





જગદીશ પટેલ
કૈમુર નામ સાંભળતાં જ મનમાં તૈમુર ઝબકી ગયું. આમ તો બંને વચ્ચે કશું સામ્ય નથી અને છે પણ ખરું. કૈમુર મધ્યપ્રદેશના એક ગામનું નામ છે અને તૈમુર (તૈમુર લંગ) આપણને ભણાવાતા ઇતિહાસનું એક આતતાયી પાત્ર. બંનેમાં સામ્ય છે તે આ આતતાયીપણું. ખેર! આ બે વચ્ચેના સામ્યની વાત અહીં જ પુરી કરીએ અને મુળ વિષય પર આવીએ.

૨૦૧૭માં અમે દિલ્હી ખાતે એસ્બેસ્ટોસ પર એક બેઠક રાખી હતી તેમાં કૈમુરનાં શિક્ષિકા નિર્મલા ગુરુંગ પોતાના પતિ ભીમ ગુરુંગ સાથે ભાગ લેવા આવેલા. બેઠકમાં એમણે પોતાની વાત માંડી. એ પોતે એસ્બેસ્ટોસીસ નામના ફેફસાંના રોગનો ભોગ બનેલાં પીડીતા. મને નવાઇ લાગી કે એક શિક્ષિકા કઇ રીતે આવા રોગનો ભોગ બની શકે? આ રોગ તો એસ્બેસ્ટોસના તાંતણાના સંપર્કમાં આવનારને જ થાય અને સંપર્ક તો કારખાનામાં જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં થાય. બહેને પોતાની વાતમાં મુંઝવણ ઉકેલી આપી.
૧૯૩૪માં બ્રિટનની કંપની ટર્નર એન્ડ ન્યુઓલે એસ્બેસ્ટોસનું કારખાનું નાખ્યું જે એસ્બેસ્ટોસ સિમેન્ટના પતરાંનું ઉત્પાદન કરે છે. જુદી જુદી કંપનીઓ આ પ્લાન્ટને ખરીદતી રહી. બેલ્જીયમની ઇટરનીટનું પણ રોકાણ હતું. એસીસી કંપનીનું સીમેન્ટ ઉત્પાદનનું એકમ છે. આ કંપની હવે તો એસ્બેસ્ટોસ રહિત પતરાંનું ઉત્પાદન પણ પોતાના નાસિકના પ્લાન્ટમાં કરે છે અને પ્રીએન્જીનીયર્ડ બિલ્ડીંગનું ઉત્પાદન ગુજરાતમાં દહેજ ખાતે કરે છે. ૨૦૧૧ સુધીમાં તેણે આવા ૫૦૦ મકાન બનાવીને વેચ્યા હતા. હવે ૨૦૧૭થી એસ્બેસ્ટોસ સિમેન્ટના રંગીન પતરાં પણ બજારમાં મુકયાં છે. ૨૦૧૪માં એણે રાંચી અને ઓડીશામાં પણ પોતાના એકમ સ્થાપ્યા છે. ૨૦૧૦માં તેણે કૈમુરના પ્લાન્ટને અપગ્રેડ કર્યો હોવાનો દાવો કરે છે. ઉત્તરાખંડના ભગવાનપુરમાં પણ એનું એકમ છે. કોઇમ્બતુર, કોલકતા અને રુરકેલામાં તેના પ્લાન્ટ છે. દેશમાં પતરાંનું ઉત્પાદન કરતા એના ૭ એકમો છે અને તેના વિતરણ માટે ભારતના ૧ લાખ ગામડામાં અને ૬૦૦ શહેરોમાં એની પહોંચ છે. તે પરથી તેના વ્યાપનો ખ્યાલ આવશે. એસ્બેસ્ટોસ અને ધાતુ ઉપરાંત પોલીકાર્બોનેટના પતરાં પણ એ બનાવે છે જે પારદર્શી હોવાને કારણે પ્રકાશ અંદર આવી શકે છે. ૨૦૧૧ સુધી એ વર્ષે ૨૨ લાખ ટન એસ્બેસ્ટોસ સિમેન્ટના પતરાંનું ઉત્પાદન કૈમુર પ્લાન્ટમાં કરતું હતું.
મધ્યપ્રદેશના કટની જીલ્લાના વિજયરાઘવગઢ તાલુકામાં આવેલા કૈમુરમાં ચુનાના પથ્થર ખાણમાંથી કાઢવાનો વ્યવસાય હતો, પણ સમય જતાં પથ્થરનું પ્રમાણ ઘટી ગયું. હવે ૧૧ કિલોમીટર દુરથી કન્વેયર બેલ્ટ પર મહેગાંવથી લાવવામાં આવે છે. ભારતનો આ બીજા નંબરનો સૌથી લાંબો કન્વેયર બેલ્ટ હોવાનું કહેવાય છે. ૨૦૦૭માં તેની વસ્તી ૩૫,૦૦૦ હતી. જો કે ૨૦૧૧ની ગણતરી મુજબ વસ્તી ૧૯,૩૪૩ હોવાનું કહે છે. ૮૨% હિન્દુ અને ૧૫% મુસ્લીમ વસ્તી છે. કટની અને જુકેહી નજીકના રેલ્વે સ્ટેશનો છે ત્યાંથી બસ દ્વારા કૈમુર પહોંચી શકાય. નગર પંચાયત દ્વારા સ્થાનિક વહીવટ કરવામાં આવે છે. ગામમાં એસીસીની સીમેન્ટ ફેકટરી, એવરેસ્ટનું આ પતરાં બનાવવાનું કારખાનું, બોકસાઇટ અને માર્બલની ખાણો છે.

આ કંપનીના કર્મચારીઓના બાળકો માટે કંપનીએ સ્કુલ સ્થાપી. કંપનીની જગ્યામાં જ કર્મચારીઓને રહેવા માટેની વસાહત અને સ્કુલ. આ સ્કુલમાં નિર્મલાબહેન નોકરી કરે. પાછળથી માધ્યમિક શાળાના આચાર્ય પણ નીમાયા. તે કહે છે, હું કલાસમાં બાળકોને ભણાવતી હોઉં ત્યારે પ્લાન્ટ તરફથી ધૂળ ઉડીને આવતી પણ આ ધૂળ આટલી ખતરનાક હશે તે ખબર જ નહી. આ ધૂળમાં એસ્બેસ્ટોસના તાંતણા હોય. વર્ષો સુધી આ ધુળ શ્વાસમાં લેવાને કારણે તેઓ આ રોગનો ભોગ બન્યા. એમનું રહેવાનું પણ ત્યાં જ. ત્યાં પણ ધૂળ આવ્યા વગર ન રહે. ૨૦૧૬માં તેમનું નિદાન થયું. બાળકોના વાલીઓ અને બાળકો શાળામાં આવે ત્યારે ધૂળ ભરેલા હોય. માલિકો અને બ્રિટન અને બેલ્જીયમના આ કંપનીના કામદારો પણ જાણતા હશે પણ અમને જોખમોની કશી માહિતી આપી નહી, એવી તેમની ફરિયાદ છે. આસપાસ કંપનીએ એસ્બેસ્ટોસનો કચરો વર્ષોથી નાખ્યા કર્યો છે અને તેના સંપર્કમાં ગામલોકો આવતા રહે છે.
નિર્મલા કહે છે, “મેં ઘણા લોકોને પીડાદાયક ધીમી ગતિએ મરતા જોયા છે. એક તંદુરસ્ત માણસને હાડપિંજરમાં રૂપાંતરીત થતો જોવાનું બહુ કષ્ટદાયક હોય છે. ભાવિ પેઢીને બચાવવાનું કામ બહુ જરૂરી છે. એ માટે પહેલાં તો એસ્બેસ્ટોસનો જે કચરો કંપની આસપાસ ફેંકે છે તેનો ઉકેલ લાવવાની જરૂર છે. એસ્બેસ્ટોસ પર ભારતમાં પ્રતિબંધ મુકાય તે જરૂરી છે. એસ્બેસ્ટોસજનિત રોગોને કારણે જે પીડાય છે તેમને વળતર આપવાની જરૂર છે. યુનાઇટેડ નેશન્સના ફોરમ ઓન બીઝનેસ એન્ડ હ્યુમન રાઇટ્સ દ્વારા જીનીવા ખાતે નવેમ્બર, ૨૦૧૭માં મળેલી બેઠકમાં સૌને સંબોધવાની તક નિર્મલા ગુરુંગને મળી. આ બેઠકમાં દુનિયાભરના ૨૦૦૦ લોકો ઉપસ્થિત રહ્યા.
૨૦૧૩માં અહીં એક સ્વૈચ્છિક સંસ્થાએ મેડીકલ કેમ્પનું આયોજન કર્યું, જેમાં એસ્બેસ્ટોસજનિત રોગોનું નિદાન કરવામાં આવ્યું. તે પછી અવારનવાર કેમ્પ થયા કરે છે. આજ સુધી ૮૪૮ લોકોને આ રોગ થયાનું નિદાન થયું છે. જેમને રોગ થયો છે તેમાંથી બે ત્રણ જણને કેન્સર થયું છે અને બાકીનાને એસ્બેસ્ટોસીસ થયો છે. આ સૌને બ્રિટનની ટર્નર એન્ડ ન્યુઓલ ટ્રસ્ટ દ્વારા વળતર ચુકવાયું છે. આ કંપનીએ દેવાળું કાઢતાં ત્યાંના કાયદા મુજબ આ ટ્રસ્ટ ભંડોળ ૨૦૦૧માં બનાવાયું. અનેક લોકો નિદાન થયા વગર જ ગુજરી ગયા. ૧૯૯૬ સુધી તો કંપની પોતાનો કચરો આસપાસ અને ખાનગી જમીન પર ફેંકતી હતી. એક અંદાજ મુજબ ૬ લાખ ચોરસ મીટર જમીનમાં એણે આ કચરો ઠાલવ્યો જેને કારણે ત્યાં રહેતા ૩૦૦૦ લોકો પર અસર થઇ.
જેમને સીધો સંપર્ક થયો છે અને તે કારણે રોગનો ભોગ બન્યા છે તેવા લોકોની સંખ્યા ૩૭૧ છે, જેમાં ૩૬૫ પુરુષ અને ૬ મહીલાઓ છે.
કારખાનામાં કામ કરનારા કામદારોને એસ્બેસ્ટોસનો સીધો સંપર્ક થાય છે પણ તેમના કપડાં,શરીર પર ચોંટલો એસ્બેસ્ટોસ એ લોકો ઘરે લઇને જાય. ત્યાં તેમના પત્ની, બાળકો અને અન્ય કુટુંબીજનોના સંપર્કમાં આવે છે. આ કુટુંબીજનોને “સેકન્ડરી એકસપોઝર” થયું ગણાય. અત્યાર સુધીમાં ૪૭૭ સ્ત્રી,પુરુષો સેકન્ડરી એકસપોઝરને કારણે એસ્બેસ્ટોસજનિત રોગોનો ભોગ બન્યા છે. તેમાં ૧૦૮ (૨૨.૬૪%) પુરુષ અને ૩૬૯ (૭૭.૩૫%) મહિલાઓ છે. કૈમુરમાં થયેલા કેમ્પમાં જોવા મળ્યું કે સેકન્ડરી સંપર્કને કારણે જે લોકો ભોગ બન્યા હતા તેમની અપંગતા ૪૦% જેટલી ઉંચી હતી. જે મહિલાઓ ભોગ બની છે તેમને તો હજુ સમજાતું નથી કે તેમને સંપર્ક થયો કેવી રીતે! એમને એ ધીમે ધીમે સમજાયું કે પતિના કપડાં ધોવાને કારણે પણ તેઓ એસ્બેસ્ટોસના સંપર્કમાં આવ્યા હોય. ઉપરાંત પર્યાવરણમાં પણ એસ્બેસ્ટોસના તાંતણા હોય અને એ કારણે પણ સંપર્ક થયો હોય. ત્યાં આસપાસ બધે કચરો નખાયો હતો અને તે પણ હવામાં ભળે તેમ બને.
બેલ્જીયમમાં એસ્બેસ્ટોસ પર સંપૂર્ણ પ્રતીબંધ મુકાયો તેના થોડા સમય પહેલાં એટરનીટે ૨૦૦૧માં પોતાની આ કંપની વેચી દીધી. હાલ એવરેસ્ટના આ પ્લાન્ટમાં ૨૫૦ કામદારો કામ કરે છે જેમાંના મોટાભાગના કોન્ટ્રાકટ કામદારો છે. સ્વૈચ્છિક સંસ્થાએ કેનેડાની એક કંપનીને એસ્બેસ્ટોસ કેટલા વિસ્તારમાં ફેલાયો છે તે માપવાનું કામ આપ્યું. આ કંપનીએ મોજણી કરીને જણાવ્યું કે ફેકટરીની આસપાસ બે જુદી જુદી સાઇટમાં થઇ ૧૦ લાખ ટન (સપાટી પરની) માટીમાં એસ્બેસ્ટોસ ભળેલો છે. કયાંક માટીમાં તેનું પ્રમાણ ૭૦% જેટલું ઊંચું જોવા મળ્યું. આ જમીનને કચરામુકત કરી નવસાધ્ય કરવી હોય તો ૩૬૪ કરોડ રૂપિયાનો ખર્ચ આંકવામાં આવ્યો છે. આ અહેવાલ અંગે બ્રિટનના ભારતીય મૂળના વકીલ કૃષ્ણેન્દુ મુખર્જી કહે છે કે, “પરદેશી કંપનીઓ જાણતી હતી કે આ કેટલું જોખમી છે અને તેનું પરિણામ શું આવશે, છતાં તેમણે આ કચરો જેમ તેમ ફેંકયો. આનો ભોગ તો ગરીબ લોકો બને છે જેમની પહોંચ વકીલો સુધી હોતી નથી. આ કોર્પોરેટ ક્રાઇમ કે ગુનો ગણાય. ભારત સરકારે હવે તો જાગવું જોઇએ અને ક્રાયસોટાઇલ એસ્બેસ્ટોસના જોખમોથી લોકોનું રક્ષણ કરવા તેના ઉપયોગ, વપરાશ, આયાત, નિકાસ પર પ્રતિબંધ મુકવો જોઇએ અને રોટરડામ કન્વેન્શનની યાદીમાં તેને સમાવવા માટે તરફેણ કરવી જોઇએ.”
બેલ્જીયમના કપેલા—ડેન—બાકમાં એસ્બેસ્ટોસને કારણે પોતાના માતા, પિતા, ભાઇઓને ગુમાવનાર એરીક જોનકીઅર હવે બેલ્જીયન એસોસીએશન ઓફ એસ્બેસ્ટોસ વિકટીમ્સ “અબેવા” ચલાવે છે. આ અહેવાલ અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું, “મારા ગામમાં ૨૦૧૨માં કોર્ટના હુકમને કારણે એટરનીટને જમીન સાફ કરાવવી પડી હતી. જો બેલ્જીયમમાં એસ્બેસ્ટોસના કચરાને કારણે જાહેર આરોગ્ય જોખમાતું હોય તો જે જમીનમાં ૭૦% જેટલો એસ્બેસ્ટોસ હોય ત્યાં કૈમુરમાં આ શી રીતે ચલાવી લેવાય?”

કૈમુરમાં પીડીતો માટે સંઘર્ષ કરી રહેલા બ્રિટનમાં સ્થાયી થયેલા એડવોકેટ કૃષ્ણેન્દુ મુખર્જીએ ટ્રસ્ટની રચના કરી છે. આ ટ્રસ્ટ અને બેલ્જીયમની સંસ્થા “અબેવા” ભેગા થઇ કૈમુરમાં સફાઇ કરાવવા કાનુની લડત લડવાનું નકકી કર્યું છે અને તે માટે હાલ તેઓ જરૂરી ભંડોળ ઉઘરાવી રહ્યા છે. તેઓને ૨૫૦૦ બ્રિટીશ પાઉન્ડની જરૂર હોવાનું અપીલમાં જણાવાયું છે. તેમનો દાવો છે કે આ કાનુની લડતને પગલે ભારતમાં એસ્બેસ્ટોસ પર પ્રતિબંધ મુકવાની દિશામાં પણ એક ડગલું આગળ મંડાશે.
૭૨ વર્ષના સ્વરાબીનું નિદાન ૨૦૧૬માં થયું. તેમની અપંગતા ૨૦% હોવાનું અંદાજાયું છે. તેમના પતિ કંપનીમાં લોડીંગ ખાતામાં કામ કરતા હતા. સ્વરાબી ગૃહિણી હતાં. તેમના ઘરથી પ્લાન્ટ માત્ર ૫૦૦ મીટરના અંતરે હતો. તેઓ એસ્બેસ્ટોસવાળી હવાના સંપર્કમાં ૨૪ કલાક રહેતા. કેમ્પમાં ત્રણવાર આવ્યા ત્યારે તેમનું નિદાન થયું. વાત કરતાં કરતાં પણ તેમને શ્વાસ ચડી જાય છે. “હું મરી ગઇ હોત તો સારું હતું”, તે કહે છે. પીડા સહન થતી નથી ત્યારે આવા શબ્દો મોંમાંથી નીકળે છે.
માર્ચ,૨૦૧૯માં માનવ અધિકારો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ અંગેના જુથ, જોખમી કચરાના નિકાલ સંદર્ભના માનવ અધિકારો અંગેના સ્પેશિયલ રેપરટોયર અને વિશ્વના તમામ નાગરિકોના સર્વોત્તમ તંદુરસ્તી ભોગવવાના અધિકાર અંગેના સ્પેશિયલ રેપરટોયર દ્વારા ભારત સરકારને એક પત્ર મોકલવામાં આવ્યો જેમાં કૈમુરમાં એવરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગામમાં એસ્બેસ્ટોસનો જોખમી કચરો ૬ લાખ ચો.મી. વિસ્તારમાં ફેંકયો છે જેના પર ૩૦૦૦ લોકો હવે વસે છે. એટરનીટના બેલ્જીયમ પ્લાન્ટ દ્વારા પણ આ રીતે કચરો નખાયો હતો તેની વાત કરી ત્યાં તેની સફાઇ માટે શા પગલાં લેવાયા તેની વાત આ પત્ર કરે છે. એસ્બેસ્ટોસના જોખમો અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા શું કહે છે તેની વાત કરે છે. ભારતમાં એસ્બેસ્ટોસને કારણે રોગનો ભોગ બનતા રોગીઓના આંકડા ન હોવાની વાત કરે છે. કૈમુરમાં લોકોના આરોગ્ય, ખાસ કરીને બાળકો પર તોળાઇ રહેલા અરોગ્ય જોખમો અંગેની વાત કરે છે. ત્યાં નિદાન માટેની પૂરતી અને યોગ્ય સુવિધાઓના અભાવ હોવાના આક્ષેપોનો ઉલ્લેખ કરે છે અને કેટલાકને વળતર મળ્યું હોવાની વાત પણ કરે છે. પત્ર આગળ એમ જણાવે છે કે થઇ રહેલા આક્ષેપોમાં કેટલું સત્ય છે તે તેઓ કહી શકતા નથી. પણ આ વાતોને કારણે પોતે આ વિસ્તારના સમુદાયના લોકો અને કામદારોના આરોગ્ય અંગે ગંભીર ચિંતામાં પડયા છે. સરકારને આ બાબત તપાસ કરવા વિનંતી કરે છે. ઉદ્યોગોની પણ સમાજ પ્રત્યેની એમની જવાબદારી અંગે લખે છે. યુનાઇટેડ નેશન્સના માનવ અધિકાર અંગેના માર્ગદર્શક સિધ્ધાંતોની યાદ અપાવી જુદા જુદા ૧૦ મુદ્દા પર ૨ મહિનામાં સ્પષ્ટતા માગી. વધુ માહીતી માટે જુઓઃ
https://spcommreports.ohchr.org/TMResultsBase/ DownLoadPublicCommunicationFile?gId=24366.
આવા જ પત્ર એમણે બેલ્જીયમની સરકાર, એટરનીટ (બેલ્જીયમ) અને એવરેસ્ટ (ભારત)ને લખ્યા છે પણ બેલ્જીયમની સરકાર સિવાય કોઇએ તેમને જવાબ આપવાની તમા રાખી નથી. યુનોની સંસ્થા છે પણ સરકારો અને ઉદ્યોગો પણ જવાબ આપી રહ્યા નથી.
કપેલા—ડેન—બાકના જોન કીઅરની વાત અગાઉના લેખમાં આવી ગઇ. તેમની સાથે ભારતીય મૂળના બ્રિટનમાં વસતા વકીલ કૃષ્ણેન્દુ મુખર્જી (અને પેટલાદ નજીકના ભવાનીપુરા ગામની પટેલ યુવતી સાથે પરણેલા, એટલે ગુજરાતના જમાઇ)ના પ્રયાસોથી કૈમુર અને કપેલા—ડેન—બાકની એક સમાન સમસ્યાના સંદર્ભે એક કલાક ૧૦ મિનિટની “બ્રીધલેસ” નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી તેને અનેક સ્થળોએ પ્રદર્શિત કરી. જોન કીઅર એસ્બેસ્ટોસ બેલ્જીયમ વિકટીમ્સ એસોસીએશનના પ્રમુખ છે. તેઓ વ્યવસાયે પાઇલોટ છે. તેમના માતાપિતા અને બે ભાઇઓના મોત એસ્બેસ્ટોસને કારણે થયા તે કારણે તે આ ચળવળમાં સક્રિય થયા. કૃષ્ણેન્દુ ઇમીગ્રેશન કાયદાના નિષ્ણાત છે પણ ૨૦૧૦થી એસ્બેસ્ટોસને કારણે પીડીતોને વળતર અપાવવાનું કામ કરે છે. વિશ્વમાં નાગરિક સ્વાતંત્ર્ય અને માનવ અધિકાર માટે લડતા વકીલોના સૌથી મોટા સમુહ સાથે તેઓ કામ કરે છે.
આ ફિલ્મ કઇ રીતે બની તેની વાત કરતાં તેમણે જણાવ્યું કે જોનના માતા બેલ્જીયમની કોર્ટમાં દાવો જીતી ગયાં. તેમાંથી ડેનિયલ લેમ્બો નામના ફિલ્મકારે પ્રેરણા લીધી. તે પણ કપેલા—ડેન—બાકના રહેવાસી. તેમના પિતાએ પણ એ જ કારખાનામાં કામ કરેલું. તેથી તેને રસ પડયો અને તેણે શોધખોળ ચાલુ કરી. તેને માહીતી મળી કે એટરનીટના ઘણા કારખાના દુનિયાના જુદા જુદા દેશોમાં છે. આ ફિલ્મમાં દર્શાવાયું છે કે કંપનીએ ૧૯૭૦માં બેલ્જીયમમાં એસ્બેસ્ટોસના જોખમોની પોતાને માહિતી હોવા છતાં લોકોને જોખમમાં ધકેલ્યા અને બરાબર એવું જ એમણે કૈમુરમાં પણ કર્યું. કંપની જાણતી હતી કે લોકો પોતાની રોજગારીની ચિંતામાં ચુપચાપ સહન કરશે. એરીક કહે છે કે યુરોપ અને અમેરિકામાં કાયદા કડક હોવાને કારણે જોખમ ધરાવતા કારખાના એશિયાના ગરીબ દેશોમાં રોકાણ કરે છે. તમાકુ, એસ્બેસ્ટોસ અને જોખમી રસાયણોનું ઉત્પાદન આ કારણે એશિયાના દેશોમા ધકેલાય છે. આ દેશોમાં કામદારોને સ્થાનિક કાયદાઓ પૂરતું રક્ષણ આપતા નથી અને સ્થાનિક રાજકારણીઓ સાથે મેળ પાડવાનું સહેલું હોય છે. આ કંપનીઓ જ્યારે બંધ થાય છે અને બીજા દેશોમાં ચાલી જાય છે ત્યારે પાછળ બીમારી, દુ:ખ અને પ્રદુષણ મુકતા જાય છે. કૃષ્ણેન્દુ કહે છે કે પશ્ચિમમાં લોકો એમ માને છે કે એસ્બેસ્ટોસ હવે ભૂતકાળની વાત બની ગઇ છે પણ ભારતમાં તો લોકો હજુ તેના જોખમો પણ જાણતા નથી એ સ્થિતિ છે. ફિલ્મમાં આ વાત ઉજાગર કરાઇ છે. ફિલ્મમાં બહુરાષ્ટ્રીય કંપનીઓના વહીવટ અને જવાબદેહીતાની વાત કરવામાં આવી છે. આ કંપનીઓ કાયદાનું પાલન કરતા નથી, દેવાળું કાઢે છે, કારખાના વેચી મારે છે અને જવાબદારીમાંથી છટકવા દેશમાંથી ભાગી જાય છે. ઘણે ભાગે પીડીતોને માટે કોઇ ઉપાય રહેવા દેતા નથી

.આવી સમસ્યા અંગે આપણા દેશમાં ઝાઝું લખાતું નથી. ગુગલમાં શોધતાં બહુ ઓછું મારે હાથ લાગ્યું જેનો ઉપયોગ હું આ લેખ માટે કરી શકું. પણ બેલ્જીયમના કપેલા—ડેન—બાક વિષે તમે શોધો તો ગુગલમાં પુષ્કળ માહિતી મળે. અહીં તો કૈમુરમાં એસ્બેસ્ટોસને કારણે કેટલાના મોત થયા તેના આંકડા પણ મળતા નથી. ખેર! દેશ સમસ્યાઓથી ભરેલો છે અને દોરીનો છેડો મળે તો ગુંચ ઉકેલાય. આપણે છેડો શોધતા રહીએ.
આ સાથે એસ્બેસ્ટોસને કારણે અસર પામેલા ગામો વિષેની આ શ્રેણી અહીં પૂરી કરીએ છીએ. આ શ્રેણીમાં આપણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, બેલ્જીયમ અને ભારતના ગામોની વાત કરી. એસ્બેસ્ટોસ વિષે ભારતમાં જાગૃતિ આવે તેમાં આ લેખો થોડો ફાળો આપશે અને તેના પર પ્રતિબંધ મુકાય તે માટે જાહેર મત કેળવવામાં થોડી મદદ કરશે તેમ માનું છું.
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M-+91 9426486855
નોંધ – આ લેખમાં જોવા મળતી તસ્વીરો લેખના વિષયના સંદર્ભ સાથેની માહિતી ધરાવતા ઇન્ટરનેટ પરના સ્રોત પરથી સાભાર લીધેલ છે.
આ લેખ ઇંગ્લેંડમાં રહેતા સૌના મિત્રોને પહોંચાડવા જેવો છે, જેથી ઍડવોકેટ કૃષ્ણેન્દુ મુખરજીને ૨૫૦૦ પૌંડ ઊભા કરવામાં કોઈ કદાચ મદદ કરવા તૈયાર થાય.
નમસ્તે જગદીશભાઇ, કયારેક જાણવા છતા ય કામદારો જોખમ સાથે કામ કરવા મજબુર હોય છે. લાચારી ને ગરીબી શું નથી કરાવતી? મજબુર લોકોનું શોષણ બધી જ જગ્યાએ થતુ હોય છે. સલ્ફર ને કોલસાની ખાણોમાં કામ કરતા લોકોને black lungs ‘નો રોગ થાય છે. એ પણ હકિકત છે કે વેસ્ટન કંપનીઓ આવા જોખમી ધંધા ગરીબ દેશોમાં ધકેલી દે છે. સરકાર કે કાયદો પણ આમાં બહુ સહાયરુપ નથી હોતા. આપણે ભોપાલની યુનીયન કાર્બાઇડ ના અકસ્માતથી પરિચિત છીએ જ ને
આપના અભિપ્રયા માટે ધન્યાવાદ. સરકારો ધારે તો ઘણું કરી શકે છે. જનાતાદળની સરકાર હતી ત્યારે જ્યોર્જ ફર્નાન્ડીઝે કોકા કોલાને દેશનિકાલ કરી હતી તો મધુ દંડવતે એ ક્લાસ લેસ ટ્રેન નો પ્રયોગ કર્યો હતો. ૬૦ કરતા વધુ દેશો એ એસ્બેસ્ટોસ પર પ્રતિબંધ મૂકી દીધો છે પણ ભારત સરકાર તો રોટરડામ કરારનાં બીજા શિડ્યુલમાં ક્રાયસોટાઇઅલ પ્રકારના એસ્બેસ્ટોસ ને ઉમેરવામાં પણ સંમતિ આપતી નથી તે કેવળ ઉદ્યોગોના દબાણ ને કારણે. આ યાદીમાં જે રસાયણોના નામ સામેલ હોય તેની ખરીદી કરનાર દેશને નિકાસ કારે માત્ર જોખમોની માહિતી આપવાની હોય છે. જોખમો જાણ્યા પછી પણ તમે ખરીદવા માગતા હોત ઓ છૂટ છે. એસ્બેસ્તોસની નિકાસ કરનારા રશિયા ,કઝાકસ્તાન જેવા દેશો તેનો વિરોધ કરે તે સમજી શકાય તેવું છે પણ ભારત તો તેની માત્ર આયાત પર નભતો દેહસ છે તે શા માટે વિરોધ કરે છે ?
આતંકવાદીઓ અને ખુંખાર ગુનેગારોના માનવ અધિકાર માટે બહુજ ચિંતિંત ‘બૌધ્ધિકો’ને આવા બિચારા લોકો કેમ નહી દેખાતા હોય??..