“દૂધ” ક્યા પ્રકારનું પીએ છીએ, જાણ્યું છે ક્યારેય ?

Facebooktwitterredditpinterestlinkedinmail

હીરજી ભીંગરાડિયા

મિત્રો ! જેમ માણહે માણહે ફેર – એમ દૂધે દૂધે પણ બહુ ફેર હોય છે, એમ નવું વિજ્ઞાન કહી રહ્યું છે. સસ્તન પ્રાણીઓની દરેક માદાએ પોતાના બચ્ચાના જન્મ સાથે જ એના શરૂઆતના પોષણ અર્થે “અમિ”રૂપી દૂધ [ધાવણ]નું તૈયાર થવું કુદરતી ઘટના છે. દૂધ ગાયનું છે કે ભેંશનું ? બકરીનું છે કે ઘેટીનું ? હાથણીનું છે કે ઊંટડીનું ? અરે ! સિંહણનું છે કે હરણીનું ? એવું પૂછવાનો મારો આશય નથી. એ બધાં તો પ્રાણીઓ જ અલગ અલગ હોઇ એ દરેકનાં દૂધ જુદાં જ હોવાનાં ! અને એ બધાં દૂધનાં ગુણ અવગુણ-સ્વભાવ પણ અલગ અલગ જ હોવાનાં ! અહીં એ બધાં દૂધની વાત નથી. પરંતુ આપણે જે “ગાયના દૂધ” તરીકે ડેરી દ્વારા અપાતાં પેકીંગવાળું દૂધ કે પછી ભલેને ઘરઘરાઉ આડોશી-પાડોશીના ઘેરથી વેચાતું લઈને વાપરતા હોઇએ છીએ તેની વાત છે. એ દૂધ આપણી ભારતીય-દેશી [ખુંધવાળી] ગીર, કાંકરેજ, શાહિવાલ,થરપારકર, જેવી ગાયોનું હોય છે કે પછી વિદેશી-યુરોપીય [ખુંધ વિનાની] જર્સી,હોલ્સ્ટેન-ફીજિઆન કે આયરશાયર જેવી “કાવ” નુંયે ભેળું ભેળું હોય છે ?

કેટલાકને પ્રશ્ન જરૂર થવાનો અને કોઇક તો પૂછી જ બેસવાનું કે કેમ ? “ગાયનું દૂધ” એટલે ગાયનું દૂધ, ભેંશનું નહીં ! કેમ આપણી ‘ગીર’ અને ‘કાંકરેજ’ જેમ ગાય છે, તેમ ‘જર્સી’ અને ‘એચ.એફ’ પણ ગાયો જ ગણાય ને ? તો બસ, મારે એ બાબતે જ ચોખવટ કરવી છે કે એ પણ ગાયો જ ગણાય છે, એની ના નથી, પણ એની “નાત” આખી નોખી છે મિત્રો ! આપણે ત્યાંની દેશી- એટલે કે ખુંધવાળી ગાયો કરતાં એ પરદેશી-ખુંધ વગરની ગાયો જિનેટિકલ બંધારણે અને શારીરિક બાંધે સાવ નોખી પડે છે. એનો સ્વભાવ, એની રહનસહન, એની ખોરાકી ટેવો, એને વળગી પડતા રોગો, એની રોગપ્રતિકારકતા અને એની દૂધ આપવાની ક્ષમતા – એ બધું ઘણું અલગ પ્રકારનું હોવા ઉપરાંત એના દૂધનું બંધારણ “A-1” પ્રકારનું હોઇ, આપણી ભારતીય ગાયોના “A-2” પ્રકારના દૂધ કરતાં ગુણવત્તામાં ઉતરતું અને વાપરનારને હદયરોગ અને ડાયાબિટિસ જેવા દર્દોને આમંત્રણ આપનારું છે, એવું વિજ્ઞાને સાબિત કર્યું છે, અને એની જાણ હમણાં હમણાંથી થતાં બહુ બધા લોકો દેશી ગાયના દૂધને મહત્વ આપવા લાગ્યા છે.

સવાલ તો જેમ તમને થઈ રહ્યો છે તેમ વિગતો જાણ્યા પહેલા મને પણ થતો જ હતો કે, જો એ પરદેશી ઓલાદની ગાયોનું દૂધ આપણી દેશી ગાયોના જેટલું ગુણકારી નહોતું, તો પછી એવી ગાયોને પરદેશથી આપણે લાવ્યા જ શું કામ હોઇશું ?

સાવ સાચી છે, મિત્રો ! એ સમજવા આપણે 6-7 દસકા પહેલાની આપણા દેશની ખોરાકી પરિસ્થિતિ જાણવી પડે એમ છે. આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણા દેશ પાસે દેશવાસીઓને પેટપૂરણ અન્ન પૂરું પડી રહે એટલું ઉત્પાદન થતું નહોતું. અને અમેરિકા જેવા દેશ પાસે એ માટે અહેસાનમંદ રહેવું પડતું હતું એ ઘટનાની તો જાણ છે ને ? 1960-65ના અરસામાં આપણા દેશના તત્કાલિન વડા પ્રધાન મહામાનવ- શ્રી લાલબહાદુર શાસ્ત્રીને એ ખટક્યું. અને દેશવાસીઓને પડકાર કર્યો કે “એક ટંક ભૂખ્યા રહેવું પડે તો મંજૂર, બાકી પરદેશોની ગુલામી અન્ન બાબતે નથી સહેવી !” અને સાથોસાથ “દેશની હરોળની રક્ષા કરનારા જવાનોના કામ જેવું જ મહત્વનું કામ ધરતીમાંથી ધાન્ય પકાવનારા ખેડૂતોનું પણ છે” કહી “જય જવાન- જય કિસાન” નો નારો આપી દેશના કૃષિ વિજ્ઞાનીઓ અને ખેડૂતોને હાકલ કરી કે “વધુ ઉત્પન્ન આપતી ધાન્યની જાતો શોધો અને એના ઉત્પાદન પાછાળ લાગી પડો !”

અને આપણે ત્યાં ઘણાબધા ખેતી પાકોમાં “સંકરણ” દ્વારા વધુ ઉત્પન્ન આપતી જાતો શોધાઇ અને અન્ન ક્ષેત્રે સ્વાવલંબન સધાયું. બસ, એવું જ એ સમયે આપણા બેફામ રીતે વધી રહેલા વસ્તિવધારાને કારણે ઊભી થયેલી પોષણતૂટને કેમ પહોંચી વળવું તે પણ જટિલ કોયડો હતો. અનેબીજી બાજુ આપણી દેશી ગાયો દેશના જરૂરી દૂધના જથ્થાને પહોંચી વળવામાં ઊણી ઉતરી રહી હતી ! કરવું કેમ ? એ મહા મુંઝારો હતો !

એવે ટાણે દૂધની ગુણવત્તાને બદલે દૂધના જથ્થાને પહોંચી વળવું એ જ એક માત્ર ધ્યેયને કેંદ્રમાં રાખી, ગોસંવર્ધન બાબતેના અભ્યાસુઓએ વિચાર્યું કે જેમ ધાન્યની જાતોમાં “સંકરણ” દ્વારા ઉત્પાદન વધારી શકાયું છે, તેમ આપણા દેશની ગાયોમાં પણ વધુ દૂધ દેનારી પરદેશની ગાયો સાથે “સંકરણ”ના પ્રયોગો કર્યા હોય તો કેમ ? અને એના વિષેના પ્રયોગોમાં સફળતા દેખાતાં આપણા દેશે કેટલીક વધુ દૂધ દેવાની ક્ષમતાવાળી પરદેશી-જર્સી અને હોલ્સ્ટેન-ફીજિઆન જેવી ગાયો આયાત કરી. અને એ ઓલાદની સાથે આપણી ગીર, કાંકરેજ, શાહિવાલ, થરપારકર જેવી ઓલાદ સાથે સંકરણ દ્વારા વધુ દૂધ આપનાર જિનેટિક ગુણવત્તાનું નિરૂપણ કરવાનું શરૂ થયું. અને એ સંકરિત ગાયો વધુ દૂધ આપવા સક્ષમ બની. આમ પરદેશી ઓલાદને આપણે ત્યાં આમંત્રણ આપવા માટેનું મોટું કારણ આપણી દૂધની જરૂરિયાતને પહોંચી વળવાના પ્રયત્નરૂપ હતું.

અને આજે સર્વેના આંકડા દર્શાવે છે કે આપણે ત્યાંના ગાયોના કુલ દૂધ ઉત્પાદનના 90 % દૂધ હોલ્સ્ટેન-ફીજિઆન, જર્સી કે તેમના જિનેટિકલ લક્ષણોવાળી સંકર ગાયોનું જ હોય છે, એટલે કે આપણે જેને “ગાયના દૂધ” તરીકે ઉપયોગમાં લઈએ છીએ તે મોટાભાગનું “A-1” પ્રકારનું જ દૂધ હોય છે.

[1961-65ના ગાળામાં હું લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં કૃષિસ્નાતક કોર્સનો અભ્યાસ કરતો હતો. સંસ્થાના મોભી આ.શ્રી મનુભાઇ પંચોલી-દર્શકના આદેશથી દૂધનું ઉત્પાદન વધારવાના હેતુસર લોકભારતીની ગૌશાળાની ગીર ગાયોમાં જર્સી અને હોલ્સ્ટેન-ફીજિઆન ગાયોમાં ક્રોસબ્રીડિંગના પ્રયોગો થયા હતા. અને સંકરણ દ્વારા તૈયાર થયેલ પેઢી ઘણુ વધુ દૂધ આપવા સક્ષમ બની રહેતી, એવો તો તે દિવસોનો મને ખ્યાલ હતો, પણ એ સંકરિત ગાયોના દૂધમાં અને આપણી દેશી ગાયોના દૂધમાં પાયાનો ફરક હોય છે એની જાણ તે દિવસોમાં નહોતી.]

“A-1” અને “A-2” – બન્નેમાં ફેર કેટલોક ?

સહેજે પ્રશ્ન થવાનો જ કે “A-1” અને “A-2” પ્રકારના-બન્ને દૂધમાં એટલોબધો તે શું ફરક છે, કે કેટલાક ગો-સંવર્ધકો, ગો-વિજ્ઞાન અને સોશિયલ મિડિયાવાળા ગાઈ વગાડીને “A-1” ની વિરૂદ્ધ “A-2” નો મુદ્દો ચગાવી રહ્યા છે ? સાંભળો ! એનું કારણ એ છે કે 1960-65 થી શરૂ કરી આજ દિન સુધીના લાંબા ગાળા સુધી પરદેશી ગાયોના દૂધ ઉપયોગમાં લીધાના કારણે સૌને ચોંકાવી મૂકે એવું એના દ્વારા ઉદભવતા રોગોનું લાંબુ લીસ્ટ નજર સામે તરવા માંડ્યું છે ! ખાસ કરીને હદયરોગ, પેટના ઝીણીમોટી ગરબડો, 1-ટાઇપ ડાયાબીટિસ, હાઇ બ્લડપ્રેસર તથા માનસિક દર્દો અને અનેક પ્રકારના બાળરોગ જેવા દર્દો થવામાં “A-1” પ્રકારના દૂધનો મોટો ફાળો રહેલો છે, તેવું સાબિત થઈ રહ્યું છે.

વિદેશી ગાયોનું દૂધ “A-1” માં ફેરવાયાનું કારણ શું ?

સુભાષ પાલેકરજીના અભ્યાસવર્ગમાં મેં જાણ્યું છે કે હજારો વર્ષો પૂર્વે વિશ્વમાં ગાયોની ફક્ત બે જ પ્રજાતિ હતી, અને એ પણ જંગલી અવસ્થામાં હતી. જેમાની એક-જે ખુંધ વગરની જેને- “Bos Taurus” કહે છે, જેને યુરોપીય પ્રજાએ પાલતુ બનાવી અને બીજી એટલે કે ખુંધવાળી, જેને- “Bos indicus” કહે છે, જે ભારતીય ઉપખંડમાં અને કેટલાક એશિયાયી દેશોમાં ફેલાઈ. આમ યુરોપીય અને ભારતીય એમ બે ફાંટા, પણ બન્નેમાં યુરોપીયનું દૂધ વધારે અને ભારતીયના દૂધનું પ્રમાણ પહેલેથી જ ઓછું હતું.

ઓક્ટોબર-18 ના સફારીના અંકમાંના લખાણ મુજબ ન્યુઝિલેન્ડની લિંકન યુનિ.ના પ્રોફેસર કીથ વૂડવર્ડેના જણાવ્યા પ્રમાણે સેંકડો વર્ષો પહેલાં નેધરલેન્ડ અને ડેન્માર્ક જેવા યુરોપીય દેશોએ એની “Bos Taurus” પ્રજાતિની ગાયોનું દૂધ હજી વધુ પ્રમાણમાં આપે એવું કરવા એકબીજી ઓલાદોનું લાંબો સમય સંકરણ કરતાં રહેવાથી ગુણવિકાસ ને બદલે કેટલાક નકારાત્મક બાયોકેમિકલ બદલાવ આવ્યા. આવો ગુણવિકાર-[મ્યુટેશન] પામેલી ગાયોના દૂધને “A-1” પ્રકારનું દૂધ કહ્યું. અને જે પેટમાં જાય ત્યારે તેના પર અનિશ્ચિત પ્રક્રિયા થાય છે અને સ્વાસ્થ્ય માટે ઘણું હાનિકારક સાબિત થતું હોવાનું ખુલ્યું છે.

ક્યા ક્યા રોગોને નોતરે ?

[1] ટાઇપ-1 ડાયાબીટિસ “ :

આવું દૂધ પીનારાં બાળકોના શરીરમાં જરૂર પૂરતું ઇન્સ્યુસ્લિન પેદા થતું નથી. અને આવી જ અસર મોટેરાઓમાં પણ જોવા મળે છે. ન્યુઝિલેન્ડમાં ડાયાબીટિસને લગતું સંશોધન કરનારા પ્રો.રોબર્ટ ઇલિયટે 1993માં સસલાના બે જૂથ પર A-1 તેમજ A-2 દૂધના અખતરા કર્યા. જે સસલાંને મહિનાઓ સુધી A-1 દૂધ પાયું, તે બધાને ટાઈપ-1 ડાયાબીટિસનો રોગ લાગુ પડ્યો.

ન્યુઝિલેન્ડમાં તો “Bos Taurus” પ્રજાતિની ગાયોના દૂધનું ઉત્પાદન મોટું, અને લોકો વાપરે પણ ખૂબ ! એટલે ત્યાંના બાળકોમાં પણ ટાઇપ-1 ડાયાબીટિસનું પ્રમાણ ઉંચું, જ્યારે કેન્યાના મસાઇ જાતિના લોકો ગાયોનું દૂધ ખૂબ વાપરે, પણ તે A-2 પ્રકારનું હોવાને લીધે ડાયાબીટિસથી સાવ મુક્ત !

[2] હદયરોગ :

અમૂક સસલાંને A-2 દૂધ ઉપર અને અમૂકને A-1 દૂધ પર મહિનાઓ સુધી રાખવામાં આવ્યા પછીના અભ્યાસના અંતે જોયું કે A-1 દૂધ પર નભેલાં સસલાંઓની રક્તવાહિનીઓમાં A-2 પીનારની તુલનાએ આંતરિક ભાગે ચરબીનું વધુ જાડું પડ બાજ્યું હતું અને રક્તપ્રવાહનો માર્ગ થોડો સાંકડો બન્યો હતો.

હદયરોગ બાબતે ફિનલેન્ડ અને ફ્રાંસ વચ્ચેનો ફરક પણ ધ્યાન ખેંચે તેવો છે. બન્ને દેશોના લોકો તેમના આહારમાં દૂધને ખાસ્સુ પ્રાધાન્ય આપે છે. બન્ને દેશોની માથાદીઠ વપરાશ પણ લગભગ સરખી છે. આમછતાં ફિનલેન્ડમાં હદયરોગીની સંખ્યા અતિશય છે, કારણ કે ત્યાંની ગાયોનું A-1 દૂધ છે. જ્યારે ફ્રાંસમાં “નોર્મેંન્ડી” તરીકે ઓળખાતી અને બે-ત્રણ વગડાઉ ઓલાદોનું A-2 દૂધ વપરાય છે.

[3] બાળકોમાં થતો ઓટિઝમ રોગ :

આ રોગ થવાથી બાળકોનો માનસિક વિકાસ રૂંધાય છે એવું સંશોધકોના ધ્યાનમાં આવ્યું છે.

દૂધ “A-1પ્રકારનું છે, કે “A-2” પ્રકારનું છે ? એ કેમ જાણવું ?

આ બે માંથી દૂધ ક્યા પ્રકારનું છે, તે જાણવાની કોઇ સાદી પદ્ધત્તિ નથી. અને પાછો ગુંચવાડો મોટો એ પણ છે કે અમૂક દેશી ઓલાદ સાથે વિદેશી ઓલાદનું સંકરણ કરેલ હોય એવી ગાય દૂધ A-2 પ્રકારનું આપે છે કે A-1 પ્રકારનું ? એ કેમ તપાસવું ? પરીક્ષણ કરી આપતી લેબ આપણે ત્યાં ગણી ગાંઠી છે, જે ટેસ્ટ માટેનો ચાર્જ ત્રણસોથી સાડા ત્રણસો જેટલો લેતી હોય છે.

જાગ્યા ત્યારથી સવાર :

મિત્રો ! જે થઈ ગયું તે થઈ ગયું ! તે સમયે ગુણવત્તાને કોરાણે રહેવા દઈ, દૂધનો જથ્થો કેમ વધરવો તે આત્યંતિક જરૂરિયાત હતી. અને એને પહોંચી વળવા વિજ્ઞાનીઓને જડ્યો તે રસ્તે ચાલ્યા, અને વિદેશી ઓલાદોને લાવ્યા. અરે ! એની સાથે સ્થાનિક ઓલાદોનું સંકરણ કરી આપણી દેશી ઓલાદોને બગાડી. હા, દૂધનો જરૂરી જથ્થો પ્રાપ્ત કરવા બાબતે ઠીક ઠીક સફળતા મેળવી.

પણ હવે ? આપણી દેશી-ગીર, કાંકરેજ, શાહિવાલ, થરપાર્કર જેવી ઓલાદો બધી રીતે સ્વાસ્થ્યવર્ધક A-2 દૂધ પૂરતા પ્રમાણમાં ઉત્પાદિત કરવા શક્તિમાન બની ગઈ છે ત્યારે “વધુ દૂધ ઉત્પાદન”નો મોહ જતો કરી, A-1 દૂધ આપતી વિદેશી ઓલાદોમાંથી છૂટકારો મેળવવાની જરૂર છે.

આપણે હવે બહુ મોડા મોડા જાણતા થયા છીએ કે ગાયોની દૂધ ઉત્પાદનની ક્ષમતા વધારવામાં ઉત્તમ ઓલાદના સિદ્ધ થયેલ સાંઢનો બહુ મોટો ફાળો હોય છે. પશ્ચિમના દેશોએ ઘણા લાંબા કાળથી તેમની સાવ નકામી જાતોનેયે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગાયોના સંવર્ધન ક્ષેત્રે ચાલીને અધ..ધ.. દૂધ આપતી બનાવી છે. તેની ગાયોની તુલનાએ આપણી “ગીર ગાય” લાખ દરજ્જાનું ઉત્તમ પ્રાણી છે. પણ આપણને તેના સંવર્ધનની-ઉત્તમ ઓલાદ પ્રાપ્તિની ગતાગમ નહોતી, અને રખડતા-બાંગરા ખુંટિયાઓની સર્વિસ લઈને ઉત્તમ ઓલાદને પાયમાલ કરી છે. આપણામાં પશુ વિજ્ઞાનીકોના જેવી સમજણ પ્રથમથી જ હોત તો આપણી ગાયોની ઉત્પાદન ક્ષમતા ક્યાં પહોંચી હોત તે દુનુયાભરમાં આશ્ચર્યજનક સ્થિતિ હોત ! જુઓ ! હવે પશુ જાતિના સંવર્ધનનું ભાન હજુ માત્ર થયું જ છે, તો આપણી ગાયોનું દૂધ ઉત્પાદન બે-પાંચ લીટરેથી વધીને 15-20 લીટરે પહોંચ્યું છે ! પશ્ચિમથી પશુ-સંવર્ધનની વૈજ્ઞાનિક દ્રષ્ટિ લેવાય પણ તેની A-1 દૂધ આપતી ગાયોને તો હરગીજ નહીં !

તીર એક અને નિશાન વિંધે બે :

આટલી લાંબી વાત કર્યા પછી મારે કહેવું છે એ કે આમ સમાજમાં ઘણાબધા લોકો સ્વાસ્થ્ય અંગેની વધી રહેલી સજાગતાને કારણે “ઓર્ગેનિક” ખોરાક ખાવાનો આગ્રહ સેવતા થયા છે, અને ખેડૂતોને રા.ખાતરો અને ઝેરીલી પેસ્ટીસાઈડ્ઝથી એના જમીન-પાણી-હવા અને કહોને ખેતીનું સમગ્ર પર્યાવરણ બગડી રહ્યું છે એની ચિંતા છે, એ બન્નેના ઉકેલ અર્થે ખેતીશાસ્ત્રના અભ્યાસુઓએ “સજીવ ખેતી” અભિગમ સૂચવ્યો છે, અને સરસ રીતે સફળ થઈ રહ્યો છે. તેમાં પણ આપણી દેશી ગાયો પોતાના ગોબર, ગોમુત્ર અને ધીંગા ધોરી [બળદ] અર્પણ કરી સોનામાં સુગંધ ભેળવવાનું કામ કરી રહી છે. એટલે તો આપણા પૂર્વજોએ ગાય ને “માતા” કહી છે ! એ ન ભૂલીએ કે A-2 પ્રકારનું દૂધ પૂરું પાડવું એ તો એનું ભારતીય પ્રજા પ્રત્યેના વાત્સલ્યનું પ્રતિક છે મિત્રો ! આવી “મા” નું પય મૂકીને “માસી” ની છાતીએ વળગવા શા સારું જવું ? વિચારજો !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

2 comments for ““દૂધ” ક્યા પ્રકારનું પીએ છીએ, જાણ્યું છે ક્યારેય ?

 1. Samir
  August 28, 2019 at 1:53 pm

  આ બધું ખુબ માહિતી સભર લેખ વાંચ્યા પછી એક વાત પૂછવી છે.લેખ માટે હીરજીભાઈ ની ખુબ ખુબ આભાર !
  દરેક ઉમરે વ્યક્તિએ કહ્યું દૂધ પીવું જોઈએ ?

 2. નિરંજન બૂચ
  September 4, 2019 at 9:00 am

  હિરજીભાઇ , આપનું દૂધ વિષે નું વૈજ્ઞાનિક રીત નું પરુથકરણ ખુબ જ પ્રશ્નંશનિય છે , આપ ના જ્ઞાન નો ઉત્તમ રીતે લાભ મળે છે , અહિ અમેરિકા મા તો જે દૂધ મળે છે તે જાણે પ્લાસ્ટિક નું હોય એવું જ લાગે , ને એમાં પાછા હોરમોનસ નાંખ્યા હોય

  આપ જાગરુકતા ફેલાવતા રહેશો , એવી વિનંતી છે

  આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *