લોકોના વિજ્ઞાની – ડૉ. વિક્રમ સારાભાઇ

Facebooktwitterredditpinterestlinkedinmail

આ વર્ષે મે મહિનામાં શક્તિશાળી વાવાઝોડું ‘ફણી’ ઓરિસ્સા પર ત્રાટક્યું તેમાં આશરે ૭૦ મૃત્યુ થયાં અને તારાજી પણ થઇ. ૧૦ લાખથી વધુ લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ લઇ જવાયાં. એમાં કેટલાય હશે જેમને સ્થળાંતરના કારણે જીવન મળ્યું હશે. આથી પહેલ પણ ઉપગ્રહની મદદથી વાવાઝોડાની આગાહી કરી જાન અને માલમત્તા નું નૂકસાન બચાવી શકાયું છે. જો આ બધા સદભાગી લોકો કોઈ એક જ વ્યક્તિનો અભાર માનવા માંગે તો કોનો અભાર માનવો જોઈએ? આ લેખકના મતે જો એક ડો. વિક્રમ સારાભાઈનો આભાર માને તો અવકાશ વિજ્ઞાન અને હવામાનને ક્ષેત્રે કાર્ય કરતી બધી વ્યક્તિઓનો ઋણસ્વીકાર એમાં આવી જાય. આ દેશમાં અણુશક્તિના ઉપયોગ માટે ડો. હોમી ભાભાને યાદ કરીએ છીએ તેમ અવકાશ ક્ષેત્રે મળેલી સિદ્ધિઓના પ્રેરણાસ્ત્રોત ડો. સારાભાઈ હતા.

માત્ર બાવન વર્ષ જીવ્યા પરંતુ લોકોપયોગી કાર્યોની લાંબી યાદી સાથે જોડીને ગયા. બારમી ઓગષ્ટે તેઓની જન્મ શતાબ્દી હતી, તે સબબ વંદના સ્વરૂપે તેમના કાર્યોને અહી યાદ કરીશું.

ડો. પરેશ વૈદ્ય

ડો. વિક્રમ સારાભાઈનો જન્મ 1919માં અમદાવાદમાં શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં થયો. વાચકોને યાદ હશે કે ગાંધીજીએ પોતાના આશ્રમમાં એક દલિત પરિવારને પ્રવેશ આપ્યો તેને કારણે આવી પડેલી આર્થિક સંકડામણ વેળા એક અજાણ્યા સજ્જન રૂ. 13,000 બાપુના હાથમાં મૂકી ગયા હતા. એ સજ્જન તે શેઠ અંબાલાલ સારાભાઈ. આ ઘટના પછી 4 વર્ષે વિક્રમનો જન્મ થયો. ઘરની અંદરના દેશપ્રેમી અને લોકાભિમુખ વાતાવરણના કારણે જ એમનો વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ જુદો રહ્યો. અવકાશ વિજ્ઞાનના શરૂના દિવસોમાં જ્યારે ચંદ્ર કે મંગળની યાત્રા, મિસાઈલો અને જાસૂસી ઉપગ્રહોના રોમાંચક વિચારો પશ્ચિમના વૈજ્ઞાનિકોને આવતા હતા ત્યારે સારાભાઈને ગામડાં, પરિવાર નિયોજન, ખેતી, લોકશિક્ષણ એ બધામાં અવકાશ વિજ્ઞાનનો ઉપયોગ કરવાના વિચાર આવતા હતા. વિજ્ઞાનને એમણે પરિવર્તનનું માધ્યમ માન્યું.

તેમનું મેટ્રિક સુધીનું શિક્ષણ તેમનાં માતાપિતાએ જ સ્થાપેલી મોન્ટેસરી પદ્ધતિની શાળામાં થયું. ત્યાર બાદ બે વર્ષ ગુજરાત કોલેજમાં ઈન્ટર સાયન્સ કરવામાં ગાળી એ કેમ્બ્રિજ ગયા. ત્યાં ગણિત અને પદાર્થવિજ્ઞાનમાં ‘ટ્રાઈપોસ’ મેળવ્યો. કેમ્બ્રિજ યુનિવર્સિટીની ઓનર્સ ગ્રેજ્યુએટ ડિગ્રીને ટ્રાઈપોસ કહેવાય છે. તે વેળા બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હોવાથી એ ભારત પાછા આવ્યા અને બેંગલોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં નોબેલવિજેતા પ્રો. સી. વી. રામનના હાથ નીચે અભ્યાસ અને સંશોધન કરવા લાગ્યા. સંયોગની વાત છે કે એ જ વખતે ડો. ભાભા પણ ત્યાં જ પ્રો. રામન જોડે કામ કરતા હતા. બંનેના અભ્યાસનો વિષય બ્રહ્માંડ કિરણો (કોસ્મિક રેઝ) હતો. અવકાશમાંથી અને સૂર્ય તરફથી પૃથ્વી તરફ હંમેશા વિકિરણનો પુંજ વરસ્યા કરે છે તેને કોસ્મિક કિરણો કહે છે. તે પરમાણુથીય સૂક્ષ્મ તેવા કણો – ઈલેક્ટ્રોન, મેસોન વગેરેનાં બનેલાં હોય છે.

સારાભાઈએ આના પર પાછળથી ઘણું સંશોધન કાર્ય કર્યું, પરંતુ તત્પુરતા તેઓ આ કામ છોડી પૂનાની હવામાનશાસ્ત્રની પ્રયોગશાળામાં જોડાયા. તે જ અરસામાં 1942માં તેમનાં લગ્ન જાણીતાં નૃત્યાંગના મૃણાલિની સ્વામિનાથન્ સાથે થયાં. 1954માં એ ફરી કેમ્બ્રિજ ગયા અને બે વર્ષમાં ડોક્ટરેટની પદવી લઈ પાછા આવ્યા. અહીંથી તેમના વ્યાવસાયિક જીવનનો આરંભ થયો. વિજ્ઞાન તેઓનો પ્રથમ પ્રેમ હતો તો ઉદ્યોગપતિના મોટા પુત્ર તરીકે રાસાયણિક અને ટેક્સટાઈલ કારખાનાંઓનું સંચાલન તેઓની પારિવારિક જવાબદારી હતી. તેમાંથી જ તેમને મેનેજમેન્ટના વિષયમાં પણ રસ પડ્યો. સદ્ભાગ્યે તેઓએ આ બધા વચ્ચે પણ વિજ્ઞાનને છોડ્યું નહીં. 1947માં જ તેમણે અમદાવાદમાં ‘ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી’ની સ્થાપના કરી. P.R.L. તરીકે ઓળખાતી આ સંસ્થા આજે પણ કાર્ય કરે છે. આ માટેની આર્થિક મદદ શેઠ અંબાલાલે સ્થાપેલા કર્મક્ષેત્ર ફાઉન્ડેશન તેમ જ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી તરફથી મળી. પાછળથી તેમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનાં અણુશક્તિ ખાતાંનો સહકાર ભળ્યો. બ્રહ્માંડ કિરણો ઉપરાંત વાતાવરણ, રેડિયો સંદેશવ્યવહાર વગેરે વિષયમાં પણ અહીં સંશોધન થયું. અવકાશ વિજ્ઞાનને લગતા પણ કેટલાક પ્રયોગો અત્રે થયા. અહીં ભણતા વિદ્યાર્થીઓ સાથે સંશોધનનો નાતો ડો. સારાભાઈએ મુંબઈ ગયા પછી પણ ચાલુ રાખ્યો હતો.

ઉદ્યોગક્ષેત્રે:

વિજ્ઞાનની સમાંતરે સારાભાઈએ વડોદરાની સારાભાઈ કેમિકલ્સ કંપનીનો વહીવટ સંભાળ્યો, સુહૃદ ગાયગી લિ. તથા સારાભાઈ ગ્લાસ કંપની નામના ઉદ્યોગો સ્થાપ્યા. મુંબઈની સ્વસ્તિક ઓઈલ મિલ્સ અને બીજી બેત્રણ કંપનીનાં મેનેજમેન્ટ પર પણ તે રહ્યા. વિજ્ઞાનમૂલક સ્વભાવને કારણે કાપડ ઉદ્યોગના પ્રશ્નો સંશોધનથી ઉકેલવા અમદાવાદમાં એક સંશોધન કેન્દ્ર સ્થાપ્યું. અમદાવાદ ટેક્સટાઈલ રિસર્ચ એસોસિયેશનના પહેલા અક્ષરોથી ઓળખાતું ‘અટિરા’ (ATIRA) આજે અમદાવાદનું જાણીતું સીમાચિહ્ન છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે વિશ્વવિખ્યાત ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)’ની 1962માં સ્થાપનામાં પણ સારાભાઈનો હાથ હતો. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલને શૈક્ષણિક સહયોગ માટે અને ફોર્ડ ફાઉન્ડેશનને આર્થિક સહયોગ માટે તેઓએ તૈયાર કર્યાં. કહે છે કે મુંબઈને બદલે અમદાવાદની પસંદગી કરાવવામાં પણ તેઓ નિમિત્તરૂપ હતા. તેઓના સાલસ સ્વભાવને કારણે ઉદ્યોગવર્તુળમાં માનીતા હતા. 1955માં અમદાવાદના ટેક્સટાઈલ ટેક્નિશિયન્સ એસોસિયેશને તેમને પોતાના પ્રમુખ થવાનું નિમંત્રણ આપ્યું તે આ વાતની સાબિતી છે. ઔદ્યોગિક જગતમાં કદાચ આ વિરલ દાખલો હશે કે મિલકામદારો પોતાના યુનિયનના નેતા બનવા માટે ઉદ્યોગપતિને જ બોલાવે!

અવકાશવિજ્ઞાન:

અમદાવાદના આવા લાડલા ‘વિક્રમભાઈ’નું પદાર્પણ ડો. સારાભાઈ તરીકે 1962માં રાષ્ટ્રીય તખ્તા પર થયું. ડો. ભાભાએ તેઓને ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR)ના ચેરમેન બનાવ્યા. અણુશક્તિ ખાતાં હેઠળ જ અવકાશ સંશોધન ક્ષેત્રે જે કંઈ કરવાનું હોય તેનાં નિર્ણય અને આયોજન આ સમિતિને સોંપાયાં. સારાભાઈની દીર્ઘદૃષ્ટિની ઝલક અહીંથી મળવા માંડી. અવકાશ ક્ષેત્રે સફળતા માટે ત્રણ પાંખમાં વિકાસ કરવો પડે – રોકેટવિદ્યા, ઉપગ્રહ બનાવવાની કળા અને સંદેશવ્યવહાર. આ ત્રીજો વિષય સંદેશવ્યવહાર એ માટે અગત્યનો છે કે ઉપગ્રહને ‘કન્ટ્રોલ’ કરવા (કાબૂમાં રાખવા) તેમ જ તેની સાથે દ્વિમાર્ગી સંપર્ક જાળવવા વીજાણુ સંદેશવ્યવહારની પહેલી જરૂર પડે. આ ઉપરાંત આપણે તો ઉપગ્રહોનો ઉપયોગ પણ સંદેશવ્યવહાર સુવિધાઓ સુધારવા માટે કરવા માગતા હતા. ડો. સારાભાઈએ આમ આ ત્રણ પાંખો પર પ્રારંભથી જ ધ્યાન આપ્યું.

1963માં કેરળમાં થુમ્બા ખાતે અમેરિકાની ‘નાસા’ સંસ્થાની મદદથી રોકેટ ઉડાડવાનું કેન્દ્ર સ્થપાયું. અહીંથી ‘રોહિણી’ નામનાં નાનાં રોકેટો ઉડાડવામાં આવ્યાં જેને સાઉન્ડિંગ રોકેટ કહે છે. વાતાવરણના ઉપરના સ્તરના હવામાનની માહિતી આ રોકેટો ભૂમિ પર પહોંચાડે છે. અહીં તેમ જ શ્રીહરિકોટા ખાતે રોકેટ બનાવવાની સગવડો પણ વિકસાવાઈ. એ જ પ્રમાણે ભાભા અને સારાભાઈ ઈલેક્ટ્રોનિક્સનું મહત્ત્વ પણ સમજ્યા હતા. ડો. ભાભાના અધ્યક્ષપદે એક ઇલેક્ટ્રોનિક સમિતિ બની. જેમાં પણ સારાભાઈ સભ્ય હતા. સમિતિએ તેના હેવાલમાં એક સ્વતંત્ર કોર્પોરેશન સ્થાપવાની વાત કરી. ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા – (ECIL)ની સ્થાપના પાછળથી સારાભાઈએ પોતે જ અણુશક્તિ પંચના અધ્યક્ષ તરીકે કરી. સામાન્ય જન જેને એક સમયે ટેલીવિઝન કંપની માનતા તે ECIL સંસ્થા આપણાં અણુમથકો અને અવકાશ કેન્દ્રો માટે પણ કન્ટ્રોલ-પ્રણાલીઓ પૂરી પાડે છે, જે સ્વાવલંબનનું એક મોટું પગલું છે.

ડો. સારાભાઈ 1965થી આપણા અણુશક્તિ પંચના એક સભ્ય હતા. ત્યાં જાન્યુઆરી 1966માં એક વિમાન અકસ્માતમાં ડો. ભાભાનું અકાળ અવસાન થયું. સારાભાઈની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ જોઈને આ તબક્કે તેમને અણુશક્તિ પંચના અધ્યક્ષ બનવાનું આમંત્રણ આપવામાં સરકારને કશો વિચાર કરવાની જરૂર ન પડી. આ જવાબદારી સ્વીકારવા માટે સારાભાઈએ પોતાના ઔદ્યોગિક સામ્રાજ્યના વહીવટમાંથી સમય કાપવો પડ્યો. તેમણે એ ખુશીથી કર્યું, પરંતુ RPLનો સંપર્ક તેમણે કાપ્યો નહીં, એ તેઓની વૈજ્ઞાનિક તરીકેની નિષ્ઠા બતાવે છે.

નવા હોદ્દા પરથી પણ સારાભાઈનું મુખ્ય પ્રદાન અવકાશ વિજ્ઞાનને લોકકલ્યાણનાં કાર્યોમાં લગાડવાનું જ રહ્યું. અગાઉ કહ્યું તેમ ઉપગ્રહ જોડે સંપર્ક રાખવાની કળા શીખવી જરૂરી હતી. આ માટે UNDP (યુનો વિકાસ પ્રકલ્પ)ની મદદથી અમદાવાદમાં તેમણે એક કેન્દ્ર પ્રાયોગિક ધોરણે સ્થાપ્યું. 1967માં અહીંથી વિશ્વના બીજા ઉપગ્રહોના સંદેશા ઝીલવામાં આવતા. અહીંથી તાલીમ પામેલા ઈજનેરો અને વૈજ્ઞાનિકોએ આગળ જતાં પૂના નજીક આરવી ખાતે એક આંતરરાષ્ટ્રીય ઉપગ્રહ સંદેશવ્યવહાર કેન્દ્ર સ્થપાયું જે આજે વિદેશ સંચાર નિગમને સેવા આપે છે. આ અગાઉ આપણા તાર-ટેલિફોન વિદેશ મોકલવા સમુદ્રતળ પર બિછાવેલા તારો વાપરવામાં આવતા.

બહુલક્ષી ઉપગ્રહ:

આજે જે આપણું ઘરગથ્થું નામ છે તે ‘ઇન્સેટ’, ઇન્ડિયન નેશનલ સેટેલાઈટ’નો ખ્યાલ પણ સારાભાઈને 67-68ના ગાળામાં આવેલો. તેમણે એવી ગણતરી મૂકી કે જો ભારત જેવડા મોટા દેશને સંદેશવ્યવહારની ભૂમિગત વ્યવસ્થા (એટલે કે તારો અને માઈક્રોવેવ) દ્વારા આવરી લેવાનો પ્રયત્ન કરીએ ને જે ખર્ચ થાય તે કરતાં ઉપગ્રહના ઉપયોગથી કરેલી વ્યવસ્થામાં માત્ર ત્રીજા ભાગનો ખર્ચ થાય. તેમણે તો એવું ઇચ્છ્યું હતું કે આપણે 1975માં જ આપણો પોતાનો ‘ઇન્સેટ’ આપણા જ અવકાશયાનથી ઉડાડીએ. એ ભલે ન બન્યું – પણ ઇન્સેટનો વિચાર આજેય અનોખો છે. આજે પણ ટેલિવિઝનનું પ્રસારણ, હવામાનની આગાહી અને સંદેશવ્યવહાર એ ત્રણેય કાર્યો બજાવતા હોય તેવા વિશ્વમાં માત્ર ‘ઇન્સેટ’ ઉપગ્રહો જ છે. છેલ્લા દશેક વર્ષથી ઇસરોએ મંગલ અને ચંદ્ર તરફ અવકાશયાનો મોકલવાના કાર્યક્રમ કર્યા છે. આ વાત સારાભાઇના મૂળ વિચાર કરતાં જુદી પડે છે. સમય બદલાતાં ભારત પાસે ખર્ચ કરવા માટે સાધન અને સંપત્તિ છે તેથી ઈસરોના સાંપ્રત વહીવટકર્તાઓએ અનુભવ લેવા માટે આ નવી દિશા ખોલી હશે તેમ માની શકાય. પણ આ મિશનો માટે લાંબા અંતર સુધી સંદેશ વ્યવહાર જાળવી રાખવાની જરૂર પડે છે તે સારાભાઈએ નાખેલા મજબૂત પાયાને કારણે જ શક્ય બને છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સારાભાઈએ ભારતને ઊંચું સ્થાન અપાવ્યું. 1968માં યુનોની અવકાશના શાંતિમય ઉપયોગો બાબતની કોન્ફરન્સના એ વૈજ્ઞાનિક ચેરમેન હતા. વિકાસશીલ દેશો માટે પણ અવકાશ વિજ્ઞાન કેટલું જરૂરી છે તે દર્શાવતો એક હેવાલ તેમણે યુનોને 1970માં આપેલો. આજે જેનું નામ વારંવાર લેવાય છે તે અણુ અપ્રસાર સંધિ (NPT) પણ ડો. સારાભાઈ અણુશક્તિ ખાતાના વડા હતા ત્યારે જ પહેલી વાર ચર્ચામાં આવી હતી. સંધિ હેઠળ શરત છે કે પાંચ સિવાયનાં રાષ્ટ્રોએ સંધિ થયા બાદ અણુશસ્ત્રો ન બનાવવાં. સારાભાઈનું માનવું હતું કે જો એમ હોય તો અણુસત્તાઓએ એવી બાંયધરી આપવી જોઈએ કે જો અણુશસ્ત્ર વિનાના દેશ પર કોઈ અણુશસ્ત્રથી હુમલો કરે તો બીજી અણુસત્તાઓ તેનો બચાવ કરે. આ વિચાર પર ચર્ચા માટે તેઓ મહાસત્તાના વડાઓ, કોસીજીન, જોન્સન વગેરેને મળ્યા, પરંતુ એવી કોઈ બાંયધરી ન મળતાં ભારતે NPT પર સહી ન કરવાનો નિર્ણય લીધો જેને દેશ આજ લગી વળગી રહ્યો છે.

અણુશક્તિને ક્ષેત્રે સારાભાઈએ એક નવીન વિચાર આગળ કરેલો. પરમાણુ ઊર્જાનો ઉપયોગ પરંપરાગત રીતે વીજળીદીવા અને ઉદ્યોગો માટે તો થતો રહ્યો છે જ, પણ તેને વિશેષ સ્વરૂપે પ્રયોજાય તો તેને જેની ખરી જરૂર છે ત્યાં તે વપરાય. તે માટે ખેતી અને ઉદ્યોગનાં મિશ્ર સંકુલો સ્થાપવાની વાત તેમણે કરી, જેના કેન્દ્રમાં પરમાણુ ઊર્જાકેન્દ્ર હોય. કચ્છ-સૌરાષ્ટ્રના સૂકા વિસ્તારોમાં પાણીના અભાવે ખેતી અને ઉદ્યોગ બંને નથી વિકસી શકતા. અણુઊર્જાથી સમુદ્રનું પાણી શુદ્ધ કરી તેને પીવા ઉપરાંત ખેતી અને ઉદ્યોગમાં વાપરવું. આમે પાણીના શુદ્ધીકરણ માટે ઘણી ઊર્જા જોઈએ છે. આ જ પ્રમાણે એલ્યુમિનિયમના ઉદ્યોગને પણ ખૂબ ઊર્જાની જરૂર પડે છે. આ સંકુલમાં કચ્છના બોક્સાઈટમાંથી એલ્યમિનિયમ બનાવવાનો ઉદ્યોગ અને તેવા બીજા ઉદ્યોગો નાખવાની યોજના હતી. દેશમાં બે જગ્યાએ આવાં મિશ્ર સંકુલો નાખવાની દરખાસ્ત તેમણે કરી. એક જામનગર જિલ્લામાં સલાયા પાસે જે કચ્છની જરૂરતો પૂરી પાડે. બીજું, ગંગાના મેદાનોમાં-ઉત્તર પ્રદેશમાં. ત્યાં ઊર્જા વીજળી રૂપે વાપરી જમીનનું પાણી ઉપર લાવી સિંચાઈ કરવા ઉપરાંત ત્યાંની પરિસ્થિતિ અનુરૂપ ઉદ્યોગો લગાવવા. કમનસીબે યોજનાને કાર્યરત કરતાં પૂર્વે તેઓનું અવસાન થયું. ત્યાર બાદ તો આટલું ગંજાવર મૂડી રોકાણ મળવું પણ મુશ્કેલ થયું અને એ વિભાવના ભૂલાઈ જ ગઈ.

વિજ્ઞાન શિક્ષણ:

ડો. સારાભાઈને વહાલો એક બીજો વિષય હતો શિક્ષણનો. શરૂમાં પી.આર.એલ.ના સાથીઓ જોડે શાળામાં વિજ્ઞાન શિક્ષણ કેમ સુધરે તે માટે કાર્યક્રમો થયા. તેમાંથી જન્મ થયો કમ્યુનિટી સાયન્સ સેન્ટરનો. અમદાવાદમાં પાલડીની એક નાની જગ્યામાંથી એ નવરંગપુરામાં મોટું કેન્દ્ર બનીને આવ્યું. તેઓના મૃત્યુ બાદ તેને ડો. સારાભાઈનું નામ અપાયું છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીની સેનેટના પણ સભ્ય હતા. બહુ ઓછાને યાદ હશે કે તેઓ ઉપકુલપતિપદ માટેની ચૂંટણી પણ એક વાર લેડાલ – જોકે જીતી શક્યા નહીં. તેઓનુ અવ્વલ કાર્ય થયું ઉપગ્રહો મારફતે લોકશિક્ષણ આપવાના આયોજનનું. આપણી અવકાશ સંસ્થા ‘ઈસરો’એ નાસા સાથે 1969માં એવો કરાર કર્યો કે તેઓનો એક ઉપગ્રહ એક વર્ષ માટે ભારતના અવકાશ પર સ્થિર રાખવામાં આવે. આનો અમલ જોકે પાછળથી થયો. તેમાં દેશનાં છ રાજ્યનો છ ભાષામાં લોકશિક્ષણ અને જ્ઞાન સાથે મનોરંજનના કાર્યક્રમો આ પ્રકલ્પ હેઠળ પ્રસારિત થયા. સેટેલાઈટ ઇન્સ્ટ્રક્શન ટેલિવિઝન એક્સ્પેરિમેન્ટ (SITE) નામે ઓળખાતા આ પ્રયોગમાં 14 જિલ્લાઓની પંચાયતોમાં ટી.વી. રાખવામાં આવેલા. આપણે ત્યાં પીજથી આ કાર્યક્રમો ટેલિકાસ્ટ થયા. એની લોકપ્રિયતા તો આ ગામોમાં જઈને જોઈ હોય તે જ જાણે. વિશ્વમાં આવો પ્રયોગ અગાઉ થયો નહોતો અને કદાચ ભવિષ્યમાં થશે નહીં. આનું શ્રેય સારાભાઈ ઉપરાંત તેમના અમદાવાદ ખાતેના સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ખંતીલા સાથીદારોને પણ જાય છે.

ચિર વિદાય

ડો. સારાભાઈનું મૃત્યુ 1971ની 30મી ડિસેમ્બરની રાત્રે થુમ્બા નજીક કોવામલના સમુદ્રકિનારાના ગેસ્ટ હાઉસમાં ઊંઘમાં જ થયું. ઘટના દુખદાયક તો હતી જ, પરંતુ નીરોગી શરીર અને તંદુરસ્ત ટેવો રાખનારનું મૃત્યુ માત્ર બાવન વર્ષે થાય તે આશ્ચર્યકારક પણ હતું. તેનો સંભવિત ઉત્તર વરસ ૨૦૦૭માં પ્રકાશિત એક પુસ્તકમાં મળ્યો તેમ મને લાગે છે. ‘ટેકનોલોજી એટ ધ કોર’ નામે પુસ્તકના લેખક શ્રી અશોક પાર્થસારથી છે. લેખકે પોતે શ્રીમતી ઇન્દિરા ગાંધી જોડે કામ કરતા તે સમયના સંભારણા આવરી લીધાં છે. પાર્થસારથીને ડૉ સારાભાઇ અમેરિકાની મેસેચુસેટસ ઇન્સ્ટીટયુટ (MIT)થી ભારત લાવેલ અને અણુશક્તિ ખાતાંમાં પોતાના સહાયક તરીકે નીમ્યા હતા. પરંતુ તેમના પિતા શ્રી જી પાર્થસારથી શ્રીમતી ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂક્યા હતા. એટલે એમણે એ ઓળખાણનો ઉપયોગ કરી પોતાની બદલી વડાપ્રધાનની ઓફિસમાં કરાવી લીધી.

ત્યાં જઈ તેમણે વડાપ્રધાનને એવું ઠસાવ્યું કે અણુશક્તિ ખાતાંમાં આંતરિક ખટપટ છે તેથી અણુશક્તિ અને અન્તરિક્ષ વિભાગ જુદા કરી નાખવા જોઈએ. લેખક પુસ્તકમાં કહે છે કે શ્રીમતી ગાંધીએ ૧૯૭૧ના નવેમ્બરની મધ્યમાં સારાભાઈને બોલાવીને સમજાવ્યા કે તેઓ અન્તરિક્ષ વિભાગ સાંભળી લે અને અણુશક્તિ કોઈ બીજાને સોંપી દે. સલાહ આકસ્મિક અને અણગમતી હતી; તે ય પોતાના જ પેટા અધિકારીના સુચન ને કારણે આવેલી ! આ ઘટનાના દોઢ મહીનામાં જ અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો તે બતાવે છે કે જો પાર્થસારથીની વાત ખરી હોય તો વિક્રમભાઈને માટે આ પ્રસંગ જ જબરદસ્ત માનસિક તાણનું અને મૃત્યુનું કારણ બન્યો હશે.

બીજે દિવસે વહેલી સવારે તેઓ પોતાના ‘ઈસરો’ના સાથીઓ સાથે અમદાવાદ આવવાના હતા. ઈસરોના માજી ચેરમેન પ્રો. યુ. આર. રાવે લખ્યું છે કે ”અમે યાત્રા તો કરી, પણ માત્ર તેમના પાર્થિવ શરીર સાથે.” સમાજનાં વિવિધ ક્ષેત્રોએ સારાભાઈના અવસાનમાં એક મિત્રને ખોયો. સ્વ. શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું કે એમના અમદાવાદના નિવાસસ્થાન ‘ધી રિટ્રીટ’ ખાતે તે દિવસે જે રીતે વિવિધ ક્ષેત્રના લોકો દોડી આવ્યા તે પરથી ખ્યાલ આવતો હતો કે લોકો તેમને કેટલી ભાવનાથી ચાહતા હતા. અવકાશમાં તરી રહેલાં ઉપગ્રહોરૂપી અનેક સ્મારકો એમની યાદ હંમેશાં તાજી રાખશે.


ડો. પરેશ વૈદ્યના સંપર્ક માટેનું  વિજાણુ સરનામું  prvaidya@gmail.com


સાભાર નોંધ : પ્રસ્તુત લેખ ‘નવનીત સમર્પણ’ના ઓગસ્ટ, ૨૦૧૯ના અંકમાં પ્રકાશિત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *