હુસ્ન પહાડી કા – ૧૨ – હેમંત કુમારની પહાડી બંદિશોના સથવારે

નઈ મંઝિલ નઈ રાહેં /\ સો ગયા સારા જમાના

– ભગવાન થાવરાણી

બધાં મિથ્યા વસન બા’રે ઊતારી
અદબ વાળી પહાડીમાં  પ્રવેશો …

હંમેશ મુજબની કાવ્યમય પહાડી પ્રશસ્તિથી શરુ કરી તુરંત સંભારીએં આપણા કવિ રાજેન્દ્ર શુક્લની એક ગઝલના બે શેર :

લો કરું કોશિશ ને ફાવે તો કહું
શબ્દ  જો  એને સમાવે તો કહું

હું  કદી  ઊંચા સ્વરે બોલું નહીં
એકદમ નજદીક આવે તો કહું ..

આપણા આજના પહાડી ગીતોના સંગીતકાર હેમંત કુમાર કદાચ અંગત જિંદગીમાં પણ ઊંચા સ્વરે નહીં બોલતા હોય ! સાહિત્યની ભાષામાં એ સ્વગતોક્તિના ગાયક (અને સંગીતકાર) હતા. એમની રચનાઓ નિતાંત એકાંતની અથવા વધીને અન્ય એકાદ જણ સાથે સંવાદની હોય અને એય પાછું એ જણ  ‘ એકદમ નજદીક ‘ હોય તો જ !

આજે એમની કેટલીક પહાડી બંદિશોની વાત . હેમંત કુમાર ‘ એકલતાના મિનારે ‘ ઊભા રહીને ગાતા અને પોતે ન ગાઈ હોઈ એવી પોતાની રચનાઓ પણ અન્ય ગાયકો પાસે એ અંદાજમાં ગવડાવતા કે કૃતિનું માધુર્ય બિલકુલ બિલ્લીપગે ભાવકના ચિત્તતંત્રમાં પ્રવેશીને ત્યાં જ ચિરસ્થાયી ઘર કરે ! મજાની વાત એ છે કે એમની કેટલીક રચનાઓમાં સમૂહ-સ્વરો – CHOIR VOICES – પણ એ રીતે જોડાતાં કે એનાથી ગીતના વાતાવરણની નિ:સ્તબ્ધતામાં ઉમેરો થતો હોય એવું લાગતું. ઉદાહરણ તરીકે જોઈએ આ બંગાળી ગીત (જેમાં પણ રાગ પહાડીની જ અસર છે પણ અહીં મારી ઉપરની વાતના સમર્થન માટે મુકેલું છે ) ફિલ્મ  ‘ દીપ જેલે જાઈ ‘ ૧૯૫૯ – સંગીત – હેમંત કુમાર :

વિષયાંતરમાં દૂર નીકળી જઈએ એ પહેલાં પાછા ફરી મૂળ વાત. આજનું પહેલું ગીત ૧૯૫૭ની પ્રદીપ કુમાર, બીના રોય, શ્યામા અભિનીત ફિલ્મ  ‘ હિલ સ્ટેશન ‘ નું. પાછળથી અનેક સુપરહિટ ફિલ્મો આપનાર શક્તિ સામતની આ ત્રીજી ફિલ્મ. યોગાનુયોગ, પહેલી બે ફિલ્મો  ‘ બહુ ‘ ૧૯૫૫ અને  ‘ ઈંસપેક્ટર ‘ ૧૯૫૬માં પણ આજની ફિલ્મવાળા ગીત – સંગીતકાર શમ્સૂલ હુદા બિહારી અને હેમંત કુમાર જ હતાં. કમનસીબે  ‘ હિલ સ્ટેશન ‘ની પ્રીંટ ઉપલબ્ધ નથી એટલે આપણે એ ગીતના શબ્દો અને શ્રાવ્ય સંસ્કરણથી જ સંતોષ માનવો પડશે. આ અગાઉના હપ્તામાં ચર્ચેલા એન.દત્તાના ગીત  ‘ દિલ કી તમન્ના થી મસ્તીમેં ‘ ની જેમ આ ગીત પણ સુખદ અને ગમગીન એમ બે હિસ્સામાં છે. પહેલો ભાગ લતા-હેમંતનું યુગલગીત છે તો બીજું લતાનું એકલ-ગીત. બન્નેના શબ્દો :

नई  मंज़िल   नई    राहें  नया  है  मेहरबाँ  अपना
न   जाने   जाके  ठहरेगा  कहाँ  ये कारवाँ अपना

न  चमकेगी  जहाँ  बिजली  न  आएगा जहाँ तूफ़ाँ
बनाएँगे  उसी  डाली  पे  जा  के  आशियाँ  अपना

भरोसा   है   मुक़द्दर   पर   तुम्हारा  भी  सहारा  है
कहीं दुश्मन न बन जाए ये ज़ालिम आसमां अपना

दिखाएँगे   हमें   ये   चाँद  तारे  राह  मंज़िल  की
बला  से  हो अगर दुश्मन तो हो सारा जहाँ अपना ..

@@@@@@@@@@@@@@@@@@@@

नई   मंज़िल   नई   राहें  नया   है  मेहरबाँ   अपना
न  जाने  जा  के  ठहरेगा  कहाँ  ये  कारवाँ  अपना

बहार आई है गुलशन में खिली हैं हर तरफ़ कलियाँ
कमी  क्या  है  जो  रूठा  है चमन से बाग़बां अपना

लगी  मेंहदी  बनी  दुल्हन  बजे  शहनाइयाँ  लेकिन
ये  मेरी  बदनसीबी  है  कि  सूना  है  जहाँ  अपना …

આપણે માની લઈ કે ગીત ફિલ્મના નાયક-નાયિકા પ્રદીપ કુમાર અને બીના રોય પર ફિલ્માવાયું હશે. કાવ્ય-શાસ્ત્રની દ્રષ્ટિએ આ ગીત એક ગઝલ છે. હેમંતની લાક્ષણિક શૈલીમાં ગીતનો ઉપાડ મેંડોલીનના સંક્ષિપ્ત સુરોથી થાય છે અને તુરંત લતાનો પ્રવેશ થાય છે. નદીના ધીરગંભીર પ્રવાહની જેમ વહેતા વાયલીન્સ વચ્ચે હેમંત-લતા-હેમંતની વચ્ચે અંતરા વહેંચાય છે. ત્રીજા અંતરાનું પુનરાવર્તન બન્ને સાથે કરે છે.

સોહામણા ભવિષ્યની કલ્પનામાં રાચતા પ્રેમીઓ એક કાલ્પનિક સંસાર વસાવી રહ્યા છે. પ્રથમ અંતરા પછી લતાના આલાપથી સુર-પૂરણી થાય છે. બીજા અંતરામાં નાયિકા જ્યારે એમ કહે છે કે નસીબ પર ભરોસો છે અને તારો પણ આધાર છે પણ એટલી ફિકર છે કે ક્યાંક આ દગાબાજ આકાશ જ આપણી ઉપર તૂટી ન પડે ત્યારે અનાયાસ એક અન્ય ગીત યાદ આવે. ફિલ્મ  ‘ જાલસાઝ ‘ ૧૯૫૯ નું  ‘ પ્યાર કા જહાં હો, છોટા-સા મકાં હો ‘ ( આશા-કિશોર-એન.દત્તા-મજરુહ ) જે પણ પહાડીમાં છે અને જેના પહેલા અંતરામાં ઉજ્જવળ ભવિષ્ય અને નાનકડા એવા પોતીકા મકાનની કલ્પનાઓ છે, સલૂણી રાતો અને સોહામણા દિવસોના ઓરતા છેપણ પછી જાણે અચાનક યાદ આવ્યું રોય એમ, નાયક ઉચ્ચારી બેસે છે કે આ બધું હોય પણ કિસ્મત આપણા પર મહેરબાન ન હોય તો બધું અર્થહીન !

ગીતના ત્રીજા અંતરામાં તરજ થોડીક ઊંચાઈ પર જાય છે અને નાયકનો આશાવાદ વધુ મુખર બને છે. અહીં એક સરસ હિંદી /ઉર્દૂ શબ્દ પ્રયોજાયો છે  ‘ बला से ‘. કોઈ વાત, ઘટના કે વ્યક્તિ પ્રત્યે પોતાની નિતાંત બેફિકરાઈ દર્શાવવા આ શબ્દપ્રયોગ થાય છે. છો ને આખી દુનિયા દુશ્મન હોય, આપણને શી તમા ? हमारी बला से !

ગીતનું ગમગીન સંસ્કરણ લતાના એકલ અવાજમાં છે. પિયાનોની સુરાવલિથી શરુ થયેલું ગીત પિયાનોના તાલના આધારે જ આગળ વધે છે. લતાના અવાજનો આશાવાદ હવે દર્દમાં પલટાયો છે. બન્ને અંતરાના શબ્દો જ બદલાયેલા સંજોગોની ચાડી ખાય છે. ગીતનું માળખું એ જ ગઝલનું રહે છે.

આ ગીત પરથી ‘ પ્રેરણા’ લઈને પછીના વર્ષોમાં સિંહાલી ( શ્રીલંકન ) ભાષામાં એક યુગલગીત બનેલું. આ રહ્યું :

‘ હિલ સ્ટેશન ‘ માં માત્ર છ જ ગીતો હતા. લતાએ ગાયેલ ગઝલ  ‘ મુહબ્બત મેં તડપને સે કરાર આતા હૈ ઈસ દિલ કો ‘ અને હેમંત કુમારનું  ‘ વો ખુશનસીબ હૈં જિનકો યહાં કરાર મિલા ‘ એમાં નોંધપાત્ર.

હવે આજના અન્ય પહાડી ગીતની વાત. ફિલ્મ  ‘ મિસ મેરી ‘ . આ પણ ૧૯૫૭ની જ ફિલ્મ. કવિ રાજેન્દ્ર કૃષ્ણ. ગાયિકા એ જ લતા. શબ્દો :

सो  गया  सारा  ज़माना  नींद क्युं आती नहीं
ऐ  हवा  जा  कर उन्हें तु साथ क्युं लाती नहीं

चाँद  पहले भी निकलता था मगर ऐसा न था
आज ऐसी बात क्युं है कुछ समझ आती नहीं

चाँदनी कुछ चाँद से कहकर ज़मीं पर आ गई
जाने क्या देखा यहाँ अब लौट कर जाती नहीं ..

દક્ષિણની ફિલ્મ ફેક્ટરીઓમાંથી એ જમાનામાં ઢગલામોઢે ફિલ્મો આવતી અને સફળ પણ થતી. એમાં સંગીત મોટા ભાગે રવિ, સી.રામચંદ્ર કે ચિત્રગુપ્તનું રહેતું. હેમંત કુમારનું સંગીત હોય એવી કદાચ દક્ષિણની આ એકમાત્ર ફિલ્મ હશે. એ.વી.એમ ની આ ફિલ્મ અને નિર્દેશક એલ.વી. પ્રસાદ. સાવ હલકી-ફુલકી મનોરંજક ફિલ્મ માતબર સફળતાને વરેલી. શીર્ષક ભૂમિકામાં મીના કુમારી અને હીરો હતા જેમિની ગણેશન ( અભિનેત્રી રેખાના પિતા ). સાથે કિશોર કુમાર, જમુના અને ઓમ પ્રકાશ.

ભણેલા પણ બેકાર નાયક-નાયિકા એક એવા શ્રીમંત રાયસાહેબને ત્યાં નોકરી પર રહે છે જેમની શરત છે કે નોકરી માટે પરણેલું યુગલ જ જોઈએ. દંપતિ હોવાનું નાટક કરી રોજીરોટી મેળવતા બન્ને ખરેખરા પ્રેમી બનતાં-બનતાં લગભગ આખી ફિલ્મ કાઢી નાંખે છે ! ફિલ્મના દસ ગીતોમાંનુ આ અંતિમ ગીત :

શબ્દો ફરી એકવાર ગઝલ-નુમા છે. કેવળ શબ્દો જોઈએ તો એવું લાગે કે આ એક વિરહ ગીત છે અને નાયિકા નાયકથી જોજનો દૂર રહ્યા-રહ્યા એને ઝંખે છે. હકીકત એનાથી સાવ વિરુદ્ધ છે.

પગ ભાંગ્યાનો ઢોંગ કરતા નાયકને સુવડાવવા માટે એનો શરારતી મિત્ર ઓમ પ્રકાશ નાયિકાને હાલરડું ગાવાનો અનુરોધ કરે છે. ક્ષોભ પામેલી નાયિકા શરમાઈને ઘરના વરંડામાં જતી રહે છે.

વાંસળીના લાક્ષણિક હેમંતકુમારીય સુરો અને મેંડોલીનના ઝીણકા ટુકડા સાથે નાયિકા ચંદ્રની સાક્ષીએ મીઠડી ફરિયાદ કરે છે. દુનિયા આખી સુઈ ગઈ અને મને જ નીંદર નહીં ? હે હવા, તું જઈને  ‘ એમને ‘ અહીં ખેંચી કેમ નથી લાવતી ? આ  ‘ એ ‘ તો વળી બાજુમાં જ છે અને સિગરેટના કશ લેતો પ્રિયતમાને આખરે પીગળતી સાંભળી હળુ-હળુ મુસ્કુરાઈ રહ્યો છે !

સમગ્ર ગીતના અંતરાઓ વચ્ચે વાંસળી અને તાર-શહનાઈના મામૂલી હસ્તક્ષેપ સિવાય લતાના જાદુઈ કંઠને ઇંતેજારનું વાતાવરણ ઊભું કરવા મોકળું મેદાન મળ્યું છે. પહેલા અંતરામાં ચંદ્રને નોખી નજરે જોતી થયેલી પ્રેમાતુર યુવતીની વાત છે તો બીજામાં ચંદ્રમાની વિદાય લઈને જમીન પર આવી ગયેલી ચાંદનીની. બીજા અંતરાનો ઉપાડ સ્હેજ મંદ્ર છે પણ એના પુનરુચ્ચારણ વખતે ફરીથી મૂળ લયમાં આવી જાય છે.

ફિલ્મનો અંત પણ અપેક્ષા મૂજબનો છે. નાયિકા, બચપણમાં ખોવાઈ ગયેલી રાય સાહેબની પુત્રી સાબિત થાય છે અને સર્વે સુખી થાય છે.

ફિલ્મનું અન્ય એક લોકપ્રિય યુગલગીત ( લતા-રફી )  ‘ વૃંદાવન કા કૃષ્ણ કનૈયા ‘ પણ પહાડીમાં છે તો અભિનેત્રી જમુના દ્વારા પરદા પર ગવાયેલ ચુલબુલું  ‘ સૈયાં લગ જા ગલે, આજા મેરા દિલ જલે ‘ ( લતા ) પણ એ જ રાગમાં . ફિલ્મમાં અન્ય એક રુપકડું ( પણ પહાડી નહીં ! ) પિયાનો-ગીત છે હેમંત કુમારના કંઠમાં. માત્ર અરધી મિનિટના એ ગીતમાં આટલી જ પંક્તિઓ છે :

યે   ચાંદ   તારે,   સારે    કે    સારે
રખ દૂંગા કદમોં મે એક દિન તુમ્હારે

અંતમાં, મારા એક અતિ પ્રિય હેમંત-ગીતની વાત પણ કરી જ દઉં. એ પણ પહાડી જ છે.

૧૯૫૭માં એક ખૂબસુરત બંગાળી ફિલ્મ આવેલી  ‘હારાનો સુર’ ( ખોવાયેલી સ્મૃતિ ). અેમાં સુચિત્રા સેન – ઉત્તમ કુમાર પર ફિલ્માવાયેલું ગીતા દત્તનું ગાયેલું એક ઉમદા પહાડી ગીત હતું :

આ પોતાના જ ગીત પરથી પ્રેરણા લઈને હેમંત કુમારે હિંદી ફિલ્મ  ‘ પોલીસ’ ૧૯૫૮ માં એક ધુન બનાવી પોતાના અને ગીતાના કંઠમાં પ્રસ્તૂત કરી :

ફિલ્મ પ્રદીપકુમારે પોતાના પ્રોડક્શન હાઉસ દીપ-પ્રદીપ ફિલ્મસના નેજા હેઠળ બનાવી અને એ ખુદ અને મધુબાલા હીરોઈન તરીકે હોવા છતાં ચાલી નહીં. આ હિંદી waltz ગીતનો મુખડો અદ્દલોઅદલ ઉપરના બંગાળી ગીતની પ્રતિકૃતિ છે પણ બન્નેના અંતરાની તરજો અલગ છે. ગીતમાં સમૂહ ( CHOIR ) સ્વરો અને વ્હીસલીંગથી જે માહોલ રચાય છે એ આ ગીતને એક અનેરી કક્ષાએ મૂકે છે. નૌશાદ વાળા હપ્તામાં ચર્ચી ગયા એ ગીત ‘ ક્યું તુમ્હેં દિલ દિયા હાએ યે ક્યા કિયા ‘ ( સુરેન્દ્ર – શમશાદ) ની જેમ અહીં પણ નાયક-નાયિકા બન્ને ઘાસની ગંજીઓથી ખડકાયેલા ગાડામાં સવાર છે અને પ્રેમોન્મત્ત પણ ! સમગ્ર ફિલ્મમાં આ ગીત સિવાય નોંધપાત્ર કશું જ નથી.

યે સફર યહીં તક.

આવતા પખવાડિયે સ્વાદ બદલવા, થોડાક ગૈર-ફિલ્મી પહાડી ગીતો-ગઝલો-ભજનોનું આચમન કરી ત્યાર બાદના મણકામાં  ફરી પાછા મૂળ પ્રવાહમાં ગોઠવાઈ જઈશું.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Facebooktwitterredditpinterestlinkedinmail

12 comments for “હુસ્ન પહાડી કા – ૧૨ – હેમંત કુમારની પહાડી બંદિશોના સથવારે

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.