આપણો કલાત્મક વારસો-આપણી સંસ્કૃતિ : શ્રી કલીકુંડ તીર્થ- ધોળકા-

Facebooktwitterredditpinterestlinkedinmail

પ્રાસ્તાવિક

વાચક હંમેશા પોતાના રસને અનુકૂળ હોય એવું લખાણ કે સાહિત્ય વાંચવાનું પસંદ કરે ત્યારે એમાંથી એને જાણકારી સાથે વાંચ્યાનો આનંદ, સંતોષ પણ મળવો જોઇએ. હેરિટેજ વિશે પણ જાણવાવાળો ચોક્કસ વર્ગ હશે. આ લેખમાળાથી એમને માહિતી તો મળી જ રહેશે અને સાથે રસ પણ જળવાઈ રહેશે.

આ લેખમાળા લખવાની પ્રેરણા આ સ્થાપત્યો જ છે. અહીંની બેનમૂન કલાકૃતિ-કોતરણીઓ અને એમાંથી મળતો આપણી સંસ્કૃતિનો પરિચય જ સૌથી મોટી પ્રેરણા છે. સદીઓ પહેલાના આ સ્થાપત્યો જ એટલા તો ભવ્ય છે કે એની તો ઓળખ કરવી જ રહી. આ સ્થાપત્યો જ નહીં એની રચના, એની પાછળનો ઇતિહાસ પણ એવો જ ભવ્ય છે.

વર્તમાન સમયની અદ્યતન તકનીકી સુવિધાઓની સામે સાવ અલ્પ સુવિધા, અથાગ મહેનતથી રચાયેલા સદીઓ પહેલાના સ્થાપત્યો આપણું ગૌરવ છે અને ગૌરવગાથા ગાવી તો ગમે જ ને?

પાલીતાણા, રાણકપુર કે સમેત શિખરજી જેવા તો જૈનોના ખુબ મહત્વનના તીર્થ મનાય છે. કલિકુંડ નાનકડું પણ જૈનોનું એક મહત્વનું તીર્થ મનાય છે. એક નહીં અનેકવાર કલિકુંડની મુલાકાત લેવાનો લાભ મળ્યો હતો. એકવાર અહીં પાલીતાણાની આબેહૂબ પ્રતિકૃતિનું નાનકડું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યાં સૌ પાલીતાણાની જાત્રા કર્યાના સંતોષ સાથે ભાવનાપૂર્વક દર્શન કરતા હતાં એ જોઈને મને એવું લાગ્યું કે અહીં તો નજીકના કે સ્થાનિક લોકો જ આ તીર્થનો લાભ લેતા હશે બાકી દૂર રહેતા ભાવિકોને તો કદાચ આ સ્થળની જાણ ન પણ હોઈ શકે. આવા તો એક નહીં અનેક ધામ છે જેના વિશે સૌને ખબર નથી પણ હોતી અને વાત માત્ર અહીં ધાર્મિક ભાવનાની, ધાર્મિક સ્થળોની જ નહીં પણ રાજ-રજવાડાના સ્થાપત્યો અને એના કલાત્મક પાસાની પણ છે જેના વિશેની જાણકારી તો પ્રત્યેક મુલાકાતીઓને કદાચ ધ્યાનમાં પણ નહીં હોય.

રાણીની વાવની મુલાકાત લીધી ત્યારે પણ એવો જ વિચાર આવ્યો કે આ પગથિયાવાળી વાવ તો આખી હિંદુ ધર્મના અનેક દેવ-દેવીઓની કલાત્મક કોતરણીવાળી મૂર્તિઓથી સુશોભિત છે. એવી રીતે રાણકપુરના ૧૪૪૪ સ્તંભોની અદ્ભૂત રચના, ચીનની દીવાલ પછી ચંદ્ર પરથી નજરે પડતો હોય એવો કુંભલગઢ, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે વિશ્વ હેરિટેજ તરીકેની કક્ષાએ મુકીને જે ગુજરાતના ઐૈતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને બહુમાન બક્ષ્યું છે એવા ચાંપાનેર અને પાવાગઢ અને એવા તો અનેક ધામ છે જે આપણી સદીઓ જુની સંસ્કૃતિ, સ્થાપત્ય અને કલાકૃતિનો કલાત્મક વારસા સમા છે.

આવા સ્થળોની મુલાકાત લીધી ત્યારે એક વિચાર આવ્યો કે આપણી સંસ્કૃતિ કે આપણા આ કલાત્મક વારસાનો, આપણી અસ્મિતા-આ ગૌરવનો શક્ય હોય એટલો પરિચય કરવો અને કરાવવો. મઝાની વાત તો હતી કે અમદાવાદના વરિષ્ઠ પત્રકાર-ફોટોગ્રાફર મુરબ્બી શ્રી કલ્યાણભાઈ શાહ પણ સાથે જ હતા એટલે એમણે લીધેલી જીવંત તસ્વીરો અને શાબ્દિક પરિચયનો એક સુભગ સમન્વય સર્જાયો અને એમાંથી સર્જાઈ આ હેરિટેજ લેખમાળા.

શક્ય છે હેરિટેજ લેખમાળાના વાચકને આ પાનાઓ પર ઉપલબ્ધ માહિતીથી આ સ્થાપત્યોની મુલાકાત લેવાની ઉત્સુકતા થાય અને મુલાકાતીઓને આપણી સંસ્કૃતિ -કલાત્મક વારસાનો પરિચય મળે.

આશા છે વેબગુર્જરીના વાચકોને આ લેખમાળાથી આપણી અસ્મિતાનો પરિચય થશે.

રાજુલ કૌશિક

+   +   +   +


શ્રી કલીકુંડ તીર્થ- ધોળકા-

એક સમય હતો જ્યારે બારમી સદીમાં ગુજરાતની ખુબ જાહોજલાલી હતી અને ધોળકા તેની પાટનગરી હતી ત્યારે તે સમૃધ્ધિ ટોચ પર હતું. ધવલક્કરપુર-ધોળકા વગેરે અનેક નામોથી પ્રખ્યાત આ નગરી પોતાના અંતરમાં એક ઇતિહાસ સાચવીને બેઠી છે.ધોળકા મહાભારત કાળનું વિરાટ નગર હતું. કહે છે કે પાંડવો અહીં ગુપ્તવેશમાં આ નગરમાં રહ્યા હતા.

ધોળકામાં જૈનોની વસ્તી પણ હજારોમાં હતી.ત્યારે સ્વાભાવિક દેરાસરો અને પૌષધશાળાઓ પણ વિપુલ પ્રમાણમાં હતી. લગભગ ૧૦૮ દેરાસરો અને ૮૦ જેટલી પૌષધશાળા ધરાવતા આ નગરની નજીક અને અમદાવાદથી લગભગ ૩૦ કી.મીટર અંતરે આવેલા કલિકુંડનું પણ આજે એટલું જ ધાર્મિક મહત્વ છે.

આઠસો વર્ષના ગાળા દરમ્યાન અહીં ઘણું લૂંટાયુ છે અને છતાંય આજે અહીં આ કલિકુંડના દેરાસરમાં કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન,શ્રી આદિનાથ ભગવાન અને શ્રી શીતલનાથ ભગવાન ભક્તોની ભાવઠ ભાંગતા હાજરાહજૂર છે.

કલિકુંડ દેરાસરમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની ૨૨૦૦ વર્ષ પ્રાચીન ૩૫ ઇંચ ઊંચી શ્વેતવર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી ૨૯ ઇંચ પહોળા અરિકર વચ્ચે બિરાજમાન છે. કલિ પર્વત અને કુંડ નામના સરોવરની મધ્યમાં આ જિનાલય બનાવ્યું હોવાથી એનું નામ ”કલિકુંડ” આપવામાં આવ્યું. કલિકુંડ દેરાસરની સામે દાદાવાડી છે.

શ્રી કલિકુંડ દેરાસરની પાસે એક લાખ ચોરસ ફૂટ જમીન ઉપર શ્રી શત્રુંજય તીર્થ ઉભું કરાયું છે.૪૫ ફૂટ ઊંચા આ ગિરિરાજ પર્વત ઉપર ૨૫ હજાર ચોરસ ફૂટમાં મંદિરોની નગરી જાણે ઉભી થઇ છે. પાલીતાણા ન જઇ શકતા જૈનો અહીં યાત્રા કરીને સંતોષ માને છે.

કલિકુંડ જેવા તીર્થ સ્થાને જવાથી જે મનને અપાર શાંતિ મળે છે તે તો જાતે જ જઇને અનુભવી શકાય.

આલેખન-રાજુલ શાહ.

ફોટોગ્રાફીકલ્યાણ શાહ.


શ્રીમતી રાજુલ કૌશિકનાં સંપર્ક સૂત્રો
બ્લોગ રાજુલનું મનોજગત  – http://www.rajul54.wordpress.com
ઈ-મેઈલ rajul54@yahoo.com


સંપાદકીય નોંધ –

આપણાં આમંત્રણનો સ્વીકાર કરીને શ્રીમતી રાજુલબહેન કૌશીકે આપણી સાંસ્કૃતિક ધરોહરનાં સ્થળોની આ લેખમાળા વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવાની સહમતિ દર્શાવી તે બદલ આપણે તેમનો હાર્દિક આભાર માનીએ છીએ.

શ્રીમતી રાજુલબહેન કૌશિકની આ માહિતીપ્રદ લેખમાળા આપણે દર મહિનાના પહેલા અંગળવારે પ્રકાશિત કરીશું.

– સંપાદક મંડળ – વેબ ગુર્જરી

1 comment for “આપણો કલાત્મક વારસો-આપણી સંસ્કૃતિ : શ્રી કલીકુંડ તીર્થ- ધોળકા-

  1. Purvi
    September 4, 2019 at 9:43 am

    Sundar.

Leave a Reply to Purvi Cancel reply

Your email address will not be published. Required fields are marked *