ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧૭

Facebooktwitterredditpinterestlinkedinmail

ચિરાગ પટેલ

उ. १.५.५ (६९३) यस्य ते पीत्वा वृषभो वृषायतेऽस्य पीत्वा स्वर्विदः। स सुप्रकेतो अभ्यक्रमीदिषोऽच्छा वाजं नैतशः॥ (गौरवीति शाक्त्य)

હે સોમ! બળવાન ઈન્દ્ર તમારું પાન કરીને અધિક બળવાન બની જાય છે. આત્મજ્ઞાની પણ આપનું પાન કરી અત્યંત આનંદિત બને છે. આવા ઉત્તમ જ્ઞાની ઈન્દ્ર આપના બળથી સંગ્રામમાં વિજયી અશ્વની જેમ ઝડપથી શત્રુઓના ધનને પોતાના અધિકારમાં લઈ લે છે.

આ શ્લોકમાં સોમરસના બે ગુણધર્મો ધ્યાન ખેંચે છે. ઇન્દ્ર બળવાન છે, વેદના કેન્દ્રીય દેવ છે. તેઓ સોમરસના પાનથી અધિક બળવાન બની જાય છે. અહીં આત્મજ્ઞાનીનો ઉલ્લેખ મહત્વનો છે. વેદ પ્રકૃતિ, દેવો અને સોમનો ગ્રંથ છે. એમાં આત્મજ્ઞાની દ્વારા આત્માની વિભાવના એ સમયે પ્રચલિત હશે એનો નિર્દેશ મળે છે. આત્મજ્ઞાની સદૈવ આનંદમાં રમમાણ હોય છે. એ પણ સોમરસથી વધુ આનંદિત બને છે!

उ. १.५.१४ (७०२) अव द्युतानः कलशाँ अचिक्रदन्नृभिर्येमाणः कोश आ हिरण्यये। अभी ॠतस्य दोहना अनूषताधि त्रिपृष्ठ उषसो वि राजसि॥ (कवि भार्गव)

ઋત્વિજ ગણ સુવર્ણકળશમાં શુદ્ધ કરાતી વેળા શબ્દ કરનાર તેજસ્વી સોમની સ્તુતિ કરે છે. આ સોમ ત્રણેય સંધ્યાઓમાં પ્રકાશિત થાય છે.

ભારતીય ધાર્મિક પરંપરામાં ત્રિકાળ સંધ્યાનું પૂજન મહત્વ ધરાવે છે. એ પ્રણાલી વેદકાળમાં પ્રચલિત હોવાની આ શ્લોકમાં પુષ્ટિ મળે છે. સોમરસ ત્રિસંધ્યા પૂજનવિધિનો અભિન્ન ભાગ હશે એવું પણ અહીં જણાય છે.

उ. १.६.७ (७०९) उप त्वा कर्मन्नूतये स नो युवोग्रश्स्चक्राम यो धृषत्। त्वामिध्यवितारं ववृमहे सखाय इन्द्र सानसिम्॥ (सोभरि काण्व)

હે શત્રુસંહારક ઇન્દ્ર! અમે કર્મશીલ છીએ છતાંય સહાય માટે યુવાન અને શૂરવીર એવા આપનો આધાર લઈએ છીએ. મિત્રવત સહાયતા માટે અમે આપને બોલાવીએ છીએ.

આ શ્લોકમાં કર્મશીલ હોવા વિષે ઋષિ જણાવે છે. આપણી માન્યતાથી વિપરીત, વેદકાળમાં કર્મ આધારિત જીવન જીવવું લોકોને પ્રિય હશે. તો પણ અમુક પરિસ્થિતિમાં ઇન્દ્રને સહાય માટે વિનવણી કરતા હોય એમ જણાય છે જે માનસિક સહાય માટે કરાતી પ્રાર્થના સમાન છે.

उ. २.१.२ (७१४) पुरुहूतं पुरुष्टुतं गाथान्यारुँ सनश्रुतम्। इन्द्र इति ब्रवीतन॥ (श्रुतकक्ष/सुकक्ष आङ्गिरस)

સહાયતા માટે અનેકો દ્વારા બોલાવવામાં આવતા અનેકો દ્વારા સ્તુતિ કરાયેલ એવા સનાતન કાળથી પ્રસિદ્ધ એ ઇન્દ્રની વંદના કરો.

આ શ્લોકમાં ઋષિ ઇન્દ્રને પુરાતન નાયક ગણાવે છે. વેદ લખાયા એ પહેલેથી ભારતીય સમાજજીવનમાં ઇન્દ્ર પૂજનીય હશે.

उ. २.१.८ (७२०) न घेमन्यदा पपन वज्रिन्नपसो नविष्टौ। तवेदु स्तोमैश्चिकेत॥ (मेधातिथि काण्व / प्रियमेध आङ्गिरस)

હે વજ્રધારી ઇન્દ્ર! યજ્ઞકર્મમાં આપના આવાહન સિવાય બીજા કોઈની પ્રાર્થના નહિ કરું. હું સ્તોત્રો દ્વારા આપની જ સ્તુતિ કરું છું.

આ શ્લોકમાં વેદકાળમાં પ્રાર્થના કરવા માટે વિવિધ સ્તોત્ર રચાયા હશે અને યજ્ઞમાં ઉપયોગમાં પણ લેવાતા હશે એનો નિર્દેશ મળે છે. અહીં ઋષિ બીજા કોઈ દેવ નહિ પણ ઇન્દ્રની પ્રાર્થના કરવાનો આગ્રહ રાખે છે.


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ઋતમંડળ

· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *