





– સમીર ધોળકિયા
આપણી આજુબાજુ કેટલીય વ્યક્તિઓ એવી હોય છે જેને દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ ‘પરફેક્ટ ‘ એટલે કે આદર્શ જોઈએ છે. સહેજ પણ આઘુંપાછું ચલાવી ન લે ! તે જમવા બેસે તો થાળી એકદમ ચોખ્ખી જોઈએ, ટેબલ ચોખ્ખું જોઈએ, ખોરાક પણ સંપૂર્ણપણે તેમને ભાવે અથવા ફાવે તેવો જ હોવો જોઈએ, આજુબાજુનું વાતાવરણ પણ તેને અનુકૂળ આવે તેવું જ હોવું જોઈએ . આ બધું ખરું અને તે પણ રોજ !
આવી વ્યક્તિની અપેક્ષાઓ ઘર વિષે, ઓફિસ વિષે, સામી વ્યક્તિઓ વિષે, અને તેમના સંપર્કમાં આવતી દરેક સજીવ કે નિર્જીવ વસ્તુઓ કે વ્યક્તિ કે વાતાવરણ વિષે આવી જ હોય છે.તેમને બધું સંપૂર્ણ જોઈએ અને કોઈ પણ જાતની બાંધછોડ બિલકુલ નહિ !
આવી વ્યક્તિઓ કેવી લાગે ? પહેલી નજરે તો માથાનો દુખાવો લાગે પણ સહેજ નજીક થી જોઈએ તો તેમની ચોકસાઈ અને નાની નાની પ્રક્રિયાઓ પ્રત્યે દૃષ્ટિ જોવા મળે. જેમાંથી આજુબાજુ ના લોકોને ખૂબ શીખવા મળે. સામાન્ય રીતે સંપૂર્ણતાનો આગ્રહ રાખનાર પોતે દુખી થાય છે અને બીજા ને દુખી કરે છે. કારણ કે સંપૂર્ણતાની પ્રક્રિયા સહેલી નથી તેમાં કષ્ટ છે, ધીરજ જોઈએ, અને નિષ્ફળ થઈને ફરીથી પ્રયત્ન કરવાની તૈયારી પણ જોઈએ.
આમાં મુખ્ય બે વસ્તુઓ છે. એક તો પોતા તરફથી સંપૂર્ણતાનો આગ્રહ અને બીજો સામા પાસેથી તેવો જ આગ્રહ. પોતા પ્રત્યે સંપૂર્ણતા નો આગ્રહ તકલીફ આપે છે પણ પોતાની જાતે સુધારે પણ છે. જ્યારે બીજા પાસેથી એવી જ અપેક્ષા સામાન્ય રીતે સંઘર્ષ ઊભો કરે છે અને મોટે ભાગે સામા ને નારાજ કરે છે.પણ આવા સંપૂર્ણતા ના આગ્રહી લોકો એમ પડતું મૂકતા નથી. તેઓ સંપૂર્ણતા નો આગ્રહ અને તેના પ્રયત્નો ચાલુ જ રાખે છે.આ પ્રયત્નો માં તેમની કુશળતા અને ધીરજ ની પણ કસોટી થઈ જાય છે.સામાને નારાજ કે હતાશ કર્યા વગર શ્રેષ્ઠ કામ કઢાવવું એજ કુશળતા ની પારાશીશી છે.પણ બધા કુશળ નથી હોતા . તો શું કરવું ? તે માટે સામ,દામ,દંડ અને ભેદ ની અજમાયશ કરવી ?કાયમ શ્રેષ્ઠ સર્જન પણ ખૂબ અઘરું છે.
સમરસેટ મોમ નામના એક બહુ જાણીતા લેખકે કહ્યું હતું કે “only a mediocre person is always at his best”. હવે આ તો મુશ્કેલી થઈ ગઈ. શ્રેષ્ઠતાના સતત આગ્રહ માં ક્યાંક મધ્ય કોટી સહન ન કરવી પડે. આથી એ પણ વિચાર આવે કે સંપૂર્ણતા નો આગ્રહ એક હકારાત્મક વલણ છે? કહી શકાય કે હા, આ આગ્રહ રાખનાર માટે ચોક્કસ હકારાત્મક હોઈ શકે પણ સામી વ્યક્તિ કે જેની પાસેથી સંપૂર્ણતા નો આગ્રહ રાખવામાં આવે તેને પૂછ્યું છે ? તેના તો ઘણીવાર સુખ ચેન હરામ થઈ જાય છે અને વાટ લેવાઈ જાય છે.
તો એમ પૂછી શકાય કે સંપૂર્ણતા નો આગ્રહ જરૂરી કે આવશ્યક છે ?
તો એક વાત નક્કી. ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવા માં તો આવી અતિશય ચોકસાઈનો આગ્રહ રાખવો જ પડે કારણ કે તેના વગર ચાલે જ નહિ. આપણા અવકાશયાન કાર્યક્રમમાં અને તેવી બીજી યોજનાઓમાં ‘પરફેક્ટ ‘થી સહેજ પણ ઓછું સહેજ પણ ન ચાલે. બાંધછોડ અને સંપૂર્ણતાને વેર હોય છે. મોટે ભાગે સંપૂર્ણતા માટે અસંતોષ જરૂરી છે.અને હકારાત્મક અસંતોષ યોજનાને ‘પરફેક્ટ’ બનાવે છે.
હા, રોજીંદી પ્રક્રિયાઓ માં આ આગ્રહ રાખવો તે વધારે પડતી અપેક્ષા લાગે. તેના થી રોજીંદી પ્રક્રિયાઓ ધીમી પડે છે અને બધા સંકળાયલાઓ ને તકલીફ પડે છે. પણ ખરી તકલીફ તો એટલે જ ઊભી થાય છે કે જ્યારે આપણે સંપૂર્ણતાનો આગ્રહ રાખીએ પણ જ્યારે તે આપણે પોતે તે જ સંપૂર્ણ કામ કરવાનું આવે ત્યારે આંટા આવી જાય અને બધો આગ્રહ ઓગળી જાય ! ટૂંકમાં આપણને સંપૂર્ણતા બહુ ગમે જો એ હાંસલ કરવાની જવાબદારી બીજાની હોય ! પણ જ્યારે કોઈ આપણા પાસેથી આવો જ આગ્રહ રાખે ત્યારે વિરોધ ના સુરો વાગવા માંડે !
એક વાત વિચારીએ કે સંપૂર્ણતા-perfection- શક્ય છે? જવાબ એ છે કે તે શક્ય હોય કે નહિ પણ તેના માટે પ્રયત્ન કરવાથી પરિસ્થિતિ માં સુધારો તો થાય જ છે.જો આકાશ ને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીએ તો છાપરાને સ્પર્શી શકાય ! તેના માટે સતત પ્રયત્નશીલ તો રહેવું જ જોઈએ અને કેટલાય વિષયોમાં આકાશને પણ સ્પર્શી શક્યા છીએ. ભલે પછી આકાશ થોડું ઊંચું જતું રહે છે. એમ કહી શકાય કે સંપૂર્ણ થવાના પ્રયાસ માં શ્રેષ્ઠતા જરૂર મળી શકે છે
બીજી વાત એ કે જે વસ્તુ કે પરિસ્થિતિ આદર્શ કે સંપૂર્ણ હોય પણ તે સર્વોત્તમ હોવી જરૂરી છે ? આદર્શ પરિસ્થિતિ એક સ્વપ્ન જેમ અશક્ય પણ હોઈ શકે છે જ્યારે સર્વોત્તમમાં પરિસ્થિતિની સરખામણી હોય છે અને સાપેક્ષ હોય તેથી તે શક્ય હોય છે.આપણે ઘણી વ્યક્તિઓ શ્રેષ્ઠ જોઈ છે, સર્વોત્તમ જોઈ છે પણ તેઓ ‘પરફેક્ટ’ હોય અને ન પણ હોય. મહાત્મા ગાંધી શ્રેષ્ઠ હતા, સર્વોત્તમ હતા પણ તેઓ સંપૂર્ણ હતા? બિલકુલ નહિ. તેઓએ પોતાની આત્મકથામાં પોતાની નબળાઈઓ વિષે વિગતે વાત કરી છે .
છેલ્લે કહી શકાય કે સંપૂર્ણ બનવાનું અને તે હાંસલ કરવાનું સપનું જરૂર જોવું. તેના માટે ખૂબ ખૂબ પ્રયત્નો કરવા પણ તેના માટે શું શું શું દાવ પર મૂકવું તેનો શાંતિથી વિચાર કરી લેવો. એક નિર્જીવ વસ્તુ સંપૂર્ણ હોઈ શકે છે, સંગીતનો કે ચિત્રકલાનો એક નમૂનો સંપૂર્ણ હોઈ શકે છે અને તે પારખુઓને દૈવી આનંદ આપી શકે છે પણ તેનો રચયિતા કે ચિત્રકાર સંપૂર્ણ વ્યક્તિ ન પણ હોય ! સંપૂર્ણતા એક નિરપેક્ષ વિભાવના કે પરિકલ્પના હોઈ શકે છે. પણ તેના પ્રયત્નો કદી પડતા ન મુકાય. ૧૦૦ માળના મકાનના પાયાની ડિઝાઇનમાં સંપૂર્ણથી ઓછું કઈ રીતે ચાલે?. તે પડી જાય તેવું હોય તે ચલાવી લેવાય? કદી નહિ !
સંપૂર્ણતાનો આગ્રહ ખૂબ જરૂરી છે. આવશ્યક છે. અનિવાર્ય છે. પણ તેની શોધમાં શું શું ગુમાવવું પડે તેનો ખ્યાલ રાખવો પડે. તેમાં બાંધછોડ માટે કોઈ અવકાશ નથી. કેટલીય વાર ઘણું ગુમાવવું પણ પડે તો પણ સંપૂર્ણતાની તલાશ ચાલુ રાખવી પડે . હા,એ વિચાર સમાજે કરવો પડે કે આ સંપૂર્ણતાની તલાશથી સમાજ ક્યાં પહોંચશે, કોઈ નુકસાન તો નથી ને ? આ નિર્ણય જરૂર ખૂબ અઘરો છે પણ જરૂરી છે. સમાજ માટે અને આખી દુનિયા માટે.
સંપૂર્ણતા એક લક્ષ્ય છે જે ખુબ દુષ્કર છે તે મેળવવાની પ્રક્રિયા પણ ખુબ કષ્ટદાયક છે પણ તે કદી છોડી શકાય નહિ . ભલે તે દુરાગ્રહ લાગે, ભલે લાગણી દુભાય .આ લક્ષ્ય થી જ આપણે અનેક અન્વેષણો પામ્યા છીએ.
તમે બધા આ માટે શું માનો છો ?
શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.
એવો આગ્રહ રાખનારા સામાન્યતઃ ચોખલીયા હોય છે.
જાત માટે એવું રાખવું ઉત્તમ છે, પણ લોકો પાસે એવી અપેક્ષા રાખવી એ દુઃખી થવા અને કરવાનો સહુ થઈ સહેલો રસ્તો છે !
બિલકુલ સાચું .
પણ સવાલ એ છે કે ચોખલિયા થવું કે નહિ ?
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર ,ભગવાનભાઈ !
‘આદર્શ’ એ ખેવના રાખવા માટે બહુ આદર્શ ખયાલ છે, પણ તે ન મળે તો બધું છોડી છાડીને તેની પાછળ પડી જવું એ ઝાંઝવાંના જળની પાછળ દોટ મુકવા જેવું છે.
વાસ્તવિક જીવનમાં ‘આદર્શ’ હંમેશં સાપેક્ષ હોય છે. જ્યારે કોઈ ઉદ્દેશ્ય સિધ્ધ કરવાનું નક્કી કરીએ ત્યારે તે નિર્ણય અને પઃઈથી તેને સિધ્ધ કરવા માટે જે પ્રયાસ કરીએ છે તેની રણનિતી અને અમલ પધ્ધતિ એ બધું જે તે સમય આપણને ‘આદર્શ’ લાગ્યું, માટે તેને ‘આદર્શ’ ગણીને આપણે સ્વીકાર્યું છે.
પરંતુ થોડા જ સમયમાં, એ સંદર્ભમાં થોડો પણ કૉઇ ફેરફાર થાય તો આપણે જે કંઈ વિચાર્યું કે સિદ્ધ કર્યું તેનું પરિમાણ પણ બદલી જ જવાનું.
વળી, જે મારા માટે ‘આદર્શ’ છે , તે બીજાંને માટે ‘આદર્શ’ જ હોય કે જે બીજાંઓ માટે ‘આદર્શ’ છે, તે મારા માટે ‘આદર્શ’ હોય તે જરૂરી નથી.
‘ચલતા હૈ’ની સ્થ્તિનો અંતિમ જેટલો ન ચાલે તેટલો જ ‘આ જ ચાલશે’ તેવો બીજા છેડાનો અંતિમ પણ ન ચાલે.
દરેક વ્યક્તિએ પોતાનો ઇષ્ટતમ સંતુલિત માર્ગ ખોળવો રહે છે,
અંતિમવાદ કોઈ નો પણ ફાયદાકારક ના હોઈ શકે તે વાત ૧૦૦ % સાચી આદર્શ પરિસ્થિતિ સાપેક્ષ છે તે પણ સાચું પણ તે કારણે આદર્શ પરિસ્થિતિ મેળવવા ના પ્રયત્નો ના મુકવા જોઈએ
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર
સંપૂર્ણતા આદર્શ સ્થિતિ છે. સામાન્ય વ્યવહારમાંં તેમાં બાંધછોડનો અવકાશ હોવો જોઈએ. અને તેનો-સંપૂર્ણતાનો આગ્રહ બીજા માટે રાખવો એ જુલમ છે.
અલબત્ત કેટલીક ખાસ બાબતોમાં સંપૂર્ણતા અનિવાર્ય હોય છે જ.
સંપૂર્ણતા નો આગ્રહ બીજા માટે રાખવો તે સંઘર્ષ ને આમત્રણ આપવા જેવું છે. પણ તમે કહ્યું એમ ગણી પરિસ્થિતિઓ માં આ આગ્રહ રાખવો અનિવાર્ય છે.
પ્રથીભાવ બદલ ખુબ ખુબ આભાર ,ગૌતમભાઈ !
આવી વ્યક્તિ બીજા માટે મુશ્કેલી ઉભી કરી દે છે , જો કે આ ટેવ માત્ર ને માત્ર પોતાને માટે જ હોય ત્યાં સુધી વાંધો નહિ ,, પણ બીજા પાસે થી પણ એવી જ ચીવટ ની અપેક્ષા રાખે તો ખટરાગ પેદા થાય
બીજા પાસેથી સંપૂર્ણતા નો આગ્રહ ખટરાગ ઉભો કરે તે વાત બિલકુલ સાચી પણ મુખ્ય સવાલ પણ આજ છે અને તેજ વિમાસણ છે.! કારણ કે ગણી વાર ખટરાગ થાય તો પણ આગ્રહ રાખવો જ પડે .
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર