ત્યારે કરીશું શું? : [૧]

પરિચયકર્તા- કિશોરચંદ્ર ઠાકર

“આપણે બધા ભોળા ભાવે એમ ખાતરીપૂર્વક માનીએ છીએ કે, આપણા સુધરેલા સમાજમાં ગુલામી નાબૂદ થઈ ગઈ છે; એના છેલ્લાં અવશેષ પણ અમેરિકામાં અને રશિયામાંથી નાબૂદ થઈ ગયા; હવે માત્ર જંગલી લોકોમાં જ ગુલામી નજરે પડે છે; આપણે ત્યાથી તો એ નાબૂદ થઈ જ ગઈ છે. એમાં આપણે એક નાની બાબત ભૂલી જઈએ છીએ. પેલા લાખો માણસોની ખડી ફોજનો વિચાર આપણે નથી કરતા. એક પણ સરકાર એવી ફોજ વિનાની નથી; અને એ ફોજ કાઢી નાખવામાં આવે તો કોઈ પણ સરકારનું આખું અર્થતંત્ર ભાંગીને ભૂકો થઈ જાય. આ લાખો માણસોનું લશ્કર એ તેમના ઉપર હકૂમત ચલાવનારાઓના અંગગુલામો નહીં તો બીજું શું છે? શું આ માણસોને સજા અને મોતની ધમકીથી બરાબર પોતાના માલિકની મરજી પ્રમાણે વર્તવાની ફરજ પાડવામાં નથી આવતી? ફરક માત્ર એટલો જ છે કે, આ લશ્કરી સિપાહીઓ રૂપી ગુલામોની તાબેદારીને ગુલામગીરી નહિ પણ તાલીમ કહેવામાં આવે છે. બીજા ગુલામો જન્મ્યા ત્યારથી તે મૂઆ સુધી ગુલામી ભોગવે છે, ત્યારે આ સિપાઇઓ એમની નોકરીની લાંબી કે ટૂંકી મુદત દરમિયાન જ ગુલામીમાં રહે છે” .

ઉપરનું અવતરણ આજથી બરાબર 130 વર્ષ ઉપર લખાયેલા લિયો ટોલ્સ્ટોયનાં એક પુસ્તકનાં શ્રી *નરહરિભાઇ પરીખે કરેલા અદભૂત અનુવાદ ‘ત્યારે કરીશું શું?’ માંથી સીધેસીધું ઉતાર્યું છે. આ પુસ્તકે જેટલા પ્રમાણમાં વાચકના દિલ અને દિમાગ પર અસર કરી છે તેટલા પ્રમાણમાં વ્યાપક વાચકવર્ગમાં વંચાયુ નથી. વાચકો પર આ પુસ્તકની કેવી અસર થતી હશે તેનો અંદાજ શ્રી કાકાસાહેબ કાલેલકરે લખેલી તેની પ્રસ્તાવનાના એક અંશ પરથી આવી શકે છે. કાકાસાહેબ લખે છે “પ્રસ્તાવનાનો સામાન્ય ઉદ્દેશ તો ચોપડીનો અને તેના વિષયનો પરિચય આપવાનો હોય છે. પણ ‘ત્યારે કરીશું શું?’ એ ચોપડી નથી પણ એક સમભાવી હૃદયનો વલોપાત છે; જીવનશુદ્ધિની રહસ્યભેદી શોધ છે, અને મહાવીરને છાજે એવો આર્યસંકલ્પ છે. ટૂંકામાં કહીએ તો કારુણ્ય ઔદાર્ય, ગાંભીર્ય અને માધુર્યનું એક ઓજસ્વી રસાયણ છે, આનો પરિચય ન અપાય; આની ઉપાસના થાય, આનું સેવન થાય”.

પોતાની ગાંધીવાદી વિચારસરણીને કારણે કાકાસાહેબ આ પુસ્તકના પ્રભાવમાં કાંઇક વિષેશ આવી ગયા હોવાની શક્યતા હોવા છતાં કોઇપણ વાચકનાં માનસ અને હૃદય પર આ પુસ્તક ઊંડી અને ઘેરી અસર કર્યા વિના રહેતું નથી જ. આના સમર્થનમાં કાકાસાહેબ વોલ્ટ વિટમનનું એક વાક્ય ટાંકે છે. “Who touches this book , touches a man” (આ પુસ્તક મારફત વાચક પોતાના માનવબંધુ પાસે પહોંચી જાય છે)

જો કે કોઇ વ્યક્તિગત જીવનની કે વ્યાપક સમાજની પીડાને વાચા આપતું કોઈપણ પુસ્તક વાચકની સંવેદનાને સ્પર્શતું તો હોય જ છે. પરંતુ ત્યારે ‘કરીશું શું?’ માં લેખક આગળ વધીને વંચિતોની પીડા માટે ખુદની સાથે વાચકને પણ સતત અપરાધ ભાવનો અનુભવ કરાવે છે.

130 વર્ષોમાં દુનિયામાં મોટા પ્રમાણમાં રાજકીય, આર્થિક અને સામાજિક પરિવર્તનો થયા હોવા છતાં આ પુસ્તક આજે પણ એટલું જ પ્રસ્તુત છે. લેખકે પોતે આરંભેલી દરિદ્રોના દુ:ખ દૂર કરવાની યાત્રામાં એક રીતે આપણને સહયાત્રી બનાવવા ઉપરાંત યાત્રાના મુકામે મુકામે આપણા ઉચ્ચ વર્ગના લોકોની સેવા કરવાની, દાન દેવાની અને ગરીબોના-પીડિતોના દુ:ખો દૂર કરવાની ભાવનાનો દંભ ઉઘાડો કરતા જાય છે.

લેખક જેમનાં દુ:ખદર્દો દૂર કરવા માગે છે તેમના દોષો તેમના ધ્યાનમાં તો આવી જ જાય છે, પરંતુ આ દોષોને આગળ ધરીને તેમની સ્થિતિ સુધારવાના પ્રયત્નો નહિ કરવાનું સમાજના અગ્રવર્ગના લોકોનાં જમાના જૂનાં વલણને અયોગ્ય ઠેરવવાનું ચૂકતા નથી.એક રીતે જોઈએ તો લેખકે કંગાળ લોકોની સ્થિતિ સુધારવા માટે પ્રયોગો જ કર્યા છે. ક્યારેક આ પ્રયોગ નિરર્થક લાગવા છતાં પકડ્યું નહીં મૂકવા જેવી માનવીય નબળાઇથી પોતે મુક્ત નથી તેવો એકરાર કરે છે.

પુસ્તકમાં બાઇબલના અવતરણો ટાંકવા ઉપરાંત બીજી અનેક જ્ગ્યાએ લેખકની ધર્મશ્રદ્ધા સતત દેખાયા કરે છે. આમ છતાં ધર્મગુરૂઓને તો તેમણે શોષક વર્ગમાં મૂકી જ દીધા છે. આપણને અચંબો પમાડવા ઉપરાંત આઘાત પણ પમાડે એવી રીતે તેમણે અર્થશાસ્ત્રીઓ, કલાકારો અને વૈજ્ઞાનિકો સુદ્ધાને શોષક વર્ગમાં મૂકી દીધા છે ! જે નાણાંને આપણે જીવનવ્યવહાર સરળ બનાવવાનું સાધન માનીએ છીએ તેને ટોલ્સ્ટોયે તો શોષણ માટેનું પણ સરળ સાધન કહી દીધું છે. આવી તો આપણી અનેક માન્યતાઓ- ધારણાઓને ભોંયભેગી કરવાનું કામ લેખકે આ પુસ્તકમાં કર્યું છે. જો કે કાલ માર્કસના વિચારોને જાણે છે તેમને કદાચ બુદ્ધિજીવીઓને શોષક વર્ગમાં મૂકવાની આ વાતની નવાઈ નહિ લાગે. મેઘાણીએ આ વાત તેમના એક કાવ્ય ‘કાલ જાગે’ માં એક ચૂકાદો આપતા હોય તે રીતે મૂકી છે.

“પૃથ્વી પર રાજ કોના? સાચા શ્રમજીવીઓના
ખેડુના, ખાણિયાના, ઉદ્યમવંતોના
રંકોનું રક્ત પી પીને પેલવાન
બનતા ધનવાન –જ્ઞાનવાન તેનું સ્થલ ના”

કાર્લ માર્ક્સે શોષણ દૂર કરવા માટેનો રસ્તો શ્રમજીવીઓની ક્રાંતિથી પરિવર્તિત રાજ્યવ્યવસ્થા દ્વારા આર્થિક વ્યવસ્થા બદલવાનો ચીંધ્યો છે, તો ટોલ્સ્ટોયે વ્યક્તિગત જીવનની શુદ્ધિને તેનું સાધન બનાવ્યું છે. વધારે મહત્વની વાત એ છે કે ટોલ્સ્ટોય માર્ગ ચીંધીને અટકી નથી જતા પણ પોતાનાં વૈભવી જીવનને દુષ્કર એવા આ માર્ગે જાતે ચાલી બતાવે છે. કદાચ અહીં જ ગાંધીજીનું ટોલ્સ્ટોય સાથે જોડાણ થયું હશે.

માનવીય અનુકંપાથી પ્રેરાયેલી ટોલ્સ્ટોયની આ યાત્રામાં તેમનું ગહન ચિંતન તો જોવા મળે જ છે પરંતુ ચિંતનની આખી પ્રક્રિયા પ્રસંગો, સંવાદો અને પાત્રાલેખન અને અન્ય વર્ણનોમાં થઈને એવી રીતે પસાર થાય છે કે આપણને પુસ્તકમાં ગંભીર ચિંતનનો ભાર ભાગ્યે જ લાગે છે. પરંતુ આ તો થયું જે જગજાહેર છે તે ટોલ્સ્ટોયનું એક લેખક કે કલાકાર તરીકેનું સામર્થ્ય, જેને દર્શવવાનો અહીં ઉપક્રમ નથી. આપણે તો તેમણે શોષણ અને ગરીબીનો કયો અને કઈ રીતે ઇલાજ શોધ્યો તે જાણવું છે.

પરંતુ તે હવે પછીના પ્રકરણમાં.


ક્રમશ:


(*નોંધ- અનુવાદક તરીકે શ્રી નરહરિભાઇ પરીખની સાથે આધ્યત્મિક પુરૂષ પાંડુરંગ વિઠ્ઠલ વળામે , – રંગ અવધૂતનું- પણ નામ છે. તેમનો અનુવાદમાં કેટલો ફાળો છે તેની જાણ નથી. પરંતુ તેમણે આ અનુવાદમાં માત્ર સહી કરી હોય તો પણ પુસ્તકનું મહત્વ સમાજના એક વધારે બહોળા વર્ગ માટે ખૂબ વધી જાય છે)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Facebooktwitterredditpinterestlinkedinmail

4 comments for “ત્યારે કરીશું શું? : [૧]

 1. રેખા શાહ
  September 4, 2019 at 5:30 pm

  કિશોરભાઇ , “ત્યારે કરીશુ શું ? “નો પરિચય આપતો આપનો લેખ વાંચ્યો હવે આગળના પ્રકરણની રાહ જોઇએ છીએ

  • Kishor Thaker
   September 7, 2019 at 2:08 pm

   આભાર રેખાબેન

 2. September 6, 2019 at 8:19 pm

  તમારા બ્લોગ ખુબ સરસ હોય છે .થોડા સમય થી મેં પણ બ્લોગ લખવાની શરૂઆત કરી છે . આ મારી બ્લોગ નિ લિંક છે.

  • Kishor Thaker
   September 7, 2019 at 2:06 pm

   આભાર હું તમારો બ્લોગ જૌઈશ

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.