ટાઈટલ મ્યુઝીક : ૧૬ : આરોપ (૧૯૭૪)

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

સાગરના ગર્જન જેવો કે કોઈ પર્વતની ટોચે સંભળાતી વાદળોની ગડગડાટી જેવો ઘેરો અને ઘેઘૂર સ્વર ધરાવતા ગાયક ભૂપેન હજારિકામાં એક વિરલ કહી શકાય એવું પ્રતિભાસંયોજન હતું. ગાયક, ગીતકાર, સંગીતકાર, વાર્તાકાર, દિગ્દર્શક એમ અનેક પાસાંઓમાં તેમનુ પ્રદાન નોંધપાત્ર છે. તેમની વિગતો આલેખતી વિસ્તૃત પોસ્ટ તેમના અવસાન નિમિત્તે મારા બ્લોગ પર લખેલી છે, તેથી અહીં તેનું પુનરાવર્તન કરતો નથી. પણ હિન્દી ફિલ્મમાં તેમનો પ્રવેશ 1974માં રજૂ થયેલી ‘આરોપ’ દ્વારા થયો.

ગુરુદત્તના ભાઈ આત્મારામે આ ફિલ્મ દિગ્દર્શીત કરી હતી. આ ફિલ્મનાં કુલ સાત ગીતો માયા ગોવિંદે લખ્યાં હતાં, તેમાંથી ફક્ત એકમાં જ ભૂપેનદાનો સ્વર હતો.

(‘આરોપ’ની એલ.પી.રેકર્ડનું કવર)

આ ફિલ્મનાં અન્ય ગીતો જાણીતાં થયાં હશે કે કેમ એ ખબર નથી. ‘ચમ્પા કે દસ ફૂલ, ચમેલી કી એક કલી’ (આશા), ‘જબ સે તૂને બંસી બજાઈ રે’ (લક્ષ્મી શંકર), જિંચક જિંચક જીગિન જીગિન (આશા), હે જય યશોદાનંદન (ભૂપેન હજારિકા, કે.એન.શર્મા), ઓ ફૂલોં કે દેશવાલી, હાથ મેરે હૈ મધુ કા પ્યાલા, તૂટ ગયા મેરા સપના સુહાના (ત્રણેમાં મન્નાડે) આ કુલ છ ગીતો હતાં.

(લતા અને કિશોર સાથે ‘નૈનો મેં દર્પણ હૈ’ ના રિહર્સલ દરમિયાન ભૂપેન હજારિકા)

સાતમું ગીત લતા અને કિશોરકુમારે ગાયેલું ‘નેનો મેં દર્પણ હૈ, દર્પણ મેં કોઈ’ કદાચ સૌથી જાણીતું બનેલું ગીત કહી શકાય.

(માયા ગોવિંદ)

અલબત્ત, નવાઈ લાગે એવી વાત એ છે કે જે ભૂપેનદાને આપણે તેમના આગવા સંગીત અને ધૂનોથી ઓળખીએ છીએ એ શૈલી આમાં ક્યાંય નથી અથવા છે તો સાવ મર્યાદિત, શોધવી પડે એ રીતે.
આવું કહેવાય કે નહીં એ ખબર નથી, પણ ઘણા ગીતોની ધૂનમાં નહીં, તેના સંગીતમાં, વાદનશૈલીમાં રાહુલ દેવ બર્મન સાથે ઘણું સામ્ય જણાય છે.

(‘આરોપ’નું પોસ્ટર)

‘આરોપ’ના ટાઈટલ મ્યુઝીકમાં પણ તેમણે ‘નૈનો મેં દર્પણ હૈ’ની ધૂન વગાડી છે. વાયોલિનવૃંદથી ઉઘાડ થયા પછી બીટ્સ, અને પછી એકોર્ડિયન પર એ ધૂન શરૂ થાય છે. ઈન્ટરલ્યૂડમાં વાયોલિનવૃંદ પછી સેક્સોફોન પ્રવેશે છે અને ધૂન તેની પર વાગે છે. વાયોલિન, એકોર્ડિયન ત્યાર પછી ચાલુ જ રહે છે અને ટાઈટલ મ્યુઝીકનો સામાન્ય રીતે અંત આવતો હોય એ જ શૈલીએ સંગીત પૂરું થાય છે. કશી ખબર ન હોય અને કેવળ આંખ બંધ કરીને આ ધૂન સાંભળીએ તો એમ જ લાગે કે રાહુલ દેવ બર્મનની ધૂન સાંભળી રહ્યા છીએ.

‘આરોપ’ ફિલ્મની આ ક્લીપમાં 2.26 સુધી ટાઈટલ મ્યુઝીક છે.


(તમામ તસવીરો અને લીન્‍ક નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *