સંસ્કૃતિની શોધમાં : ૧૫ : ખેવરા સોલ્ટ માઇન

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

ઇતિહાસ ક્યાંથી શરૂ થયો તે ઘણીવાર જરૂરી નથી હોતું, બસ આપણે તે ઇતિહાસનાં પાનાં પર ચાલીને થોડીવાર માટે તે ઇતિહાસ નો ભાગ બની જઈએ એ જરૂરી હોય છે. શેરશાહ સૂરિનાં સમયમાં થોડીવાર ચાલીને અમે એનાથી યે વધુ જૂના ઇતિહાસ તરફ કદમ માંડ્યાં ત્યારે ખબર ન હતી કે જેનાં વગર સ્વાદ બે-સ્વાદ અને બે-સ્વાદ સ્વાદ બની જાય છે તેનો ય કોઈ ઇતિહાસ હશે.

આ સ્વાદિષ્ટ ઇતિહાસનાં પાનાં અમને ખેવરા સોલ્ટ માઈન પર દોરી ગયાં. પણ શેરશાહ સૂરિ રોડથી હજુ ખાસ દૂર પણ નહોતાં ગયાં ત્યાં જ વાતાવરણમાં બદલાવ દેખાવાં લાગ્યો. અમે સવારે જ્યારે ઇસ્લામાબાદથી શરૂ કર્યું હતું ત્યારે થોડી ઠંડી હતી, પણ અમારી એ સવાર ખાસ હોઈ અમે તે તરફ વધુ ધ્યાન આપ્યું ન હતું. જ્યારે આ રોડ પર પહોંચ્યાં ત્યાં સુધીમાં થોડો તડકો આવી ગયેલો, અને જ્યારે એ વધુ જૂના ઇતિહાસ તરફ કદમ માંડ્યાં ત્યારે કાળા ડિબાંગ વાદળો છવાવાં લાગ્યાં હતાં. હજુ અમે આગળ વધીએ તે અગાઉ તો માર -માર કરતો વરસાદ તૂટી પડ્યો. આગળનો રસ્તો સખત વરસાદથી ઝાંખો દેખાઈ રહ્યો હોઈ અમે થોડીવાર હાઇવે રેસ્ટોરન્ટ પર હોલ્ટ લઇ લીધો. જ્યારે વરસાદ થોડો ઓછો થયો ત્યારે ફરી વાદળોથી આચ્છાદિત રસ્તાઓને ચીરતાં અમે અમારે માર્ગે આગળ વધવાં લાગ્યાં ત્યારે પાકિસ્તાનની ધરતીની સુંદરતા પણ જોવા મળી

જેમાં અમે લીલીછમ ધરતી, બંજર જમીં, બાવળ અને થોરથી ઘેરાયેલ જમીન, લાલ માટીવાળા પથ્થરોની ભૂમિ અને ગામડાઓ જોયાં. વાદળો આ વાતાવરણને વધુ ને વધુ માદક બનાવી રહ્યું હતું. તે જોઈ અમે પણ અધરસ્તે ગાડી રોકીને થોડીવાર માટે કુદરતની આ માદકતાને આંખોમાં ભરી જ લીધી.

આ રસ્તે આગળ વધતાં એક ખાસ બાબત નજરમાં એ આવી કે અમે અહીં નાના નાના ગામડાં અને જૂજ વસ્તી ચોક્કસ જોઈ પણ ભારતમાં જેમ આજે ગામડાંઓ શહેરોના ભાગ બની તેનું સૌંદર્ય ગુમાવી બેઠાં છે તેમ અહીં ન હતું. તેથી આ વિસ્તારોમાંથી પસાર થતાં મારી આંખ સામેથી રાજશ્રી પીકચર્સની અનેક જૂની ફિલ્મો દોડી ગઈ.

