લ્યો. આ ચીંધી આંગળી : એક કલ્પનારંગી સત્યકથા – મેરા બચ્ચા…(૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

મજાકમાં કહેવાતું પણ મજાકની પાછળ કાંઇક સચ્ચાઇ હતી.1940ના એ દાયકાની સચ્ચાઇ એ હતી કે ડૉ. મિસ બોન્ડ ભારતીય નહોતાં, આયર્લેંડનાં આયરીશ સન્નારી હતાં અને એમને હાથે જેતપુરની મોટા ભાગની પ્રસુતાઓની સુવાવડ થતી હતી. કોઇ પણ બાળકના જન્મની સાથે એ અચૂક બોલતાં : ‘મેરા બચ્ચા વાપસ આ ગયા. વેલ્કમ માય ચાઇલ્ડ ટૂ ધીસ ગૂડ અર્થ’ ( આ રળિયામણી પૃથ્વી પર તારું સ્વાગત હો). પછી જ્યારે જ્યારે એ બાળકની જનેતાની સાથે વાત કરતાં ત્યારે બાળકનો ઉલ્લેખ ‘મેરા બચ્ચા’ તરીકે જ કરતાં: ‘મેરે બચ્ચે કો બરાબરસે દૂધ પીલાઓ. ઉસકો સાફ સુથરા રખો વર્ના ઉસકો બિમારી લગ સકતી હૈ.ક્યા સમજી ?’ ક્યારેક તો કોઇ કંગાળ પરિવારની ઓરતની છાતીમાં ધાવણ ના આવતું તો પોતાની મદદનીશ દયાબહેન તરફ જોઇને બબડતાં, ‘ઉફ..ક્યા કરું? અગર મેરી છાતીમેં દૂધ આતા તો મૈં પિલાતી. ઉફ…ઉફ…!’

એટલે લોકો મજાકમાં કહેતા: ‘અડધું જેતપુર ઇંડો-આયરીશ છે.’ હા, મજાકમાં દૂધમલ સચ્ચાઇ હતી.

જેતપુરમાં બે પાત્રો રહસ્યમય હતા. એક પનાપ્પા ટીચર અને બીજાં આ મિસ બોન્ડ .

(પનાપ્પા ટીચર)

પનાપ્પા ટીચર એ વખતના ભારતના સર સેનાપતિ જનરલ કરિઆપ્પાના સગ્ગા ભત્રીજા થતા હતા. છેક દક્ષિણથી આવીને અહિં જેતપુર જેવા ગામમાં અપરિણિત એકલવાયા શા માટે રહેતા હતા તેની કોઇને ખબર નહોતી. પણ ખેર, ગમે તેમ એ ભારતીય તો હતા! પણ આ મિસ બોન્ડ ? એ લેડી ડૉક્ટર યુવાવસ્થાથી છેક આયર્લેંડથી આવીને અહિં કાઠીયાવાડના જેતપુરની સર આદમજી હાજી દાઉદ હૉસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફીસર તરીકે શી રીતે ગોઠવાઇ ગયાં હતાં? અને કેટલા બધા લાંબા સમયથી ? એટલા બધા લાંબા સમયથી કે અડધું જેતપુર એમને હાથે જન્મ્યું કહેવાતું હોય ! હા ,એમણે પહેરવેશમાં કોઇ પરિવર્તન નહોતું કર્યું. રંગ સફેદ, પણ ડ્રેસ તો યુરોપિઅન લેડીનો જ. પગમાં સફેદ જૂતાંની નીચે સફેદ મોજાં. આછા કાળા બોબ્ડ વાળ અને એમાં વચ્ચે વચ્ચે આછા સફેદ વાળની થોડી સેર. આ આખી હસ્તિ ધીમી ઠંડી શીળી આભા પ્રસરાવે. સાવ ઓછાબોલાં અને ગંભીર, ચશ્મામાંથી તેમની આંખોનો રંગ સહેજ લાલ ઝાંયવાળો વરતાય, ક્યારેક એમ લાગે કે રડ્યા પછી આંખો એટલી બધી લૂછી હશે કે આંખોમાં રતાશ ધસી આવી હશે અને પછી ચશ્મા ચડાવી લીધાં હશે.પછી એમ વિચાર પણ આવે કે એમને વળી રાજી થવાનો એક જ પ્રસંગ તે ‘મેરા બચ્ચા’ને પૃથ્વી પર આવકારવાનો જે તો રોજે રોજ ઉજવાયા કરે તો પછી રડવાનું શું? ભાગ્યે જ એમના હાથે અવતરેલું કોઇ બચ્ચું તત્કાલ એમની નજર સામે જ વિદાય થયું હશે.

(મિસ એમ ઈ બૉન્‍ડ)

તો પછી રડવાનું બીજા કોના માટે ? મદદનીશ આયા દયાબહેન સિવાય કોઇ કરતા કોઇ કંપની નહિં, કોઇ પાર્ટી-મેળાવડામાં જવાનું નહિં. મેડિકલ વિઝિટ સિવાય કોઇને ઘેર ક્યારેય નહિં. બહારગામ? નહિ, નહિ અને નહિં જ. એ જમાનામાં આટલી મેડિકલ કોન્ફરન્સો જ ક્યાં હતી ? એમના કાનને દર્દીબાઇઓ અને એમના સગાવહાલાઓ ઉપરાંત એક માત્ર દયાબેન અને સ્ટેથોસ્કોપના ધબકારા સિવાય કોઇનો અવાજ માફક નહિં આવતો હોય એમ જ માનવું ને ?

પણ ના, ના, અપવાદ થયો. પોષ મહિનાની ઠંડીગાર હીમ જેવી કાતિલ પરોઢ અને એમાં ય બરછી જેવા પવનના સૂસવાટા.અજવાસ થવાને હજુ થોડી વાર. જેટલી પહોળી એથી ઓગણીસ ગણી લાંબી હારબંધ કમરાઓની વિશાળ લીલાછમ્મ ઘાસ અને વૃક્ષવેલીઓથી ભરેલા ચોગાનવાળી હોસ્પિટલ. એની સામેના ભાગે ગલોફે હાથ દઇને બૂમ પાડો તો સંભળાય તેટલે છેટે ડૉ.. મિસ બોન્ડના નાનકડા ક્વાર્ટરની બારીઓના લીલા પરદાની પાછળથી પીળી બત્તીનો ધીમો પ્રકાશ હજુ આ મિનિટે જ ચળાઇને બહાર આવ્યો. એમ લાગે કે પરદાની પછવાડે જ એકાદો ટેબલલેમ્પ હોવો જોઇએ, જેની આડે પણ અર્ધપારદર્શક લેમ્પશેડ હશે. નહિં તો પ્રકાશ તેજ મટીને લીલરંગી આછેરો અંજવાસ ન બની જાય.

બે જ મિનિટ પહેલાં ચોકીદાર વાઘજીએ બૂમ પાડી અને ત્રીજી મિનિટે મિસ બોન્ડ બહાર નીકળ્યાં અને ઉતાવળી ચાલે હોસ્પિટલ ભણી ચાલ્યાં. પાછળ પાછળ પડછાયાની જેમ દયાબેન. વાઘજીની આ બૂમ એટલે કોઇ નવા જીવના આગમનની છડીનો પોકાર અને કોઇ બાઇને લેવા આવેલા યમદૂતને પાછો હડસેલી કાઢવાનો પડકાર. બીજી જ પળે એ હોસ્પિટલમાં પ્રવેશ્યાં અને થોડા ભેગા થઇ ગયેલા બીજી પ્રસૂતાઓના બરદાસીઓના ગણગણાટ વચ્ચેથી પસાર થઇને પરસાળમાં પેટે કાચની લાલ બંગડીઓવાળો હાથ ફેરવતી અને માથું આમતેમ કરી કરીને ઉંહકારા કરતી જુવાનડી પાસે પહોંચી ગયાં. ઉભડક બેસી ગયાં અને એને કપાળે હાથ મૂક્યો અને નાડી પર આંગળીઓ મૂકી. પામી ગયાં કે પળ પળનો ખેલ છે. એ પણ પૂછવાની જરૂર નહિં કે સાથે કોણ આવ્યું છે. એમની નજર ઉંચી થઇ અને એમાંથી ફેંકાતા આદેશનો અમલ થયો. બીજી મિનિટે બાઇ લેબર રૂમમાં!

થોડી જ વારમાં બહાર ઉભેલાં સૌએ એક બાળકના પહેલા રડવાનો સ્વર સાંભળ્યો. એ વખતે તો એર-કંડીશન્ડ લેબર રૂમ ક્યાં હતા ? મિસ બોન્ડનો ઝીણો સ્વર સંભળાયો. ‘મેરા એક ઔર બચ્ચા વાપસ આ ગયા. વેલ્કમ માય બોય ટુ ધિસ ગૂડ અર્થ.’ ફરી બાળકનું રુદન. કદાચ દયાબેને એને એક હાથે ઉંધો લટકાવ્યો હશે. ફરી મિસ બોન્ડનો હુંફાળી રજાઇની પોલમાંથી આવતો હોય એવો ધીમો અવાજ, ‘ક્યા હોતા હૈ, બેટી ? અરે સબ બરાબર હૈ. ભગવાન પે ભરોસા રખના, ક્યા સમજી ? ઉસને કૈસા બ્યુટિફુલ પરશાદ તેરી ગોદમેં ડાલા હૈ. હેં? અરે, ઉસકા બાપ દેખેગા તો વો ભી ખુશીસે પાગલ હો જાયેગા. નહિં?

બહાર આટલું સંભળાતાવેંત એકઠા થયેલા લોકોએ નજરને બારણા ભણીથી પાછી વાળીને પોતાની આજુબાજુના તમામ પુરુષો ઉપર ટૉર્ચના છૂપા શેરડાની જેમ ફેરવી. અરે, કેમ કોઇ જણ હરખાઇને આગળ આવતો નથી ? કેમ કોઇની આંખોમાં પોરસનો ચમકારો નથી ?કેમ કોઇનું મોં લાપસી ખાતું નથી?

(સર આદમજી હાજી દાઉદ હોસ્પિટલ)

એ જ ક્ષણે દયાબેને બારણું અધખુલ્લું કર્યું. બહાર આવ્યાં. પૂછ્યું, ‘આનો ઘરવાળો ક્યાં છે ?’ પછી એક ક્ષણ.. પછી બીજી ક્ષણ..ઓ કે,સમજાઇ ગયું. બાઇ તો ક્યારેય કહેવાની નથી પણ પણ….તો એની સાથે કોણ આવ્યું છે ?

નાનકડું ટોળું વિખેરાઇ ગયું. ત્રણ આયાઓ અને બે વૉર્ડબૉય દયાબેનની નજીક આવ્યા. એ નજીક આવ્યા કારણ કે એમની પાસે જે જવાબ હતો તે તેમની નિરૂત્તરીમાં જ પડ્યો હતો. અને આંખોમાં ય વરતાતો હતો.

દયાબહેન અંદર પાછા ગયાં. બારણા હવે ખૂલી ગયાં હતાં. હવે મિસ બોન્ડનો અવાજ સ્પષ્ટ સંભાળાયો, બાળકને જણનારીને ઉદ્દેશીને એ કહેતાં હતાં : ‘નો પ્રોબ્લેમ. બેટી તેરી હાથ થામ કે વો ડરપોક તુઝે યહાં નહિં લાયા તો ક્યા? લેકીન, અબ તેરી ઉંગલી પકડ કર ચલનેવાલા આ ગયા હૈ. યે તેરી ઉંગલી અબ કભી નહિં છોડેગા. ઉસકે બાપકી તુઝે ઔર ઉસે જરૂરત ભી ક્યા?’

**** **** ****

ફરી બીજા દિવસની એવી જ ઠંડી સૂસવતી પરોઢ. ફરી બારીના ઘેરા લીલા પડદાની પાછળથી આવતો સ્વિચનો ‘પટ્ટ’ અવાજ અને તત્ક્ષણ ચળાઇને બહાર આવતો ધીમો લીલરંગી અંજવાસ. કાલે તો પ્રેયરનો સમય નહોતો રહ્યો, પણ આજે છે. પછી લીલા ઘાસછવાયા ચોગાનમાં વૉકમાં જવાનું. પછી…

પણ ત્યાં જ ઠંડા વાતાવરણને ભેદીને આવી વાઘજીની બૂમ ! ‘મેમસાબ…’

નક્કી ફરી કોઇ ઇમરજન્સી…ઓ ગૉડ ! દરરોજ નવા જીવના આગમનની છડીનો પોકાર આ રીતે સાંભળવાનો ?

ઉતાવળી ચાલે ક્વાર્ટરની બહાર અને પાછળ જ પડછાયાની જેમ દયાબહેન. પહોંચીને જોયું તો આજે ય હોસ્પિટલમાં રાતવાસો રહેલાઓનું નાનકડું ટોળું જમા થયું હતું. પણ વચ્ચે કોઇ દર્દી જનાના(સ્રી) ક્યાં? અહીં તો કોઇ જ નહોતું. લોકો જેની ફરતે કુંડાળું વળીને ઉભા હતા એ તો હતું ગઇ કાલે આ ટાણે જન્મેલું ‘મેરા બચ્ચા !’ મેમસાહેબે સાવ નજીક જઇને જોયું. બાળકનું પેટ તાજું જ ભરાવેલું હશે એટલે ઘુઘવાટા કરતું હતું પણ ..પણ એનું પડખું ખાલી કેમ હતું ? ક્યાં ગઇ એની મા ?

‘રાત માથે લઇને ચાલી નીકળી…’આવા શબ્દો કોઇ બોલ્યું નહોતું પણ વાતાવરણમાં પ્રસરેલા હતા. મનમાં ઉદભવે તે જ સાચા શબ્દો. બાકી બોલાય તે જ શબ્દો, લખાય,છપાય કે ગવાય તે જ શબ્દો સાચા, એવું નથી. લેડી ડૉ.ક્ટર મિસ બોન્ડને એ પળે લાગ્યું. વાતાવરણમાં છવાઇ રહે ને હૃદયમાં ઉતરી જાય તેવા અવ્યક્ત શબ્દો પણ હોય.

જેની આંગળી પકડવાની અને પકડી રાખવાની ગઇ કાલે સવારે આ ટાણે જ વાત થઇ હતી એ તો છેલ્લી વારનું ધવડાવીને અને પછી છાતી તો શું આંગળી પણ વિછોડાવીને ચાલી નીકળી હતી.

‘પોલિસને ઇનફોર્મ કરી દઇશું ?’ દયાબહેને કહ્યું ત્યાં સુધીમાં તો મેમ ‘બચ્ચા’ને બન્ને હથેળીઓથી હળવેકથી ઉંચકીને પોતાની કોણીના વળાંક સુધી લાવી ચૂક્યાં હતાં. ‘બચ્ચા’નું ટચુકડું શરીર મેમની છાતી સાથે ચંપાઇ રહ્યું હતું.

‘પોલિસને….’ ફરી દયાબેન બોલવા જતાં હતાં પણ મેમની નજરને પામી જઇને આગળ ના બોલ્યાં. એમણે આજુબાજુ નજર ફેરવી. ટોળું વિખેરાઇ ગયું.

મેમે પછી બાળકને ખભાને ટેકે લીધું. દયાબેને એને તેડી લેવા માટે હાથ લંબાવ્યા. પણ એ ન બન્યું. મેમસાહેબે એને ન આપ્યું. બચ્ચાને લઇને ખુદ પોતાના ક્વાર્ટર ભણી ચાલ્યાં. પાછળ પાછળ દયાબેન.

આઝાદી પહેલાંનો એ કાળ હતો. રજવાડાના પોલિસની એમાં કાંઇ દરમિયાનગીરી ના નડી. ના બીજા કોઇએ પણ તપાસ કરી. સૂરજ ઉગ્યો હતો એમ આથમી પણ ગયો. પણ આથમતાં પહેલાં આવનારા દિવસો માટે એણે ઘણું બધું ઉમેરી દીધું. શીશુનું ઉંવા ઉંવા, લાકડાનું એક સંઘેડાઉતાર રંગીન ઘોડીયું, ઉપર લટકતી લાકડાના લીલા મેના-પોપટની જોડ, આછી ગુલાબી ઝીણી જાળીની મચ્છરદાની, બકરીના દૂધની બોઘરણી ભરીને આવતા મતવા (બકરીપાલક મુસ્લીમ જાતિ)નો પદરવ, ધોરાજી દરવાજેથી મૂળદાસ આત્મારામ ગાંધીને ત્યાંથી આવતી કડવાણીની કડવી ગંધ. બાળકને કૂણા કૂણા પગે માલીશ કરવા આવતી આબા-ઇજારવાળી અને અતિ ઝીણા સ્વરવાળી મરિયમ અને દયાબેન જોતજોતામાં ‘દયામાસી’ બની ગયાં, અરે ખુદ મેમ એમને ‘મૌસી’ કહીને બોલાવવા માંડ્યા ને ! આટલો મોટો અવતારપલટો ! એક વેંત એકના જીવ થકી ! મેમના ભુખરા થવા આવેલા માથાના વાળ પાછા ચમકવા કેમ માંડ્યા? પચાસ વર્ષને બદલે પાંત્રીસના કેમ લાગવા માંડ્યા? કાન એવા તે કેવા અચાનક સરવા થઇ ગયા કે અધરાતે-મધરાતે પડખામાં સુવાડેલા ‘મેરા બચ્ચા’ના જરા સરખા સળવળાટથી ઝબકી જવાય છે !

**** **** ****

‘મોંઘીબહન’, એક દહાડો મેમે પોતાની બહેનપણી જેવાં થઇ ગયેલાં એક ગરવાં સન્નારીને પૂછી જોયું, ‘મોંઘીબહન, તેરે લડકેકા નામ ક્યા હૈ? જો કભી કભી તુમ યહાં સાથ લે કે આતી હો?’

મોંઘીબહેને અત્યારે પણ થોડે દૂર નજર રમતા પોતાના છ વર્ષના છોકરા ભણી નજર દોડાવી કહ્યું: ‘ભગવાનજી.’ પછી વળી ચહેરા પર જરી મરકાટ લાવીને બોલ્યાં, ‘અમારે એને દાકતર બનાવવો છે. દાક્તર ભગવાનજી!’

“તો મેરે બચ્ચેકા ભી કોઇ અચ્છાસા નામ બતાઓ. કોઇ કાઠીયાવાડી મરદ કા નામ.”

“અરે મેમ”, મોંઘીબહેને પૂછ્યું: “કાઠીયાવાડી શું કરવા ?”

મેમે જમીન પર નજર ખોડી. અવાજ જરી ધીમો પડી ગયો. કહ્યું: “ઉસકી મા કાઠીયાવાડી થી ના!”

“ના રે ના,મેમ! કોણે કીધું ?” મોંઘીબેને મીઠી નજરે એ બાળક તરફ જોઇને કહ્યું; “ઉસકી મા તો તમે છો. હર વખત બોલતાં હો છો કે ‘મેરા બચ્ચા’,’મેરા બચ્ચા’. અરે, તમે તો યે ભી બોલતાં હો છો કે મેરા બચ્ચા વાપિસ આ ગયા, મતલબ કે કભી ખોવાઇ ગ્યા’ હોગા, અબ ફરી મળી ગ્યા. નઇં? ખોવાઇ ગ્યા’તા ને ?”

એ એક સવાલે એ ઘડીએ એક હચમચાવી નાખતો મહાવંટોળ એ સ્ત્રીની જાતની ભીતર સર્જી દીધો. એક પલકમાં જેતપુરની ધરતી ઉપરથી કોઇ અદૃશ્ય હાથોથી ઉંચે ઉંચકાઈને એ વતન આયર્લેંડની ધરતી પર પાછા ફેંકાઇ ગયાં. કોલેજના એ મસ્તીભર્યા રંગીન દિવસો ફરી એમની ચોતરફ વિંટળાઇ વળ્યા. કેટલુ બધું…..અરે કેટલું બધું, કેટલું બધું સુખ પામી શકાયું હતું એ સોનેરી દિવસોમાં અને પછી એક ભૂલ અને પછી કેટલું બધું મજબૂરીથી એક ઝાટકે ખોવું પણ પડ્યું હતું. મન ઉઠી ગયું. લોહી નિંગળતી ઘાયલ પાંખો ફફડાવીને દેશ છોડીને ઉડી જવાનો તરફડાટ પેદા થઇ ગયો. અને પછી નિયતીએ ઉંચકીને ક્યાં રોપી દીધાં? જેતપુર..કાઠીયાવાડનું એક નાનું સરખું ટાઉન અને તેમાં શેઠ આદમજી હાજી દાઉદ હોસ્પિટલ. પછીના પચ્ચીસ વર્ષોમાં તો જેતપુર રગેરગમાં ઉતરી ગયું. આયર્લેંડ કદી યાદ આવતું તો માત્ર છાતીના એક સણકાની જેમ. પણ પછી પોતાના હાથે જન્મતા એકે એકે નવજાતને ‘મેરા બચ્ચા વાપસ આ ગયા’ કહીને એ સણકાને શમાવવાની સુંવાળી તદબીર પણ પેદા કરી લીધી.

“ નામ તો મેમસાહેબ, આપ અપને મુલક કા હી રાખો. તમને ગમતું હોય એવું કોઇ બી નામ…”

આકાશમાં જાણે કે એ ક્ષણે અંધારું ફાડીને એક વિદ્યુતરેખા ચમકી. હૃદયમાંથી ઉછળીને એક નામ હોઠે આવ્યું એ એક એવું નામ હતું કે જે દાયકાઓથી હૃદયના સાતમા પાતાળમાં ધરબાઇ રહેલું હતું. તે નામ જ આ ચંપાયેલી સુરંગથી ચોતરફ ઉડેલા વેરવિખેર અવશેષોમાંથી એકાએક બહાર આવ્યું અને તે એમણે ફૂલની જેમ ફરી ઝીલી લીધું..‘કેનેટ, કેનેટ બોય..’

“સરસ મઝાનું છે.” મોંઘીબેન બોલ્યાં. “ઝટ જીભે ચડે એવું છે. તમારા કોઇ સગાવહાલાનું હશે,નંઇ ?”

“નહિં!” મેમ બોલ્યાં. “મેરા સગેવહાલા કોઇ નહિં, કોઇ નહિં. બસ, યું હી…” બોલ્યાં ને તરત કેનેટ તરફ ફર્યાં, જે નીચે પાથરેલી મખમલની ગોદડી પર હાથ-પગ ઉછાળતો હતો. કેનેટને તેડીને ફરી છાતીએ ચાંપ્યો અને માત્ર પોતાને જ સંભળાય એવા સ્વરે આંખો બંધ કરીને ગણગણ્યાં, “કેનેટ, માય કેનેટ, માય કેનેટ…”

કેમ નહિં? પછી તો નામકરણનો ધાર્મિક વિધિ પણ કર્યો. ‘માસ્ટર કેનેટ બૉન્ડ..’ સર્ટિફિકેટ પણ કઢાવ્યું. પિતાનું નામ? પિતાનું નામ ઇશ્વર, ઇશ્વર સર્વશક્તિમાન. યસ, નામ ‘કેનેટ ઑલમાઇટી બોન્ડ.’

આ સાલ હતી 1946ની.


(વધુ આવતા સપ્તાહે)


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો +9195580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

16 comments for “લ્યો. આ ચીંધી આંગળી : એક કલ્પનારંગી સત્યકથા – મેરા બચ્ચા…(૧)

 1. અશ્વિન ઓઝા
  August 12, 2019 at 1:28 pm

  અદભૂત

 2. Piyush
  August 12, 2019 at 1:34 pm

  બરાબર ધાર ઉપર લાવીને હાથ મૂકી દીધો! હવે તો આવતા સોમવાર ઉપર વાત ગઈ. મૂળ કથાનક તમારી આગવી શૈલીને કારણે વધારે રોચક બની રહે છે.

  • Lata hirani
   August 12, 2019 at 2:39 pm

   સાવ નોખી અનોખી કથા… હૃદય સરસી જડાઈ જાય…

 3. MODY SN
  August 12, 2019 at 2:26 pm

  Was Curious to know about Miss Bond.. Thanks

 4. સુમંત શિકાગો
  August 12, 2019 at 5:21 pm

  ફરીથી વાંચી, તો પણ સંપુર્ણ વાંચી, આવતા બાકી રહેલા ભાગની ઈંતેજાર સાથે …

 5. August 12, 2019 at 9:59 pm

  nodhara ni aadhar ayrland thi aavel bharatiy sanskar ne jivta karti devi .wah dhany chhe .

 6. August 13, 2019 at 4:45 am

  હવે મને માત્ર તેમના ધબકારા સંભળા​ય દરેક પાત્રને જીવિત કર્યા છે.કસાયેલી કલમ અને અનુભવનો નિચોડ વર્તાય છે.રાહ જોશું જરૂર

 7. August 13, 2019 at 11:08 am

  excellent story. i was practicing obstetrics in Baroda from 1973 to 2010. i have many many stories like this. i have given birth to full term babies whose parents or unmarried mother have come to abortions at my clinic. i can tell you many many emotional incidences of my life. and why not such incidences are there in every obstetrician life. i do not see anything new in this story
  Dr Prakash Shah

 8. Prafull Ghorecha
  August 13, 2019 at 4:10 pm

  લાગણી પ્રધાન હકીકત.

 9. Prafull Ghorecha
  August 13, 2019 at 4:11 pm

  સાથે બીજા સપ્તાહનો ઇન્તઝાર.

 10. Niranjan Mehta
  August 14, 2019 at 12:21 pm

  હંમેશની જેમ રજનીકુમારજીએ કંઈક અનોખું પ્રસ્તુત કર્યું. અભિનંદન. લાગે છે અંત તો આનાથી પણ વધુ રસિક બની રહેશે. ઈન્તેજાર.

 11. ધનજી પારખિયા
  August 16, 2019 at 8:57 am

  ઘણા સમયે આવી લાગણીથી લથબથ કથા વાંચવા મળી….ખુબ સરસ શરુઆત પંડ્યાસાહેબ….??

 12. નિરંજન બૂચ
  August 19, 2019 at 4:45 am

  વાહ વાહ , એકદમ વાસ્તવિક કથની , સમજવા નું એ છે કે આયરલેંડ ની મહિલા કાઠિયાવાડ મા સેવા કરે એ વાત જ અદ્ભુત જ નથી , માનવતા ને કોઇ ધર્મ નથી

 13. August 22, 2019 at 9:10 pm

  आभार ..गुरुदेव ….,

 14. BHARAT K DAVE
  August 23, 2019 at 12:31 am

  REGARDS TO YOU.
  VERY GOOD.
  BEST STYLE OF WRITING.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *