ફિર દેખો યારોં : પીવાના નહીં, ભરાઈ જતા પાણીથી આઝાદી જરૂરી

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

વિલંબાયેલા ચોમાસાને લીધે હજી માંડ બે સપ્તાહ અગાઉ દુષ્કાળના આયોજનની તૈયારીઓ થઈ રહી હતી, તેને બદલે હવે અતિવૃષ્ટિને કારણે રાહતકાર્યોનું આયોજન કરવું પડે એવો વરસાદ પડ્યો છે. માત્ર પંદર દિવસમાં આખા પ્રદેશનું ચિત્ર ધરમૂળથી બદલાઈ જાય ત્યારે પ્રકૃતિની પ્રચંડતાનો અને પ્રબળતાનો અંદાજ બરાબર મળી રહે. અલબત્ત, પ્રથમ અનાવૃષ્ટિ અને ત્યાર પછી અતિવૃષ્ટિની સ્થિતિમાં આપણે ભાગ્યે જ કશો બોધપાઠ લીધો હોય એમ જણાય છે.

ઉપરથી ધોધમાર વરસાદ વરસે અને બીજી તરફ જળાશયમાં થતી પાણીની આવકને કારણે પાણીની સપાટી વધતી જાય, જે છેવટે શહેરના વિસ્તારોમાં પ્રસરે ત્યારે સર્જાતી સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ અનુભવ્યા વિના ન આવે! આ પ્રકારનો દેખીતો જળપ્રકોપ થાય ત્યારે સ્થળાંતર, સહાય વગેરે જેવાં પગલાં લેવામાં આવે છે, પણ તે ઓસર્યા પછી તેનાં કારણો અંગે ખાસ વિચાર થતો નથી.

સૌથી મોટી સમસ્યા એ છે કે દર વર્ષે નગર કે શહેરના નવા નવા વિસ્તારોમાં પાણી ભરાય છે. બીજી અને ધ્યાન આપવા જેવી બાબત એ છે કે વરસતા વરસાદને અને નગરમાં ભરાતા પાણીના સ્તરને કશો સંબંધ નથી. વિકાસ અંતર્ગત નગરમાં જે નવા નવા બાંધકામો થાય છે તે નગરના નૈસર્ગિક ભૂપૃષ્ઠને ધ્યાનમાં લીધા વિના થાય છે. કયા વિસ્તારમાં થયેલું બાંધકામ કયા નવા વિસ્તારમાં પાણી ભરાવા માટે નિમિત્ત બનશે એ વરસાદ પડે ત્યારે જ ખબર પડે છે. અને આ ખબર પડે ત્યારે સીધું તેનું પરિણામ જ ભોગવવાનું આવે છે. નિવારક પગલાં લઈ શકાય એ સમય વીતી ગયો હોય છે. એકસામટું માત્ર અડધો કલાક પૂરતું ધોધમાર વરસાદનું ઝાપટું પડે તો પણ પાણી ભરાઈ જવા માટે તે પૂરતું બની રહે છે. આ સંજોગોમાં સતત અમુક કલાક સુધી વરસાદ વરસતો રહે તો બદહાલ થાય એ નક્કી જ છે.

પાણી ભરાવું એ સમસ્યા ખરી, પણ ભરાયેલું પાણી ન ઓસરવું એ મહાસમસ્યા છે. જેમ કે, વડોદરામાં 31 જુલાઈના રોજ આખો દિવસ ધોધમાર વરસાદ પડ્યો, અને તેને લઈને પાણી ભરાયાં. પણ એ પછીના ચાર-પાંચ દિવસ વરસાદ બિલકુલ પડ્યો ન હોવા છતાં અમુક વિસ્તારોમાં ભરાયેલાં પાણી ઓસરવાનું નામ નહોતા લેતા. આ બહુ ગંભીર સમસ્યા કહી શકાય. આજકાલ મોટા ભાગની હાઉસિંગ સોસાયટીઓમાં આંતરિક માર્ગો આર.સી.સી.ના બની ગયા છે, જે પાણીને જમીનમાં ઉતરતું રોકે છે, અને મોટે ભાગે તેને વહેવડાવી દે છે યા વિચિત્ર સ્થાને ખાબોચિયાંરૂપે જમા કરે છે. સોસાયટીના આંતરિક માર્ગો આર.સી.સી.ના બનવા લાગે, પછી નગરના મુખ્ય માર્ગો બાકી રહે? આ માર્ગોનું સતત નવિનીકરણ થતું રહે છે. પહેલાં તેને સપાટ અને સમથળ કરવામાં આવે છે, ત્યાર પછી વિવિધ એજન્‍સીઓ એક પછી એક આવીને પોતાના કામ માટે તેને અલગ અલગ જગ્યાએથી ખોદે છે. કામ પૂરું થયા પછી ખોદેલા સ્થાનને થિંગડું મારીને પૂરી દે છે. આખું વરસ લગભગ સતત ચાલતા આ ઘટનાચક્ર પછી કોઈ અગમ્ય કારણોસર, મે માસમાં રોડના નવિનીકરણની કામગીરી હાથ ધરવામાં આવે છે. પ્રત્યેક નવિનીકરણ અને સમથળીકરણ પછી મુખ્ય માર્ગનું સ્તર વધતું રહે છે. પરિણામે એક તબક્કો એવો આવે છે કે જ્યારે જે તે વિસ્તારની સોસાયટીના આંતરિક માર્ગ કરતાં મુખ્ય માર્ગની ઊંચાઈ વધી જાય છે. ત્યાર પછી બહારનો મુખ્ય માર્ગ વરસોવરસ નવી ઊંચાઈઓ સર કરતો રહે છે, જ્યારે સોસાયટીનો આંતરિક માર્ગ એ જ સ્તરે રહી જાય છે. આ પરિસ્થિતિ ભયજનક બની રહે છે. સોસાયટી પોતાનો આંતરિક માર્ગ ઊંચો કરે તો એ વિસ્તારનાં મકાનોની પ્લીન્‍થ કરતાં તેની ઊંચાઈ વધી જાય એ સ્વાભાવિક છે. આ સ્થિતિ છેવટે સાવ ઓછા વરસાદે પણ ઘરમાં પાણી ભરાવા તરફ દોરી જાય છે. જે રીતે, કશા ધારાધોરણ વિના આયોજનો થઈ રહ્યાં છે, વિકાસના નામે આડેધડ કામ થઈ રહ્યાં છે એ જોતાં નાગરિકોએ આ પરિસ્થિતિનો સામનો કરતાં શીખી જવું પડશે. એ શી રીતે શિખવું એ પણ તેમણે જાતે જ શોધવું પડશે. આમ, પાણીનો જથ્થો મબલખ હોય ત્યારે નથી તેનો નિકાલ થઈ શકતો, કે નથી સંચય થઈ શકતો. અને ચોમાસું વીત્યાના બે-ચાર મહિનામાં જ આગામી ઊનાળાની અછતના એંધાણ વરતાવા લાગે છે.

હજી હમણાં સુધી કહેવાતું હતું કે ભારતીય ખેડૂત પ્રારબ્ધવાદી હોય છે. કેમ કે, તેની ખેતી વરસાદ આધારિત હોય છે. ખેડૂતોની સહાય માટે અનેક સિંચાઈ યોજનાઓ અમલી બનાવવામાં આવી. પણ નગર આયોજનમાં દીર્ઘદૃષ્ટિ તો ઠીક, સાદી દૃષ્ટિના અભાવને લઈને હવે નગરજનો પ્રારબ્ધવાદી બની રહે તો નવાઈ નહીં. ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિથી નથી થતું એટલું નુકસાન આયોજનની ખામીને લઈને થતી દુર્ઘટનાઓથી થાય છે. આવી ઘણી દુર્ઘટનાઓના દોષનો ટોપલો આખરે વરસાદના માથે ઢોળી દેવામાં આવે છે. પરિણામે ન તેના વિશે કશી વિચારણા થાય છે, કે ન તેને ભવિષ્યમાં નિવારવા માટેનાં પગલાં લેવાય છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, પ્રિમોન્સૂન કામગીરી, ડિઝાસ્ટર મેનેજમેન્‍ટ જેવા શબ્દોનો અર્થ વરસોવરસ ઘસાતો જાય છે. તે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચરવાના રસ્તા જ બની રહે છે. વરસાદી પાણીના નિકાલ માટે આખેઆખા રસ્તા ખોદીને ઉતારાતી પાઈપો એક જ કામ ખાત્રીપૂર્વક કરે છે. અને એ છે એ રસ્તે મોટા ભૂવાઓ પાડવાનું! સરકાર કોઈ પણ હોય, નાગરિકોની આ સ્થિતિમાં ખાસ ફરક પડતો જણાતો નથી.

નગર આયોજનનું આખું તંત્ર આપણા કરવેરાની આવક પર નભે છે, નગર આયોજનનું આખું અલાયદું શાસ્ત્ર છે. આમ છતાં, આ બન્ને બાબતોને નગર સાથે કશી લેવાદેવા હોય એમ જણાતું નથી. હવે તો એમ લાગે છે કે બહુ કામઢી સરકાર આવશે તો તે દરેક નાગરિકને પોતાના ઘર કે વિસ્તારમાં ભરાયેલું પાણી ઊલેચવા માટે સભ્યદીઠ એક બાલદી અને ટમ્બલર આધારકાર્ડ મુજબ ફાળવશે. બહુ વગદાર નાગરિકો કદાચ પમ્પની જોગવાઈ કરાવી લે. પણ નગરમાં પાણી ભરાઈ જવાની નિયતિ હવે સૌએ સ્વીકારી લેવી પડશે. નગરના જે વિસ્તારોમાં પાણી નથી ભરાતાં એ વિસ્તારો કેટલાં વરસ સુધી એવા રહી શકે છે એ જ જોવાનું છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫ – ૦૮– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ :
આ લેખમાં મૂકેલ તસ્વીર સાંકેતિક છે અને નેટ પરથી સાભાર લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *