ગઝલાવલોકન – ૧૪ – ગઝલમાં વિરોધાભાસ

સુરેશ જાની

ઉપમા કે રૂપકથી ઊંધો ભાવ એટલે વિરોધાભાસ. એમાં સરખામણી હોય પણ ઊંધી! એકમેકથી વિરોધી બાબતો એક જ પદ કે શેરમાં રજૂ કરીને, કવિ અલગ જ રીતે પોતાની વાત કહેવા માંગે છે. અથવા વિરોધનો ભાવ વાપરીને કવિ મૂળ બાબતના ગૌરવને પ્રાધાન્ય આપવા માંગતો હોય છે. ‘પણ’, પરંતું’, ‘છતાં’ એવા શબ્દો શેર કે પંક્તિમાં વપરાય ત્યારે વિરોધાભાસ એકદમ સ્પષ્ટ રીતે દેખાઈ આવતો હોય છે.

જગત અરસ પરસ વિરોધી બાબતોથી ભરપૂર હોય છે. એક વિચાર પ્રમાણે તો પરસ્પર વિરોધી બાબતો એકેમેકની પૂરક હોય છે! દા.ત. પ્રેમ અને ધિક્કાર. આપણે જેમને ધિક્કારવા લાગીએ છીએ, એ મોટે ભાગે એક કાળમાં આપણા મિત્રો જ હતા. સાવ અજાણ્યું માણસ મોટા ભાગે આપણું દુશ્મન નથી હોતું. જે પ્રિયાનો ઘંટડી જેવો અવાજ પ્રેમીના મનમાં અવનવા ભાવ ઉપજાવતો હોય છે, એ જ પ્રિયા પત્ની બને પછી, તેનો અવાજ વર્ષો પછી કર્કશ અને અપ્રિય કે ડરામણો લાગવા માંડે છે!

આજે ગઝલમાં આવા વિરોધાભાસ ભેગા કરવા પ્રયાસ કર્યો છે.

૧. હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો.
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો, કોણ માનશે?

                                                             – રૂસ્વા મજલૂમી

૨. થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરુને દીપાવી દીધી
એમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી

                                                            – બેફામ

૩. વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે
તું નયન સામે નથી તો પણ મને દેખાય છે

                                                            – બેફામ

૪. આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સહેલ નથી,
હું આમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.

                                                             – શયદા

૫. નજર રૂપની એટલે એક પારો, હૃદય પ્રેમનું એટલે એક જ્વાળા,
સમાવ્યો છે પારો અમે આગ માંહે, જીગર ‘શૂન્ય’ એવું અવર કોણ કરશે.

                                                               – ‘શૂન્ય’ પાલનપુરી

૬. ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

‘ઘાયલ’ નિભાવવી’તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.

                                                              – અમૃત ‘ઘાયલ’

૭. છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો.
યાદ કૈં આવ્યું નહીં પણ આંસુઓ આવી ગયાં.

                                                                – સૈફ પાલનપુરી

૮. એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે…

                                                                – ‘શુન્ય’ પાલનપુરી

૯. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!

સદાયે શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવન,
ફકત એકવાર કાંટાની પથારી પાથરી તો જો!

                                                           –  નાઝિર દેખૈયા

૧૦. વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું,
સંકડો ફળથી જતન એક વૃક્ષ કેરું ના થયું;
એમ પોષે છે પિતા બે-ચાર પુત્રોને છતાં,
સર્વ પુત્રથી જતન એક જ પિતાનું ના થયું.

                                                                – વિનય ઘાસવાલા


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.