ફિર દેખો યારોં : કહાં ગયા મેરા બચપન, કર કે મુઝે ખરાબ

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

કોઈ અભ્યાસ થકી પ્રાપ્ત થતા આંકડા અવનવાં સત્યો અને અર્થઘટનો ઉજાગર કરતા રહેતા હોય છે. આવા આંકડા અનેકવિધ બાબતો માટે સંદર્ભબિંદુ બની રહે છે. અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં છોડાવાયેલા બાળમજૂરોના આંકડા હમણાં જણાવવામાં આવ્યા છે. પહેલાં તેની એક ઝલક લઈએ. રાજ્યભરમાં બાળમજૂરી (પ્રતિબંધ અને નિયમન) કાનૂન અંતર્ગત વર્ષ 2013થી 2018 દરમિયાન કુલ 2,997 દરોડા પાડવામાં આવ્યા. આ દરોડાઓમાં સૌથી વધુ દરોડા વડોદરામાં પાડવામાં આવ્યા, જેની સંખ્યા 146 હતી. ત્યાર પછીના ક્રમે 137 દરોડા અમદાવાદમાં અને 129 દરોડા સુરતમાં પાડવામાં આવ્યા. સુરતના દરોડામાં કુલ 490 બાળકોને છોડાવવામાં આવ્યા. અમદાવાદમાંથી 157 બાળકોને, રાજકોટમાંથી 117 બાળકોને છોડાવવામાં આવ્યા. આ આંકડો પાંચ વર્ષનો છે.

બાળમજૂરો મોટે ભાગે ઢાબામાં કામ કરતા જોવા મળે છે. આ ઉપરાંત ટેક્સટાઈલ એકમોમાં પણ તેઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં તેઓ પારિવારિક વ્યવસાયમાં સહાય કરતા જોવા મળે છે. પ્રત્યેક જિલ્લામાં એક સેલ હોય છે, જે દરોડા પાડે છે. આંકડા મુજબ 2013થી 2014 દરમિયાન છોડાવાયેલા બાળકોનો કુલ આંકડો 327 હતો. પછીના વર્ષે એટલે કે 2014-15 દરમિયાન તે 259, ત્યાર પછી 2015-16 દરમિયાન 278, તેના પછીના વર્ષ 2016-17 દરમિયાન 144, અને 2017-18 દરમિયાન 270 નો હતો. આમ, આ આંકડામાં ઘટાડો થયો છે ખરો, છતાં તે ખાસ અસરકારક જોવા મળતો નથી.

ગુજરાત સરકાર દ્વારા ‘સહિયારી કૂચ’ નામનું અભિયાન શરૂ કરેલું છે, જેનો મુખ્ય હેતુ બાળમજૂરી નાબૂદીનો છે. દરોડાઓ થકી બચાવાતા બાળમજૂરોની સંખ્યા દર્શાવે છે કે હજી આ પ્રથા ચલણી છે, અને તે સંપૂર્ણપણે નાબૂદ થઈ શકી નથી. બાળમજૂરી અંગે જાગૃતિ લાવવાના પણ પ્રયાસો સરકાર દ્વારા થઈ રહ્યા છે. આમ છતાં, બાળમજૂરો મળી આવે છે એનો અર્થ એ થયો કે લોકો કાયદાથી અજાણ છે, કાં તેને અવગણે છે, અથવા કાયદાના ભંગ બદલ થતી સજા પૂરતી અસરકારક નથી. ઉપર જણાવ્યા એ સિવાય ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જેમાં બાળમજૂરો હોઈ શકે છે. જેમ કે, અગરબત્તી ઉત્પાદન, બીડીના એકમો, ફેબ્રિકેશનના એકમો, એમ્બ્રોયડરી એકમો વગેરે.

આ દૂષણ શહેરી વિસ્તારમાં વ્યાપક હોવાનું આંકડાઓ પરથી ફલિત થાય છે. કેમ કે, છોડાવાયેલા કુલ 1269 બાળમજૂરોમાંથી માત્ર 505 જ અન્ય જિલ્લાઓમાંના છે. એ સિવાયના સુરત, અમદાવાદ અને રાજકોટમાંના છે, જેમની સંખ્યા અડધાથી વધુ છે. ડાંગ, નર્મદા કે મહીસાગર જેવા, પ્રમાણમાં અલ્પ વિકસીત જિલ્લાઓમાં આ પ્રમાણ સાવ ઓછું છે. દ્વારકા કે સોમનાથ જેવાં, યાત્રાળુઓથી ધમધમતા સ્થળોએ પણ આ પ્રમાણ ઓછું છે. આનો અર્થ એવો કરવો કે શહેરમાં જીવવાનો સંઘર્ષ વધુ વિષમ હોય છે? કે પછી ગ્રામ્ય વિસ્તારોમાં પણ તે એટલો જ હોય છે, પણ શહેરોની જેમ નજરે નથી પડતો?

ઉગારાયેલા બાળમજૂરોના પુનર્વસનનો મુદ્દો પણ એટલો જ આવશ્યક છે. કોઈ પણ બાળક પોતાની મરજીથી મજૂરી કરતું નથી. વિષમ કૌટુંબિક, આર્થિક સંજોગોમાં જ તે આના માટે મજબૂર બને છે. ઘણાખરા કિસ્સામાં તો તે માબાપની મંજૂરી કે આગ્રહથી જ આ કામ કરતું હોય એ શક્ય છે. કારમી ગરીબીનો અંદાજ કેવળ વર્ણનથી આવવો અશક્ય છે. બાળમજૂરી એ સમસ્યા જરૂર છે, પણ કેવળ દરોડા પાડવા કે બાળકોનું પુનર્વસન કરવું એ તેને નાબૂદ કરવાના ઉપરછલ્લા ઉપાયો છે. દરોડા પાડવામાં આવે અને બાળમજૂરોને દર વખતે ઉગારવામાં આવે છે એ જ બતાવે છે કે તે સદંતર બંધ થાય એ શક્ય લાગતું નથી. આ બાબતે જાગૃતિ લાવવી એ એક ઉપાય છે, પણ કાનૂનના ડર વિના, કેવળ જાગૃતિ કેટલું કામ કરી શકે એ કહેવું મુશ્કેલ છે. જાગૃતિ બાળકોને મજૂરીએ રાખતા વર્ગમાં જ આવી શકે, મજૂરી કરતા બાળકોમાં તે ક્યાંથી આવે? સામાન્ય લોકો અમસ્તા અતીતરાગ કાજે પણ પોતાનું બાળપણ ભવ્યતાના રંગે ચીતરી દેતા હોય છે, ત્યારે ખરેખરું બાળપણ મજૂરીમાં વ્યય કરવું કયું બાળક પસંદ કરે? હા, બાળમજૂરી જે કાર્યમાં કે ઉત્પાદનમાં સંકળાયેલી હોય તેનો ગ્રાહકવર્ગ આ બાબતે જાગ્રત બને તો કંઈક થઈ શકે. બાળભિક્ષુકો પણ એક સમસ્યા છે. તે સમસ્યા કરતાં વધુ તો સામાજિક કલંક કહી શકાય. તે એક સુઆયોજિત વ્યવસાય હોવાનું પણ મનાય છે. જો કે, આ તમામ કિસ્સામાં સૌથી કફોડી પરિસ્થિતિ તેનો ભોગ બનનાર બાળકોની બની રહે છે. સાવ કુમળી વયે તેમના દિલોદિમાગ પર ઊપસતા વિપરીત પરિસ્થિતિઓના ચાસ ઊંડે સુધી ઉતરી શકે છે. વયસ્ક થતાં તે સ્વસ્થ સમજણ ધરાવતો નાગરિક બને એ શક્યતા સાવ પાતળી હોય છે.

અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ બાળમજૂરી કરતા બાળકોના પુનર્વસન માટે કાર્યરત છે. પુનર્વસનનું કામ તેમને મજૂરી છોડાવીને ભણતરમાં જોતરવાથી પૂરું થઈ જતું નથી, બલ્કે ત્યાંથી શરૂ થાય છે. આ કામ લાંબા ગાળાનું છે, કેમ કે, તેમાં આખરે વિપરીત આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારો સંકળાયેલા હોય છે. તેમની વિષમતામાં પરિવર્તન લાવવું એ કોઈ એકલદોકલ સંસ્થાનું કામ નથી. તેમાં સરકારની નીતિ, તેનો સહયોગ, અને એથી ઉપર દાનત અનિવાર્ય બની રહે છે. ખરા અર્થમાં તે ‘સહિયારી કૂચ’ ત્યારે જ બની રહે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨ – ૦૮– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *