





કામાગાટા મારૂ જહાજની ઐતિહાસિક ઘટના (૧)
દીપક ધોળકિયા
ઘણી ઘટનાઓ મુખ્ય ઘટના ચક્રની બહાર બનતી હોય છે, પણ એ ઇતિહાસના એવા વળાંક પર બને છે કે એ મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ જતી હોય છે. કામાગાટા મારૂ (આપણા દેશમાં આ નામ પ્રચલિત છે પણ મૂળ નામ કોમાગાતા મારૂ છે) જહાજની ઘટનાને પણ ગદર પાર્ટીએ જગવેલી આઝાદીની મશાલ સાથે સીધો કોઈ જ સંબંધ નહોતો પણ એ ગદર સાથે અને દેશની આઝાદીના સંગ્રામ સાથે એવી વણાઈ ગઈ છે કે જાણે એ ઘટના એનો ભાગ હોય. એટલું ખરું કે બ્રિટિશ વસાહતોમાં હિન્દીઓ સાથે જે વર્તાવ થતો હતો તેને કારણે ગદરની આગ ભડકી હતી અને કામાગાટા મારૂ જહાજ પણ વસાહતોના શાસકોની એ જ નીતિઓનો ભોગ બન્યું હતું. જો કે એમાં વ્યાપારી સ્વાર્થનાં લક્ષણો પણ હતાં. તેમ છતાં, ગદર અને કામાગાટા મારૂ એવાં એકમેક સાથે વણાઈ ગયાં છે કે આજે એમને નોખાં પાડવાનું શક્ય નથી. પહેલાં કેનેડામાં વસવાટ કરવાના કાયદાઓનો ઇતિહાસ જોઈએ કે જેથી આખી ઘટનાનો સંદર્ભ સ્પષ્ટ થાય.
ઓગણીસમી સદીમાં તો કોઈ પણ દેશમાંથી સશક્ત વ્યક્તિ કૅનેડા આવીને વસી શકતી હતી, માત્ર માંદા કે વયોવૃદ્ધોને પ્રવેશ નહોતો મળતો. ૧૮૭૯માં કૅનેડા બ્રિટનની કૉલોનીમાંથી ડોમિનિયન રાજ્ય બન્યું તે સાથે એના આંતરિક વ્યવહાર માટેના કાયદા બનાવવાની સત્તા એના હાથમાં આવી. કૅનેડામાં બહારથી આવીને વસનારાની વસ્તી બહુ વધી ગઈ હતી. આથી ત્યાં સ્થાયી થયેલા યુરોપિયનોને એમના રોજગાર પર જોખમ તોળાતું દેખાયું. પહેલાં તો ચીની નાગરિકોના આગમન પર અમુક પ્રતિબંધો લાગુ કરાયા પરંતુ ભારત જેવી બ્રિટિશ વસાહતોમાંથી આવનારા લોકો પર કોઈ બંધન નહોતાં. પણ કેનેડાએ એવો કાયદો બનાવ્યો કે બ્રિટીશ વસાહતમાંથી કોઈ આવતો હોય તેની મુસાફરીની ટિકિટ સીધી હોવી જોઈએ. યુરોપ માટે તો એ કદાચ શક્ય હતું પં એશિયનો માટે નહીં. જહાજ ઈંધણ ભરવા માટે માર્ગમાં કોઈ બંદરે રોકાયું હોય તો એ સીધી મુસાફરી નહોતી ગણાતી. તે ઉપરાંત જે કોઈ કૅનેડામાં વસવા આવતો હોય તેણે ૨૦૦ કૅનેડિયન ડૉલર પણ ફી તરીકે આપવાના હતા. આ રકમ બહુ મોટી હોવા છતાં હિન્દીઓ એ તો ગમે તેમ આપી દેવા તૈયાર હતા પણ સીધી ટિકિટ કેમ લેવી તે સવાલ હતો.
કૅનેડાની ડોમિનિયન સરકાર અને હિન્દુસ્તાનની બ્રિટિશ સરકાર બહુ સખત હતી અને હિન્દીઓ આનો ઉપાય કરતા અને સીધી ટિકિટ મેળવવા મથતા પણ ટિકિટ આપનારી કંપનીઓ ડરીને પાછી હટી જતી.
સરદાર ગુરદિત્ત સિંઘ
કંપનીઓને મનાવવાના પ્રયત્નો નિષ્ફળ રહેતાં હવે પોતાનું જ જહાજ લઈને એમાં લોકોને કૅનેડા લઈ જવાના વિચાર શરૂ થયા. આમાં એક સાહસિક કોંટ્રૅક્ટર સરદાર ગુરદિત્ત સિઘે હિંમત કરી. એના માટે તો એ ધંધો હતો. જહાજ મળી જાય અને હિન્દીઓને લઈ જાય તો કમાણી પણ થાય એમ હતું. ઘણી તપાસ પછી એને હોંગકોંગનું જહાજ કામાગાટા મારૂ મળ્યું. જહાજ કલકત્તાથી સીધા કૅનેડા જઈ શકતું હતું પણ બ્રિટિશ સરકારે એમ ન થવા દીધું. ગુરદિત્ત સિંઘ ફરી હોંગકોંગ ગયો, ત્યાંથી મુસાફરો લીધા, શાંગહાઈ ગયા ત્યાંથી પણ મુસાફરો ચડ્યા. જાપાનના મોજો બંદરેથી પર મુસાફર મળ્યા. આમ જહાજ સીધું તો જતું નહોતું!
કૅનેડા સરકારે આની સામે પૂરી તૈયારી કરી લીધી. ૨૩મી મેના રોજ જહાજ વૅનકુવર પહોંચ્યું ત્યારે કૅનેડાના પોલીસ દળે એને ઘેરી લીધું અને મુસાફરોને બંદરે ઊતરવા ન દીધા. હિન્દુસ્તાનીઓને ઊતરવા નથી દીધા તે જાણીને ધક્કા પર સ્થાનિક લોકોની ભીડ પણ તમાશો જોવા ઊમટી પડી.

પહેલાં તો કૅનેડા સરકારે સૌના આરોગ્યની ખાતરી કરવાનું બહાનું આપ્યું. ગુરદિત્ત સિંઘ પાસે ડૉક્ટરનું સર્ટીફિકેટ હતું પણ એ ખોવાઈ ગયું હતું. કૅનેડા સરકારે પોતે જ તપાસ કરાવવા ડૉક્ટરોની ટીમ મોકલવાનું નક્કી કર્યું પણ ખરેખર એમાં બહુ વિલંબ કર્યો. એ દરમિયાન જહાજ પર અનાજપાણી ખૂટવા આવ્યાં. ગુરદિત્ત સિંઘે ઇંગ્લૅન્ડની રાણીને તાર મોકલીને જાણ કરી કે અનાજ ખૂટી ગયું છે. બ્રિટન સરકારની દરમિયાનગીરીથી કેનેડા સરકારે ખાધાખોરાકીનો સામાન તો મોકલી આપ્યો પરંતુ બ્રિટિશ સરકાર મુસાફરોને ઊતરવા દેવા માટે વચ્ચે પડવા નહોતી માગતી.

આ જ વખતે જહાજના ભાડાનો ૨૨ હજાર ડૉલરનો ત્રીજો હપ્તો ભરવાનો સમય પણ થઈ ગયો. હવે ગુરદિત્ત સિંઘે કૅનેડામાં વસતા શીખોની ખાલસા દીવાન સોસાઇટી અને યુનાઇટેડ ઇંડિયા લીગને જહાજને લીઝ પર રાખી લેવા વિનંતિ કરી. ૩૧મી મે ૧૯૧૪ના દિવસે ગુરુદ્વારામાં સાતસો હિન્દુસ્તાનીઓની મીટિંગ મળી તેમાં ભાઈ બલવંત સિંઘ અને શેઠ હસન રહીમની અપીલને જબ્બર આવકાર મળ્યો અને ૬૦ હજાર ડૉલર એકઠા થયા. એમાંથી ચડત હપ્તો ચુકવાઈ ગયો અને સરદાર ભાગ સિંઘ અને હસન રહીમના નામે નવો લીઝ કરાર થયો. હવે જહાજ કેનેડાના નાગરિકોનું થઈ ગયું એટલે અનાજપાણી પહોંચાડવાનું પણ શરૂ થઈ ગયું અને કૅનેડાના બંદરે લાંગરવાનો એને અધિકાર પણ મળ્યો. આમ છતાં કૅનેડા સરકાર એકની બે ન થઈ. આની સામે કૅનેડા જ નહીં, અમેરિકા અને ભારતમાં પણ રોષ ફેલાઈ ગયો.
નફાનુકસાનનો હિસાબ?
પરંતુ હવે એક નવી ઘટના બની જે શુદ્ધ ધંધો હોય કહી શકાય. કામાગાટા મારૂના એક મુસાફરના જણાવ્યા પ્રમાણે નવા લીઝધારકોએ ગુરદિત્ત સિંઘ પાસે બધો હિસાબ માગ્યો કારણ કે હવે નફાનુકસાનમાં એમનો પણ ભાગ હતો. જહાજના મુસાફરોને ઉતારવાનું આંદોલન ચાલતું જ હતું તે વચ્ચેથી ગુરદિત્ત સિંઘ અને એમના સાથીઓએ વૅનકુવરથી પાછા હોંગકોંગ જવાના ઇરાદાની સરકારને જાણ કરી દીધી. નવા લીઝધારકોના ૨૨ હજાર ડૉલર પણ ડૂબતા હતા, એ સ્થિતિમાં એ ખાધાખોરાકીમાં પૈસા ખર્ચવા તૈયાર નહોતા. બ્રિટનની દરમિયાનગીરી પછી કૅનેડા સરકાર ચાર હજાર ડૉલર આપવા તૈયાર થઈ. મૅડિકલ તપાસ વગેરે લાંબી કાર્યવાહી પછી જુલાઈની અધવચ્ચમાં કામાગાટા મારૂને પાછા જવાની સરકારી ઑફિસરોએ છૂટ આપી..
ગુરદિત્ત સિંઘ વિરુદ્ધ મુસાફરોનો બળવો
ખાધાખોરાકી લઈને પાછા જવાનો નિર્ણય મુસાફરોને પસંદ ન આવ્યો. કૅનેડાવાસી પંજાબીઓ પણ ગુરદિત્ત સિંઘના નિર્ણયનો વિરોધ કરતા હતા. એમણે જહાજમાં કોલસા ભરવાની અને એંજિનની જગ્યાએ પહેરો ગોઠવી દીધો. સરકારી અધિકારીઓ ખુલ્લેઆમ કહેતા હતાઃ‘kill them.’ આ બાજુ મુસાફરો પણ તૈયાર હતા. એમને જહાજ પર જે હાથે ચડ્યું તે – ખરાબ પડેલાં,, તૂટેલાં મશીનોના ભાગ, વાંસના દંડા, સળિયા બધું એકઠું કરી લીધું. ગુરદિત્ત સિંઘ અને જહાજના બીજા કર્મચારીઓને એમણે રૂમોમાં નાખીને બહારથી તાળાં મારી દીધાં.
૧૯મી જુલાઈની સવારે ૨૫૦ હથિયારધારી પોલીસો સી-લાઇન નામની એક ટગ(Tug – જહાજોને ખેંચીને કિનારે લાંગરવા માટે લઈ જતું મોટું જહાજ)માં કામાગાટા મારૂની લગોલગ આવી પહોંચ્યા. એમણે દોરડાથી તગને જહાજ સાથે જોડી કે તરત જ મુસાફરોએ દોરડું કાપી નાખ્યું. હવે ટગ પરથી ગરમ વરાળ પાઇપ વાટે જહાજ પર છોડવામાં આવી કે જેથી મુસાફરો દૂર ભાગી જાય. પોલીસો સીડીઓ ગોઠવીને ચડવા લાગ્યા તો ઉપરથી મુસાફરો એમને નીચે પટકવા લાગ્યા. મુસાફરોમાં એક પણ નાની મોટી ઈજાથી બચ્યો નહોતો. છેવટે પોલીસો જહાજ ઉપર પહોંચી ન શક્યા અને ટગ હટી ગઈ.
બીજી વારના હુમલામાં કૅનેડાના સત્તાવાળાઓએ કામાગાટા મારૂની લગોલગ એક યુદ્ધ જહાજ લાવી દીધું અને ગોળા છોડવાની ધમકી આપી.
પરંતુ બ્રિટનની સામ્રાજ્યવાદી સરકાર ખૂનખરાબીની હદ સુધી જવા તૈયાર નહોતી. એને કેનેડાની સરકાર પર દબાણ કર્યું એટલે સરકાર કામાગાટા મારૂ વૅનકુવર છોડી દે તો એને ખાધાખોરાકી પહોંચાડવા સંમત થઈ. અંતે ૨૩મી જુલાઈએ જહાજે વૅનકુવર છોડ્યું અને ભારત તરફ આવવા નીકળી પડ્યું.
ભારતમાં આવતાં શું થયું?
આવતા અંકમાં ગદર કથા હજી આગળ ચાલશે.
૦૦૦
સંદર્ભઃ
1. गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.
ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)
સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com
2. કૅનેડિયન એનસાઇક્લોપીડિયાની લિંકઃarticle/komagata-maru
(ફોટા અને કામાગાટા મારૂ વિશેની પૂરક વિગતો)
3. કૅનેડામાં ભેદભાવ વિશે કૅનેડિયન ઍનસાઇક્લોપીડિયાની લિંકઃ prejudice-and-discrimination
4. https://www.smithsonianmag.com/story-komagata-maru-sad-mark-canadas-past-180959160/
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી