બંદિશ એક, રૂપ અનેક (૫૭) : આપણું રાષ્ટ્ર ગીત – "જન ગણ મન અધિનાયક જય હે, ભારત ભાગ્ય વિધાતા"

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

(મૂળ રચના શ્રી ગુરુદેવે “ભારતો ભાગ્ય વિધાતા” અને બંદિશ રાગ બિલાવલ – યમની અથવા તો યમન કલ્યાણ, મધ્યલય, બંદિશ બીજા કોઈ રાગ માં મેં સાંભળી નથી)

કવિવર શ્રી રવીન્દ્રનાથ રચિત આપણાં રાષ્ટ્ર ગીત નો રસાવિર્ભાવ શ્રી કાકા સાહેબ કાલેલકર લિખિત પુસ્તિકા “ભજનાંજલિ” માં થી અહીં પ્રસ્તુત છે.

કુલ પાંચ કડી ઓ (5 Stanzas) માં થી #૧, #૨, #૪ અને #૫ એમ ચાર કડી ઓ વિષે આ પુસ્તક માં ઉલ્લેખ છે.

શ્રી કાકા સાહેબ લખે છે કે: બંગાળે આપણને એક વિશ્વકવિ આપ્યો: રવીન્દ્રનાથ ઠાકુર ભારતીય સંસ્કૃતિનો ઉતમોત્તમ આદર્શ જેમાં વ્યક્ત થઇ શકે એવું ઈશગીત એણે તૈયાર કરી આપ્યું। એ ગીતનો રાગ પણ મોટો સમાજ મૉટે અવાજે સાથે ગાઈ શકે એવો ધીરગંભીર, પરાક્રમી અને ઉત્સાહપ્રેરક છે.

પહેલી કડી:

જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
પંજાબ, સિંધુ, ગુજરાત,મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ;
વિન્ધ્ય, હિમાચલ, યમુના, ગંગા, ઉચ્છલ જલધિતરંગ;
તવ શુભ નામે જાગે, તવ શુભ આશિશ માગે,
ગાહે તવ જય ગાથા,
જનગણ-મંગલદાયક જયહે, ભારત ભાગ્યવિધાતા!
જય હે! જય હે! જય હે! જય જય જય જય હે !

ભારત એટલે જુદી જુદી ભાષા બોલનારા, જુદા જુદા વંશના લોકો. એ બધાનાં નામો ગણવાં એ પણ પુણ્યકર્મ છે. એટલે કવિએ પંજાબ થી માંડીને બંગ સુધી નામો એકત્ર આણ્યાં છે. એ જ રીતે વિંધ્ય અને હિમાચલ એ બે નામો તમામ પહાડનાં પ્રતિનિધિ છે. યમુના-ગંગા નાની મોટી તમામ નદીઓની પ્રતિનિધિ છે. અને ઉચ્છલ-જલધિતરંગ ભારતની ત્રણ બાજુએ ફેલાયેલો છે. આ બધા પ્રદેશો, પહાડો, નદીઓ, સમુદ્રો અને તેમને આધારે જીવનારા માણસો તારી જયગાથા ગાય છે. બધી મંગળ વસ્તુઓ અમારા આ જનગણને તું જ આપે છે. અમારાં હૃદયમાં તેમ જ તમામ દેશોમાં અને આખી દુનિયામાં, હે ભગવાન ! તારી જય હો !

બીજી કડી:

અહરહ તવ આહવાન પ્રચારિત, શુનિ તવ ઉદાર વાણી,
હિંદુ – બૌદ્ધ -શીખ – જૈન -પારસિક – મુસલમાન – ખ્રિસ્તાની
પૂરવ પશ્ચિમ આસે, તવ સિંહાસન પાસે,
પ્રેમહાર હોય ગાથા.
જનગણ-ઐકયવિધાયક જય હે, ભારત ભાગ્યવિધાતા!
જય હે! જય હે! જય હે! જય જય જય જય હે!

હે ભગવાન! હિંદુ, બૌદ્ધ આદિ બધા ધર્મના લોકો તારા આકર્ષણથી એકત્ર આવ્યા. એમની મારફત તારો ઉદાર સંદેશ સાંભળીયે છીએ. પુર્વ અને પશ્ચિમ, યુરોપ -અમેરિકા અને એશિયા પ્રેમનો હાર તૈયાર કરી તારા સિંહાસન પાસે આવ્યા છીએ.
એવા ઐકયવિધાયક ભગવાન તારી જય હો.

ત્રીજી કડી, જે આ પુસ્તિકામાં નથી અને શ્રી કાકાસાહેબ તરફથી કોઈ ઉલ્લેખ તે બાબતમાં વાંચવા નથી મળતો, તે નીચે મુજબ છે:

પતન-અભ્યુદય -બંધુર -પંથા; યુગયુગ ધાવિત યાત્રી

             (અભ્યુદય: ઉત્થાન; બંધુર: મિત્રનો, ધાવિત: દોડી રહેલ)

હે ચિર-સારથી, તવ રથચક્રે મુખરિત પથ દિન -રાત્રિ

            (મુખરિત: દૂષિત)

દારુણ વિપ્લવ માઝે , તવ શંખધ્વનિ બાજે, સંકટ-દુઃખ -ત્રાતા

           (માઝે : વચમાં, વચ્ચે , ત્રાતા: જે મુક્તિ અપાવે)

જનગણ પથ પરિચાયક જય હે, ભારત ભાગ્યવિધાતા!
જય હે! જય હે! જય હે! જય જય જય જય હે!

ચોથી કડી:

ઘોર તિમિરઘન નિબિડ નિશીથે પીડિત-મૂર્છિત દેશે;
જાગ્રત છિલ તવ અવિચલ મંગલ નતનયને અનિમેશે.
દુ:સ્વપને આતંકે, રક્ષા કરિલે અંકે,
સ્નેહમયી તુમિ માતા.
જનગણ – દુઃખત્રાયક જયહે ભાગ્યવિધાતા !
જય હે! જય હે! જય હે! જય જય જય જય હે!

ઘોર અંધકારથી ભરેલી રાત્રી ને સમયે જયારે આખો દેશ મૂર્છામાં પડ્યો હતો, ત્યારે પણ તારી મંગલ આંખો અવિચલ જાગતી હતી. તમામ સંકટોમાંથી અમને ખોળામાં લઈને તે અમારી રક્ષા કરી છે, ખરેખર તું સ્નેહમયી માતા છે, તારો વિજય થાઓ.

પાંચમી કડી :

રાત્રિ પ્રભાતિલ ઉદિલ, રવિચ્છવિ પૂર્વ – ઉદયગિરિ -ભાલે.
ગાહે વિહંગમ, પુણ્ય સમીરણ નવજીવન – રસ ઢાલે;
તવ કરૂણારૂણ રાગે, નિદ્રિત ભારત જાગે,
તવ ચરણે નટ માથા .
જય જય જય હે જય રાજેશ્વર ! ભાગ્યવિધાતા !
જય હે! જય હે! જયહે! જય જય જય જય હે!

હવે રાત વીતી, પ્રભાત થયું છે. પૂર્વના ઉદય પર્વતને શિખરે રવિબિંબનો ઉદય થયો છે. પક્ષીઓ ગાવા લાગ્યાં છે, પુણ્યદાયી પવન નવજીવન-રસ ફેલાવે છે, તારી કરુણા, એ જ અમારી સવાર. એ સવારની અરૂણાપ્રભા જોઈને ભારત હવે જાગ્યું છે. અને નમ્ર થઈને એણે પોતાનું માથું તારે ચરણે મૂક્યું છે, હે રાજેશ્વર ! અમારા પુરુશાર્થ દ્વારા તારી જય હો !

(શ્રી મહેન્દ્ર મેઘાણી સંપાદિત, લોકમિલાપ – ભાવનગરનું પ્રકાશન ” ભજનાંજલિ “માંથી આદર અને આભાર સાથે)

એકસોથી પણ વધારે વર્ષો પહેલાં, એટલે કે ૨૭ ડિસેમ્બર ૧૯૧૧ કોલકતા ખાતે ભરાયેલા રાષ્ટ્રીય કૉંગેસનાં અધિવેશનમાં પ્રથમ વખત જન ગણ મન જાહેરમાં મંચસ્થ થયું. તે સમયે “ભારતો ભાગ્યો બિધાતા” તરીકે આ સમૂહ ગીત રૂપે ગવાયું હતું। મુખ્ય ગાયિકા કવિવરનાં ભત્રીજી સરલાદેવી ચૌધરીની સાથે સમૂહગાનમાં શાળામાં ભણતાં બાળકો હતાં. તે સમયે કલકત્તા માં બ્રહ્મોસમાજ દ્વારા બહાર પડતી, રવીન્દ્રનાથ દ્વારા સંપદિત “ત્રિભોવન પત્રિકા” માં આ કૃતિ “ભારતો ભાગ્યો બિધાતા” શીર્ષક હેઠળ પ્રથમ પ્રસિદ્ધ થયેલી.

૧૯૧૯ માં ગુરુદેવ દક્ષિણ ભારત માં ચિત્તૂર પાસે મદનપાલે ખાતે આવેલ થિયોસોફિકલ સોસાયટી માં થોડા સમય માટે રહેવા ગયા, ત્યાંની શાળાના આચાર્ય શ્રી જેમ્સ કાઉન્સીનના આમંત્રણને માન આપી તે શાળાની મુલાકાતે ગયા. ત્યાં ટાગોરે “જન ગણ મન – ભારતો ભાગ્યો બિધાતા” ગાયું. ત્યાર બાદ શ્રી કાઉન્સીનના આગ્રહથી શ્રી ટાગોરે એ ગીતનું અંગ્રેજીમાં ભાષાંતર લખ્યું,જેને “The Morning song of India” નામ આપ્યું.

અહીં શ્રી ગુરુદેવના હસ્તક્ષરોમાં એક થી પાંચ પૈકી પાંચમી અને શ્રી ગુરુદેવના હસ્તાક્ષર:

પહેલી કડી અંગ્રેજીમાં:

“The Morning song of India”

Thou art the ruler of the minds of all people,
the dispenser of India’s destiny.
Thy name rouses the hearts of the Punjab,
Sind, Gujarat, and Maratha,
of the Dravida and Orissa and Bengal;
it echoes in the hills of the Vindhyas and Himalayas,
mingles in the music of the Jamuna and Ganges
and is chanted by the waves of the Indian Sea.
They pray for thy blessings and sing thy praise.
The saving of all people waits in thy hand,
thou dispenser of India’s destiny.
⁠Victory, Victory, Victory to thee.

                                                                                  February 18. 1919

સંપૂર્ણ ગીતનું અંગ્રેજી ભાષાંતર વિકિપીડિયા પર ઉપલબ્ધ છે.

“જણ ગન મન”ની બંદિશ શ્રી ટાગોરે પોતે બનાવેલી,એટલેકે જે “રવિન્દ્ર સંગીત” રૂપે પ્રસિદ્ધ છે તે સંગીતના ઢાળમાં છે. પણ કર્ણાટકી શાસ્ત્રીય સંગીતની પ્રથા પ્રમાણે રાગ અહલ્યા બિલાવલ માં આ રચના ગણી શકાય, જે ઉત્તર ભારતની સંગીત પરમ્પરા માં ગવાતો રાગ સરસ્વતી ને ઘણો મળતો આવે છે.

પ્રથમ સાંભળીયે શ્રી રવિન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં

“જન ગણ મન” રાષ્ટ્રિય ગાન તરીકે ઘોષિત થયા પહેલા ૧૯૪૪ / ૧૯૪૫ના વર્ષમાં દિગ્દર્શક શ્રી બિમલ રોય અને કલકત્તાન્યુ થીયેટર્સ દ્વારા નિર્મિત બંગાળીમાં “ઉદીયાર પાથેય” અને હિન્દીમાં “હમરાહી” માં સંપૂર્ણ જન ગણ મન ગીત રૂપે ફિલ્મ પરદા પર આવેલું જે રવિન્દ્ર સંગીત ગાવામાં મહારથી ગણાતા શ્રી પંકજ મલિક અને સાથીદારોના સ્વરમાં હતું. ફિલ્મમાં સંગીત શ્રી રાયચંદ બોરાલનુ હતું.

આ જન ગણ મન રવિન્દ્રસંગીતમાં બનેલી એક જ બંદિશમાં ગવાય છે, અને વાદ્યો પર વગાડવામાં આવે છે.

રાષ્ટ્ર ગાન સાંભળાવની ગાવાની ખરી મજા ક્યારે આવે કે જયારે તે ગાતાં કે વગાડતાં આપણે રોમાન્ચ અનુભવીએ, રૂંવાડાં ખડા થઇ જાય. ૨૯ મે ૧૯૫૩ ના દિવસે શેરપા તેનસિંગે એવરેસ્ટ શિખર પર પગ મુક્યો અને એક પરમ સિદ્ધિ હાંસલ કરી, તે સમયે ભારતના ધ્વજને ફરકાવવાના ને સમયે તેમણે “જન ગણ મન ” ગાયું હોત તો એનું જીવંત પ્રસારણ કેટલું રોમાંચિત લાગત!!! ખાલી કલ્પના કરવાની રહી. તે સમયે ન હતાં એવાં સાધનો કે કેમેરા જેનાથી આસાનીથી રેકોર્ડ થઇ શકે.

પણ ૨૧ મી મે, ૨૦૧૬ ના રોજ આવી સિદ્ધિ હાંસલ કરી અને માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ઉભારહી ‘જન ગણ મન” ગાનાર ઈંદોરના સાહસિક રમતવીર શ્રી રત્નેશ પાંડેનો આ વિડિઓ જુઓ. એ ઉંચાઈએ ઓક્સિજન વિના ઉભારહી તેમણે રાષ્ટ્ર ગીત ગાયું, તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી:

આ વિડિઓ જોયા પછી જો આપને રત્નેશ પાંડે બાબત વધુ જાણવાની જીજ્ઞાશા થાય તો આ વિડિઓ જુવો:

આવી જ એક બીજા સાહસ વીરની વાત:

સને ૨૦૧૮, તા ૧૬મી જાન્યુઆરીને બુધવારના રોજ સત્યરૂપે ઍન્ટાર્કટિકા સ્થિત વૉલ્કેનિક શિખર ‘માઉન્ટ સિડલે’ની ૪૨૮૫ મીટરની ઊંચાઈને આંબી. પહાડની ટોચ ઉપર પહોંચીને ભારતીય સમય અનુસાર વહેલી સવારના સાડા છ વાગ્યાના સુમારે ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રગીત ગાયું. ગિનિસ બુકના રેકોર્ડ મુજબ ઑસ્ટ્રેલિયાના ૩૬ વર્ષીય ડેનિયલ બુલના નામે રેકૉર્ડ હતા. ડેનિયલે ૨૦૦૬થી ૨૦૧૭ના સમયગાળામાં ૧૫૭ દિવસના ગાળામાં ૭ સમીટ તથા ૭ વૉલ્કેનિક સમીટને સર કર્યું, જ્યારે સત્યરૂપ સિદ્ધાંત સૌથી નાની વયે ફક્ત ૨૦૧૨થી ૨૦૧૯ના સમયગાળાની અંદર ૨૭૪ દિવસમાં ૭ સમીટ તથા ૭ વૉલ્કેનિક શિખરને સર કરીને પ્રથમ ભારતીય નાગરિક બની ગયા છે. ૧૦ જાન્યુઆરીથી તેમણે ચઢાણ શરૂ કર્યું હતું. મંગળવારે તેમણે બૅઝ કૅમ્પ ઉપર પહોંચતા ભારતીય સમયાનુસાર ૮-૨૦ મિનિટ હતો. સત્યરૂપે ફોન ઉપર માહિતી આપી હતી કે સુસવાટા મારતો તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. આસપાસ ઘણું જ ધૂંધળું દેખાય છે. માલસામાન પણ તેમણે જાતે જ ખેંચવો પડતો. ચારેબાજુ ફક્ત બરફની ચાદર જ છવાયેલી જોવા મળે છે. ટોચ ઉપર પહોંચવા માટે બરફને સતત તોડતા જવું પડતું હતું. આખરે હું સફળ બન્યો. ફક્ત સાતથી આઠ પર્વતાહોરક આ શિખરને સર કરી શક્યા છે.

0 ની નીચે ૪૦ ડીગ્રી, પવન ને લીધે ૬૦ ડિગ્રી અનુભવાતી ઠંડીમાં, રાષ્ટ્રધ્વજ બરફમાં ખોદી લહેરાવ્યો, ખિસ્સામાંથી એક તૂટેલી વાંસળી કાઢી હાથમાં લઈ જીવનનું સહુથી સુંદર સંગીત વગાડ્યું:

૧૫ મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમોમાં ધ્વજ વંદન થાય અને રાષ્ટ્ર ગીત ગવાય ત્યારે આપણે શિસ્તબદ્ધ ઉભા રહીને તેને અવશ્ય માન આપીયે.

આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ સાંગિક રમતોની શરૂઆતમાં હમેશા સામસામેની બંને ટીમો ઉભી રહે પોતપોતાના ધ્વજ સાથે અને રાષ્ટ્ર ગીત ગવાય, પણ વધુ રોમાંચિત ક્ષણ એ પછીની છે, કે જયારે આખરમાં આપણી ટીમ જીતે અને સુવર્ણ પદક એનાયત થતાં આપણો રાષ્ટ્ર ધ્વજ ઉપર ઉઠે અને બેન્ડ ઉપર “જન ગણ મન” ની ધૂન વગડે.

૧૯૪૬ ના વર્ષમાં ગ્રીસનાં પાટનગર એથેન્સમાં પહેલી વખત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક યોજાઈ ત્યારે ઓલિમ્પિકને લગતી એક કવિતા તે સમયના ગ્રીક કવિ શ્રી કોસ્ટીસ પાલ્મરે લખી હતી અને સઁગીતકાર સ્પાઈરોઝ સમારસે સ્વર બદ્ધ કરેલી. તેને Olympic Hymn ના નામથી ઓળખવામાં આવેછે, ઓલમ્પિક સમારંભના પ્રારંભમાં પાંચ ચક્રોવાળો સફેદ ઝંડો સ્તંભ પર ચડાવતી વખતે અને પુર્ણાહુતી થતાં એ ઝંડો ઉતારતી વખતે આ Hymn અત્યારે પણ વગાડાય છે.

ઓલિમ્પિકમાં રાષ્ટ્રીય ગાનના પ્રસારણની પ્રથા ૧૯૨૪ની સાલથી શરૂ થઇ. આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક માં આપણું રાષ્ટ્ર ગીત:

૧૯૨૮ ની આમ્સટર્ડેમ ઓલમ્પિક માં ભારતને પહેલી વખત સુવર્ણ પદક મળેલ. “ભારત” દેશ તરીકે આપણી કોઈ પહેચાન ન હતી – ગુલામીના દિવસો હતા, ચંદ્રક એનાયત કરવાના સમારંભમાં સહુથી ઉચ્ચ સ્થાને હૉકી ટિમ ના કેપ્ટન જસપાલસીંગ મુન્દ્રા અને આખી ટીમને સુવર્ણ પદક એનેયાત થયું, રાષ્ટ્રગીતને સ્થાને આપણી ટીમ ના એક ખેલાડીએ મંચ ઉપરથી શ્રી ટાગોર નું “એકલા ચલો રે” ગાયું હતું.

આજ સુધીમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક મહોત્સવ માં ૨૮ ચંદ્રકો ભારતને મળ્યા છે અને તેમાં નવ સુવર્ણ ચંદ્રકો છે. હૉકીમાં ગોલ્ડ મેડલ જીતવાનો સિલસિલો ૧૯૫૨ સુધી યોજાયેલ ૬ વખત આપણી જીત વણથંભી રહી. પણ મેડલ સેરિમનીના કોઈ વિડિઓ ઉપલબ્ધ નથી. ૨૦૧૮ના વર્ષ સુધીમાં કોમનવેલ્થ ગેમ્સ માં કુલ ૧૮૧ અને સાલ ૧૯૫૧થી શરૂ થયેલા એશિયન રમતોત્સવમાં આપણાં ખેલાડીઓ ૧૩૯ સુવર્ણ પદક હાંસલ કર્યા છે..

ઓલિમ્પિક રમતોના પદક અર્પણ વિધિ સમયે પાશ્વમાં બજતાં કોઈ પણ દેશનાં રાષ્ટ્ર ગીતની અવધિ વધુમાં વધુ 80 સેકન્ડ ની આંકવામાં આવીછે. તદઉપરાંત, એ વાદ્ય સઁગીતમાંજ હોવું જોઈએ. ઓલમ્પિકમાં વગાડતા જન ગણ મન ની અવધિ ૫૨ સેકન્ડની છે. આ ‘જન ગણ મન’ની ધૂન બનાવી છે, અથવા તો સંગીત બદ્ધ કર્યું છે, બ્રિટિશ સંગીતકાર શ્રી હર્બર્ટ મુરીલ અને યુ.એસ.એ.નાં નેવી બેન્ડે તે બજાવેલુ છે, તે રેકોર્ડિંગ આજ સુધી વગાડવામાં આવે છે, વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુની વિનંતીને માન આપી ૧૯૪૫ની સાલમાં શ્રી મુરીલ દ્વારા તે સ્વરબદ્ધ કરેલું . તે વખતે મુરીલ બીબીસી માટે કાર્યરત હતા.

રાશ્ટ્રગીતનું સત્તાવાર વર્ઝન – બોલમાં

સાલ ૨૦૦૮ માં બીજીંગ ઓલમ્પિકમાં ભારતના ખેલાડીને પહેલી વખત સુવર્ણ પદક મળ્યું. જુઓ શ્રી અભિનવ બિન્દ્રાનો ૧૦ મીટર શૂટિંગ સ્પર્ધાનો આખરી રાઉન્ડ, અને પછી એવોર્ડ સેરિમનીમાં ત્રિરંગો સહુથી ઉપર જતાં “જન ગન મન”

૧૧ મી જુલાઈ ૨૦૧૮ આસામનાં કાંધુંવિરાલી નામના ગામડામાં સને ૨૦૦૦ની સાલ માં જન્મેલી હિમા દાસ આંતર રાષ્ટ્રીય ટ્રેક અને ફિલ્ડ માં ૪૦૦ મીટર દોડની સ્પર્ધામાં પ્રથમ આવી સુવર્ણ પદક મેળવી ગઈ.આવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ વખત ભારતીયને સુવર્ણ પદક મળ્યું:

સાલ ૨૦૧૦ સાઈના નેહવાલ: કૉમનવેલ્થ ગેમમાં સુવર્ણ પદક :

વિકલાંગોની ઓલમ્પિકમાં શ્રી થન્ગવેલું મરિઅપ્પન – હાઈ જંપ સુવર્ણ પદક

ભારતીય વાદ્યવ્રન્દ, The Symphony Orchestra of India

ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી લગભગ સવા લાખ લોકો દ્વારા ગવાતું રાષ્ટ્રગીત

અને અંત માં મૂક બધિર ની શાળાની વિદ્યાર્થિની


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

1 comment for “બંદિશ એક, રૂપ અનેક (૫૭) : આપણું રાષ્ટ્ર ગીત – "જન ગણ મન અધિનાયક જય હે, ભારત ભાગ્ય વિધાતા"

  1. August 14, 2019 at 7:59 am

    નીતિનભાઈ,
    ખૂબ સુંદર સંશોધન, ગુરુસાહેબ રબિન્દ્રનાથ ટાગોરના સ્વરમાં સાંભળવાનો આનંદ તમે આપ્યો.
    ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *