દિવાળીબાઈના પત્રો – # ૫ થી # ૭

Facebooktwitterredditpinterestlinkedinmail

શ્રી મણિલાલ દ્વિવેદીની પ્રણયખોજની નિષ્ફળતા અને કરુણતા પર પ્રકાશ પાડતા દિવાળીબાઈ નામની પરણિત સ્ત્રીના આ પ્રેમ પત્રો પૈકી પત્ર #૧ થી #૪ આપણે આ પહેલાં વાંચી ચૂક્યાં છીએ.


આજે હવે પત્ર # ૫ થી # ૭ વાંચીશું

♣♣♣♣♣♣♣♣

દિવાળીબેન

પત્ર ૫

૬-૭-૧૮૮૫

આપ તરફનું સુખદ પત્ર મળ્યું. પ્રિય બંધુ, આપના ઉપર અમને રીસ ચડી તે વિના કારણ? શું આપે તેનું કારણ ઊપજાવ્યું (!) વાહરે વાહ! ઉલટો ચોર કોટવાળને દંડે એવો પ્રયોગ ઠીક ભણ્યા છો. અમને આપ કેટલા વ્હાલા છો, આપનું સ્મરણ કેવી રીતે નિરંતર થયા કરે છે તેનું વર્ણન અત્રે વિસ્તારથી કરૂં તો પણ યથાર્થ ઉભરો જેટલો દીલમાં છે તેટલો તો ન જ નીકળી શકે. વળી આપ હ્રદયના ઘણા કોમળ છો એટલે મન પર એની અસર પણ ખૂબ થાય. આપને સ્નેહના શબ્દમાં કહેવાનું તો ઘણુંએ છે પણ નથી જ કહેતા કારણ કે આપ તો એમ જ સમજો છો કે સ્ત્રીઓ તો એવી વાંધાખોરી હોય જ. અમે તો એમ જ સમજતાં હતાં કે પૂર્વે વાયદા અગસ્ત મુનીને જ કરતા આવડતા હશે. પણ હવેથી ખાત્રી થઈ કે ખૂણે ખોચરે અદ્યાપિ પણ આપ જેવા અગસ્તને ય ઉછાળી નાંખે એવા પડ્યા છે. વારૂ, જ્યારે આપ અનેક અડચણ દૂર કરી પોતાના મિત્રોને મળવાને ભાવનગરથી મુંબઈ પધાર્યા ત્યારે બની શક્યું અને અમને મળવાને આવવું તે તો જાણે આપ મોટા માણસથી ન બની શક્યું ? અમે નાશક ગયા ત્યારે જેટલું સ્મરણ આપનું થતું હતું એટલું ઈશ્વરનું થયું હોત તો ખરે જ તે બિચારો અમારૂં કલ્યાણ કરત કારણ કે તે તો ભક્તવત્સલ છે. તમારી જેમ એને કાંઈ ભક્ત આંખના પાટા જેવા નહિં જ લાગતા હોય. આપ તો મહત્તામાં એના કરતાં ક્યાંહી વધી ગયા. જાણે મનમાં એમ થાય છે કે ‘કવિતામાં જ ખૂબ ઉધડા લઉં’ અથવા પ્રત્યક્ષ મળે તો ખૂબ રડું અને રડવાનું કારણ પૂછે તોય કહું નહીં. ચતુરભાઈને અમારે ઘેર મોકલાવ્યા એ અને અડાજણ પત્ર લખ્યું એ અત્યંત ઉપકાર કર્યો અને મોટો વિવેક ખરચી નાંખ્યો. પણ જો એટલું ય ન કર્યું હોત તો વળી હદથી જાદે વિવેકી બન્યા હોત. અમારે ઘેર પધારવાના છો એવું જાણી મેં શું કરી રાખ્યું હતું ? અને આનંદ કેવો થયો હતો ? તે કહેવાતું નથી. તેમ આપ ગયા એ શબ્દ જાણી મારા મોઢામાંથી મનને વારી રાખતાં પણ જે ઉદગાર માફક વાક્યો નીકળી ગયાં છે તેમાં શું લખું ? અને તેથી તમને અસરે શી થનાર છે ? ધીક્કાર છે અમારા મૂર્ખ મનને કે તમારા જેવા વજ્રહ્રદયીને તથા વિવેકશૂન્યને યાદ કરી ખાલી દુ:ખ ઉભું કરે છે. આ વાક્યોથી તમોને મારા ઉપર માઠું લાગશે તો ભલે જરા વધારે જમજો પણ આવી વર્તણુંક અમારા પ્રત્યે રાખી તો એમ જ લખવાની. પરચડે તો પત્રવહેવાર રાખવો. અમે મથી મથીને ત્રણ માસ ‘આવવાના છે’ ‘આવવાના છે’ એવી આશાએ કાઢેલા અને આવ્યા બાદ મળ્યા વગર ગયા તેથી અમારા જીવને જે દુ:ખ થયું છે તેનું પાપ તમને ને તેના બદલામાં આપ દીર્ધાયુ થાઓ અને આવા ઠપકા ખાધા જ કરો. તમે જાણો કે આવી આવિ ભૂલો કરો ને ઝાડ્યા વિના રહું તે તો ન સમજવું. આપ ભલેને મોટા – મોટા સંસ્કૃત પ્રોફેસર છો અને ભલેને લૉર્ડ રીપનની પદવીને પામો પણ અમે તો આપને અમારા જીવ પ્રમાણે જ ગણવાના. આપ મુંબઈ આવ્યા ત્યારે મને ન મળ્યા. તેના બદલામાં હું ભાવનગર આવીશ ત્યારે આપને પણ નહીં મળું અને એમ કરતાં ક્યાંહી રસ્તામાં મળ્યા તો લાજ કહાડીશ તે વખતે કોઈ પૂછશે તેનો ઉત્તર આપને પણ કાળજે ઠંડક થાય એવો આપીશ. અમારિ પત્ર વાંચી આનંદ ને ખેદ સાથે જ એવી સહોક્તિ હું ભણી નથી. ખાલી ખાલી એવી અલંકૃત વાણી વાપરી ગભરાવશો માં. નહિ તો પછી હું એવા તો ગભરાવીશકની તે તો જાણશો, મારા જીવના સમ ! આજ સુધી આપનું પત્ર ન મળ્યું તેમ મેં પણ ‘દયા પ્રભુજી સાથે મુખે નીમ લીધો પણ મન કહે જે પલક ના નિભાવું, – મારે, આજ થકી શામ રંગ સમીપે ન જાવું’ – એમ ઉપર ઉપરનો ટેક રાખતાં જીવ તો એવો તલપાપડ થયા કર્યો કે કસર નહિ જાણે ને કહેતી કે, ‘હું તો એમનો પત્ર આવશે તો વાંચીશ નહિ !’ પણ શિરનામા પર અક્ષરો ઓળખીને મારા પતિ ઊભા હતા તો પણ બળાત્કારે પત્રને ચુંબન થઈ ગયું, એ ઉપરથી આપ અમને કેવા પ્રિય છો તેનું લોપન થઈ શકે છે. પણ આપ [  ] પરિક્ષાવાન જબરા છો. કેવા કે ‘દયાના પ્રભુજી ઘણા કહેવાણા ચતુર પણ ઓળખો નહિ એરંડો કે શેલડી.” આપના જીવને સારૂં નથી તે જાણી ઘણી જ દીલગીર છું પણ શું કરું ? જો મારૂં ચાલી શકતું હોત તો નીરોગી કર્યા વિના રહું નહિ તો પણ પ્રભુને કહું છું કે ‘ભલે, તેમની વ્યાધિ મને આવે.’ પણ આપની કુશળતાની ઇચ્છા મારી કુશળતા કરતાં વિશેષ રાખું છું. આપ અમને ગણત્રીમાં ગણો યા ન ગણો, અને ચાહના કરો યા મ કરો, અમે સંભારો યા ન સંભારો, અમારી ઉપર કૃપાપત્ર લખો યા ન લખો પણ અમે તો આપને સંભારીશું, પ્રાણ સમાન વ્હાલા ગણીશું, અમારા મોટા આશ્રયરૂપ ગણીશું, અને નિરંતર આપની કુશળતા ઇચ્છીશું તથા પત્ર લખીશું. તેનો ઉત્તર આપને નજરમાં આવે તો લખવો યા ન લખવો, કારણ અમારે કાંઈ સાટું વાળવું નથી. હાલ છગનલાલભાઈ છે. પણ આપ વિના કોઈ અમારી સહાય ગણતા નથી. આપે ઉપરીપણું કયે દિવસે દાખવ્યું છે ? તથા શાળામાં આવી હસ્તે મોઢે કુશળતા કયે દિવસે નથી પૂછી ? તથા ચીઠ્ઠીનું કારણ મળતાં કેવા મધુર શબ્દોથી તે લખેલી તે બધુંય યાદ આવે છે ત્યારે બહુ જ ખેદ ઉપજે છે. આપની છબી મળી છે તેને રોજ ઠપકો દઈએ છીએ, પણ તે પોતાનો અપરાધ થયો ગણી ઉત્તર જ સામો આપે ?

લી. … … …

♣♣

પત્ર ૬

૨૦, જુલાઈ, ૧૮૮૫

આપ મારા પત્ર નથી સમજતા ? તે ‘પત્ર સમજાય તેમ લખવો’ એવી ભલામણ કરો છો ? આપ શું નથી સમજતા તે હું સારી પેઠે સમજું છું, આપ જેને ‘નિકટ સંબંધ’ ગણો છો એટલો બધો તો સંબંધ નહિ પણ ‘પત્રદ્વારે નિરંતર દર્શન પામું તથા પ્રત્યક્ષ મળી વિદ્યાના વિનોદ ચલાવવા’ એવી આશા ખરી.

… … …

પણ ભલા થઈને જેવી કૃપા ર્દષ્ટિ છે તેવી નિરંતર રાખી પત્ર માટે તરષાવશો નહિ, ‘વજ્રહ્રદયી’ પણ પોતાનો મિત્ર, તેને બાહ્યોપચાર શિવાયના મજબૂત હથિયાર લઈ ભેદે એવું કોણ અભાગિયું હોય ? ભલે પોતે દુ:ખી થાય. પણ જે અભેદ્ય હોય તેને ભેદવું એ તો યોગ્ય નહિ જ; અથવા કોઈ ભેદ્યું ભેદાતું જ નથી; અથવા એ બાબત હું એકલી જ અશક્ત છું.

♣♣♣

પત્ર ૭

સર્વગુણસંપન્ન-

૩૧-૭-૮૫

વિશેષ આપ વિરાગીનું રાગયુક્ત પત્ર પામી સરાગી થઈ છું. તમે મારી પાસે શો સ્પષ્ટ જવાબ ઇચ્છો છો ? હું મૂર્ખ જેવી કાંઈ તરહવાર બોલી પડીશ. મને ભાવનગરનીને આગળથી પોતાનું મન શીખામણ તમારા તરફ પત્ર લખતાં દેતું હતું કે ‘મૂર્ખી! તે વાંચનાર તારૂં હ્રદય પરખી જશે, માટે કશું આઘું પાછું ન લખ.’ છતાં હું મારી કલમને વારી ન શકી. હવે મને એકે માર્ગ રહ્યો નથી. આજ સુધી હું એમ માનતી કે બધી વાત પોતાના સ્વાધીન જ હોય છે પણ એ ખોટું પડ્યું. તમે મારા એવા હાલ મેળવ્યા છે કે તમે મારૂં સર્વસ્વ અને ખરૂં ભૂષણ – જેને સારૂ હું આજ લગી મોંઘા મણીતુલ્ય સાચવી રાખેલી, – જે લાજ તેના ઉપર પાણી ફેરવવા ઉભી થઇ છું. તમે મારું બધુંય લૂંટી લઈ બાંધીને બળાત્કારે પોતાને તાબે કરી છે. એક કોરેથી તમે મને ઘસડી જાઓ છો, અને એક કોરેથી નીતિ ઘસડે છે. હવે શું કરૂં ? એ (નીતિ) મને કહે છે કે ‘રે! બેવકૂફ! એ તારૂં કામ છે? ધૂળ પડી તારી વિદ્યામાં! ધિક્કાર છે તારા ડહાપણને! એમ હેરાન થાય છે તે કરતાં મરી જા.’ એવી શીખામણ દે છે. એ મને વ્હાલી થઈ છે ને તમે પણ પરતંત્રતાનું ઈનામ આપી વ્હાલા થયા છો. હવે એ બેય પ્રાણથીએ વ્હાલામાંથી કોને તજું ને કોને ભજું એમ થાય છે. તમે જેમ દ્રઢ મનના છો તેમ હું પણ મેરૂથી મજબૂત મનની છે. તોપણ મને એવા વિચાર આવે છે કે ‘જીવ! એ (તમે) ભ્રમર જ્યાં સારું કમળ જોશે ત્યાં તરત જશે. તારામાં શા એટલા ઢંગ બળ્યા છે કે નિરંતર તારા તરફ જ એની વૃત્તિ રહેશે ? વળી, એ તારી પાસે છતાં દૂર છે. તને જે માણસ મળ્યું છે (મારો પતિ) તે ઝેરનો કટકો છે. તારી આજીવિકા (ચાકરી) છે તે એવી સખત છે કે તરત પાણીચું મળશે. તને ‘શીળસિંધુ’ એવા એવા વિશેષણોયુક્ત શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર સરખા પણ કવિતામાં માન આપે છે. તારો પતિ તને દેવી પ્રમાણે પવિત્ર ગણે છે,’ ને હું અત્યારસુધી એવી પણ હતી. પણ તમારી પાસે મન આવ્યું ત્યારથી મારા મનને હું છેક નીચ દેખું છું અને એવા વિચારોમાં જ તમને કોઈવાર તરહવાર વિશેષણો જોડું છું. હે કઠિન! તમે મને મળવા ન આવ્યા, પત્ર ન લખ્યું એમ અનેક નિયમો સાચવી શક્યા. પણ મેં તો એકે નિયમ સાચવ્યો નથી, અને હજુએ કહું છું કે જોઈએ તો હું તમારા માટે મરી જાઉં, તો પણ તમે મારા પ્રેમના પ્રમાણમાં [  ] મારા ઉપર પ્રેમ રાખનારા નથી. મારા ઉપર પત્ર લખો છો તેય કેમ જાણે વકીલ બારીસ્ટરનો કેશ હોય. હું તો તમને ગમે તેવા ગાંડાઘેલા પત્ર લખીશ. વાંચવો હોય તો વાંચજો. એ બાબત પ્રશ્ન ઉઠાડશો તો કહીશ કે ‘લાવો મારૂં લઈ ગયા છો તે પાછું, એટલે સારૂં પત્ર લખીશ’, તમારી સાથે વિનોદ કરતાં મને શાળાનું કામ ચલાવવાનો અવકાશ નથી મળતો. કોઈ પૂછે તેનો જવાબ દેવાતો નથી. તમારી કનેથી ઉઠીને બળાત્કારે જવાબ દઉં છું તો કહેવાનું શું ને કહું છું શું ? એક વખત ઘરમાં એવું બન્યું કે મને કાંઈ કહેતા હતા. ત્યારે મેં કહ્યું કે તમે મણિલાલની વાત મારી આગળ શાને કરો છો ? તે તેણેય સાંભળ્યું નહિ. ત્યારે મને કહે ‘શું કહે છે?’ ત્યારે મેં કહ્યું ‘મણિલાલની છબી આવી છે તેને કાચમાં બાંધવી છે.’ પછી તે કહે ‘જડાવવી છે?’ મેં કહ્યું ‘હા.’ મને ઘણા ઘણા વિચાર આવે છે પણ તમારી તરફથી લગારે મન પાછું હઠતું નથી, ત્યારે લાજ મૂકીને કહું છું સાંભળો – ‘તમારો આ પત્ર વાંચીને હું તમારી પછવાડે બ્હેરી, બોબડી, ગાંડી, કુપાત્ર, લૂલી, અશક્ત, પરતંત્ર અને શરણ વગરની થઈ ગઈ છું. શાળામાં મને છોકરીઓ ત્રિરાશી મંડાવવાનું કહે છે ત્યારે ભાગાકાર મંડાવું, પાઠ વાંચવો કહે ત્યારે કહું કે ગરબા ગાઓ. ભૂગોળ ઇતિહાસ લોની! ત્યારે ડીક્ટેશન લખાવું છું. તમારો છેલ્લો પત્ર કાંઈ વસીકરણ ભણાવીને મોકલ્યો છે કે મારે માટે તમે વિરાગી થયા ત્યારે તમારે માટે હું અનુરાગી થઈ (વક્રોક્તિમાં) તમારે માટે હું આવી થઈ છું તો પણ મહીંમહીંથી એમ થાય છે કે ‘અરે! હું ધર્મવિરૂદ્ધ કરૂં છું’ હવે હારીને તમારે શરણ આવી છું. જોઈએ તેમ કરો.

જો તમે જ મારે માટે દુ:ખી છો એવો નિશ્ચય થશે ત્યારે સૌને દૂર મૂકી તમારી સેવામાં મરણ પર્યન્ત તત્પર રહીશ. ભલે પ્રભુ … ન આપે. મને આરામ ફરી જન્મ લઈશ ત્યારે થાય તો થાય.

લિ. ભાવનગરનીના પ્રણામ.

♣♣

પત્ર #૮ અને #૯ હવે પછી….


દિવાળીબાઈના પત્રો‘ વિકિસ્રોત પરથી સાભાર લીધેલ છે.

1 comment for “દિવાળીબાઈના પત્રો – # ૫ થી # ૭

  1. Samir
    August 26, 2019 at 1:54 pm

    Human frailty of big persons.
    Interesting but not always nice to know or read .
    But you know that person and that times better.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *