ફિર દેખો યારોં : અજ્ઞાન અને અતિજ્ઞાન બન્ને સમાન અવસ્થાઓ છે?

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

વનવિસ્તાર સતત સંકોચાઈ રહ્યો હોવાના અને તેને પગલે વન્ય સૃષ્ટિ પર વધતા જતા જોખમના અહેવાલો અવારનવાર આવતા રહે છે. પર્યાવરણના નીકળી રહેલા આયોજનબદ્ધ ખોના સમાચાર ચિંતાજનક હોય છે. આવા અહેવાલોની વચ્ચે હમણાં આનંદ થાય એવી વાત જાણવા મળી. એ છે વાઘની વસ્તી ગણતરીનો ચારવર્ષીય અહેવાલ, જે વડાપ્રધાન મોદી દ્વારા સોમવારે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ અહેવાલ દર્શાવે છે કે 2014માં વાઘની સંખ્યા 2,226 હતી, જે 2018માં વધીને 2,967 થઈ છે. આનો અર્થ એ કે છેલ્લા ચાર વર્ષમાં આપણા દેશમાં કુલ 741 વાઘ વધ્યા છે. દર ચાર વર્ષે કેમેરા ટ્રેપ અને કેપ્ચર-માર્ક-રિકેપ્ચર પદ્ધતિએ વાઘની ગણતરી કરવાની પદ્ધતિ 2006થી આપણા દેશમાં અમલી બનાવવામાં આવી છે. ત્યાર પછી વાઘની સંખ્યામાં નોંધાયેલો આ સૌથી મોટો વધારો છે. આ પદ્ધતિના આરંભે નોંધાયેલી વાઘની સંખ્યા 1,411 હતી. આ ગણતરીમાં દીપડા કે એવાં અન્ય પશુઓનો સમાવેશ થતો નથી, પણ આહાર કડીમાં વાઘ સૌથી ઉપરનું સ્થાન ભોગવે છે. તેને કારણે વાઘની સંખ્યામાં થયેલો વધારો આપોઆપ અન્ય પશુઓની સંખ્યાની વૃદ્ધિ સૂચવે છે. હરણ, જંગલી ભેંસ, જંગલી સુવર, કાળિયાર જેવાં પ્રાણીઓનો વાઘ શિકાર કરે છે. વાઘને મળતા શિકાર અને આવાસ બહેતર બન્યાં હોય તો જ તેની સંખ્યામાં વધારો થાય એ હકીકત છે. વાઘની સંખ્યામાં થયેલી વૃદ્ધિ, એ રીતે સમગ્ર વન્ય પ્રણાલિનું બહેતરપણું દર્શાવે છે. વાઘની વસતિ ધરાવતા દેશોનું સભ્યપદ ધરાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ગ્લોબલ ટાઈગર ફોરમ’ દ્વારા 2022 સુધીમાં વાઘની વસતિને બમણી કરવાનું લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યું છે. વાઘ ધરાવતા દેશોમાં ભારતનું સ્થાન અતિ મહત્ત્વનું કહી શકાય એવું છે. કેમ કે, વિશ્વભરના કુલ વાઘમાંથી 80 ટકા વાઘ આપણા દેશમાં છે, તેથી તેની સંખ્યા પર દેખરેખ રાખવી મહત્ત્વની બની રહે છે.

બધું મળીને સત્તરેક રાજ્યો વાઘની વસતિ ધરાવે છે, જેમાં સૌથી મોટો ઉછાળો મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો છે. ત્યાર પછીના ક્રમે મહારાષ્ટ્ર અને કર્ણાટક છે. છત્તીસગઢમાં વાઘની સંખ્યામાં દેખીતો ઘટાડો થયો છે, જેને માટે કાયદો-વ્યવસ્થાની સ્થિતિને કારણભૂત ગણવામાં આવી છે. અલબત્ત, વાઘની આવનજાવન રાજ્યોની સીમાથી પર હોય છે. તેને મુખ્યત્વે ભૂપૃષ્ઠ મુજબ ઓળખવામાં આવે છે. ભારતમાં આવાં પાંચ મુખ્ય વિસ્તાર છે. શિવાલીક પર્વતો તથા ગંગાનો મેદાની પ્રદેશ, મધ્ય ભારતનો ભૂમિ વિસ્તાર તેમ જ પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ, ઈશાન ભારતનો પર્વતીય વિસ્તાર તથા બ્રહ્મપુત્રાનો મેદાની પ્રદેશ અને સુંદરવન.

વાઘની આવનજાવનવાળાં ક્ષેત્રોને ‘ટાઈગર રિઝર્વ’ તરીકે ઘોષિત કરવામાં આવે છે. 2006માં આવા ‘ટાઈગર રિઝર્વ’ની સંખ્યા 28 હતી, જે 2018 સુધીમાં વધીને 50 થઈ છે. અલબત્ત, ચિંતાજનક બાબત હોય તો એટલી કે આ પ્રકારનાં રક્ષિત ક્ષેત્રોની બહાર વાઘનો વસવાટ વધતો ચાલ્યો છે. પોતાના માટે રક્ષિત વિસ્તારની બહાર વાઘનું ફરવું કે રહેવું એટલે માનવવસતિ તરફ તેનું આગળ વધવું. આવી સ્થિતિમાં માણસોના તેમ જ તેમના ઢોરઢાંખરના જાનનું જોખમ વધતું હોય છે. છેલ્લા પાંચ વર્ષોમાં માનવ અને વાઘના સંઘર્ષના બનાવો વધતા રહ્યા છે. ગયા મહિનાના છેલ્લા સપ્તાહમાં ઊત્તર પ્રદેશના પીલીભીત ટાઈગર રિઝર્વમાંની એક વાઘણને ખેતરમાં કામ કરતા માણસો પર હુમલો કરવા બદલ મારી નાખી. આ અગાઉ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં એક વાઘણને ગયા વર્ષે મારી નાખવામાં આવી હતી. આ પ્રકારના બનાવો વધતા રહે એ જોખમી છે. વાઘ ગમે એટલું મૂલ્યવાન પ્રાણી હોય, તે આસપાસનાં ગામોમાં આવવા લાગે ત્યારે ગામલોકોને તે શિકારીથી વિશેષ કંઈ લાગતું નથી. વન વિભાગના અધિકારીઓએ હુમલો કરનાર ગામવાસીઓ સામે ગુનો નોંધ્યો. આમ છતાં, એ હકીકત સ્પષ્ટ છે કે ગુમાવેલો વાઘ પાછો આવવાનો નથી. તેની સામે એ પણ તથ્ય છે કે ગામવાસીઓને કંઈ વાઘને મારી નાખવાનો શોખ હોતો નથી. ક્યાંક કશુંક એવું છે કે જે યોગ્ય નથી.

સર્વોચ્ચ અદાલતે હમણાં રાજાજી ટાઈગર રિઝર્વ અને કોર્બેટ ટાઈગર રિઝર્વને સાંકળતા કોરિડોર પર રોડ બનાવવાની ઉત્તરાખંડ સરકારની દરખાસ્તને ઉડાડી મૂકી છે. હાલ ટાઈગર રિઝર્વને સાંકળતા ઘણા કોરિડોર પર માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટેના પ્રોજેક્ટ કાર્યરત છે કે થઈ રહ્યા છે. એ પૂર્ણ થશે તો માણસોની આવનજાવન વધતી જશે. પરિણામે વાઘ અને માનવ વચ્ચેનો સંઘર્ષ પણ વધશે. તેને પરિણામે વાઘનું જ આવી બનશે.

પહેલાં વગર વિચાર્યે, આડેધડ શિકાર કરીને વાઘનું નિકંદન કાઢી નાખવું, તેને સાવ લુપ્ત કરી દેવાને આરે મૂકી દેવો, ત્યાર પછી તેના સંવર્ધન માટે ખર્ચાળ યોજનાઓ બનાવવી, આ યોજનાઓ સફળ થાય એટલે વાઘની જાળવણી કર્યાનો આનંદ લેવો, અને છતાં વાઘના માથે રહેલા જોખમમાં કશો ફેર ન પડવો. એમ લાગે છે કે અજ્ઞાન કે અલ્પ જ્ઞાન હોય કે અતિજ્ઞાન, માનવની વર્તણૂંકમાં ઝાઝો ફરક પડતો નથી. જે કામ તે પહેલાં અજ્ઞાનવશ કરતો હતો તે હવે જ્ઞાનવશ કરે છે એટલું જ. માનસિકતા બદલવામાં કે તેના અંતિમ પરિણામમાં આ બેય સ્થિતિની અસર ખાસ ઝીલાતી હોય એમ લાગતું નથી. શું વાઘ હોય કે અન્ય પ્રાણી યા પર્યાવરણ હોય, આ બાબત બધે લાગુ પડે છે. વાઘ કે એવું વન્ય પશુ ખતમ થઈ જશે એ તો દેખીતી રીતે ખબર પડશે, પણ પર્યાવરણ કોઈ સરકારી યોજનાનું મોહતાજ નથી. તેની સાથે કરાયેલાં ચેડાં અનેક ગણી વિપરીત અસર સાથે કેટલાયને તેનો ભોગ બનાવશે એ તો કોને ખબર!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૮ – ૦૮– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *