





– નયન દેસાઈ
સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને;
નામ અમારું એવું પાડ્યું : નહીં માતર કે કાનો જોને!
સડી ગયેલાં શ્વાસો વચ્ચે આવે-જાય અભરખા જોને;
લાશ બળે કે લાઈટર સળગે : બંને દૃશ્યો સરખાં જોને!
ફૂટી ગયેલા કાચનું ક્યાંથી થાય નયનભાઈ ઝારણ જોને?
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
અમે કાચની પૂતળીને પહેરાવ્યા એવા વાઘા જોને;
સાવ અજાણ્યા થઈને ફરીએ અમે પંડથી આઘા જોને!
અમે નથી ને નામ અમારે આવે રોજ ચબરખી જોને;
હૈયું તૂટી પડે કે જમ્બો બન્ને ઘટના સરખી જોને!
અમે નયનભાઈ ફાટી ગયેલા પાના પરનું સાંધણ જોને !
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !
હવે આંખ પર નીંદરને બદલે સળગાવ્યો લાવા જોને!
છબી બનેલી મા ક્યાંથી બોલાવે ઘોઘર બાવા જોને?
જીવતર ગંગાના પૂરથી ઘેરાઈ ગયેલું પટના જોને!
સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને!
મળીએ શ્વાસે શ્વાસે નયનભાઈ! છૂટા પડીએ ક્ષણક્ષણ જોને!
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !
– (Presented by Anil Chavda on ‘Facebook)
* * *
સૌજન્ય- નયન દેસાઈ – પાલનપુરની ટેલિફોનિક (૦૯૭૧૨૩ ૧૯૯૮૧) સંમતિ બદલ આભારસહ
સંકલનકાર : શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977
નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો
અનીલભાઈ ચાવડાની પસન્દગી પામેલ રચના જેવી તેવી હોય ખરી! ધન્યવાદ, નયનભાઈ.