જ્યારે ગ્રીનરી અને ખેતરોનો એરિયા પૂરો થયો ત્યાર પછી થોડા ઘણાં વૃક્ષો ઓછા હોય અને દૂરથી બંજર જમીન હોય તેવો વિસ્તાર શરૂ થયો. આ વિસ્તાર શરૂ થતાં જ લાલ માટીવાળા વિસ્તારો દેખાવા લાગ્યાં. આ લાલ માટીનો અર્થ એ હતો કે સોલ્ટવાળી ભૂમિની શરૂઆત થઈ ગઈ છે. આ જમીન પર કેવળ મીઠું હોવાને કારણે કદાચ વૃક્ષો રહેતાં નહીં હોય. આ વિસ્તારમાંથી યે પસાર થતી વખતે જૂની વિસરાઈ ગયેલી કેટલીયે સંસ્કૃતિના અવશેષો અમારા ધ્યાનમાં આવ્યાં, પણ અમારી સફર હજુ લાંબી હતી તેથી અમે વધુ લાલચ ન રાખતાં ત્યાંથી ખેવરા તરફ આગળ વધી ગયાં.

આખરે અમે એ વિસ્તારમાં આવી પહોંચ્યાં જ્યાં કુદરતે પોતાનો સુંદર ખજાનો છુપાવી રાખ્યો હતો. અમે પહોંચ્યાં ત્યારે વરસાદની ધીમી ધીમી ધાર હજુયે વરસી રહી હતી, તેથી કારમાંથી ઉતરીને સીધો પહેલો આશરો અમે એક ધાબા નીચે થોડીવાર માટે લીધો. જ્યારે વરસાદ તદ્દન ઓછો થયો ત્યારે અમે સોલ્ટ કેવ્ઝ તરફ ચાલી નીકળ્યાં.

૩૨૬ વર્ષ પૂર્વેનો ઇતિહાસ:-

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઇસ્લામાબાદથી લાહોર જતાં ( ૧૬૦ કી.મી દૂર ) જેલમ જિલ્લામાં આવેલ ખેવરાની આ સોલ્ટમાઇન એ વિશ્વની બીજા નંબરની મોટી અને જૂની માઇન છે. ૧૧૦ સ્કેવર કિ.મી માં આવેલ આ માઇન “નમક કોહ” નામની પહાડી વિસ્તારમાં આવેલી છે જે વિશ્વની બીજા નંબરની મોટી અને જૂની માઇન છે. આ જગ્યાનો મૂળ ઇતિહાસ તો ૨૫૦ લાખ વર્ષ પૂર્વેથી શરૂ થયો છે પણ આ જગ્યાની શોધ સિકંદર ધ ગ્રેટનાં સૈન્ય દ્વારા ૩૨૬ વર્ષ પૂર્વે કરાયેલ. ૨૫૦ લાખ વર્ષે અહીં મહાસાગર હતો તે હિમાલયની પર્વતમાળામાં પરિવર્તિત થયો. કુદરતના આ બદલાવથી સાગરીય મીઠું તે પર્વતીય મીઠામાં ફેરવાઇ જવાથી આ નમકને સૈન્ધવ સોલ્ટને નામે ઓળખવામાં આવ્યું. જો’કે અર્વાચીન ઇતિહાસ કહે છે કે સિંધવ એ નામ હકીકતમાં સિંધ પ્રાંત પરથી આવેલું છે. એક સમયે અખંડ ભારત હતું, પણ આ પ્રાંત સિંધમાં આવેલો કહેવાતો. આજે સિંધ પ્રાંત કહેવો હોય તો તે કરાંચીને કહી શકાય પણ પંજાબ પ્રાંતને સિંધ પ્રાંત કહેવામાં નથી આવતો. જો કેવળ સોલ્ટ માઉન્ટનની વાત કરીએ તો આ સ્થળ એક સમયે હિમાલયની જ પર્વતીય માળાનો એક ભાગ હતો જે ધીરે ધીરે કરી આજના હિમાલયની પર્વતમાળાથી છૂટો પડી ગયો. પણ આ ભાગને અંગ્રેજોએએ હિમાલયનો અંતિમ છોર ગણ્યો હોવાથી આ મીઠું હિમાલિયન સોલ્ટ તરીકે ઓળખાવા લાગ્યું.

મીઠાની શોધ:-

સદીઓ અગાઉ હિંદુસ્તાન જીતવા મેસેડોનિયા/ Macedonia થી સમ્રાટ સિકંદર/ Alexander, The Great પોતાનાં હજારો સૈનિકો સાથે નીકળેલો. પણ ગ્રીસથી હિંદુસ્તાનની લાંબી સફર દરમ્યાન તેનું સૈન્ય ખૂબ થાકી ગયું. આ સમયે જ્યાંથી જેલમ નદી પસાર થતી હતી તે જગ્યામાં તેઓએ મુકામ કર્યો. આ મુકામ દરમ્યાન સમ્રાટ સિકંદરે જોયું કે તેઓનાં ઘોડા આ જગ્યાના પથ્થરો ચાટી રહ્યાં છે, પહેલાં તો તેણે આ વાત પર ધ્યાન ન આપ્યું પણ તેણે જ્યારે જોયું કે કલાકોનાં આરામ પછી યે તેનાં સૈનિકોમાં તાજગી નથી આવી પણ તેમનાં ઘોડાઓ તાજગીથી હણહણી રહ્યા છે ત્યારે તેણે તપાસ કરાવીને જાણ્યું કે અહીંની ભૂમિ સામાન્ય નથી, બલ્કે અહીંની માટીમાં ખાસ પ્રકારનાં મિનરલો હોવાથી અહીંની ભૂમિ ખારી છે. આમ આ ખારાશ ભરેલ સ્થળ (સોલ્ટ માઇન) ની શોધ થઈ. જ્યારે પાકિસ્તાની પુરાતત્વવિદોએ ખોદકામ કર્યું ત્યારે અહીંથી ૭૦૦૦ થી ૮૦૦૦ વર્ષ પૂર્વેના અવશેષો મળી આવ્યાં, જેને કારણે આ સ્થળનું ઐતિહાસિક મહત્વ વધી ગયું. પાકિસ્તાની આંકડા પ્રમાણે દર વર્ષે લગભગ એક થી દોઢ લાખ લોકો આ સ્થળની મુલાકાત લે છે. જો’કે અમે અમે આ સ્થળે પહોંચ્યાં ત્યારે આ સ્થળમાં બહુ જ જૂજ લોકો હતાં, જેથી કરીને મને એક થી દોઢ લાખનો આંકડો વધુ લાગે છે. સિવાય કે કોઈ ખાસ સિઝનમાં લોકો અહીં આવતાં હોય તો તેનો ખ્યાલ નથી. અમારી સાથે રહેલ ગાઈડ રહેમતુલ્લાજીનું કહેવું હતું દર વર્ષે લગભગ ૪૦ થી ૬૦,૦૦૦ હજાર લોકો આવે છે જેમાં મોટા ભાગનાં લોકો લોકલ હોય છે. રહેમતુલ્લાજીનો આ આંકડો મને વધુ યોગ્ય લાગ્યો.

આ માઈનમાં જવા માટે ટ્રેનનો ઉપયોગ કરાય છે. જેની ટિકિટનો દર ૧૨૦ રૂપિયા હતો. તેથી અમે પણ ટિકિટ લઈ અમે અમારા ગાઈડ રહેમતુલ્લાજી સાથે ટ્રેનમાં ગોઠવાયાં. રહેમતુલ્લાજી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, આ રેલરોડનું બોગદું ૧૯૧૬ માં બનાવવામાં આવેલું પણ રેલ અને રેલના પાટા પાછળથી મૂકવામાં આવેલ. તે અગાઉ પર્વતનાં બોગદામાં જવા માટે રેકડાનો ઉપયોગ કરાતો હતો. અમે પણ આ મિનિ રેલની યાત્રા શરૂ કરી ત્યારે બાળપણની ટોયટ્રેનની યાદ આવી ગઈ. નાનપણના મધુર દિવસોને યાદ કરતાં કરતાં અમે જેમ જેમ રેલમાં આગળ વધતાં ગયાં, તેમ તેમ અંદર તરફ ચાલતાં જતાં અમુક ટુરિસ્ટો પણ મળ્યાં, જેઓ અમને જોઈ ચિચયારી કરી ઊઠ્યાં. માઈનની અંદર જતાં એ માર્ગમાં રંગબેરંગી ઘણા બલ્બ ઝળકતા હતા, જે જોઈ અમારી નાનપણની યાદ વધુ તેજ થઈ ગઈ. આ ટ્રેનમાં બહારની સાઈડની ઓફિસથી અંદર જવા માટે ૫ થી ૬ ડબ્બાનો ઉપયોગ થાય છે, જો’કે જેને ટ્રેન ન લેવી હોય તેમને માટે અંદર ચાલવાની યે વ્યવસ્થા છે. અમારી સાથે આવેલ એક અન્ય ગ્રૂપે વિચાર્યું કે ચાલીને જઈએ, તેથી અમે જ્યારે બહાર વેઇટ કરતાં હતાં તે દરમ્યાન તેઓએ ચાલવાનું શરૂ કર્યું. લગભગ ૨૫ મિનિટ રાહ જોયા બાદ અમારી ટ્રેન આવી. જેમાં બેસી અમે માઇનમાં જવા રવાના થયાં ત્યારે તે ગ્રૂપ અમને અડધે રસ્તે મળેલું. અમે એમને પૂછ્યું કે હજી અહીં જ છો? તો કહે હા, ચાલી ચાલીને થાકી ગયાં છીએ પણ રસ્તો પૂરો જ નથી થતો. પણ અમારી ટ્રેન અધવચ્ચે રોકાય તેમ ન હતી, તેથી તેઓ પરત ગયાં.

ટ્રેનમાંથી ઉતરીને અમારા ગાઈડ રહેમતુલ્લાજી સાથે માઈનની અંદરનાં ભાગમાં પહોંચી અમે અમારી ટૂરની શરૂઆત સોલ્ટ બ્રિક્સથી શરૂ કરી. સોલ્ટ બ્રિકસથી કેવમાં અંદર જતાં અમુક રસ્તા પર નાના નાના બલ્બ લગાવેલ હતાં જેને કારણે અંધારું એટલું નડયું નહીં, પણ સોલ્ટ બ્રિક્સનો રંગ જોવા માટે અંધારામાં ટોર્ચનાં સીધા પ્રકાશની જરૂર હતી. આથી જ્યાં જરૂર લાગે ત્યાં રહેમતુલ્લાજી લાઇટ બંધ કરી દેતાં. આ રીતે બ્રિક્સ બતાવતાં રહેમતુલ્લાજી એ કહ્યું કે આ બ્રિક્સમાં ૯૫-થી ૯૮ ટકા સોડિયમ ક્લોરાઈડ છે, ૨ થી ૪ ટકામાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, કોપર, કૈડમિયમ, લિથિયમ, સિલ્વર, ટાઈટેનિયમ, સિલિકોન, જિંક, યુરેનિયમ એલ્યુમીનિયમ, કાર્બન, અને હાઈડ્રોજન રહેલ છે. આ ઉપરાંત ફ્લોરાઈડ, આયોડિનનું પ્રમાણ પણ ૦.૦૧ ટકા રહેલ છે. કેવળ આ ખનીજોને જોવાં જોઈએ તો કુલ લગભગ ૮૪ જેટલાં એવા ખનીજતત્ત્વો અહીંથી મળી આવે છે. અહીં મળી આવતાં મીઠામાં સફેદ, લાલ, બદામી અને ગુલાબી એમ ચાર પ્રકાર છે. મોટાભાગનાં લોકોનું માનવું છે કે અહીંથી મળતું મીઠું એ સિંધવ મીઠું છે, પણ રહેમતુલ્લાજીએ અમને જણાવ્યું કે સિંધવ નમકમાં બીજા રસાયણો ભેળવેલાં હોય છે જ્યારે આ નમક તે સો ટકા પ્યોર નમક છે. સિંધા નમકમાં સોડિયમ ક્લોરાઈડ સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે. જેને કારણે આ નમક સામાન્ય રીતે રંગહીન હોય છે. પણ જ્યારે સોડિયમ ક્લોરાઈડ અન્ય ખનીજ તત્ત્વો સાથે મળી જાય છે ત્યારે આ નમક આછો બ્લૂ, ઘાટો બ્લૂ, કાળાશ પડતો, લીલો, જાંબલી, ગુલાબી, પીળો, કેસરી, ભૂરો એમ વિવિધ રંગોની છાયા પકડી લે છે. એક સમય હતો જ્યારે આ વિવિધ રંગોની ઝાંયવાળો સિંધવ સોલ્ટ ખૈબર પશ્તુનખ્વા ( પેશાવર બાજુથી ) આવતું હતું. હવે એવું નથી રહ્યું. પણ તેમ છતાં યે આ પેશાવર પ્રાંતમાં હજુ સિંધવ સોલ્ટનો દરજ્જો હજુ બકરાર છે. (મેં પેશાવરની ટૂર દરમ્યાન ત્યાંની માર્કેટમાં કથ્થાઇ અને જેડગ્રીન કલરના સિંધવ સોલ્ટનાં ટુકડાઓ જોયેલા.)

ટોર્ચની લાઇટમાં ઝળકતી સોલ્ટ બ્રિક્સ

આગળ ફરતાં ફરતાં અમે જાણ્યું કે સદીઓથી આ જગ્યામાંથી સોલ્ટ કાઢવામાં આવી રહ્યું છે પણ તેમ છતાં યે આ સોલ્ટની માત્રા ઓછી નથી થઈ. જો આજની દૃષ્ટિએ ગણતરી કરવામાં આવે તો હજુ લગભગ ૨૨ કરોડ ટન સોલ્ટ આ માઈનમાં છે. જેમાંથી દર વર્ષે ૪.૬૭ લાખ ટન સોલ્ટ અહીંથી કાઢવામાં આવે છે એટ્લે કે હજુ યે ૫૦૦ વર્ષ ચાલે તેટલું નમક ત્યાં રહેલું છે. મુઘલ સામ્રાજ્ય દરમ્યાન આ નમકને “લાહૌરી નમક”ને નામે ઓળખવામાં આવતું હતું, કારણ કે લાહોર પાસે આવેલ આ સ્થળેથી નમક લાવી વ્યાપારિક રૂપથી ભારતમાં ખાસ કરીને ઉત્તરીય પ્રાંતમાં વેચવામાં આવતું હતું. અહીંથી આગળ વધતાં અમે ઘણી જ સોલ્ટ કેવ્ઝ જોઈ. આ કેવ્ઝની ખાસિયત એ છે કે અહીંથી દરેક વિસ્તારોમાં ૫૦ ટકા ખોદકામ કરવામાં આવે છે ત્યારે આજુબાજુનો ૫૦ ટકા વિસ્તાર છોડી દેવામાં આવે છે. આ ખાસિયતથી ખાણની અંદર જ વિવિધ ખંડો તૈયાર થયાં છે જે ખાણનાં મુખ્ય ઢાંચાને સહારો આપી રહેલ છે. અગર ઉપર નીચેના ખંડો ગણવામાં આવે તો લગભગ ૨૩ માળ તો જમીનની અંદર બનેલાં છે. જ્યારે સુરંગની વાત કરીએ તો તે પહાડોની અંદર ૨૪૦૦ ફૂટ અને ૭૩૦ મીટર સુધી પહોંચી ગઈ છે. એમાં યે સુરંગની લંબાઈની જ વાત કરવામાં આવે તો ઉપર નીચે ૪૦ કી.મી સુધીનો રસ્તો ખોદવામાં આવેલ છે. જેમ જેમ કેવ્ઝમાં આગળ વધતાં જઈએ તેમ તેમ નમકમાંથી બનાવેલ વિવિધ સ્થાપત્ય કલા નજર આવે છે. પ્રથમ છે ૩૫૦ ફૂટ ઊંચા સભા કક્ષમાં ૩૦૦ નમકનાં પગથિયાં છે, આ પગથિયાંથી આગળ વધતાં પહોંચાય છે પુલ ઉપર. જમીનની નીચે રહેલ ખંડમાં મોટા ભાગે ખારા પાણીનાં તળાવ ભરેલાં છે. અહીં આ પાણીથી ભરેલાં ખંડોમાં એક ખંડ મુઘલ સમયનો પણ છે. રહેમતુલ્લાજીનું કહેવું હતું કે આ ખંડનાં નમકનો વ્યાપાર અકબર બાદશાહનાં રૂકૈયા બેગમ દ્વારા શરૂ થયેલો જેને તેણે “લાહોરી નમક” નામ આપેલું. રૂકૈયા બેગમનાં ગુલામોએ કરકરા, બારીક અને ટુકડા રૂપે આ નમક કાઢવાનું શરૂ કરેલું ત્યારે ટુકડાઓમાંથી હસ્તકલાનાં કેટલાક નમૂનાઓ બનાવવાંમાં આવેલાં અને બાદમાં મુઘલ દરબારમાં પેશ કરેલ. ત્યારથી આજ સુધી અહીં હસ્તકલાનાં અનેક નમૂનાઓ લોકલ લોકો બનાવે છે.

સોલ્ટ વોટર રૂમ

સોલ્ટ વોટર રૂમ્સમાં ભરાયેલ પાણી જોઈ અમને લાગતું હતું કે બહુ ઊંડું છે, આથી પૂછતાં રહેમતુલ્લાજીએ કહ્યું કે; પાની કી ગહેરાઈ કાફી હૈ, ઇસી લિયે કોઈ અગર ગીર જાયે તો વહાં પે હમને સીઢીયાં બનાઈ હૈ, વૈસે ઇસમેં કોઈ ડૂબ નહીં શકતાં ક્યુંકી નમક ઉસે ડૂબને નહીં દેતી…. વોહ સીઢીયાં ચઢકર ઉપર આ શકતા હૈ.” આગળ વધતાં અમે માર્બલ જેવી લીસી ગુફા જોઈ. આ વિષે પૂછતાં જાણવાં મળ્યું કે વિઝિટરો અને ખાણીયાઓ આવતાં જતાં આ દીવાલને ચાટતાં જતાં તેથી ધીરેધીરે કરીને ખરબચડો ભાગ લીસો બની ગયો.

અહીંથી આગળ વધતાં અમે બાદશાહી સોલ્ટ મસ્જિદ પાસે પહોંચ્યાં. ૩૦૦૦ વર્ગ ફૂટની આ મસ્જિદ ૫૦ વર્ષે તૈયાર થઈ હતી. અહીં અમે પહોંચ્યાં ત્યારે ૨-૩ જણાં નમાઝ પઢી રહ્યાં હતાં.

મસ્જિદમાંની ઈંટમાં મૂકેલ લાઇટથી મસ્જિદ અને આસપાસનો એરિયા બહુ સુંદર લાગી રહ્યો હતો. એમાંયે મસ્જિદનાં મિનારની શોભા તો અતુલ્ય હતી.

અહીંથી આગળ વધતાં ચીનની દીવાલનો અને લાહોરનાં મીનાર-એ -પાકિસ્તાનનો મિનિ નમૂનો જોવામાં આવ્યો. આ ભાગ પાસે લગાવેલી લાઇટિંગથી આગળની કેવ્ઝની શોભા સુંદર હતી. અમે અહીં પહોંચ્યાં ત્યારે સોલ્ટ હોસ્પિટલ બની રહી હતી. ગાઈડનું કહેવું હતું કે કેવળ સોલ્ટમાં બેસી રહેવા માત્રથી દમ-અસ્થમાનાં રોગીઓને સારું થઈ જાય છે. આ ઉપરાંત સોલ્ટ રહેલ ખનીજ તત્ત્વો ચર્મરોગ માટે, બ્લડ પ્રેશર સુજન, પાચન, ઓબેસિટી વગેરે સંબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત આપનારા છે.

અહીંથી આગળ વધતાં અમે એક એવાં ભાગ પર પહોંચ્યાં જેણે અમને વર્જિનીયામાં રહેલ લ્યુરે કેવ્ઝની યાદ દેવડાવી દીધી. કુદરતે બનાવેલ મીઠાની અનેક ટેકરીઓ અહીંથી નીચે આવતી હતી અથવા નીચેથી ઉપર જતી હતી. આ જગ્યાએ કરેલી ઇંદ્રધનુષી લાઇટ આ જગ્યાને અત્યંત સુંદર બનાવી રહ્યાં હતાં.

અહીંનું વાતાવરણ એટલું મોહક હતું કે અમે આ અહીં ઘણીવાર સુધી ખોવાઈ ગયાં પણ અંતે અમારી ટૂર આગળ વધારવાની હતી તેથી અમારી સાથે રહેલ મિત્રો અમને એ મોહક વાતાવરણમાંથી બહાર ખેંચીને લઈ ગયાં. અમને ખોવાયેલ જોઈ રહેમતુલ્લાજીએ છતમાં રહેલ એક મીઠાનો ટુકડો તોડી મારા હાથમાં મૂક્યો. તે જોઈ બે -પળ એક બાળકની જેમ મારું મો ખીલી ઉઠ્યું, પણ પછી નવાઈ જોઈ રહી.

મીઠાની દીવાલો

કુદરતને જે રૂપ બનાવતાં યુગો વિત્યાં હતા તે રૂપને રહેમતુલ્લાજીએ તેનાં રૂટથી છૂટો કરી નાખ્યો હતો. આ સમયે કદાચ મારા મનોભાવને રહેમતુલ્લાજી જાણી ગયાં હતા તેથી મને કહે; બીબીજી આપ ફ્રિક્ર ના કરે કુદરત વાપસ અપને આપકો જોડ લેગી. આમ કહી તે અંદરની કેવ્ઝ તરફ ગયો અને થોડીવારમાં એક પોલિશ કરાયેલ સોલ્ટ બ્રિકસ અને એક રો પીસ લઈ આવી મારા હાથમાં મૂકી દીધા.

કુદરતે બનાવેલ મીઠાનો નેચરલ બ્રિજ અને સોલ્ટ લેક
સોલ્ટ પથ્થર તોડી ફેંકવા માટે બનાવવામાં આવેલી સ્લાઇડ
કેવ્ઝમાંથી બહાર નીકળતાં.

અહીં સારો એવો સમય વિતાવ્યા પછી અમે ફરી ટ્રેનમાં બેસી કેવ્ઝની બહાર નીકળ્યાં ત્યારે વરસાદ હજુ વરસી રહ્યો હતો જેને કારણે વાતાવરણમાં ખાસ્સી ઠંડી હતી. આ ઠંડીથી અને વરસાદથી બચવા ઠૂં….ઠૂં કરતાં અમે બે પળ માટે ફરી કેવ્ઝમાં પાછા ફરવા વિચારવા લાગ્યાં કારણ કે આ સોલ્ટ કેવ્ઝ એક જ ટેમ્પરેચરને પકડીને બેઠું હતું જેથી અંદર અમને ન ઠંડી લાગતી હતી, ન ગરમી લાગતી હતી. પણ અમારા એ વિચારને સ્તંભ મળે તે અગાઉ અમારા ડ્રાઇવર યુનુસજીએ કહ્યું કે અબ લાહોર કી ઔર ચલે ? અબ તો ભૂખ ભી લાગી હે કુછ ખાના ભી પડેગા. તેમની વાત સાંભળી અત્યાર સુધી ભૂખ -તરસ ભૂલી ગયેલાં એવાં અમને સૌને અચાનક ભૂખ લાગી ગઈ તેથી અમે સૌ પાર્કિંગ તરફ ચાલી નીકળ્યાં.


©૨૦૧૭ પૂર્વી મોદી મલકાણ.યુ.એસ.એ  | purvimalkan@yahoo.com

4 comments for “સંસ્કૃતિની શોધમાં : ૧૫ : ખેવરા સોલ્ટ માઇન

 1. Mina
  August 13, 2019 at 4:49 am

  Wonderful, apsolutly wonderful. No words Purvi Ben

 2. Samir
  August 13, 2019 at 1:37 pm

  સામાન્ય રીતે પાકિસ્તાન નું વર્ણન બે પ્રકાર ની વ્યક્તિઓ પાસે થી સાભળવા મળે છે.એક તો રાજકીય વ્યક્તિઓ પાસે થી અને બીજા કોઈ લેખક કે કવિ ત્યાં ગયો હોય ત્યારે (દા..ત.ચંદ્રકાંત બક્ષી ).હું પહેલી વાર એક ખુબ અનુભવી પ્રવાસી પાસે થી પાકિસ્તાન નું વર્ણન વાંચી રહ્યો છું.
  ખુબ આભાર પૂર્વીબેન !

  • purvi
   August 27, 2019 at 4:07 am

   સમીરભાઈ, પાકિસ્તાન જોયા પછી તેનું લેખન કરવા બેઠી ત્યારે મારી એ સ્થિતિ કશીક આપ જેવી જ હતી. હું મારા જ શબ્દો દ્વારા ફરી એજ સમયને જીવતી હતી જે સમયમાંથી નીકળી હતી. બીજી વાત એ કે; શ્રી બક્ષી સાહેબની પાકિસ્તાનની સફર વિષે ઘણું જ સાંભળેલું તેથી તેમની એ બૂક ખાસ મંગાવીને તેનું વાંચન કરેલું, પણ સાચું કહું તો મને તદ્દન નિરાશા થયેલી. તેમાં આપે તેના મિત્રો વિષે લખેલું, પણ એક પ્રવાસન દૃષ્ટિ છૂટી ગઇ હોય તેમ મને લાગેલું. .

 3. Bharti
  August 25, 2019 at 5:44 pm

  Maja, padi gai. Purviben Jo tame AA pravas mala likhi n hot to Pakistan ni AA Sundar jagya jova ni chokkas rahi gai hot.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *