.

આવાં અનેક ઉદાહરણ આપી શકાય. મૂળ વાત લોકશિક્ષણ, લોકજાગૃતિ અને નિયમપાલનની છે. કોઈ પણ નવી પ્રણાલિ માત્ર ઉપરથી લાદી દેવાને બદલે તેની સમાંતરે નીચેના સ્તરેથી પણ તેના અંગે જાગૃતિ કેળવવાના સન્નિષ્ઠ પ્રયાસો થાય એ આવકાર્ય છે. બીજી સૌથી અગત્યની વાત કોઈ પણ કાયદાકાનૂનની સમાનતા સ્થાપિત કરવાની છે. ટ્રાફિકના નાના નિયમભંગ માટે પકડાતા લોકો પણ દંડ ભરવાને બદલે કોર્પોરેટરને કે રાજકીય પક્ષના અગ્રણીઓને ફોન લગાવવા માંડે એ સ્થિતિ બહુ આવકાર્ય નથી. અને આવા ફોનને પગલે સંબંધિત અગ્રણી નિયમભંગ કરનારને છોડી મૂકવાનો આદેશ ટ્રાફિક પોલિસને આપે એ સ્થિતિ તો જરાય આવકાર્ય નથી.

આવી ઘટનાઓને પગલે એ પણ વિચારવા જેવું છે કે આપણા નાગરિકોને ટ્રાફિકના કે એવા અન્ય કાયદાનું પાલન શાથી ગમતું નથી? આપણા નેતાઓ કાયદાનો ભંગ કરીને કે તેને તોડીમરોડીને કાનૂનપાલન માટેની નિસ્બત પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે એ તેનું એક કારણ નથી ને? ટ્રાફિકના નિયમના ભંગ બદલ દંડની રકમ અનેકગણી કરવાથી ટ્રાફિકના નિયમપાલનમાં જાગૃતિ આવે છે કે કેમ, એ તો સમય જ કહેશે. એના માટે બહુ રાહ નહીં જોવી પડે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯ – ૦૮– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *