






પૂર્વી મોદી મલકાણ

c . ૩૩૦૦-૨૮૦૦ BCE – Ravi
c. ૨૮૦૦-૨૬૦૦ BCE – Early Harappan
c. ૨૬૦૦-૧૯૦૦ BCE – Harappan
c. ૧૯૦૦-૧૮૦૦ BCE – Transitional
c. ૧૮૦૦-૧૩૦૦ BCE – Late Harappan
હર્પ્પિયન સંસ્કૃતિનો વ્યાસ કેટલો? તો કહે હર્પ્પિયન સંસ્કૃતિ પણ શેરશાહ સૂરીનાં માર્ગની જેમ ત્રણ દેશોમાં પથરાયેલો હતો. એટલું જ નહીં ચોથા દેશમાં તેની થોડીઘણી અસર જોવા મળેલી, પણ તે અસરને બહુ વ્યાપ આપવામાં આવેલો નહીં. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં શોર્તગુઇ ( આજે સર-એ-સંગ ) સુધી પ્રસારિત થયેલ છે. શોર્તગુઈ પછીનાં વિસ્તારમાં ઈરાની અને અફઘાની સંસ્કૃતિનું મિશ્રણ જોવા મળે છે. પાકિસ્તાની ઇતિહાસકાર અબ્દુલ હમીદનાં કહ્યાં મુજબ ભલે હર્પ્પિયન સંસ્કૃતિ અફઘાનિસ્તાન સુધી હોય પણ આ સંસ્કૃતિનાં કેટલાક છાંટા ઈરાનની ધરતી પર પણ સમાયેલ હતાં. આ જ કારણે ૫૦૦૦ વર્ષ પહેલાનાં કેટલાક પોટરી આર્ટ ઈરાનની ધરતીમાં આજે પણ ધરબાયેલ છે.

ગુફાવાસી માનવે સમય અનુસાર જ્યારે પોતાની જીવનપધ્ધતિમાં અનેક ફેરફારો કર્યા. જેમાં એક કૃષિ ઉદ્યોગ પણ હતો. આ કૃષી ઉદ્યોગે માનવજીવનમાં ધરકમ પરીવર્તન કર્યા જેને કારણે માનવમાં શહેરીકરણની સભ્યતાનો ય ઉદ્ભવ થયો. આવી જ એક સુસંસ્કૃત થયેલ સભ્યતા હરપ્પિયન યુગમાં યે જોવામાં આવી.
અમારી યાત્રાની શરૂઆત પહેલાં રોડથી થઈ, આ રોડ અમને ગુફાઓ તરફ લઈ ગયો અને હવે અમે ગુફાઓમાંથી નીકળી અમે શહેરીકરણ તરફ કદમ માંડ્યા હતાં. આમ તો અમારી યાત્રા વિવિધ ઇતિહાસનાં પાનાં પરની જ હતી પણ તોયે આ નવા સ્થળની યાત્રાનો ઉત્સાહ અમને લાહોર તરફ લઈ જઈ રહ્યો હતો ત્યારે વરસાદ માર -માર કરતો વરસી રહ્યો હતો. કદાચ આ વરસાદ અમારી નજરો સામે એક પડદાનું કામ કરી રહ્યો હતો. લાહોરનો એ રસ્તો મારી અનેક જૂની યાદોને તાજી કરી રહ્યો હતો. આ વખતે ફર્ક એ હતો કે આ વખતે લાહોર જોવાનો પ્રોગ્રામ રાખેલો નહીં. અમારે કેવળ બે રાત રહેવાનું હતું, રસ્તામાં અમે એકાદ જગ્યાએ રોકાઈ હોલ્ટ લઇ થોડીઘણી પેટપૂજા કરી પછી ફરી લાહોરને માર્ગે નીકળી પડ્યાં. રસ્તામાં અમે નક્કી કર્યું કે આવતીકાલે નાસ્તા પછી સવારે ૯ વાગે નીકળી પડવાનું કારણ કે લાહોરથી લગભગ ૪ કલાકનો રસ્તો છે તેથી બપોરે ૧-૨ વાગે પહોંચી જઈએ તો મ્યુઝિયમ અને સાઇટ બંને જોવાય. આ ઉત્સાહમાં વધુ ક્યાંય હોલ્ટ લીધા વગર અમે લાહોર તો રાત સુધીમાં પહોંચી ગયાં પણ લાહોરની ગલીઓમાં એવા ખોવાઈ ગયાં કે કેમેય રસ્તો ન મળે. હોટેલ અને રસ્તાની સંતાકૂકડીમાં અમે લાહોરની રંગીલી અને રંગબેરંગી રાતે ય જોઈ લીધી જે કવચિત આટલી સહેલાઇથી જોવા ન મળી હોત. આખરે ૨-૩ કલાકની શોધખોળને અંતે અમને હોટેલ મળી ત્યારે લગભગ ૧૧ વાગી ગયાં હતાં અને હોટેલનું કિચન બંધ થઈ ગયું હતું. મેનેજરને પૂછતાં તેણે કહ્યું કે બીજા માણસો ચાલ્યાં ગયાં છે તેથી કેવળ ગરમ ગરમ પૂડી -ભાજી બનાવી આપીએ તે ચાલશે કે? અમારે માટે એટલું પૂરતું હતું તેથી તે પૂડી-ભાજીને ન્યાય આપી અમે બીજા દિવસની સવારનાં ઉત્સાહમાં અમારા રૂમ તરફ વળી ગયાં.
બીજે દિવસે અમે અમારે સમયે ઉઠી ગયાં અને નાસ્તો -પાણી કરીને તૈયાર થઈ બેસી ગયાં; અને ડ્રાઈવર યુનુસભાઈની રાહ જોવા લાગ્યાં. પણ જેમ વિચાર્યું હોય તેમ ક્યાં થાય છે. અમારે પણ તેમ જ થયું. હમણાં આવશે, હમણાં આવશે, કરતાં કરતાં અમારા નવ ને બદલે દસ થયાં, ને દસ નાં સાડા દસ થયાં….પણ યુનુસભાઈનો ક્યાંય અતોપતો ન હતો.
બસ ઘડિયાળનો કાંટો જેમ જેમ વધતો ગયો, તેમ તેમ અમે ઊંચાનીચા થવાં લાગ્યાં. સાડા દસ પછી તો ધીરજ ન રહેતાં યુનુસભાઈને મી. કારીબ શોધવા નીકળ્યાં અને તેની રૂમ પર જઈ ચેક કર્યું તો ખબર પડી કે એમણે તો એ રૂમ લીધી જ ન હતી. તેમને ફોન કરતાં ખબર પડી કે તેઓ તો એમનાં કોઈ સગા ને ઘેર છે અને સગા રહે છે લાહોરની બહાર…..અમને થયું …..થયું….હવે તો ટાઈમસર હરપ્પા પહોંચી શકીશું કે નહીં. ઉચટ જીવ, હરપ્પા તરફ રહેલી અમારી નજર, ઘડિયાળનો ફરતો કાંટો, ધીરે ધીરે ઓછો થઈ રહેલો દિવસ…..આખરે લગભગ અગિયાર-સવા આગિયારેક વાગ્યે માંડ માંડ યુનુસભાઇનો ફોન મળ્યો ત્યારે તેમણે કહ્યું કે; કહે બસ મૈ અભી આતા હૂં, બસ પાંચ -છેહ મિનિટ કી દૂરી પર હૂં …….પણ એની પાંચ મિનિટે ય ધીરે ધીરે કરીને કલાકમાં પરિવર્તિત થઈ ગયો. આમ ને આમ લગભગ ત્રણ કલાક અમારા બગડી ગયાં પછી યુનુસભાઈ આવ્યાં. અમારા ત્રણ કલાક બગડી જતાં અમારો મૂડ ખરાબ થઈ ગયેલો વળી ભૂખ પણ લાગી ગયેલી. પણ હવે લંચ માટે રોકાવાય તેમ ન હતું ને યુનુસભાઈ ઉપર ગુસ્સો કાઢવાનો કોઈ અર્થ ન હતો તેથી અમે મોં હસતું રાખી હરપ્પા તરફ જવા નીકળી પડ્યાં.
ગઇકાલનાં વરસાદ પછી બીજા દિવસનું વાતાવરણ ઘણું જ ચોખ્ખું લાગ્યું, એવું લાગતું હતું કે જાણે સ્નાન કર્યા પછી પ્રકૃતિ વધુ ખીલી ગઈ હતી અને દિવસ ચઢતાં સુધીમાં તો આછો તડકો ય હતો.

લાહોરની બહાર નીકળતાં લીધેલો લાહોર કેનાલનો ફોટો. મારી પ્રથમ ટૂરમાં ( ૨૦૧૧ ) માં આજ કેનાલનું પાણી પ્રમાણમાં ઘણું જ ગંદુ હતું, હવે આ કેનાલને ચોખ્ખી કરી આજુબાજુ વૃક્ષો લગાવવામાં આવ્યાં છે.
લાહોરથી હરપ્પા સુધીનાં આ માર્ગને કખાનવાલી, ખનીવાલ અને સહીવાલ એમ વિવિધ નામે ઓળખવામાં આવે છે. લાહોરથી બહાર નીકળતાં જ રસ્તો માખણ જેવો લીસો, મોટો, સુંદર અને સ્વચ્છ હતો. પણ તેમ છતાં યે આ માર્ગ પરથી જનારા વાહનો બહુ જ ઓછા હતાં. આ ખાલી માર્ગને જોઈને જોઈ ખ્યાલ આવતો હતો કે ઇસ્લામાબાદથી લાહોર સુધીનાં જ માર્ગ જ વ્યસ્ત છે, પણ જેવું લાહોર છૂટે કે પછી કોઈ જ બિઝનેઝ અહીં વિકસેલા નહીં હોય.

અમારા ચાર કલાકની સફર દરમ્યાન અમે મોટાભાગે આ રસ્તો ખાલી જ જોયો. રસ્તામાં અમે પેટ્રોલપંપ પર એક હોલ્ટ લીધો. આ પેટ્રોલપંપની આજુબાજુ વાતાવરણ બહુ સુંદર હતું. આજુબાજુ ગણીને ૩-૪ ઘર હતાં. કદાચ જે લોકો કામ કરી રહ્યાં હતાં તેમનાં જ હશે. આ વસ્તી સિવાય અહીં કોઈ બીજી વસ્તી વસતી હોય તેવું અમને લાગ્યું નહીં. આ પેટ્રોલપંપ પર ખૂબ ચોખ્ખાઈ હતી, જે જોઈ અમે આશ્ચર્યમાં પડી ગયાં. પહેલાં લાગ્યું કે કદાચ આ પેટ્રોલપંપમાં બહુ વાહનો આવતાં નહીં હોય પણ જે રીતની વ્યસ્તતા હતી તે જોઈ અમારું અનુમાન ખોટું લાગ્યું.

પણ ચોખ્ખાઈ વિષે અમે જ્યારે અમે જ્યારે કારીબજી સાથે વાત કરી રહ્યાં હતાં તે સમયે પેટ્રોલપંપ રહેલો મેનેજર સાંભળી ગયો. પહેલા તો તે ચૂપ જ રહ્યો પછી કહે “વોહ ઈન્ડિયાવાલે મોદીજી હૈ ના ઉનકી બાતો પે હમને બહૌત ગૌર કીયા. વોહ ના સહી કહેતે હૈ. ઉનકી બાતે ઈન્ડિયાવાલે સમજે યા ના સમજે પર હમ બખૂબી સે સમજ ગયે હૈ. ઘર કે સાથ ગાંવ ભી સ્વચ્છ રહેગા તો હમ ભી સ્વસ્થ રહેંગે.” જો’કે કેવળ આ પેટ્રોલપંપ જ નહીં પણ ઇસ્લામાબાદ પણ મને એટલું જ ચોખ્ખું દેખાયેલું. આ પ્રથમ વીકમાં ઇસ્લામાબાદની એ સડકો પર અમે ઘણીવાર નીકળ્યાં આ દરમ્યાન અમે સડકો તો ક્લીન જ જોઈ ઉપરાંત એક પણ ભિક્ષુઓ પણ અમને નજરમાં ન આવ્યાં. આ દરમ્યાન અમારે એક આર્મી ઓફિસરને મળવાનું થયેલું ત્યારે ઇસ્લામાબાદની ચોખ્ખાઈ વિષે પૂછેલું તેઓ કહે “ યે કેપિટલ સિટી હૈ તો કેપિટલ તરહ હી હોના ચાહીયે. યહાં ભિક્ષુ ભી હૈ પર ગંદકી નહીં હૈ. પર હમ ના આજકલ મોદીજી કી બાતો પે જ્યાદા ધ્યાન દેતે હૈ…..ઔર શરીફજી…? મારાથી પૂછાઇ ગયેલું. હાં વોહ તો હૈ…પર મોદીજી તો મોદીજી હૈ ઉનકે જૈસે દો -ચાર પ્રેસિડંન્ટ અગર હમ લોગો કો મિલ જાયે તો હમ ઔર ભી આગે બઢ જાયેંગે.” પાકિસ્તાનીઓને મોદીજી મળશે કે નહીં તે તો નથી જાણતી પણ આ મેનેજરની વાત જાણી મનમાં બહુ ગિલ્ટી થઈ આવી. મોદી સાહેબ કહી કહીને થાકી ગયાં પણ આજે આપણાં શહેરો, પેટ્રોલપંપ કે હાઇવે ફ્રેશર રૂમ કેટલાં ચોખ્ખા થયાં તે તો આપણે જ કહી શકીએ.
થોડીવારના આ હોલ્ટ બાદ અમે હરપ્પા તરફ ફરી નીકળવા તૈયાર થયાં ત્યાં એક બોર્ડ પર નજર પડી જેનાં પર હરપ્પા વિષે લખેલ હતું. આથી આ બોર્ડનો ય એક ફોટો લઈ અમે નીકળી પડ્યાં.

રસ્તામાં આવતાં ભાઈપેટુ, ચંગમંગા, ઓકારા, સહીવાલ એવા ગામો પસાર કરતાં કરતાં અમે હરિપુર પણ પાસ કર્યું. હરિપુર….૨૦૧૧ ની ટૂરમાં કેબ ડ્રાઈવર પાસેથી અમે આ હરિપુર ગામનું નામ અમે સાંભળેલું, તેથી આ ગામ સાથે કોઈ જૂની ઓળખાણ તાજી થઈ હોઈ તેવી અનુભૂતિ બે પળ માટે થઈ આવી. હરપ્પા જવા માટેની એક ટ્રેન આ હરિપુર સુધી આવે છે અને અહીંથી ગાડું, રિક્ષા કે બસ લઈને હરપ્પા સાઇટ સુધી પહોંચી શકાય છે. અમે જ્યારે હરપ્પા પહોંચ્યાં ત્યારે સંધ્યા આવવાની તૈયારી હોય ગામ ખીલી ઊઠેલું. રસ્તા પર બાળકો ટાયરનાં વ્હીલ લઈ દોડતાં હતાં, ક્યાંક કોઈક ઊંટગાડીવાળા અને ગધેડાગાડીવાળા શાકભાજીનાં ઠેલા લઇ ઊભા હતાં, કદાચ સાંજની શાકમાર્કેટ ભરાવવાની હશે તેની તૈયારી થઈ રહી હતી.



અમે મ્યુઝિયમ પાસે પહોંચ્યાં ત્યારે સાંજના ચાર વાગી ગયાં હતાં અને અમારી પાસે બચ્યો હતો કેવળ અડધી કલાક, મ્યુઝિયમ જોવા માટે. જે બહુ ઓછો હતો. તેથી આખરે મનમાં ને મનમાં યુનુસભાઈને ગાળો દેતાં દેતાં અમે મ્યુઝિયમ તરફ દોડવાનું શરૂ કર્યું.
ફોટોગ્રાફી :- પૂર્વી મોદી મલકાણ
© પૂર્વી મોદી મલકાણ યુ.એસ એ. | purvimalkan@yahoo.com
હું ક્યારની રાહ જોતી હતી પૂર્વીબેન. પાકિસ્તાનમાં તમે જ્યાં જ્યાં ફરવા લઈ જાવ છો ત્યાં જતાં અગાઉ મારા હૃદય ના ધબકારા બહુ વધી જાય છે ને લેખના અંત માં સહિસલામત રહ્યા નો જે સંતોષ થાય છે તે વિષે શું કહું? આ લેખ વાંચીને હવે હરપ્પા જોવાની તાલાવેલી લાગી છે તો જલ્દી જલ્દી પાછા હાજર થાજો.
સુંદર લખાણ , વાંચવા ની મજા આવે છે , આભાર