લ્યો, આ ચીંધી આંગળી – પાકિસ્તાનથી આવ્યો ફુલનો દડો !

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

(લ્યો, આ ચીંધી આંગળી !ની ગઈ કડીના મેરા બચ્ચા લેખમાં એક પાત્રની જેમ પરોવાઈ ગયેલા નાનકડા જેતપુર શહેરના સંદર્ભે આ વખતે દૂરસુદૂર પાકિસ્તાનમાં વસતા જેતપુરીઓની થોડી વાતો.)

જીવનના પ્રભાતકાળના સોનેરી હુંફાળા તડકા જેવા બચપણના દિવસો કોઇ ભૂલતું નથી. હું પણ ભૂલ્યો નથી. કરાચીના જનાબ યાહ્યા હાશીમ બાવાણી. આઝાદી પહેલાંના કાળે અમારી નવ-દસની ઉમરે એ મારા શેરીગોઠીયા હતા. પછી તો 1947માં હિજરત કરીને પાકિસ્તાન ચાલ્યા ગયેલા. અને કાળક્રમે મારા ચિત્તમાં એ ઝાંખી છબી બની ગયેલા.

પણ થોડાં વરસ પહેલાં એ અમારા વતન જેતપુરમાં આવ્યા ત્યારે અહીથી હિજરત કરી ગયેલા પહેલાંના પોતાના ઘરની દીવાલો જોઈને રડી પડ્યા હતા. હા, અહીં હતી ઓસરીની ખાંડણી, અહીં હતું અમારૂં રસોડું, અહીં ભીંતે અમે આડાઅવળા ચિતરામણ કર્યા કરતા. અહીં અમારી બકરી બંધાતી ને આ ગલીમાંથી પસાર થતા અમારા મોહર્રમના તાજીયા. વતનની ધૂળને એમણે માથે ચડાવી હતી ને પછી જેતપુરની શોભારૂપ એવી કેટલીક હસ્તીઓ- હવે ભલે વૃદ્ધ થઈ ગઈ હતી, પણ એમનેય મળ્યા હતા ને પોશ પોશ આંસુએ રડ્યા હતા. એમાંના એક હતા એક વારની અંજુમને ઈસ્લામ સ્કૂલના પ્રિન્સિપાલ અને પાછળથી જેતપુર સુધરાઈના ચીફ ઓફિસર થયા તે ચત્રભુજભાઈ દવે ને બીજા હતા ડોક્ટર રાજેન્દ્ર બિહારીલાલ વચ્છરાજાની, જે આખા જેતપુરમાં સૌથી સોહામણા પુરૂષ હતા અને વહાલથી જેમને સૌ ‘ડોક્ટર જાની’ ના ટુંકા નામે સંબોધતા. એમની વાણી જ અર્ધી દવાનું કામ કરતી. યાહ્યા હાશિમ બાવાણી પછી એમના બચપણના મિત્રોને શોધી રહ્યા. કેટલાક કાળની ગર્તામાં વિલીન થઈ ગયા હતા. કેટલાક મળ્યા હતા અને પચાસ-પંચાવનની ઉમરે ખખડી ગયા હતા. મોતિયા ઉતરાવીને બેઠા હતા.

યાહ્યાભાઈએ મારી પણ પૃચ્છા કરી હતી. એમનો હું પાક્કો શેરીભેરૂ હતો, પણ હું તો હવે અમદાવાદ રહેતો હતો. એ મને મળવા તો ન આવી શક્યા અને ના તો ફોન કરી શક્યા, કારણ કે એ આવ્યા ત્યારે મોબાઇલ તો નહોતા જ, પણ સાદા ફોનેય આટલા હાથવગા નહોતા. પણ કરાચી જઈને મને એમણે લાંબો લાગણીભીનો, નાનપણના સંભારણા તાજાં કરતો પત્ર લખ્યો હતો. એમણે એક વાક્ય એવું લખ્યું હતું જે વાંચીને મારા દેહમાંથી, ચિત્તમાંથી પણ લાગણીનો ઉકરાટો પસાર થઈ ગયો હતો. એમણે લખ્યું હતું : ‘ભાઈબંધ, તમને મળી તો ન શક્યો પણ તમારૂં સરનામું મેળવીને પણ હું રોમાંચિત થઈ ગયો. જાણે કે આપણી ડાયમંડ ટોકિઝના પરદે તમને જૂના વારંવાર પટ્ટી કપાઇ જતા પિકચરરૂપે જોયા. એ વખતે તો સાવ ખખ્ખુડી-મખુડી હતા મુઠી હાડકાના! અત્યારે કેવા લાગતા હશો. ફોટું મોકલજો.’ એ પછી પણ આ પુસ્તકની તૈયારી મિષે અમારી વચ્ચે પત્રવ્યવહાર ચાલ્યો હતો. પણ પચાસ વરસોના વીતવા સાથે અમારી વચ્ચેથી તુંકારાનો લોપ થઈ ગયો હતો. છતાં પત્રનો અક્ષરે અક્ષર ધબકતો હતો. મારાથી પણ પત્રમાં એમને તુંકારો ન લખી શકાયો. લખ્યું, ‘તમારી મેમણ કોમ સાથેનો મારો અનુબંધ જૂનો છે. મને કદી કોમવાદનો હલકો વિચાર સુદ્ધાં નથી આવ્યો. એના મૂળમાં મારા બચપણના મેમણ શેરીમિત્રો હારૂન, અબ્દુલાહ, ગફાર, ગની અને બીજાઓ છે. આઇસા(આયેશા) નામની લીલી આંખોવાળી છોકરી પણ ઇજાર-આબો પહેરીને અમારી સાથે ત્રણ ખજુરીએ ખલેલાં પાડવા આવતી. ખજૂરી પર ઉંચે સુધી પથરા ફેંકવાથી નિશાન લાગે તો ચણીબોર જેવડાં લીલાં ખલેલા નીચે પડતાં જે છોકરીઓ ખોળો પહોળો કરીને ઝીલી લેતી. આઇસા મારી ખાસ ભેરુ હતી, કારણ કે એને મારા કોડીઓનો જંગી કલેક્શનમાં રસ હતો અને મને રસ એના ખોળાનાં લીલાં ખલેલાંમાં. એ મને ખોળો ભરીને ખલેલાં આપતી અને હું એને ગણી ગણીને કોડીઓ આપતો. જો કે, એ તો નવ-દસની ઉમરે જ પાકિસ્તાન ચાલી ગઇ. પાછળથી પાકિસ્તાનમાં આવી યુવાન થઈ ત્યારે સી ગ્રેડની ફિલ્મોમાં એકટ્રેસ બની. ઘણા વરસે એક દોસ્ત જુસબ આમદ જેતપુર આવ્યો ત્યારે મને એ કહેતો હતો કે આઇસા પાકિસ્તાની ફિલ્મોમાં એની એ લીલી આંખોને કારણે ‘સી’ ગ્રેડની ફિલ્મોમાં રોલ કરે છે. અને એણે બલુચીસ્તાનના એક ખાણ માલિકને ફાંસ્યો છે. સંભળીને મારા મનમાં એની ચંચળ, લીલી આંખો ઉપસી આવી.

જનાબ યાહ્યા હાશિમ બાવાણી મારી જ ઉંમરના છે. (આ લેખ લખ્યો તે સમયે) સાઠની આસપાસ. જે પાકિસ્તાનમાં પત્રકાર છે, પણ સર્જક જીવ છે. ત્યાં નામાંકિત વર્તમાનપત્રોના તંત્રીપદે હતા. હજુ પણ ત્યાંના પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. 180-ઈ, આદમજી નગર, એ બ્લોક, કાઠિયાવાડ સોસાયટી,મક્કા મસ્જિદ પાસે, કરાચી(પાકિસ્તાન)માં રહે છે. એમની જન્મભૂમિ અને વતન જેતપુર છે, પણ બીજા હજારો જેતપુરવાસીઓની જેમ એમના દિલમાં જેતપુર પ્રાણસ્થાને છે. બીજાઓ પાસે કલમ નથી, જ્યારે આમની પાસે એક સર્જક-પત્રકારની કલમ છે એટલે એમણે પુસ્તકો પણ અનેક લખ્યાં છે – એમાંનું છેલ્લું દળદાર, કાળા પૂંઠાનું, સોનેરી અક્ષરના એમ્બોસવાળું પુસ્તક ‘મારા જેતપુરના મેમણો’ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી ચાલે છે એ દિવસોમાં યારદિલીથી એમણે મને એ છેક કરાચીથી મોકલ્યું. (એ પુસ્તક માટે યથાશક્તિ સામગ્રી મેં એમને મોકલી હતી, જેનો એમણે પ્રસ્તાવનામાં સાભાર ઉલ્લેખ પણ કર્યો છે. અઢીસો જેટલા પાનામાંથી માત્ર શરૂનાં પંચાવનેક પાનાં જ અંગ્રેજીમાં છે. બાકીનાં તમામે તમામ આપણી અને આપણી ગુજરાતી ભાષામાં છે. એની ઇન્ડેક્સ અને થોડાં પાનાં આ લેખ સાથે મુક્યાં છે.)

પુસ્તકનું નામ ભલે ‘મારા જેતપુરના મેમણો’ એવું હોય પણ એમાં ‘મારા’ શબ્દ ઉપર આત્મીયતાની છૂપી અંડરલાઈન છે ને મેમણો શબ્દની નીચે કોઈ દેખીતી કે છૂપી અંડરલાઈન નથી. મેમણો કેન્દ્રમાં નથી. હિંદુઓની પણ અનેક વાતો એમાં છે. મહાદેવનાં મંદિરોની, જેતપુરના હિન્દુ મહાનુભાવોની, હિન્દુ તહેવારોની જેતપુરમાં થતી ઉજવણી, જેતપુરમાંના સાહિત્યકારોની, રાજકર્તાઓની એમાં ઝીણી ઝીણી વિગતો છે. યાહ્યા હાશિમ બાવાણીએ, આપણનેએમ જ લાગે કે આજથી પચાસવર્ષ પહેલાંના સુંદર રૂપકડા જેતપુર શહેરની જ આ પુસ્તક લખીને પુર્નરચના કરી છે. જૂના જેતપુર શહેરની કાળના ચક્રમાં ચૂરા થઈ ગયેલી એક-એક ઈંટોને એમણે પોતાની સ્મૃતિના નિભાડામાં ફરી પકાવી છે ને ફરી નવેસરથી એ જૂના શહેરને નવું તોરણ બાંધ્યું છે.

કેટલી મઝાની વાત છે કે એમાં આવડા મોટા પાકા પૂંઠાના પાકિસ્તાની બસો રૂપિયાના(અમેરિકન ડોલર દસના) પુસ્તકમાં પોતાની અંગત સ્મૃતિઓને ક્યાંય તરતી મૂકી નથી. જેને પ્રત્યક્ષ જોઈને જેતપુરમાં પોતે રડી પડ્યા હતા એ ઘર કે એ શેરીનો ફોટોગ્રાફ સુદ્ધાં એમાં નથી. એમનો રસ યાહ્યા હાશિમ બાવાણીની અંગત જેતપુરસૃષ્ટિમાં નહોતો જ. એમનો રસ પચાસ વરસ પહેલાંના સો-દોઢસો વરસના ગાળાના જેતપુર, એના મેમણોએ, એમના હિન્દુ બિરાદરો, એમની સંસ્કૃતિ, એમનો ઈતિહાસ,એમની રહનસહન, એમનો સમાજ અને ગૃહવ્યવસ્થા આલેખવા સાથે અત્યારે પાકિસ્તાનમાં પણ જેતપુરની યાદને એમણે કેવી કેવી રીતે પ્રજવલિત રાખી છે એમાં હતો. એ રીતે તો આ પુસ્તક એ વાતની પ્રતીતિ કરાવે છે કે રાષ્ટ્રના ભાગલા પડી શકે, પણ પ્રજાના નહી.

પ્રજાની ચેતનાને ડાંગ મારીને પૃથક કરી શકાતી નથી. એવું હોત તો પાકિસ્તાનની ધરતી ઉપર નસીરાબાદમાં એકસો છવ્વીસ ફ્લેટનો જેતપુર સ્કેવર ન હોત – અને વસાહત ઊભી કરનાર ‘જેતપુર મેમણ એસોસિએશન’નું અસ્તિત્વ ન હોત. અરે ‘ગુલશને જેતપુર’ નામની એસી ફ્લેટની સુંદર વસાહત ન હોત. પાકિસ્તાનની ધરતી પર અત્યારે એક ‘જેતપુર પ્લાઝા’ છે. કરાચીના આદમજી નગરમાં પાંસઠ ફ્લેટનો ‘જેતપુર ટેરેસ’ છે. સુડતાળીસ ફ્લેટનો ‘બાગે જેતપુર’ છે. ચુમ્માળીસ ફ્લેટની ‘જેતપુર હાઉસ’ નામની સુંદર ઈમારત ન હોત અને આ બધું કોઈ વ્યાપારી ધોરણે નથી થયું.

(જેતપુર મેમણ એસોસિયેશન, કરાચી)

પાકિસ્તાન જઈ વસેલા જેતપુરના મેમણોએ પોતાના હાજતમંદ ગરીબ મેમણોમાટે આવી વસાહતો બાંધીને એમને તદ્દન મફત અથવા મામૂલી ખર્ચે ત્યાં વસાવ્યા છે. આ અમૂલ્ય પુસ્તકના પૃષ્ઠ 114 ઉપર મૂળ જેતપુરના (હવે પાકિસ્તાન જઇને) વસેલા સામાજીક કાર્યકર જનાબ અ. મજીદ અ. શકુર આરબી માહિતી આપે છે કે, “કાઠિયાવાડથી આવેલા જેતપુરવાસી મુહાજીરોનો સૌથી કઠિન પ્રશ્ન વસાહતોનો હતો. શરૂઆતમાં બર્ન્સ રોડ, રણછોડ લાઈન, કાગઝી બજાર, ખારાધર જેવા વિસ્તારોમાં અમુક સો રૂપિયામાં ભાડાનાં સારા ફ્લેટો મળી રહેતા હતા, એટલે ઘણાં જેતપુરવાસીઓ ત્યાં મકાન મેળવી રહેણાક કરવા લાગ્યા. પણ તેઓમાં બહુમતી એવા ભાઈઓની હતી જેઓની પાસે જે કાંઈ હતું તે હિજરતમાં ખર્ચ કરી નવરા થઈ ગયા હતા…. ઘણા કુટુંબો એવા હતા કે જેઓ માસિક ભાડું ભરવાની સ્થિતિમાંય નહોતાં.

આવા લોકોને વસાવવા માટે જેતપુરની ત્યાં જઈ વસેલી મેમણ કોમના જનાબ આહમદ રંગુનવાલા, જનાબ હાજી અ.લતીફ સાઉ બાવાણી, જ.અબ્દુલ્લાહ અ. અઝીઝ કામદાર, જનાબ યાહ્યા આહમદ બાવાણી, અલ્હાજ ઝકરિયા, હાજી અલીમુહમ્મદ ટબા, અબુબકર ઢેઢી, આહમદ મુનશી, મો. હનીફમિયાં નુર જેવા દાનવીરો અને કાર્યકરો આગળ આવ્યા. તેમણે જ ઉપરની બધી વસાહતો સ્થાપી એ સૌને મકાનો આપ્યાં. એટલું જ નહીં પણ જેતપુરના નામને એ ધરતી પર જીવતુંજાગતું રાખ્યું. એ મકાનમાં હવે તો એમાં રહેનારાઓની પેઢી પછીની પેઢીઓ વસશે. પણ એક વાત નિઃશંક છે એમાં રહેનારાઓના હૃદયમાં જેતપુરનું નામ કાયમ માટે કોતરાયેલું રહેશે. એ જોઈને એમ જ લાગે કે શહેરનો પાયો ભૂગોળમાં નહી,ઈતિહાસમાં હોય છે. ધરતી પર નહીં, હૃદયમાં હોય છે.

(જેતપુર પ્લાઝા, કરાચી)

પુસ્તકમાં જેતપુરીઓને જેની યાદ સતાવે છે એવા અંજુમને ઇસ્લામ સ્કૂલ કે ધોરાજી દરવાજા જેવા કેટલાક સ્થળોના કેટલાક ફોટા છે.. જેતપુરની સ્થાપનાની વાતો છે. લેખક લખે છે, “જેતપુર મારી જન્મભૂમિ, મારે મન એના કણકણ કંચનના, એની રજરજ રૂપાની, એની ભાદર સૌરાષ્ટ્રની પટરાણી, એના લોક સજ્જન સાથીની જેતપુરની કુખે જન્મેલા સપૂતોએ અલ્લાહની અસીમ કૃપાથી માનવતાની મહેક પ્રસારતાં ઘણાં કામો અંજામ આપ્યાં છે.” આ રીતે લાગણીથી લથબથ શબ્દોએ શરૂઆત કરીને એમણે પછી કેટલાક અધિકૃત ગ્રંથોને આધારે જેતપુરની સ્થાપનાની કથા આલેખી છે. અમરાવાળા અંગે લખાયેલા પુસ્તક ‘અમર યશ અરણ્વ’ અનુસાર નાથવાળાના પુત્ર જેતાવાળાએ બલોચોના કબ્જા હેઠળના નેસડા ઉપર કબ્જો કરીને ગામને પોતાના નામ પરથી ‘જેતાણા’ નામ આપ્યું, જે કાળક્રમે ‘જેતપુર’ તરીકે ખ્યાતિ પામ્યું. એ પછી દાયકાઓ પછી એની વસતિ 13, 085 (તેર હજાર પંચાસી) માણસોની થઈ એમ જેમ્સ કેમ્પબેલનું ગેઝેટિયર નોંધે છે. પ્રો.ડૉ. જશવંત જીવરાજાની (હાલ જેતપુરમાં પ્રોફેસર)ના કહેવા મુજબ ઈ.સ. 1700 માં વાળા કાઠીઓએ જેતપુર કબ્જે કરીને એને કિલ્લેબંધ બનાવ્યું હતું. એ વખતે જેતપુરને પાંચ દરવાજા હતાં. આજે બે-એક દરવાજા રહ્યા છે, જ્યારે બીજાના માત્ર નામ રહી ગયા છે. આ પછી એ દરેક દરવાજાની ભૌગોલિક સ્થિતિ અને જેતપુરના બાર જેટલા પરાંની વિગતો છે. આ બધાંના સમર્થનમાં રંગીન ફોટોગ્રાફ્સ તો આ પુસ્તકમાં ઠેરઠેર છે.

ત્રીજા પ્રકરણમાં મેમણોના કૌટુંબિક, વ્યક્તિગત અને સામાજીક સંસ્કારોનું ઝીણું ઝીણું રસપ્રદ વર્ણન-એ વાંચતા જ જાણે કે અર્ધી સદી પહેલાંના જેતપુરના કોઈ મેમણના ઘરના વાતાવરણમાં પહોંચી જવાય છે. મોટા ભાગના શ્રીમંત મેમણો દેશાવર ખાસ તો રંગૂન કમાવા જતા અને પાછળથી તેમની બાનુઓ અને બચ્ચાં કેવી રીતે જીવનચર્યા રાખતાં તેનાં આબેહૂબ વર્ણનો છે. શબ્દેશબ્દ ઉતારવાની લાલચને રોકી દઉં. જેતપુર મેમણ જમાતની સ્થાપના, જીમખાના, વાતો ઈતિહાસના માતબર પ્રકરણો જેટલી સુંદર છે. આઝાદી પહેલાંના જેતપુરનું વર્ણન ભારે રોચક છે. એ પછી આદમજી સહિતના જેતપુરના નામાંકિત મેમણો કે જેમણે પાકિસ્તાન જઈ ભારે નામના મેળવી તેમની વિગતો છે. એમાં 1918માં મહાત્મા ગાંધીજીના આગમનનું વર્ણન છે તો કાઈદેઆઝમ ઝીણાના જેતપુરમાં આગમનની તવારીખની હકીકતો છે. એ સાલ 1940ની હતી. જેતપુરની ખિલાફત ચળવળની કથા છે તો જેતપુરમાં ખાદી ચળવળનો આલેખ પણ એમાં છે. મેમણોની શાદીમાં વરરાજા પણ ખાદીનાં કપડાં પહેરે એવો શિરસ્તો અપનાવવામાં આવ્યો હતો. કેળવણીકાર પિતા, અબજોપતિ સર આદમજીએ પોતાના પુત્ર જ. ઝકરિયાની શાદીમાં દુલ્હાને શાદીનો સંપૂર્ણ લીબાસ પહેરાવ્યો હતો.

જેતપુરમાં મેમણોનું આગમન કઈ રીતે ? રસપ્રદ ઈતિહાસ છે. બે લીટીમાં આ લેખમાં લખી શકાય તેમ નથી પણ ઈતિહાસકાર જેમ્સ કેમ્પબેલના ગેઝેટિયરમાં નોંધાયા મુજબ ઈસવી સન 1422માં હઝરત પીર યુસુફુદ્દીન (રહ.)ના હાથે સિંધમાં લોહાણા જ્ઞાતિમાંથી મુસલમાન તરીકે કન્વર્ટ થયા હતા. સિંધથી સવાસો વર્ષ પછી તેઓ કચ્છમાં આવ્યા અને ત્યાંથી પછી ગુજરાત ભણી ગયા. ગુજરાતના બાદશાહ મહેમૂદ બેગડાએ જૂનાગઢમાં સૈયદો, કાઝીઓ, મેમણો અને વહોરાઓને વસાવ્યા હતા. જેતપુરમાં સૌ પ્રથમ બાવાણીઓના વડવા બાવાભાઈ 18 મી સદીમાં આવ્યા અને એમના પગલે પછી અનેક મેમણ કુટુંબો આવ્યાં

જેતપુરના મેમણ ઉમર સોબાની અને મિયાં મોહંમદ છોટાણીએ તો ગાંધીજીની સાથીદારી પણ કરી હતી. ગાંધી સાહિત્યમાં પણ એનો માનભર્યો ઉલ્લેખ છે. આ પુસ્તક વાંચીને એવું લાગ્યું કે જાણે પાકિસ્તાન તરફથી બંદૂકની ગોળી નહી, પણ ફૂલનો દડો આવ્યો.

**** **** ****

એક-બે આડવાત પણ કહેવી જરૂરી છે.

આ પુસ્તકની મિષે જ્યારે જેતપુરના મેમણોની વાત નીકળી જ છે ત્યારે મારા એક પુસ્તક ‘ઝબકાર’ કિરણ 6 ( પ્રકાશક :આર આર શેઠની કંપની, દ્વારકેશ, રોયલ એપાર્ટ્મેંટની બાજુમાં, ખાનપુર. અમદાવાદ -380 001/ ફોન 079 2550 6575 અને 99099 41801)માંથી એક લેખ ‘જેતપુર,મારી દુનિયા’નો જરૂરી અંશ અહીં ઉતાર્યો છે:

“હિંદુ-મુસ્લીમ હુલ્લડ અમારા જેતપુરમાં થયાનું પહેલી વાર 1947માં જ સાંભળ્યું. બાકી તો હિંદુ-મુસ્લીમ સંસ્કૃતિઓ પણ એક જ ડાળ પર ફૂટેલાં અલગ અલગ ઝાંયના બે પર્ણોની જેમ એક જ જળના સ્રોતથી સિંચાતી હતી. મોટા ભાગના પુખ્ત મેમણ પુરુષો કાં તો બર્મા અને કાં તો અન્ય દેશાવરોમાં કમાવા ચાલ્યા જતા.બે-ત્રણ વર્ષે વતનમાં એક આંટો મારવા આવી જતા એ સિવાય એમનાં આલિશાન, ભવ્યતા શબ્દને ચરિતાર્થ કરે તેવા મોટાં મોટાં બિલ્ડીંગોમાં એમનો કુટુંબ-કબિલો રહેતો. આવાં જબરદસ્ત મોટાં બિલ્ડીંગોમાં અય્યુબ મહાલ, બાવાણી મેન્શન, મોતીવાલા બિલ્ડીંગ, મોહમ્મદી મંઝીલ, આદમ મેન્શન જેવાં મુખ્ય હતાં. એ ભવ્ય મહેલાતોના દરવાજે એમની સ્ત્રીઓના કડક મલાજા માટે ચોવીસેય કલાક કોઇ વૃધ્ધ સફેદ ફરફરતી દાઢીવાળો દરવાન બેઠો રહેતો. રાત્રે એ પ્રવેશદ્વારના બેઉ સ્તંભની ટોચે દુધિયા કાચની હાંડીમાં પ્રગટાવેલાં ફાનસો યા ઇલેક્ટ્રિક લેમ્પ જલ્યા કરતા. આ પ્રવેશદ્વારોનાં બારણાં સતત બંધ રહેતા. જે એમના પરિવારને જવા આવવા માટે જરૂર હોય એટલા ઇંચ જ ખૂલતાં. એ વખતે અમારાં જેવાં બહાર કુતૂહલથી ઉભેલાં બાળકોને અંદરનાં એમનાં લાલપીળાં ફૂલોના છોડવાવાળું આંગણું ક્ષણાર્ધ માટે પણ નજરે પડી જતું, અથવા ફૂલવાળા કોઇ ઓઢણાંનો છેડો નજર સામે ફરકી જતો તો અમે રોમાંચિત થઇ જતાં.

(ધોરાજી દરવાજા, જેતપુર)

પણ પ્રજાની ખરી કઠણાઇ તો મેમણ પુરુષો બે-ત્રણ વર્ષે પાછા દેશમાં આવે ત્યારે શરુ થતી. મોટે ભાગે રમઝાન કે એવા કોઇ અવસરે અલગ અલગ દેશાવરોમાં વસતા મેમણો વતન જેતપુરમાં ઉતરી પડતા. એટલે પાંખી વસ્તીવાળા શહેરમાં એ વખતે સુરમો ભરેલી આંખો, લાલ કલપ કરેલી મૂછો, ઉંચી દિવાલની રુંવાદાર ટોપી કે લાલ રંગની રેશમી છોગાવાળી તૂર્કી ટોપી અને તીવ્ર રીતે મઘમઘતા અત્તરથી વાતાવરણ છવાઇ જતું.કમાઇને ધરાયેલા મેમણો શહેરમાં છૂટે હાથે રૂપિયા વાપરતા અને પરિણામે શહેરમાં દરેક ચીજવસ્તુઓના અને સેવાઓના ભાવ ચડીને આસમાનને આંબતા. ધોબી, હજામત, કટલેરી, હોઝીયરી, તેલ, અત્તર અને ફૂલ જેવાં ફૂલ સુધ્ધાં મોંઘાં થઇ જતાં. સર, કડિયા, લુહાર, દરજીના મગજના પારા અમારા જેવા સામાન્ય નગરજનો માટે બહુ ઉંચા ચડી જતા. આવું બે-ત્રણ માસ ચાલતું જ. એ વખતે બપોરના ચાર પછી શહેરમાં ટાવર પાસે અને અંજુમને ઇસ્લામ સ્કૂલ પાસે મેમણોનાં ટોળાં એક સાથે ટહેલવા નીકળતા. મોટે ભાગે પાછળ હાથ ભીડેલા રાખીને, પાયજામા ઉપર કાળો લાંબો કોટ ચડાવીને, સુઇબાલની ટોપીમાં ખાનદાની રઇસી (શ્રીમંતાઇ)ની આભા ચહેરા ઉપર વરતાતી હોય એમ જરા પણ શોર વગર ધીમા અવાજે, એમની કચ્છી મેમણી બોલીમાં વાતો કરતા કરતા નીકળવાની એમની રીત હતી. આવા રઇસોની સેવા-ખિદમત કરનારો જે બીજો એક મુસ્લીમોનો વર્ગ પણ હતો. તેમાંના પુરુષો પણ ઘણે ભાગે લાલ ચટક તૂર્કી ટોપી પહેરતા. એમનાં નામ કાસમ, ગફાર, મામદ, જિકર, અને અલી હજુ પણ મને યાદ છે. પણ આમ છતાં પણ ક્યાંય કશું વાતાવરણ તંગ થયું હોય એવું યાદ નથી આવતું. મારા ચિત્તમાં ત્યારથી હંમેશ માટે એમની છાપ ઇમાનદાર, શાંતિપ્રિય અને ધાર્મિક (પણ ધર્મઝનૂની નહિં) એવી પ્રજા તરીકેની પડી.

અમે રહેતા તે ખોડપરાનો જીનના કુવાનો વિસ્તાર કહેવાતો. એને બીજે છેડે જમાઇવાડો હતો. આવું વિચિત્ર નામ કેમ પડ્યું ? કારણ હતું. એક શ્રીમંત મેમણને સાત દીકરીઓ હતી. એ અત્યંત લાડકી દીકરીઓને પરણાવ્યા પછી પણ નજરથી અળગી ન થવા દેવા માટે એણે એવા જ કોઇ સાત ભાઇઓને પરણાવી અને પછી એ દરેકને એકસરખા બેઠાં ઘાટનાં મકાનો પોતાના આવાસની નજીક જ બંધાવી આપ્યાં. આમ તો એક નાનકડા મેદાનમાં એક સરખાં સાત મકાનોનો સમૂહ ઉભો થઇ ગયો. કદાચ સમગ્ર દેશમાં ઊભી થયેલી આ પ્રથમ સોસાયટી હશે, જેમાં ભાઇચારો નહિં, પણ ‘સાઢુભાઇચારો’ પ્રવર્તતો હતો !

આમ જેતપુર અને પાકિસ્તાનનો આવો ભાવાત્મક અનુબંધ મારા ખુદના જીવનનો પણ એક હિસ્સો છે.

(નોંધ: આ લેખ સાલ 2000 ની આસપાસ લખાયો છે. અફસોસ કે મિત્ર યાહ્યા હાશિમ બાવાણી પણ જન્નતનશીન થઇ ગયા છે.)


લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-+91 79-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

16 comments for “લ્યો, આ ચીંધી આંગળી – પાકિસ્તાનથી આવ્યો ફુલનો દડો !

 1. Dipak Dholakia
  September 2, 2019 at 3:21 pm

  “શહેરનો પાયો ભૂગોળમાં નહી,ઈતિહાસમાં હોય છે. ધરતી પર નહીં, હૃદયમાં હોય છે.”

  ધન્ય ધન્ય થઈ જવાય એવું વાક્ય. કેવું સાદું અને તોયે મન સોંસરવું નીકળી જાય.

 2. Dipak Dholakia
  September 2, 2019 at 3:22 pm

  “શહેરનો પાયો ભૂગોળમાં નહી,ઈતિહાસમાં હોય છે. ધરતી પર નહીં, હૃદયમાં હોય છે.”

  ધન્ય ધન્ય થઈ જવાય એવું વાક્ય. કેવું સાદું અને તોયે મન સોંસરવું નીકળી જાય.

 3. Piyush Pandya
  September 2, 2019 at 5:40 pm

  “રાષ્ટ્રોને જુદાં કરી શકાય છે, પ્રજાને નહીં!”
  તમે શાશ્વત સત્ય આ એક વાક્યમાં કહી દીધું. વિભાજનનો ભોગ બનેલાઓની વેદના અન્યોથી ક્યારેય નહીં સમજી શકાય.

 4. વિનોદ વ્યાસ.
  September 3, 2019 at 12:30 am

  અદભૂત લખાણ રજનીકુમાર ભાઈ. વાંચતા વાંચતા હું પણ જેતપુરની ગલીઓમાં ખોવાઈ ગયો. સવેદનોને સરહદ નથી હોતી. ઝબકાર માં આપનો લેખ વાંચ્યો છે. ફરી તમારી આંગળી પકડી જેતપુર અને તેના લોકોને તમે મેળવી આપ્યાં.

 5. September 3, 2019 at 1:21 am

  One day Bharat and Pakistan will become one country because of these type of people ! (because of Rajnikumaji too !)

 6. Sushma sheth
  September 3, 2019 at 5:04 am

  આહા વાંચીને કેટલુંક નવું જાણવા મળ્યું તે સાથે સોનેરી હુંફાળા તડકા જેવા બચપણના દિવસોય યાદ આવ્યા.
  મસ્ત આલેખન સળંગ વંચાઈ ગયું.

 7. September 3, 2019 at 5:52 am

  What a lovely article and what lucid way of narrating this story! Thank you Rajnikumarbhai for writing and sharing it. And we must thank the author Yahya Hashim Bawani saheb for writing this book with appropriate ‘historical’ perspective and outlook. i have one more question but posting separately as this has limitation on words.

 8. September 3, 2019 at 5:52 am

  GANDHIJI AS ‘MAHATMA’ AND JETPUR: A RIDDLE

  There are conflicting stories about how and when Mohandas Karamchand Gandhi got the title ‘Mahatma’. A version claims that Rabindranath Tagore is said to have addressed Gandhi as the ‘Mahatma’ on 6 March 1915. Some say he was called ‘Mahatma’ by the residents of Gurukul Kangadi in April 1915. However, a document honoring him with the title ‘Mahatma’ is attributed to JETPUR – as it says it was on 21 January 1915, at a reception given to Mohandas Karamchand Gandhi and Kasturba, he was addressed as ‘Mahatma’ – in the vignette / maanpatra given to him by Nautmlal Bhagvanji Mehta.

  Apparently, this document remains the earliest record of the title ‘Mahatma’ being bestowed upon Gandhiji.

  In Yahya Hashim Bawani’s book reference to Gandhiji’s visit to Jetpur indicates the year 1918. Could you please throw some light on this aspect?

  And I shall be grateful if you could guide me how to get this book?

  • Rajnikumar Pandya
   September 3, 2019 at 7:40 pm

   There is one more version of this issue,
   Maharai Charantirthji (ચરણતીર્થજી) ( Original name Vaidyaraj Jivaram Kalidas) Of Bhuvaneshavari Pith Gondal and Rasashala Aushadhasram (રસશાળા ઔષધાશ્રમ) claimed to attribute MAHATMA prefix to Gandhiji.
   There is no source of ascertaining the fact

 9. પ્રફુલ્લ ઘોરેચા
  September 3, 2019 at 10:48 am

  બહુ રસદાયક લેખ.
  દરેકને પોતાનું બાળપણ યાદ કરાવી દે. ભુતકાળ વાગોળવાની પણ એક મજા છે.

 10. Dr. Varsha Das
  September 4, 2019 at 11:50 am

  Dear Rajnibhai, many many thanks for introducing us to this fascinating book. Gandhiji did go to Jetpur on 21st January 1915, (see Gandhijini Dinvari) and also the book by Tendulkar. When I was Director of the National Gandhi Museum, New Delhi, Late Shri Nautamlal Mehta’s grandson Niranjan Mehta (lives in the US) gave us a copy of the Maanapatra. It is exhibited at the Museum with a photograph of the elites of Jetpur with Gandhiji. So Jetpur was definitely the first one to call Gandhiji ‘Mahatma’.
  I too want to purchase a copy of this book. Any luck?

  • Rajnikumar Pandya
   September 4, 2019 at 12:13 pm

   Many Many thanks for you appreciation. It values much more to me.
   Kindly send me your E Mail I D and also Whatsapp number on my Whats app 95580 62711 and E Mail -rajnikumarp@gmail.com
   Regards

 11. September 5, 2019 at 12:52 pm

  i am spellbound to read this article. actually all small town in Gujarat have such type of history but many people forget their past. you being good writer has put all these in black and white letters. congratulations to your memories and heart. your command over pen is excellent. everybody can not write in such emotional method.
  my all the best to you

 12. Samir
  September 5, 2019 at 3:11 pm

  રજનીભાઈ ,ખુબ સુંદર .
  તમે વ્યક્તિચિત્ર દોરતી વખતે જેમ તે વ્યક્તિમય થઇ જાવ છો તેમ અહી જેતપુર વિષે લખતા જાણે જેતપુર ના જ હો તેવું લાગે છે ! જેતપુર ના અમુક ફોટા જોઈ ને મને પણ મારા વતન ભુજ ની યાદ આવી ગઈ

 13. નિરંજન બૂચ
  September 6, 2019 at 9:47 am

  મારી એક વાત કહેવા નું મન થાય છે , અમે અમેરિકા જતા વચ્ચે 8/10 કલાક નો ગેપ મળતા કોઉલા લુમપુર ( મલેશિયા ) ફરવા નું નક્કી કર્યું ને કોઉલા લુમપુર ના એરપોરટ પર લોકલ વિઝા લેવા ઉભા હતા ત્યારે આગળ એક મુસ્લિમ બહેન પણ ઊભા હતા ,અમને ગુજરાતી મા વાત કરતા જોઇ પાસે આવ્યા ને કહ્યું કે મે ભાગલા વખતે અમદાવાદ છોડ્યું છે તો હવે મારી સાથે ગુજરાતી મા જ વાત કરો ને અમદાવાદ ની વિગતે વાત કરો ને પછી તો 1 કલાક સુધી અમારી સાથે અમદાવાદ ની ગલી એ ગલી ની વાત પૂછી .

  બાળપણ ની બધી વાત તાજી કરી , એમનો દીકરો લેવા આવતા અમે છુટા પંડયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *