ગઝલાવલોકન – ૧3 – જ્યાં જ્યાં નજર મારી ઠરે

સુરેશ જાની

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

                                                        -કલાપી (1874 – 1900)

ગાર્ગી વોરાના કંઠે અને અમર ભટ્ટની તર્જમાં આ અમર રચના માણો –

અહીં વાત ‘કલાપી’ની આ યાદગાર ગઝલની કરવાની નથી! ‘તેમણે કયા સંજોગોમાં એ લખી હશે?’ તેની વાત કરવા પણ ઈરાદો નથી. સાચું કહું તો એની કશી ખબર પણ આ જણને નથી. રસદર્શનની તો કોઈ વાત જ નથી; એ જરૂરી પણ નથી.

માત્ર સવાલ પૂછવાનો છે કે,

‘આને ભજન ન કહેવાય?
અને ન કહેવાય તો શા માટે?’

મારી પાસે માત્ર આ એક સંશય જ છે – એનો કોઈ જવાબ જડ્યો નહીં, એટલે આ સવાલ પૂછી નાંખ્યો.

હા, આવો સંશય કેમ થયો? – એ જરૂર કહીશ. કદાચ ગુજરાતી કવિઓની બધી કવિતાઓ અને ગઝલો ભેગી કરી દો તો પણ ‘ રઘુપતિ રાઘવ રાજા રામ, પતીત પાવન સીતારામ’ ધૂન જેટલી ગવાઈ હશે – તેટલી એ બધી ગઝલો અને કવિતાઓ ભેગી થઈને પણ ગવાઈ નહીં હોય! એ ધૂનમાં શ્રીરામના નામના ગાન સિવાય બીજી કોઈ વાત જ નથી. બસ પરમકૃપાળુ પરમાત્માના નામનું સ્મરણ માત્ર જ.

જ્યારે ‘કલાપી’ની આ ગઝલમાં તો એ પરમાત્માના ગુણગાન ભરપૂર ભરેલાં છે. બીજી કોઈ પણ ઈશ્વર સ્તુતિ જેવા પરમ તત્વ માટેના ભાવ અને સન્માન એમાં છલકાય છે. કોઈ કહેશે કે, એ તો પ્રેમી કવિ હતા, અને એમની પ્રેમિકાને આ સંબોધન છે. પણ આપણી પાસે એવો કોઈ પૂરાવો છે ખરો? એમ કદાચ બને કે, તેમના જીવનથી માહેર કોઈ વિદ્વાન એવો પૂરાવો રજૂ કરી પણ આપે!

પણ તમે જ કહો કે, લોક હૈયે સદા માટે વાસ કરી ગયેલા રાધા અને કૃષ્ણના પ્રેમનાં ગીતો ભજન ગણાય તો આ કેમ નહીં? માનનીય સૂરસિંહજીનું આ પ્રેમગીત છે કે નહીં – એ તો સંશોધનનો વિષય છે. પણ એમાં પણ પરમાત્માના સર્વ વ્યાપી પણાની સ્તુતિ છે જ.

કોઈ એમ પણ કહે કે, ભજન લખનાર જાણીતો ભક્ત હોવો જોઈએ કે, ભક્તાણી હોવી જોઈએ! પણ આ ગીત જુઓ –

એકલા જ આવ્યા મનવા, એકલા જવાના
સાથી વિના, સંગી વિના, એકલા જવાના

આપણે એકલાં ને કિરતાર એકલો
એકલા જીવોને તારો આધાર એકલો
એકલા રહીએ ભલે, વેદના સહીએ ભલે
એકલા રહીને બેલી થાઓ રે બધાંના. – સાથી વિના…..

કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
પોતાના જ પંથે પોતાના વિનાના. – સાથી વિના…..

                                                   – બરકત વિરાણી ‘બેફામ’

એ પણ કલાપી જેવા જ, અરે! એમના કરતાં વધારે આધુનિક કવિ અને પાછા મુસ્લીમ. પણ દિવંગત સ્વજનની પ્રાર્થના સભામાં આ ગીત કોને રડાવી નહીં ગયું હોય?

આથી …. ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે…..’ ને ભજન કહેવાય કે નહીં? ચાલો જોઈએ, મારા પ્રશ્નનો શો જવાબ મળે છે !


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.