હાથીને ગોળીએ દીધો (૧૯૩૬) – જ્યોર્જ ઑર્વેલ :: [૨]

Facebooktwitterredditpinterestlinkedinmail

અનુવાદકઃ અશોક વૈષ્ણવ

દેખીતી રીતે સાવ નાની ઘટનામાં શહેરમાં એક મદમસ્ત હાથીએ ભયનું વાતાવરણ સર્જાયું છે. આ અચાનક બનેલી ઘટનામાં લેખકને સામાજ્યવાદની જોહુકમી ચલાવતી શાસન વ્યવસ્થાની સાચી દાનત કેમ દેખાય છે તે જાણવાની આપણને પણ ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે. પહેલા ભાગના અંતમાં આપણે જોયું કે મદમસ્ત થયેલા હાથીએ એક સ્થાનિક કુલીને મારી નાખ્યો હતો. પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીના ભાગ રૂપે લેખકે પોતાના ઓર્ડરલીને હાથીને મારવા કામ આવે એવી રાઈફલ લઈ આવવા મોકલ્યો હતો.

આજે હવે જોઈએ કે હવે શું થશે…

થોડા સમયમાં જ ઓર્ડરલી મેં મંગાવેલ રાઈફલ અને પાંચ કારતૂસ લઈને આવી પહોંચ્યો. તે દરમ્યાન કેટલાક બર્મીઓએ આવીને ખબર આપ્યા હતા કે હાથી, થોડા જ વારને અંતરે, ડાંગરનાં ખેતરોમાં દેખાયો છે. એ દિશામાં મેં આગળ વધવનું શરૂ કર્યું તે સાથે જ એ વિસ્તારનાં બધાં જ લોકો ઘરની બહાર નીકળી ને મારી સાથે ચાલી નીકળ્યાં હોય એવું લાગતું હતું. મારા હાથમાં રાઈફલ છે તે તેઓએ જોઈ લીધું હતું અને હવે હાથીને હું ગોળીએ દેવાનો જ છું તેવું ઉત્તેજનાભર્યું બુમરાણ હવામાં પ્રસરી રહ્યું હતું. જ્યારે હાથી તેમના ઘરોને ધમરોળી રહ્યો હતો ત્યારે એ લોકોને હાથીમાં કોઈ ખાસ રસ નહોતો પડ્યો, પણ હવે જ્યારે તેને ગોળીએ દેવાવાની સંભાવના દેખાતી હતી ત્યારે વાત કંઇક અલગ બની જતી હતી. અંગ્રેજોનાં ટોળાંને આવી વાતમાં રસ પડે એવો જ કંઈક રસ એ લોકોને પણ પડી રહ્યો હતો, અને હાથીનાં માંસની ઉજાણી કરવા મળવાની થાય તે તો પાછો વધારાનો ફાયદો પણ હતો. આ બધાંને કારણે, મને ઊંડે ઊંડે કંઈક મુંઝવણ થતી હોય એવું અનુભવાતું હતું. હાથીને મારી નાખવાની મારી જરા પણ ઈચ્છા નહોતી. રાઈફલ તો મેં, જરૂર પડે તો, મારી સુરક્ષા પુરતી જ મંગાવી રાખી હતી. આખું ટોળું, જાણે પગેરૂ દબાવતું, તમારી પાછળ પાછળ આવતું હોય તે ખુદ જ માનસીક તાણ પેદા કરવા માટે પુરતું હતું. ખેર, મેં ટેકરીની નીચે તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું. ખભે રાઈફલ અને ધક્કામુક્કી કરતાં, પાછળ પાછળ આવી રહેલાં લોકોનાં ટોળાંને કારણે હું મારી જાતને જ મુરખ દેખતો હતો. ટેકરીને તળિયે, ઝુંપડાંની હાર પૂરી થાય ત્યાં એક ડામરની સડક હતી. એ સડકની પેલી બાજુ, લગભગ, હજારેક વાર દૂર, કાદવ ભર્યાં ડાંગરનાં ખેતરો હતાં. ડાંગર હજૂ લણી નહોતી લેવાઈ, પણ થોડા સમય પહેલાં જ થયેલા વરસાદનાં પાણીમાં ડૂબેલાં ઘાસનાં છાબલાંઓને કારણે જમીન પોચી પડેલી હતી. હાથી રસ્તાથી આઠેક વાર દૂર ઊભો હતો. તેની ડાબી બાજુ અમારી તરફ હતી. શોરબકોર કરતાં આવી રહેલાં ટોળાંની તેણે કોઈ જ નોંધ લીધી હોય એવું નહોતું જણાતું. એ તો પોતાની સુંઢથી ઘાસના પૂળા ઉખાડી, પોતાનાં સાથળ સાથે પછાડીને સાફ કરવામાં અને પછી,પોતાના મોંમાં આરોગવામાં મગ્ન હતો.

ડામરના રસ્તા પર પહોંચીને હું અટક્યો. હાથીને જોતાંવેંત મને ખાતરી થઈ ચૂકી હતી કે તેને મારી નાખવાની કોઈ જ જરૂર નથી. કોઈને કનડ્યા વગર, શાંતિથી, પોતાનું કામ કરી રહેલા હાથી મારી નાખવો એ ઘણી ગંભીર બાબત હતી. એ તો એવું લાગતું હતું જાણે કોઈ જ કારણ વિના, જેટલું શક્ય હોય ત્યાં સુધી તેને બચાવવાની કોશીશ કરવાને બદલે, મોંઘાંદાટ, મોટાં, યંત્રનો જાણીજોઈને નાશ કરી નાખવો. હવે સાવ સામે જ દેખાતો હાથી મને કોઈ એક ગાયથી વધારે જોખમકારક નહોતો લાગી રહ્યો. એવું ચોખ્ખું લાગી રહ્યૂં હતું કે તેને મદમસ્ત બનાવતી આંતરિક પ્રક્રિયા શમી ગઈ હતી; મહાવત આવીને તેનો કબજો લઈ લે ત્યાં સુધી તે છૂટો ફરે તો પણ કોઈને જરા સરખું પણ નુકસાન પહોંચાડી શકે એવું કોઈ ચિહ્ન કળાતું નહોતું. વળી, તેને ગોળીએ મારવાની તો મારી ઈચ્છા પહેલેથી જ નહોતી. હાથી ફરીથી જંગલી બનીને તોફાને ચડે છે કે નહી તે માટે હજૂ થોડી વાર રાહ જોવી અને પછી પાછા ઘરે જતા રહેવું તેમ મેં મનથી નક્કી કર્યું.

એ જ વખતે મારી નજર મારી સાથે ચાલ્યાં આવતાં ટોળાં પર પડી. ૨૦૦૦થી પણ વધારે લોકો એક્ઠાં થઈ ચુક્યાં હતાં, અને તેમાં ઉમેરો થવાનો પ્રવાહ પણ ચાલુ જ હતો. ઘણે લાંબે સુધી રસ્તો પણ તેમનાથી ભરચક થઈ ગયો હતો. ભડકદાર કપડાઓ પરના પીળા ચહેરાઓ પર, હાલ ચાલી રહેલા તમાશાને કારણે, આનંદ અને ઉત્સાહ છલકાતો હતો. બધા ચહેરા પર હાથીનું મોત સાફસાફ વંચાઈ રહ્યું હતું. જાદુના ખેલ કરી રહેલા કોઈ જાદુગરને જોઈ રહ્યાં હોય તેમ બધાં મારી સામે પોતાની નજરો તાકી બેઠાં હતાં. એ પણ સાફ હતું કે તેમને હું જરા પણ પસંદ નહોતો, પણ મારા હાથમાંની પેલી જાદુઈ રાઈફલે મને, થોડી વાર પૂરતો પણ, જોવાલાયક બનાવી દીધો હતો. હવે મારામાં સમજણ ઉતરવા લાગી હતી કે આખરે મારે હાથી મારવો તો પડશે જ. આ લોકોને મારા પ્રત્યે એ અપેક્ષા હતી; એટલે પણ મારે હાથીને મારવો તો રહ્યો. બે હજારથી વધારે ઇચશક્તિઓની ધ્રુજારી મને, રોકી ન શકાય એવા ધક્કાથી, એ નિયતિ તરફ હડસેલી રહી હતી. હાથમાં રાઈફલ સાથે, એ ઘડીએ, પૂર્વના દેશો પરનાં ગોરા લોકોનાં આધિપત્યની પોકળતા મને સમજાણી. અત્યારે હુ આ નિહથ્થાં દેશી લોકોની વચ્ચે હાથોમાં રાઈફલ પકડીને ઉભો રહેલો ગોરો માણસ ભલે નાટકના મંચ પરનું મુખ્ય પાત્ર દેખાતો હોઉં, પણ ઉઘાડી હકીકત તો એ હતી કે પીળા ચહેરાના એ ટોળાંની ઈચ્છાશક્તિને ધક્કે ચડેલ હું એક કઠપુતળીથી વધારે કંઈ નહોતો. આ ઘડીએ મને સમજાઈ રહ્યું હતું કે જુલમનો કોરડો વીંઝતો એક ગોરો પોતાની જ આઝાદીના બરડા પર ચાબખા મારી રહ્યો છે. હવે તે એક ખોખલો, ચાડિયા જેવો, પરંપરાગતવાદની શૂળીએ ચડાવેલો, સાહિબ, માત્ર છે. એ એના શાસનની શરત છે કે ‘દેશી’ લોકો પર પ્રભાવ જમાવવામાં તેની જિંદગી ખર્ચાઈ જાય; તે માટે દરેક સંકટમાં તેણે ‘દેશી’ લોકોની અપેક્ષા અનુસાર તેણે વર્તવું પડશે. તેણે પોતાના ચહેરા પર એક મહોરૂં ચડાવી દેવું રહેશે, જેમાં બંધબેસે તેમ તેનો ચહેરો ફેલાતો જશે. મારે હાથીને મારવો જ રહ્યો. જે ઘડીએ મેં મારા ઓર્ડરલીને રાઈફલ લેવા મોકલ્યો તે જ ઘડીએ મારી નિયતિ લખાઈ ચૂકી હતી. સાહિબે વર્તવું પણ એક સાહિબને છાજે તેમ જ પડે; તેણે પોતાનાં મનને ચોખા અરીસામાં દેખાતાં પ્રતિબિંબની જેમ વાંચતાં અને ધાર્યું કરી બતાવવાની મક્કમતા દેખાડી દેવાં પડે. હાથમાં રાઈફલ ઝાલીને, બે હજાર લોકોની ઉત્સુકતાને મારી પાછળ પાછળ કુચ કરાવ્યા પછી, ઢીલા પડીને, કંઈ કર્યાકારવ્યા વિના, હવે પાછા ફરવું અસંભવ હતું. મારી બાકીની આખી જિંદગી, પૂર્વમાં વસતા દરેક ગોરાની આખી જિંદગી,જે એક દીર્ઘ સંઘર્ષ છે, તેને હાંસીપાત્ર બનવા ન દેવાય.

પરંતુ, મારે હાથીને મારવો તો નહોતો જ. પોતે તોડેલાં ઘાસને પોતાનાં સાથળ પર પોતાની સૂંઢના ઝાટકાથી સાફ કરતો, એક હાથીને છાજે તેવી, દાદીમા જેવી, વડપણની ચારેબાજુ નજર ફેરવતો, હાથી હવે મારી સામે હતો. એવા ભલોભોળા દેખાતા હાથીને ગોળીએ મારવો એ ઠંડે કલેજે એક ખૂન કરવા બરાબર દેખાતું હતું. પ્રાણીઓના શિકાર કરતી વખતે ચૂંકને કારણે પેટ અમળાવા લાગે તેવડી કંઈ મારી ઉમર નહોતી, પણ મેં આ પહેલાં કોઈ હાથીને ગોળીએ નહોતો દીધો, અને આ હાથીને મારે મારવો નહોતો. ખબર નહીં કેમ ,પણ,નાનાં પ્રાણીઓને મારી નાખવા કરતાં વિશાળકાય પ્રાણીને મારવું હંમેશાં કઈ વધારે ખરાબ અનુભવાય છે. તે ઉપરાંત એ હાથીના માલિકનો પણ વિચાર પણ કરવો પડે. જીવતો એ હાથી અનેક મણની જણસ હતો, જ્યારે માર્યા પછી તો તેનાં બે ચાર કિલોનાં બે દંતશૂળની જ કિંમત રહેવાની. જોકે મારે હવે ઝડપથી કંઈને કંઈ કરવું જરૂરી હતું. અમે જ્યારે ત્યાં પહોંચ્યાં ત્યારે ત્યાં જોવા મળેલા અનુભવી લાગતા બર્મીઓ તરફ મેં નજર કરી અને પૂછ્યું કે હાથીનો વર્તાવ હવે કેવો હતો. બધાનું એક જ કહેવું હતું કે તેને છેડો નહીં તો તે તમારી સમે નજર પણ નહીં કરે, પણ તેની બહુ નજ્દીક જાઓ તો ગભરાઈ ઉઠીને તે તમારા પર હુમલો પણ કરી બેસે.

+  +  +   +   + 

લેખકની માનસીક અવઢવ હવે તેની પરાકાષ્ટાએ છે. માણસને આ પાર કે પેલે પાર જવું કે નહીં તે નક્કી કરતાં પહેલાંની આ નિર્ણાયક ઘડી છે.

લેખક પાછા ફરશે, કે હાથીને ગોળીએ મારશે?

હવે પછીના, છેલ્લા, ત્રીજા અંકમાં આ રહસ્ય પરનો પરદો ખોલીશું.


જ્યોર્જ ઓર્વેલના કથાનક સ્વરૂપ બિન-કાલ્પનિક નિબંધ, Shooting an Elephant નો આંશિક અનુવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *