ગુજરે હૈ હમ કહાં કહાંસે : (૬) પ્રવેશોત્સવ

Facebooktwitterredditpinterestlinkedinmail

જીવનના આ પડાવ ઉપર પહોંચ્યો છું ત્યારે ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.

પીયૂષ મ. પંડ્યા

—————*—————-*——————-*——————-*——————*—————-

આજકાલ પોતાના બાળકને માટે પ્રાથમિક શાળાથી લઈ, આગળના કોઈ પણ અભ્યાસક્રમમાં એડ્મીશન મેળવવું કેટલું કઠીન છે, એ સર્વવિદીત છે. આ પરિપ્રેક્ષ્યમાં આજથી ૫૯-૬૦ વરસ પહેલાંના મારા બે અલગઅલગ ‘શાળાપ્રવેશ’ની યાદ આવી, જે પ્રસ્તુત છે….

સને ૧૯૫૮ના નવેમ્બર મહિનામાં મને પાંચ વર્ષ પૂરાં થયાં. મારા દાદાએ ત્યાં સુધીમાં મને એકત્રીશાંથી ચાલીશાં, પાયાં, અડધાં, પોણાં, સવાયાં, દોઢાં અને અઢિયાં સુધીનાં પલાખાં મોઢે કરાવી દીધાં હતાં( ઉંઠાં – સાડા ત્રણનો ઘડીયો – નહીં શીખવવા પાછળ એમની આર્ષદ્રષ્ટી કામ કરી ગઈ હોવી જોઈએ કે આવડો આ મોટો થતાં પોતાની સમગ્ર કારકિર્દી અન્યોને ઉંઠાં ભણાવવામાં જ વિતાવવાનો છે!). વળી સાથેસાથે એમણે મને છાપાંના માધ્યમથી થોડું થોડું વાંચતાં પણ શીખવેલું. ઉક્ત વર્ષે મારા જનમ દિવસે એમણે ઘરમાં ઘોષણા કરી કે, આને હવે નિશાળે બેસાડી દેવો છે. જો કે આમ તો આ સીધે સીધો વટહુકમ જ હતો, પણ સંસદે તેને હર્ષભેર પસાર કર્યો. સંસદ માત્ર એક જ સભ્ય – દાદી – ની બનેલી હતી! યોગ્ય સમયે દાદા ઘરથી બહુ આઘી નહીં એવી એક નિશાળમાં તપાસ કરી આવ્યા અને સને ૧૯૫૯ના જાન્યુઆરી મહિનાના એક શુભ દિને અને શુભ ચોઘડીયે મને લગામ પહેરાવી દેવાનું મૂરત આવી ગયું. ઔપચારિકતા નિભાવવા મારાં મા-બાપને આની જાણ દાદાએ આગલી રાતે કરી દીધી.

દાદાએ મને નિશાળે મૂકવાનું નક્કી કર્યું એ દિવસથી જ માએ મને નિશાળ વિશે ખૂબ જ રોચક અને રોમાંચક વાતો કહેવા માંડી હતી. આથી એ દિવસ આવી પહોંચ્યો ત્યારે મને કોઈ જ જાતના અણગમાની કે ડરની લાગણી ન અનુભવાઈ. બલ્કે હું એ બાબતે ખુશ હતો. એ દિવસે સવારમાં મને વેળાસર તૈયાર કરી દેવામાં આવ્યો. દાદીએ મારા કપાળમાં મોટો ચાંદલો કરી, ઘી ગોળ ભાત ચોળીને ખવરાવ્યું (જે તે દિવસ થી લઈને આજ સુધી નથી ભાવ્યું!). નીકળતી વખતે ફઈએ મારા હાથમાં નાળીયેર અને સવા રૂપીયો મૂકીને શૂકન કરાવ્યા અને દાદા મને આંગળીએ લઈને દાદરો ઉતર્યા. મેં બરાબર પહેલે પગથીયે પગ મૂક્યો એ સાથે જ દાદીએ મોટા અવાજે ‘નિશાળ ગરણું ‘ (એ જમાનામાં બાળક પહેલી વાર નિશાળે જાય ત્યારે ગવાતું ગીત) છેડ્યું. એ વખતે ‘પ્રવેશોત્સવ’ આ રીતે કૌટુંબિક કક્ષાએ જ ઉજવાતો, સરકારો બીજાં ‘બિનઉપજાઉ’ છતાંયે ઉપયોગી કાર્યો કરતી રહેતી! મને દાદા સાથે જતો જોઈને નીચે કૂંડીએ કપડાં ધોતી માને જાણ થઈ કે છોકરો હાથથી જવાની શરૂઆત થઈ ગઈ! બાપુજી તો એકાદ કલાક પહેલાં માથે હાથ ફેરવી, ‘સરસ ભણજે’ કહી, નોકરીએ નીકળી ગયેલા.

ઘરથી લગભગ એકાદ કિલોમીટર દૂર આવેલી ‘નૂતન વિદ્યાલય’ નામની નિશાળમાં મને બેસાડવાનું દાદાએ નક્કી કર્યું હતું. એનું એકમેવ કારણ એ હતું કે ત્યાંના હેડ માસ્તર શ્રી સાકરલાલ ભટ્ટ દાદાના સારા મિત્ર હતા. એ તરફ જતાં રસ્તામાં આવતી ભીખા લખમણની દૂકાનેથી દાદાએ નિશાળમાં વહેંચવા સારુ સવાશેર સાકરીયા શીંગ અને અઢીશેર પતાસાં લીધાં. મોકો જોઈને મેં દયનીય મુખે થોડોક ‘ભાગ’ અપાવવાની માંગણી કરી, જે દાદાએ એમણે પોતે પણ નહીં ધાર્યું હોય, એટલી ઝડપથી સ્વીકારી લીધી અને મને શીંગ-દાળીયા અપાવ્યાં. આમ અગાઉનો સવા રૂપીયો અને હવે ભાગ એવા બે પ્રકારના વૈભવોની દોમ દોમ સાહ્યબીથી છલકાતે ખીસ્સે હું દાદાની આંગળીએ આગળ ચાલ્યો. નિશાળે પહોંચી, દાદા મને હેડમાસ્તરસાહેબની રૂમમાં લઈ ગયા. ત્યાં સાકરકાકા તરફથી મળેલા અભિવાદન અને ઉમળકાભેર આવકાર પછી દાદાએ એમને કહ્યું , “આજથી આ છોકરો તને સોંપ્યો.” આવી મોટી જવાબદારી સ્વીકારતાં પહેલાં સાકરકાકાએ મને શું શું આવડે છે એ વિષે પૃચ્છા કરતાં દાદાએ મારી પાસે વિવિધ પલાખાં બોલાવ્યાં, જે  ‘પઢો રે પોપટ રાજા રામનામ’ થી વિશેષ ન હતું! વાંચનની પણ થોડીક કસોટી લીધા પછી સાકરકાકાએ મને ધોરણ ત્રીજામાં ‘બેસાડવા’ નું નક્કી કર્યું. અને તે વર્ગમાં નિરંજનાબહેન નામનાં શિક્ષીકા પાસે મને મૂકી ગયા. બહેને વર્ગના બધા છોકરાઓને તાળી વગાડી મારું સ્વાગત કરવા સૂચિત કર્યા. પાછળ હાથમાં લાકડી લઈને ઉભેલા સાકરકાકાને ભાળીને ડઘાઈ જવાથી અને મારા દાદાના હાથમાંની થેલીમાં મિષ્ટ ખાદ્યપદાર્થો ભરેલા હોવાની ખાત્રી વડે જન્મેલી આનંદની લાગણીની મિશ્ર અસરમાં બધા છોકરાઓએ મને વધાવી લીધો. મારા હસ્તે સાકરીયા અને પતાસાંની વહેંચણી થઈ એ દરમિયાન અવારનવાર તાળીઓ પડતી રહી. સાકરકાકાએ દાદાને શાળા છૂટે ત્યાં સુધી પોતાની ઑફિસમાં બેસીને પછી મને લઈને જ ઘેર જવાનું સૂચન કર્યું વાતો-ચીતો અને ગામગપાટા ઉપરાંત બે એક વાર ચા એમાં સમાવિષ્ટ હતાં એ સુપેરે જાણતા દાદાએ ઉક્ત ઉમદા દરખાસ્તનો સહર્ષ સ્વીકાર કર્યો.

એ બન્ને જેવા વર્ગની બહાર નીકળ્યા કે મને જેની બાજુમાં બેસાડવામાં આવ્યો હતો એ હર્ષદીયાએ મને ગાલ ઉપર ચોંટીયો ભરી લીધો અને પાછળની બાજુએથી ભગવાનીયાએ મારી બોચીમાં ઝાપટ લગાવી દીધી. પોતાના કુટુંબમાં તેમ જ મોસાળમાં સમવયસ્કોની બહોળી સંખ્યા વચ્ચે રહેવા/રમવા/ઝઘડવાનું કાયમી હોવાથી મને બાચકા/બટકાં/ન્હોરીયા/ઝાપટ વગેરેના પ્રયોગો ખાસ્સા મહાવરાને લઈને સુપેરે આવડતા હતા. આમ હોવાથી મેં ન્યૂટનના નિયમને સવાયા પ્રત્યાઘાતથી પૂરવાર કર્યો. જો કે વર્ગશિક્ષીકા નિરંજનાબહેને તાત્કાલિક ધોરણે પરિસ્થિતીને કાબુમાં લઈ લીધી. પણ, ઓલા બે વરિષ્ઠોએ મારી સામે ડોળા કાઢવાનું અને બે તાસની વચ્ચેના અવકાશમાં મને ડારો દેવાનું ચાલુ જ રાખ્યું. આમ, મને શાળાપ્રવેશના શરૂઆતના હોરામાં જ ‘બહાર નીકળ, તને જોઈ લઈશ’ એ શબ્દપ્રયોગ શીખવા મળ્યો એનું શ્રેય મારે હર્ષદ શાહ અને ભગવાન વાઘેલાને આપવું રહ્યું. આ રીતે જોઈએ તો મારી શૈક્ષણિક કારકીર્દીની શરૂઆત બહુ શૂકનવંતી નીવડી ન કહેવાય. જો કે નાની રીસેસમાં અમારાં પ્રેમાળ નિરંજનાબહેને અમારી ત્રણેયની ‘બુચ્ચા’ કરાવી દીધી. મોટી રીસેસમાં તો એ બેય સાથે મેં મેદાનમાં આવેલાં હીંચકા-લપસણીની મોજ પણ માણી લીધી. એ જ સમયે એ જ વર્ગના પ્રવીણ પારેખ અને કિશોર ડાભી નામના બે ‘દાદાલોગ’ પણ મારા ‘ભેરૂ’ થવા તૈયાર થઈ ગયા. એમણે કરેલી દોસ્તીની પહેલ માટે થોડા સમય પહેલાં હર્ષદનો અને ભગવાનનો મેં કરેલો પ્રતિકાર જેટલો જવાબદાર હતો એટલાં જ જવાબદાર દાદાની થેલીમાં હજીયે વધેલાં પતાસાં અને સાકરીયા પણ હતાં! આ ચારેય મિત્રોએ છૂટતી વેળાએ એ મિષ્ટ પદાર્થોની પુન:વહેંચણી થાય ત્યારે પોતાને પ્રાથમિકતા મળે એવી વેતરણ મારી પાસે કરી લીધી. ત્યારે નૂતન વિદ્યાલયમાં એવો રિવાજ હતો કે જે દિવસે નવો નિશાળીયો ‘બેસે’, તે દિવસે એના માનમાં બે પીરીયડ વહેલી રજા આપી દેવામાં આવતી. એ નિયમ અનુસાર સાડાત્રણ વાગ્યે નિશાળ છોડી દેવામાં આવી. સવારે મને વર્ગમાં જે હોંશ અને ઉમંગથી તાળીઓ વડે આવકારવામાં આવ્યો હતો એની પાછળ જેટલાં જવાબદાર શીંગ-પતાસાં હતાં એનાથી થોડી જ ઓછી જવાબદારી આ બે ‘પીલીયલ’ વહેલા રજા મળે એ બાબતની પણ હતી એ મને ત્યારે સમજાયેલું.

ઘરે જઈને દાદાએ ગર્વોન્નત મસ્તકે દાદીને બધી વાત કરી. એમનો ઈંગિત એ તરફ હતો કે ‘હિંચકે ઝૂલતાં આખ્ખો દિ’ પાનપટ્ટી અને વારે ઘડીયે ચા ને છાપાં’ ઉપરાંત પોતે છોકરાને શીખવવા જેવુ કશુંક ઉપયોગી કામ પણ કરતા હતા. પણ એ કશાની જરાયે નોંધ લીધા વિના દાદીએ વિરોધ પક્ષના નેતાની અદાથી ઉક્ત ઘટનાને વખોડી કાઢી. “આવડા એવા છોકરાને ત્રીજામાં તે મૂકાતો હશે? મરી જશે મરી, મારો છોકરો! કાલે જઈને ઉતારી આવો, એક ધોરણ.” બીજે દિવસે દાદાએ સાકરકાકાને ઘરમાં ઉઠેલ વિરોધ વિશે જણાવતાં મારું તત્કાળ Demotion થયું અને હું બીજા ધોરણમાં ‘બેઠો’! જો કે એ વર્ગમાં સાકરીયા-પતાસાં ન વહેંચાયાં હોવાથી કોઈએ મારા પ્રવેશની નોંધ લીધી હોય એવું લાગ્યું નહીં. ભગવાનીયાને, હર્ષદીયાને, કિશલાને અને પ્રવીણીયાને તો એક જ દિવસના સહવાસમાં મારી એવી તો માયા થઈ ગઈ કે એ ચારેય એ વખતની વાર્ષીક પરીક્ષામાં નાપાસ પડીને ત્રીજા ધોરણમાં મારી સાથે થઈ ગયા! એ હાડોહાડ કળજુગમાં શિક્ષણપ્રણાલી એટલી તો ક્રૂર હતી કે ભારતના ભાવિ નાગરીકોની પ્રગતીમાં આવી ને આવી ઠેસો વાગ્યા જ કરતી. મારા પ્રવેશ સાથે સંકળાયેલ ઘટનાક્રમની એક વધારાની નોંધનીય બાબત એ હતી કે સાકરકાકાએ તે સમયના હિતેચ્છુ હેડ માસ્તરોની જેમ મારા જન્મનું વર્ષ ૧૯૫૩ની જગ્યાએ ૧૯૫૪ લખ્યું હતું. હવે જો દાદીએ મને ત્રીજા ધોરણમાં રહેવા દીધો હોત તો એ હીસાબે ચાર વરસની ઉમરે ત્રીજા ધોરણમાં હોવા બદલ મને કેટલી પ્રસિધ્ધિ મળી હોત! એ જમાનામાં ભરાતા મેળામાં ‘એક સાથે ત્રીશ કેળાં ખાઈ જતો આઠ વરસનો બાળક’ કે પછી ‘ચૌદ આંગળી ધરાવતી કન્યા’નાં પ્રદર્શનો યોજાતાં એવી રીતે કાંઈક મારી સાથે પણ બન્યું હોત. ખેર!

એ પછીના વર્ષે હું બીજા ધોરણમાં પાસ પડીને ત્રીજામાં ભણતો હતો એવામાં દીવાળીના વેકેશન પછીના અરસામાં બાપુજીની બદલી ગઢડા મુકામે થતાં જાન્યુઆરી ૧૯૬૧માં અમારે ત્યાં ફરવાનું થયું. હવે મારા એડ્મીશન માટે શું કરવું એ બાબતે જેટલો નિસ્પૃહ હું હતો એટલાં જ નચિંત મારાં મા બાપ પણ હતાં. ત્યાં હાજર થયાના ચાર પાંચ દિવસ પછી ત્યાંની ‘મોહનલાલ મોતીચંદ પ્રાથમીક શાળા’માં મને લઈ ને મારા બાપુજી પહોંચ્યા ત્યારે એના હેડમાસ્તર સાહેબે ત્યારના સંજોગો મુજબ બે મહિના માટે મને ગઢડાની ‘ધૂડી નિશાળ’માં બેસાડવા સૂચવ્યું અને ત્યાંથી ત્રીજું પાસ કરી લઉં એટલે ધોરણ ચારથી તેઓ મને ‘મોહન મોતી’માં લઈ લેશે એમ કહ્યું. આ તબક્કે ધૂડી નિશાળ શું એ જણાવી દઉં. આવી શાળાઓમાં વિદ્યાર્થીને લાકડાનું એક પાટીયું આપવામાં આવે. નદીની માટી લાવી, એને પાણીમાં ભેળવી, એનું લીંપણ એ પાટીયા ઉપર કરી, એનું સમતલ પડ બનાવી દેવાનું. એને થોડી વાર માટે સુકાવા દેવાનું એટલે એ ત્યાં જામી જાય. પછી એ પડ ઉપર સળીની મદદથી અક્ષરો/આકૃત્તિઓ પાડવાનાં રહેતાં. ગ્રામ્ય બોલીમાં ધૂળ ને ધૂડ કહે, માટે આ ધૂડી નિશાળ! સ્લેટ-પેન વાપરવાથી ટેવાયેલા મને આ બહુ રોમાંચક લાગ્યું. ઘરના જમવા બેસવાના પાટલા ઉપર પણ મેં ‘ધૂડા’ પ્રયોગો ચાલુ કરી દીધા. મારાં મા-બાપને તો આમાં મારી સર્જનાત્મક શક્તિને વિકસવાની તક જણાવા લાગી અને આ બાબતે મને ભારે પ્રોત્સાહન મળવા લાગ્યું! મેં એ નિશાળમાં માંડ અઠવાડીયું ગાળ્યું હશે એ દિવસોમાં તો અમારા ઘરે જમવા માટે સરાસરી કરતાં વધુ મહેમાનો આવે એવી વ્યવસ્થા બાપુજીએ ગોઠવી દીધી. જેવો મહેમાનોને જમવા બેસવાનો સમય થાય એટલે બાપુજી મને “જાઓ, પાટલા ઢાળો”નું સૂચન કરતા અને એ વખતે “અને હા, આજે તેં ઓલી નવી ડીઝાઈન દોરી ચ્છ ઈ પાટલો ય આમને બતાડવા બહાર લાવજે” ઉમેરવાનું ભૂલતા નહીં. માના હાથની રસોઈ અને બાપુજીના પ્રેમાળ આગ્રહ વડે પ્રભાવિત મહેમાનો એ કલાકૃતિ(!)ને પુષ્કળ વખાણતાં અને બદલામાં “હજી લ્યો ને! અરે હોય, જુવાન માણસને તો આટલું ક્યાંય ખપી જાય!” જેવાં સુવાક્યો એમના કાન ઉપર અને વિવિધ વ્યંજનો એમના ભાણામાં પડતાં રહેતાં.

જો કે આ શાળામાં માંડ હજી અઠવાડીયું વિત્યું હશે એવામાં અમારે માટે નગરશેઠના ઘરેથી ચા પાણી માટેનું આમંત્રણ આવ્યું. ઔપચારિકતાઓનાં આદાન-પ્રદાન દરમિયાન બાપુજીએ મારા ‘ધૂડા’ પ્રયોગો વિષે વાત કરતાં શેઠ મહેન્દ્રભાઈએ મને ‘મોહન મોતી’માં કેમ નથી મૂક્યો એમ પૂછ્યું. બાપુજીએ સ્પષ્ટતા કરી, એટલે શેઠે કંઈ જ બોલ્યા વગર બે વાર તાળી પાડી. જે બે જણા નાસ્તો અને શરબતના પ્યાલા લઈને પ્રગટ થયા એમાંના એક  ‘મોહન મોતી’ના એક કર્મચારી હતા! શેઠે તેઓને મેનેજર સાહેબના દીકરાને કેમ દાખલ નથી કર્યો એમ પૂછતાં એ સજ્જને હેડમાસ્તર સાહેબ તો ‘વાતેવાતે નિયમું જ બતાડે શ, બાકી તો શાયેબના બાબાભાઈને લઈ નો લેવા જોવી!’ જેવા ઉદ્ ગારો સહીત કેટલીક આંતરીક બાબતો પ્રગટ કરવાની શરૂઆત કરી. પણ એમને એમ કરતા અટકાવી, શેઠે બીજા જ દિવસે મને એમની નિશાળમાં દાખલ કરી દેવાની તજવીજ કરવા માટે સૂચના આપી. વળી જો એમ નહીં થાય તો શું શું થઈ શકે એની એ કર્મચારીને ખબર હતી એની ય ખાત્રી કરી લીધી. આમ, તે સાંજે એમના હાથે નાસ્તા અને શરબત બાદ બીજે દિવસે ‘મોહન મોતી’માં ઉમળકાભેર આવકાર પણ મળ્યો. આ રીતે મારું ભણતર ‘ધૂડમાં મળતું’ અટક્યું. એ નિશાળમાં મળેલા જેરામ, છોટુ, રહીમ, જનક, રસિક, દીપક, સૈફુદ્દીન, ભટૂર, પ્રવીણ અને અન્ય મિત્રોમાંથી બે વિશે હું અહીં વિગતે વાત કરી ગયો છું. અન્યોની વાત પણ અવકાશે કરીશ.

આ મુદ્દે અહીં આટલા વિસ્તારથી વાત કરવાનું પ્રયોજન એ છે કે, આજથી ૫૫-૬૦ વરસ પહેલાંનો સમાજ અત્યારથી કેટલો અલગ હતો, એ ઉજાગર કરવું છે. બાળકો મહદઅંશે દાદા દાદી પાસે જ ઉછરતાં. એમની કારકિર્દી (એ વળી કઈ બલા?) વિષયક નિર્ણયો પણ એ કક્ષાએ જ લેવાતા. એમાં મા-બાપને પોતાના અધિકાર ક્ષેત્ર પર કોઈ તરાપ ન દેખાતી, બલ્કે ચોક્કસ સધિયારો રહેતો. શાળામાં પ્રવેશ, બગીચામાં પ્રવેશ જેટલો જ સાહજીક હતો. અને આ રીતે, કોઈ ચોક્કસ ‘System’ વગરના સમાજમાં જનમતાં, ઉછરતાં અને ભણતાં બાળકોનું ભાવિ પણ બહુ ખરાબ ન રહેતું. મારું સૌ પ્રથમ એડ્મિશન થયું એ બીજા શાળાકિય સત્રનો જાન્યુઆરી મહિનો હતો. એ જ રીતે અમારો ભાવનગરથી ગઢડા ફરવાનો મહિનો જાન્યુઆરી હતો, તો પણ એપ્રીલ મહિના સુધી ભાવનગરમાં ભણાવી, જે તે શૈક્ષણિક વરસ પૂરું થાય પછી ગઢડા દાખલ કરાવવાનો વિચાર કોઈ કુટુંબીજનને આવ્યો ન્હોતો. આમ જોતાં નોકરિયાત લોકોને કોઈ પણ કારણસર એક ગામથી બીજે ગામ ફરવાનો સંજોગ ઉભો થાય તો એ સમયે બાળકોના ભણતર વિષે કે એડ્મીશન વિષે કોઈ ચિંતા ન અનુભવાતી. આવા સમયગાળામાં જન્મી, ઉછરી, ભણી, તૈયાર થયાનો કોઈ જ રંજ નથી, બલ્કે આનંદ છે. એ જમાનાની સહુથી મોટી રાહત એ હતી કે, કારકિર્દીને લઈને ‘માનસિક તાણ’ જેવો શબ્દપ્રયોગ એ સમયે પ્રયોજાયો ન હતો. ન તો મા-બાપ માટે, કે ન તો ખુદ બાળક માટે.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *