વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૧૯) મહાવિનાશના પ્રતીક મશરૂમ ક્લાઉડની મસ્તી

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

6 ઑગષ્ટ, 1945નો કાળમુખો દિવસ. સમગ્ર વિશ્વ જેને દાયકાઓ સુધી ભૂલી શકવાનું ન હતું એવી, માનવ ઈતિહાસમાં ક્રૂરતમ કહી શકાય એવી કારુણી આ દિવસે બની. તે માનવસર્જિત હતી. એ ઘટના હતી અમેરિકા દ્વારા જાપાનના હીરોશિમા નગર પર અણુબૉમ્બ ફેંકાવાની ઘટના. આ ઘટનાના ત્રણ દિવસ પછી, એટલે કે 9 ઑગષ્ટે જાપાનના બીજા નગર નાગાસાકી પર અણુબૉમ્બ ફેંકાયો. ‘જાપાનમાં આજે પણ ખોડખાંપણવાળાં બાળકો શાથી જન્મે છે?’ જેવા સવાલ પાઠ્યપુસ્તકોમાં દાયકાઓ લગી પૂછાતા રહેવાનું નિમિત્ત આ દુર્ઘટના બની રહેવાની હતી. માનવજાતની સંસ્કૃતિના વિકાસ અને તેની મૂળભૂત બર્બરતાના સંગમ જેવી આ ઘટના હતી. ‘સંહાર થકી શાંતિ’નો વક્રતાભર્યો સંદેશ પણ તેના થકી મળ્યો. આ ગોઝારી ઘટનાની સ્મૃતિને તાજી રાખવા માટે દર વર્ષે 6 ઑગષ્ટને ‘હીરોશિમા દિન’ તરીકે ઉજવવામાં આવે છે.

આ બન્ને નગરો પર અણુબોમ્બના ફેંકાવાની ઘટના સાથે એક પ્રતીક અનિવાર્યપણે જોડાઈ ગયું છે. એ છે ‘મશરૂમ ક્લાઉડ’. અણુબોમ્બના ફેંકાયા પછી તેમાંથી પ્રચંડ ઉષ્મા છૂટી પડે છે, જે આસપાસની પ્રમાણમાં ઠંડી હવા સાથે પ્રક્રિયા કરે છે અને તેની ઘટ્ટતામાં ઘટાડો કરે છે. આને કારણે બિલાડીના ટોપના આકારનું વિરાટ વાદળ સર્જાય છે. હીરોશિમા પર બોમ્બ ફેંકાયા પછી સર્જાયેલા મશરૂમ ક્લાઉડની ઉંચાઈ 60,000 ફીટ જેટલી હતી.

(મશરૂમ ક્લાઉડ)

આ ઘટના પછી મશરૂમ ક્લાઉડનું રેખાંકન ‘અણુવિસ્ફોટ’ને સૂચવવા માટે કાર્ટૂનોમાં સ્થાન પામતું થયું.

આ કડીમાં ‘હીરોશિમા દિન’ નિમિત્તે કેટલાંક એવાં કાર્ટૂન જોઈએ, જેમાં એક યા બીજી રીતે આ ‘મશરૂમ ક્લાઉડ’નો સંદર્ભ હોય.

**** **** ****

અમેરિકન કાર્ટૂનિસ્ટ લેન ચેપમેન/Len Chapman ના આ કાર્ટૂનમાં પર્વતની ટોચે એક સ્વામી બેઠેલા છે, જેમને કોઈ પણ સમસ્યા અંગે પૂછી શકાય છે. એટલી ઊંચાઈએ સ્વામીજી પંખો ચાલુ કરીને બેઠા છે. એ વખતે એક મુમુક્ષુ તેમને વિશ્વશાંતિ બાબતે સવાલ પૂછે છે. પશ્ચાદભૂમાં બતાવાયેલું મશરૂમ ક્લાઉડ સૂચવે છે કે ‘વિશ્વશાંતિ’ સ્થપાવાની શરૂઆત થઈ ગઈ છે. આથી સ્વામીજી પેલા મુમુક્ષુને કડકાઈથી કહેતા જણાય છે: ‘હવા આવવા દે.’

****

અણુશસ્ત્રો એક રીતે સંઘરાયેલા સાપ જેવા છે. એ તેના માલિકને પણ કરડી શકે. અણુશસ્ત્રનો ઉપયોગ દુશ્મન દેશ પર થાય ત્યારે ખરો, તેને સાચવી રાખવાનું કામ પણ કંઈ ઓછું અઘરું છે? અમેરિકન કાર્ટૂનિસ્ટ નેટ બીલર/Nate Beeler પ્રમુખ ટ્રમ્પના શાસનની આ કરુણરમૂજી સ્થિતિ દર્શાવે છે. ટ્રમ્પની પાછળ અનેક મશરૂમ ક્લાઉડ બતાવાયાં છે. ના, તે કોઈ દેશ પર ફેંકાયેલા અણુબોમ્બના નહીં, બલ્કે પોતે સાચવી રાખેલાં શસ્ત્રો લીક થવાથી પેદા થયાં છે.

****

અમેરિકન કાર્ટૂનિસ્ટ આર.જે.મેટસન/R.J.Matson અણુબોમ્બનું સમીકરણ શી રીતે માંડે છે એ જોવા જેવું છે. અમેરિકી પ્રમુખ (POTUS) અને રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર બન્ને ભેગા થાય તો શું પરિણામ મળે?

મેટસનનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ https://www.rjmatson.com/index_js.htm પર માણી શકાશે.

****

ચાહે અણુયુદ્ધ હોય કે એનાથી થતો વિનાશ, નફાખોરો પોતાનો ફાયદો શેમાં છે એ જ જુએ. અણુબોમ્બ ફેંકાયાનું મશરૂમ ક્લાઉડ જોઈને આવા બે જણ વાત કરતાં કહે છે: ‘આનો મતલબ એમ ધારવો કે હવે આપણે સૌર ક્ષેત્રે વધુ રોકાણ કરવું જોઈએ.’

આ કાર્ટૂન એમ.મોલર/M.Moeller નું છે.

****

અમેરિકન કાર્ટૂનિસ્ટ ગેરી લાર્સન/Gary Larson નાં કાર્ટૂનમાં ઓછામાં ઓછા શબ્દો હોય છે. તેમાં પાત્રો તરીકે કીટકો, દૈત્ય કે એવાં અન્ય ચિત્રવિચિત્ર જીવો જોવા મળે છે. આ કાર્ટૂનમાં લાર્સને એવો સંદેશ આપ્યો છે, જેનાં અનેક અર્થઘટન થઈ શકે. માનવસંસ્કૃતિનો વિનાશ અને પોતે બચી ગયાનો આનંદ મનાવતા કીટકો એ સૌથી પહેલું નજરે પડતું અર્થઘટન છે.

****

ડેન પિરારો/Dan Piraro નું આ કાર્ટૂન બહુ માર્મિક છે. એક મનોચિકિત્સક પાસે ગયેલી સ્ત્રી પોતાની સમસ્યાઓ વર્ણવી રહી છે. બારીની બહાર દેખાતા મશરૂમ ક્લાઉડને જોઈને તબીબ કહે છે: હું જોઈ રહ્યો છું કે તમારો સમય સમાપ્ત થઈ ગયો છે.’

****

સજીવારોપણ કાર્ટૂનકળાનું મહત્ત્વનું અંગ ગણાવી શકાય. પહેલાં એક શહેર પર અણુબોમ્બ ફેંકાયો અને મશરૂમ ક્લાઉડ પેદા થયું. તેને એકલવાયું લાગતાં તેણે વિચાર કર્યો, ‘મારે પણ એક દોસ્ત હોય તો!’ અને તેની આ ઈચ્છા જોતજોતાંમાં પૂરી થઈ. આ કાર્ટૂન પણ અનેકવિધ અર્થઘટન ધરાવે છે.

****

ઉત્તર યા દક્ષિણ ધ્રુવપ્રદેશના આકાશમાં aurora/ઓરોરા નામે ઓળખાતાં પ્રકાશવલયો જોવા મળે છે. ઈગ્લૂમાં રહેતા અહીંના બે રહેવાસીઓ એક દિવસ સાવ જુદા પ્રકારનો દેખાવ જુએ છે. એક જણ બીજાને કહે છે: ‘મને આજના ઓરોરાનો દેખાવ ન ગમ્યો.’ આ વિચિત્ર દેખાવ કેટકેટલા જીવોનો સંહાર કરનારા બોમ્બ થકી પેદા થયો છે એની તેને ક્યાંથી ખબર હોય!

આ કાર્ટૂન રોડ રોસ્સી/Rod Rossi નું છે.

****

કાર્ટૂનિસ્ટ ક્લાઉડિયો ફર્નિઅર/Claudio Furnier નું આ કાર્ટૂન વિશુદ્ધ હાસ્ય છે. એક પરગ્રહવાસી અણુબોમ્બ ઝાપટી જાય છે. તેનું પરિણામ? કોણે કહ્યું કે મશરૂમ ક્લાઉડ આકાશમાં જ પેદા થાય?

****

રોય ડેલ્ગાડો/Roy Delgadoના આ કાર્ટૂનમાં બતાવાયા મુજબ અણુવિસ્ફોટ થઈ ચૂક્યો છે. વિમાનમાં બારીએ બેઠેલો એક માણસ અધીરાઈથી વારેવારે બારીમાં જોયા કરે છે. એ જોઈને તેની બાજુવાળો અકળાઈને પૂછે છે: ‘તું વારંવાર બારીની બહાર શું કામ તાક્યા કરે છે?’ બીજા કોઈ મુસાફરોને આ દુર્ઘટનાની જાણ નથી.

****

તાજમહાલની મુલાકાતે ગયેલા લોકોએ પેલા ઐતિહાસિક બાંકડા પાસે એવી મુદ્રાની તસવીર ખેંચાવી જ હશે કે જ્યાંથી તાજમહાલની ચોટી મુઠ્ઠીમાં પકડેલી જણાય. એ જ રીતે પીસાના ઢળતા મિનારાને હાથ દીધો હોય એવી તસવીર પણ ત્યાંના મુલાકાતીઓએ ખેંચાવી હશે. ક્યારેક અનાયાસે આવાં સંયોજનો રચાઈ જતાં હોય છે. જેમ કે, ગાય એન્‍ડ રોડ/Guy & Rodd ના આ કાર્ટૂનમાં બતાવાયા મુજબ અણુવિસ્ફોટ થકી મશરૂમ ક્લાઉડ રચાયું છે અને સૌ ભાગાભાગ કરી રહ્યા છે. પણ એક વ્યક્તિ એવા સ્થાને ઊભી છે કે આ મશરૂમ ક્લાઉડ તેના માથે શેફની ટોપી પહેરી હોય એ રીતે બંધબેસી ગયું છે.

****

અણુયુદ્ધ કરવું કે અટકાવવું આપણા હાથમાં નથી. પણ આવા મહાભયાનક અને વિનાશક વિષયમાં સુદ્ધાં છુપાયેલું હાસ્ય આપણે અવશ્ય માણી શકીએ.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.


– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com


Disclaimer:

The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *