એનું સત્ય…

Facebooktwitterredditpinterestlinkedinmail

રાજુલ કૌશિક

“હેલ્લો મૅમ” એક સાધારણ દેખાવના યુવકે એકદમ અદબથી સીધું જ મારી સામે નજર તાકતા કહ્યું.

“હાય…”જવાબ આપવામાં જરા વાર તો લાગી પણ વિવેક તો હું પણ ચૂકી નહી.

“આઈ એમ શેહઝાદ,” હજુ પણ એ જ તહેઝીબ, એવી જ અદબથી તે બોલ્યો.

“આમ તો એને હું ખાસ ન ઓળખું પણ રોજ-બરોજ જોવાતા ચહેરામાં પણ ધીમે ધીમે એક ઓળખ ઊભી થતી જતી હોય છે. મેં તેને જવાબ આપ્યો, ‘આઇ એમ વિશ્રુતિ.’

“હું તેને મારી ઓળખ આપવાની કોઈ ઈચ્છા ધરાવતી નહોતી, પણ કોણ જાણે કેમ મારાથી બોલાઈ ગયું. એનું કારણ એક તો એ હતું કે અજાણ્યા દેશમાં આવીને મને માંડ બે મહિના જ થયા હતા. મુંબઈની ઝેન્સાર થકી મારું પોસ્ટીંગ સેન્ટ્રલ લંડનની માર્ક્સ એન્ડ સ્પેન્સરની માર્બલ આર્ચની મુખ્ય બ્રાંચમાં થયું હતું. એ ઉંમર હતી કશુંક નવું શીખવાની. નવી દિશાઓ ખુલતી હતી એ દિશાઓમાં દોટ મુકવાની. ઘરમાંથી તો સાવ આવી રીતે આટલે દૂર મોકલવાની મમ્મીની જરાય ઈચ્છા નહોતી. એક વાર કંપનીના કામે બે-ત્રણ મહિના માટે બેંગ્લુરૂ કે પુણે જવાનું થયું હતુ પણ છેવટે એ હતું તો સ્વદેશમાં જ ને? અને રજાઓમાં ઘેર આવતા ક્યાં ઝાઝો સમય લાગવાનો હતો? એટલે ભારતમાં હતી ત્યાં સુધી મમ્મીને કોઈ વાંધો નહોતો, પણ દેશ બહાર મોકલવાની એની જરાય ઈચ્છા નહોતી. એ વખતે હામ બંધાવી પપ્પાએ. તેઓ ફાર્માસ્યુટીકલ કંપનીમાં રિજનલ મેનેજર હતા એટલે એમને ય ઘણું ટ્રાવેલ કરવાનું રહેતું. પપ્પા આમ પણ મોજીલા. ક્યાંય પણ એમને અતડું ના લાગે. પપ્પાનો સ્વભાવ પણ એવો કે ગમતાનો ગુલાલ કરીને રહે એટલે એમની સાથે સૌને મઝા આવે. તેમણે મારી ઈચ્છા પારખીને મને પૂરે પૂરો સપોર્ટ આપ્યો અને મમ્મીને રાજી કરી લીધી. તેમણે મમ્મીને કહ્યું, ‘જયુ, લંડન કેટલું દૂર છે?ફક્તઆઠ જ કલાક ને? અરે વિશુની યાદ આવે તો આમ ચપટી વગાડતામાં પહોંચી જવાય. એકવાર વિશુને જવા દે. તને ય લંડન જવા- જોવા મળશે.’મમ્મીને તેઓ ઘણીવાર લાડથી જયુ કહેતા. છેવટે તેમણે મમ્મીને મનાવી લીધી અને હું પહોંચી લંડન. “

***

વિશ્રુતિ મારી ખાસ બહેનપણી. એનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ પુરો કરીને પાછી મુંબઈ તો આવી ગઈ હતી પણ એ વર્ષે અનુભવેલા આતંકના ઓળા હજુ એના મનને વિક્ષુબ્ધ કરી નાખે છે. એ ખોફ હજુ એના મનને ઝંઝોડી નાખે છે. એ ખોફ માત્ર બનેલી ઘટનાનો નહોતો પણ સાથે ખોફ હતો એ ઘટના સાથે જોડાયેલી વ્યક્તિની યાદનો. અને આ બધી વાતો તે મારી સાથે શૅર કરતી હતી.

વિશ્રુતિ સામે પડેલી પાણીની આખી બોટલ એક શ્વાસે ગટગટવી ગઈ, તેમ છતાં એના અવાજમાંથી કંપારી ઘટી નહોતી. વિશ્રુતિની અને મારી દોસ્તીને આજ-કાલ કરતાં ૨૫ વર્ષ થઈ ગયા હતા. સાવ નાનપણથી અમે સાથે ઉછર્યા, સાથે ભણ્યા. સમય જતાં હું દિલ્હી સ્થાયી થઈ અને એ મુંબઈમાં જ રહી, પણ દૂર રહીને ય અમારી દોસ્તી વધુને વધુ ગાઢ થતી ગઈ. આજે ઘણા વર્ષે મુંબઈ આવવાનું થયું અને અમે નિરાંતે મળ્યા. એક વાત હતી આજ સુધી જોયેલી વિશ્રુતિમાં ક્યારેય ભયનું નામ નહોતું જોયું પણ આજે આટલા વર્ષ જૂની વાત યાદ આવતાં જ તે થથરી ઊઠે છે.

વિશ્રુતિ જે વાત કરતી હતી એ સમય હતો ૨૦૦૫નો. અત્યારે પણ જ્યારે જ્યારે તે ટેરરિસ્ટ ઍટેકના સમાચાર સાંભળે છે, તે ભયથી કાંપી ઊઠે છે.

“નીના, સાચું કહું? પહેલી નજરે તો મને શેહઝાદમાં એવી કોઈ ખાસ વાત જ નહોતી દેખાઈ કે એની સાથે ફરી મુલાકાત કરવાની પણ ઈચ્છા થાય,”પાણીની બોટલ પૂરી કર્યા પછી ફરી તેણે વાત માંડી.

“રોજ એક જ ટ્રેનમાં અમે સાથે ભેગા થઈ જતા. સાવ ત્રેવીસ વર્ષનો સામાન્ય કદ – કાઠી ધરાવતો આ યુવાન મને મળે એટલે કાયમ સામેથી સ્માઈલ આપે. ગુડ મોર્નિંગ વિશ કરે ને કરે જ. મને આમ તો સાવ અજાણી વ્યક્તિ સાથે ભળવામાં જરા સંકોચ તો રહેતો જ પણ ધીમે ધીમે એણે જ મારો સંકોચ ઓગાળી નાખ્યો. પહેલાં તો અમારા સ્ટેશન પર ટ્રેન આવે ત્યાં સુધી રાહ જોવા પુરતાં જ ઊભા રહેવાનું થતું. તને ખબર છે, નીના? લંડનમાં કોઈ પણ ટ્રાન્સપોર્ટ માટે ચાર મિનિટથી તો વધારે રાહ જોવી જ ના પડે. એટલે એ જે બે- ચાર મિનિટનો ગાળો હોય ત્યારે હેલ્લો…હેલ્લો થઈ જતું. પછી તો એવું’ય બનવા માંડ્યું કે એક સાથે ઊભા હોઈએ અને ટ્રેન આવે એટલે સાથે જ ચઢીએ અને સાથે બેસીએ. કારણ તો ખાસ કશું જ નહીં પણ માત્ર મનથી અમારૂં બન્નેનું ‘એશિયન’ હોવાપણું જ આમાં કામ કરી ગયું. અંગ્રેજો હજુ પણ અકડુ અને અતડા તો ખરા જ! જાણે દુનિયા પર રાજ કરી લીધું એટલે એમની સર્વોપરીતા એમના મનમાં દૃઢ થઈ ગઈ છે. રોજ એક સાથે મુસાફરી કરતાં હોઈએ પણ સામે જોવાના બદલે એમના ટૅબ્લૉઇડમાં માથાં ખોસીને બેસી રહે એટલે ક્યારેક આવા છૂટા-છવાયા એશિયન મળી જાય તો આપણને જાણે જાતભાઈ મળ્યા જેવું લાગે, એ ન્યાયે હું અને શેહઝાદ થોડી ઘણી વાતો કરતાં થયા.”

વિશ્રુતિ જરા શ્વાસ લેવા અટકી.

“શેહઝાદ ઘણીવાર વાતોએ ચઢતો. એના ઉર્દૂ મિશ્રિત હિન્દી લઢણ સાથેના ઉચ્ચારોમાં ભાષા શુદ્ધિ હતી. સાથે સાથે અંગ્રેજી પર પણ સરસ પ્રભુત્વ હતું. સાફ વાત કરવાની એની રીત પકડી રાખે એવી હતી. ઘણીવાર એ દેશ – વિદેશની શિક્ષણપદ્ધતિથી માંડીને ત્યાંની સામાજિક પ્રણાલીઓ, માન્યતાઓ, ધર્મ વિશે જાતજાતની વાતો કરતો. એની વાતોમાં ક્યાંય પક્ષપાત કે એકતરફી વલણનો પડઘો નહોતો સાંભળ્યો. દરેક વાત તે ખુબ સ્વસ્થતા અને તટસ્થતાથી કરતો ; પણ એ જ્યારે પોતાની વાત કરતો ત્યારે તેમાં મને થોડી અસ્વસ્થતા વર્તાતી. ક્યારેક એ પોતાના વિશે કોઈ વાત છેડીને એકદમ ચૂપ થઈ જતો ત્યારે મારા મનમાં તેની અસ્વસ્થતા માટે એક કુતૂહલ રહેતું ; જો કે કોઈની અંગત વૈચારિક પળોમાં ચંચૂપાત કરવામાં મારો વિવેક આડો આવતો.

“વચ્ચે થોડા દિવસ એ ના દેખાયો. ખાસ કોઈ ફરક ન હોવા છતાં પણ એની ગેરહાજરીની નોંધ તો મારા મનમાં લેવાઈ ગઈ. કોઈ અજાણ્યો ખાલીપો જાણે મને ઘેરી વળ્યો ના હોય એવો ભાવ ઊઠીને શમી જતો. આમ જોવા જઈએ તો એક ટ્યુબ ટ્રેનમાં ચઢવાના સ્ટેશનથી ઉતરવાના સ્ટેશન સુધીનો સાથ એટલે વાત ત્યાં જ પતી જતી અને હું ઓફિસે પહોંચીને મારા કામે લાગી જતી. આખા દિવસથી માંડીને બીજી સવાર સુધી’ય મારા મનમાં એનો વિચાર સુધ્ધાં નહોતો ફરકતો ; પણ જેટલા દિવસ એ ના દેખાયો એટલા દિવસ મનમાં એનો વિચાર આવી જતો. એમાં બીજુ કંઇ નહીં ; ખાલી એક જાતનું વાતોનું વળગણ જ હતું એવું મારા મનમાં નિશ્ચિત હતું. વળી પાછો એ બે-ચાર દિવસે દેખાયો. દૂરથી જ એણે હાથ ઊંચો કરીને એણે પોતાની હાજરી નોંધાવી અને ટ્યુબ આવે એ પહેલાં જ દોડતો આવી પહોંચ્યો. સાચું કહું તો એની ઉતાવળ મને ગમી પણ ખરી. જાણે એવું લાગ્યું કે હું જ માત્ર એની રાહ જોતી હતી એવું નહોતું કદાચ એને પણ મને મળવાની ઉત્સુકતા હશે. કેવું છે આપણું મન, નહીં ? એ તો તેને મનગમતા અર્થ શોધી જ લે છે..”

વિશ્રુતી વળી ચૂપ થઈ ગઈ. જાણે પાછી ભૂતકાળમાં સરી ગઈ. મને ય થોડો મનમાં ફડકો તો થયો જ કે વિશ્રુતિ…ક્યાંક એ શેહઝાદ તરફ ઢળી તો નહીં હોય ને? થોડી ક્ષણો એ ભૂતકાળમાં ખોવાયેલી રહી. એના ચહેરા પર કેટલાય ભાવ આવ્યા અને વિરમી ગયા.

“વિશ્રુતિ…..”  મારે જરા એને ઢંઢોળવી પડી..

“અહીંયા જ છું નીના; મારે પાછા એ સમયખંડમાં રહેવું નથી. હા ! તો હું ક્યાં હતી?”

“લંડનના એક ટ્યુબ સ્ટેશન પર વિશુ, પણ પછી શું થયું એ કહીશ મને? હવે તો રાહ જોવાની મારામાં ય ધીરજ નથી.”

જરા મ્લાન હસીને એણે વાતનું અનુસંધાન સાધી લીધું.

“એ ગયો હતો વૉટરરાફ્ટીંગ માટે વેલ્સના સ્નોડોનિયાના પહાડી ઝરણાંઓમાં. ખુબ ઉત્સાહમાં હતો એ. જાણે એક સામટું બધુ જ કહી દેવાની ઉતાવળ હોય એમ એકધારું એ બોલ્યે જ જતો હતો. અને હું? હું એની વાતોમાં વૉટરરાફ્ટીંગના તરાપાની જેમ તણાતી જતી હતી. એ એટલી બધી વાતો કરતો હતો, પણ એમાં ક્યાંય તેણે પોતાના વિશે કશું જ કહ્યું નહીં. જાણે એક જાતની લક્ષ્મણ રેખાની પેલે પાર એ હતો. એ રેખા ઓળંગીને તેની નજીક જવાની મારી તૈયારી નહોતી. કદાચ હિંમત પણ નહોતી. આ રોજની સવારે ૮-૪૦ની મુલાકાત સિવાય અમે ક્યારેય, ક્યાંય, કશે જ મળવા અંગે વિચારતા પણ નહોતા. બસ આ રફ્તારમાં જ બીજો એક મહિનો પણ પસાર થઈ ગયો.”

વિશ્રુતિ જરા શ્વાસ લેવા થંભી. મારે તો માત્ર એ ક્યારે બોલે એની જ રાહ જોવાની હતી. હું એની સામે તાકતી બેસી રહી.

“નીના, એ દિવસે પણ રોજીંદી ૮-૪૦ની ટ્રેન આવી પણ એ દેખાયો નહીં. ચીઢ ચડી મને એના પર. વળી પાછો ક્યાં ગયો? નથી આવવાનો એવું કહી રાખવામાં એનું શું જતું હશે? પણ પછી મારા મનને તો મેં ટપાર્યું કે એણે શા માટે મને એની રોજનીશી વંચાવવી જોઈએ? તું એની કોણ થાય છે કે એ આવશે કે નહીં આવે એ તેણે તને કહેવું જ જોઈએ? શા માટે આવી અપેક્ષા પણ તારે રાખવી જોઈએ? મનને આમ ટપાર્યા પછી પણ ટ્રેનમાં ચઢતાં સુધી પાછા વળીને જોયા કર્યું. એ આશાએ કે કદાચ મોડો પડ્યો હોય અને આવી જાય. પણ ના, મારી નજર દરેક વખતે ઠાલી જ પાછી વળી.. ટ્રેનના ઑટોમૅટિક દરવાજા બંધ થયા ત્યાં સુધી થતું રહ્યું કે હમણાં જ એ દોડતો આવશે અને મારી લગોલગ ઊભો રહેશે.”

વળી પાછી વિશ્રુતિનો ચહેરો લાલઘૂમ થવા માંડ્યો. શ્વાસ લેવા માટે જોર કરવું પડતું હોય એમ તેના નાકનાં નસકોરા ફુલવા માંડ્યા. તેણે એટલી સખ્તાઈથી મારો હાથ પકડ્યો કે મારા કાંડા પર એના સોળ ઊઠ્યા.

“ Are you OK, વિશુ?….વિશુ.. શું થયું? તું તો કહેતી હતી ને કે વાતોના વળગણ સિવાય બીજું કશું જ નહોતું તો પછી એ ના આવ્યો એના માટે આટલી અપસેટ કેમ થઈ ગઈ?”

“વાતોના વળગણ સિવાય બીજું કશું જ નહોતું, એવું કેમ કહી શકું, નીના? ૮-૪૦ની અંડરગ્રાઉન્ડે વેગ પકડ્યો જ હતો ત્યાં કાન ફાડી નાખે એવો ધડાકો થયો. ટ્રેન ઊભી રહી ગઈ. ચારે બાજુ ધૂમાડાના ગોટેગોટા ફરી વળ્યા. સખત ગભરામણ થાય એવી પરિસ્થિતિ હતી એ સમયે. પેસેન્જરોને સલામત બહાર આવવા માટે ઈમરજન્સી ગેટ ખોલી નાખવામાં આવ્યા. બધા ધડાધડ કરતાં બહારની તરફ દોટ મુકવા લાગ્યા. બહાર નીકળ્યા પછી ખબર પડી કે લંડનની કેટલીક અંડરગ્રાઉન્ડ ટ્રેનો પર થોડી થોડી સેકંડોના અંતરે બોંબ વિસ્ફોટ થયા હતા. ભયાનક વાતાવરણ હતું. આવામાં તો સૌ પોતપોતાની જાતને બચાવવામાં જ પડ્યા હોય ને નીના?  કોણ જાણ કેમ, આવા સમયે પણ મને સૌથી પહેલા એ યાદ આવ્યો. ક્યાં હશે એ? સલામત તો હશે ને?એને જોયો નહોતો એટલે ઘડીભર તો એવું આશ્વાસન પણ લઈ લીધું કે સારું થયું કે એ ગમે ત્યાં ગયો હોય પણ આજે અહીં તો નથી જ ને?” કહી ને વિશ્રુતિ ખામોશ થઈ ગઈ.

“ વિશુ,શું થયું પછી?એ બચી તો ગયો હશે ને?”

“કોને ખબર એનું શું થયું હશે એ દ્વિધામાં હું અટવાયા કરી. ક્યાં શોધું?કેવી રીતે એના હાલ જાણું?નીના જાણે મારું મન બહેર મારી ગયું હતું. કશું જ સૂઝતું નહોતું..”

“ શાંત થા વિશુ, તું કહે છે કે તારા મનમાં એના માટે એવો કોઈ ખાસ ભાવ નહોતો તો પછી………..”

“હા,નહોતો જ પણ એક હમસફર તરીકે તો એને જાણતી હતી ને? બની શકે એ હમસફર કરતાં પણ વિશેષ બની ગયો હોય. જે હોય પણ મને એની ચિંતા કોરી ખાતી હતી એ વાત તો હું સમજી શકી હતી. હું બચી ગઈ પણ જે ડબામાં બોંબ બ્લાસ્ટ થયા હતા એમની જે દશા હતી એની હું સાક્ષી છું. કેટલાય ઘવાયા, કેટલાય દાઝ્યા અને કેટલાના અપમૃત્યુ થયા એની જાણ તો પછી થઈ, પણ હજુ એ સમય,એ દૃશ્ય મારી નજર સામે છે. આનો વિચાર કરું છું તો ય ડરામણું લાગે છે. તે દિવસે તો મનમાં એવો ય ધ્રાસકો ઊઠ્યો હતો કે કદાચ મોડો પડયો હશે અને ટ્રેન ચૂકી ન જવાય એના માટે એ આ બ્લાસ્ટ થયેલા કોઈપણ કંમ્પાર્ટમેન્ટમાં તો નહીં ચઢી ગયો હોય ને? મારા મનની સ્થિતિ અત્યંત ડામાડોળ હતી. હું મારી જાતને અહીંથી બહાર કાઢું કે એની ભાળ કાઢું એની અવઢવમાં ક્યાંય સુધી તો હું ત્યાં જ ખોડાઈ રહી.”

“હા! પણ પછી એનું શું થયું એની કંઈ ખબર પડી ખરી?”

“પડી ને, નીના, મોડી મોડી પણ ખબર તો પડી જ ! એ ક્ષણે તો મને એવું જ થયું કે એના વિશે હું ભ્રમમાં જ રહી હોત તો સારું થાત. બહુ બહુ તો થોડા દિવસ એની ચિંતા કરીને કદાચ એને શોધતી રહેત અથવા પહેલાંની જેમ ક્યાંક ગયો હશે એમ વિચારીને એની રાહ જોવામાં,એના વિશે વિચારવામાં સમય નિકળી જાત.”

“વિશુ,વાતમાં મોણ નાખ્યા વગર એનું શું થયું એ જલદી બોલ. એ ઘવાયો હતો? એ દાઝ્યો હતો કે જેઓ અપમૃત્યુ પામ્યા તેમાંનો એક હતો?”

“એવા સમાચાર હોત તો નીના એને ગુમાવ્યાનું મને સખત દુઃખ થાત. કદાચ એ ઘા મારા માટે ચોક્કસ કારમો હોત પણ અંતે એના આત્માને શાંતિ થાય એવી પ્રાર્થના તો કરત જ. પણ આજે લાગે છે કે કદાચ એના માટે કરેલી મારી પ્રાર્થનાઓનો પણ ઈશ્વરે સ્વીકાર ન જ કર્યો હોત. એના એ મોતને તો ઈશ્વરે પણ માફ નહીં કર્યું હોય.. નીના, એ દિવસે લંડનમાં એક નહીં ચાર જગ્યાએ બોંબ બ્લાસ્ટ થયા હતા. થોડા દિવસ પછી સસ્પેક્ટેડ સ્યુસાઈડ બોંબરની તસ્વીરો જોઈ. તું માની શકે છે કે જેની સાથે વાતોનું વળગણ હતું એવો એ શેહઝાદ તો એમાંનો એક હતો?”

“વિશુ….?”મેં લગભગ ચીસ પાડી.

“એક દિવસ મને એણે મારા નામનો અર્થ પૂછ્યો હતો. ‘વિશ્રુતિ એટલે પ્રખ્યાતિ – પ્રસિદ્ધિ’ મેં કહ્યું. એ બોલી ઊઠ્યો, ‘અરે વાહ! તો તો તારા માતા પિતાએ બહુ સમજી વિચારીને તારું નામ રાખ્યું હશે. તું કંઇ પણ કરીશ તો’ય તને ખ્યાતિ મળશે,નામના મળશે, રાઈટ?’પછી મેં એને જ્યારે એના નામનો અર્થ પૂછ્યો તો એણે શું કીધું ખબર છે?

ખભો ઉછાળતાં એણે કહ્યું કે મને મારા નામનો અર્થ જે હોય તે, પણ તું ખ્યાત તો હું બદનામ. તું પ્રખ્યાત થઈશ અને હું બદનામ. જેના જેવા કરમ, તેવી તેની તકદીર.”

ઘણીવાર એ આવી રીતે અસંબદ્ધ વાત કરી લેતો. એને પોતાની જાત પર મજાક કરવાની ટેવ હતી એમ માનીને મેં એની જેમ હસી કાઢ્યું પણ જે દિવસે એની અસલિયતની જાણ થઈ ત્યારે સમજાયું કે એ માત્ર મજાક નહોતી. એ જ એનું સત્ય હતું. એ જ એની તકદીર હતી. એ જ એનું કર્મ હતું. એ કહેતો, ‘હું તો આજે અહીં છું. શક્ય છે કાલે ન પણ હોઉં. આજે તને મળ્યો છું કાલે ના પણ મળું.’ પણ સાચે જ, એ જેવો અચાનક મારા જીવનમાં આવ્યો એવો જ અચાનક ચાલ્યો ગયો. મારી નજર સામેના ધુમાડામાં જ એ વિલીન થઈ ગયો પણ સાચું કહું તો કોઈપણ અજનબી પર વિશ્વાસ ન મૂકવાનું મને શીખવતો ગયો.”

આકાશની પેલે પાર ધુમાડામાં ભળી જતા શેહઝાદને જોઈ રહી હોય એમ વિશ્રુતિ સ્થિર હતી. ત્યારના એના ચહેરા પર અકળ ભાવ આજ સુધી હું સમજી શકી નથી.

હવે તો હું પણ કોઈપણ સ્યુસાઈડર એટેકના સમાચાર સાંભળું છું ત્યારે મારા મનમાં એક ન જોયેલા શેહઝાદની ધૂંધળી છબી તો તરી જ આવે છે.

***

શ્રીમતિ રાજુલ કૌશિકે તેમના લેખનની શરૂઆત દિવ્યભાસ્કરના વિવિધ વિષયોના પૂર્તિ વિભાગોથી કરી. તેમની બહુમુખી પ્રતિભા- versatility – કેવળ પ્રવાસ વર્ણનોમાં સિમિત ન રહેતાં ફિલ્મ સમીક્ષા, ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશેના લેખો, સહિયારી નવલકથા તથા positive thinking પર લખાયેલા અનેક લેખોમાં ઉજાગર થઈ છે. સન ૨૦૧૦થી તેઓ અમેરિકામાં વસી ગયા અને ત્યાં ગુજરાતી સાહિત્યને લગતી અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયાછે. તેમના લેખો તેમના બ્લોગ રાજુલનું મનોજગત http://www.rajul54.wordpress.com માં પ્રકાશિત થતા રહે છે.

તેમનો સંપર્ક:, ajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકશે.

– કેપ્ટન નરેન્દ્ર ફણસે – સંપાદક, ગદ્ય શાહિત્ય વિભાગ, વેબ ગુર્જરી

1 comment for “એનું સત્ય…

  1. Samir
    August 18, 2019 at 2:06 pm

    ખુબ સુંદર !
    આભાર ,રાજુલબહેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *