દિવાળીબાઈના પત્રો – પત્ર #૧ થી #૪

Facebooktwitterredditpinterestlinkedinmail

મણિલાલના જીવનમાં આવેલ સ્ત્રીઓમાં દિવાળીબાઈ નામની પરણિત સ્ત્રીનું સ્થાન અનોખું છે. તેણે તેમના પર પ્રેમપત્રો લખ્યા હતા અને એ પત્રો દ્વારા ઉત્કટ પ્રેમ કેળવીને તેણે મણિલાલને ચરણે આત્મસમર્પણ કર્યું હતું. મણિલાલના વિયોગમાં ઝૂરીને તે છેવટે ક્ષયના રોગથી મૃત્યુ પામી હતી. તેના પ્રેમપત્રોમાં મણિલાલ પ્રત્યેનો અખંડ અનુરાગ પ્રગટ થવા ઉપરાંત પ્રણયઘેલી સ્ત્રીની રસિકતા, મર્મજ્ઞતા, વિનોદી વૃત્તિ અને ભાષાની હ્રદયવેધકતા મુગ્ધ કરી દે તે રીતે પ્રગટ થાય છે. મણિલાલની પ્રણયખોજની નિષ્ફળતા અને કરુણતા પર પ્રકાશ પાડતા આ પ્રેમ પત્રો અહીં તેમની આત્મકથા આત્મવૃત્તાન્ત (સંપા. ધીરુભાઈ ઠાકર)માંથી લેવામાં આવ્યા છે.[૧]

♣♣♣♣♣♣♣♣

દિવાળીબેન

પત્ર ૧

પરમપ્રિય બંધુ,

તા.૨૮-૧-૧૮૮૫

આપનો પત્ર આવ્યો તે વાંચી જીવને પરમાનંદ થયો છે. વળી એ રીતે પત્ર દ્વારાએ દર્શનલાભ નિરંતર દેશો એવી પૂર્ણ આશા છે. જીવના સમ ! આપ તો ક્ષણવાર પણ વિસારે પડતા નથી. મણી ને હું ભેગાં થઈએ છીએ ત્યારે આપના નામની માળા જ જપ્યા કરીએ છીએ અને દયારામની પેલી કડી સાંભરવા કરે છે કે ‘આવડું શીદ કર્યું હતું જ્યારે જાવું.’ દૈવી ગતિ સૌથી મોટી છે. કોઈ દિવસે એવું સ્વપ્નું આવ્યું નહોતું કે આપ આમ મુંબઈ છોડીને જશો. રતનબાઈના વરે આપના વિશે બેત્રણ કવિતાઓ કરી હતી, પણ તે કાકાપુરી જેવી નાટકના રાગમાં. મહીં કેટલીક જગ્યાએ મુખ ફરે ને એવી હતી. તથાપિ આપના પર કેટલીક જગ્યાએ પ્રેમના શબ્દો નીકળ્યા હતા તે ખરા અંત:કરણના હતા. મે> આપના વિષે ત્રણ વાર કવિતા કરી પણ આપને વંચાવવાની હિંમત ચાલી નહિ. તેનું કારણ તે દહાડે ધનજી માસ્તરે કવિતા કરી હતી તે આપે હાથમાં લેતાં જ ફાડી નાખી હતી તેથી મને પણ એમ જ થયા કર્યું કે આપણી કવિતાનોએ એમ અનાદર થાય ત્યારે ? એવું વિચારી વિચારીને કેટલીક તો બનાવી બનાવીને તુર્ત જ નહિ સરખી કરી નાખી. હાલમાં હું સીતાખ્યાન લખું છું, ને તે રામચંદ્રજી પરણીને અયોધ્યામાં આવ્યા ત્યાં સુધી તૈયાર થયું છે તે આપને સહજ લખ્યું છે. હાલમાં ડેપ્ટીનો ચાર્જ માડણે લીધો છે. ભલે ગમે તેમ થાઓ પણ મણિલાલ નભુભાઈની તો બલિહારી જુદી જ હતી. હું એકલી નથી કહેતી પણ સરકારી ખાતામાં જેટલી સ્ત્રીઓ છે અને લગભગ બધા ય પુરૂષો એમ જ બોલે છે. મણિકોરને આપના આશીર્વાદ કહ્યા તે વખતે તો આપને સંભારીને અમને બેને આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. પણ શું કરીએ, નિરૂપાય.

લિ. ના પ્રણામ

♣♣

પત્ર ૨

૧૯મી માર્ચ ૧૮૮૫

-આપનો નવરાશનો વખત આવા અમૂલ્ય કાર્યોથી નિર્મ્યો એથી ઘણો આનદ થાય છે. વળી

                                        (સોરઠો)

                 જાહિ જાહિ પે પ્યાર, તાકો સબ પ્યારો લગે
                 સજ્જન કેરી ગાર, અમૃતસે મીથી લગે

એવું છે એટલે ‘પ્રિયંવદા’ ઉપર સવિશેષ પ્રેમ ઉપજે એમાં શી નવાઈ ?-

♣♣

પત્ર ૩

૩૧-૩-૧૮૮૫

શું કરું મારા એ ઘેર નથી એટલે આપ અમારે ત્યાં આવો નહિં, બાકી એવી તો કવિતાની ગમ્મત ઉડાવત. હું ઘણી દિલગીર છું કે આપ અહિં પધારશો તેવે સમયે મારાથી કંઈ આગતાસ્વાગતા બનશે નહિ. વળી એ કહી ગયા છે કે ‘મણિભાઈ આવે તો એકવાર આપણે ઘેર નિમંત્રણ કરજે.’ મારા ઘરમાં મણિબા હું ને આપ જો ઉપરની વાત માન્ય કરો તો પ્રસાદ લઈએ. પણ આપ માનવા જ કઠિણ છો એટલું કહેવું એ વ્યર્થ જ. હશે, દર્શન થશે એટલુંએ ક્યાથી ?

♣♣

પત્ર ૪

૧-૭-૧૮૮૫

સૌ છેલ્લું લખો છો કે ‘તને મળવાની ખોટી જીદ છે’ એ હું નાકબુલ નથી કરતી. પણ તમે જાણો કે હું થોડા દિવસ મુંબઈ નાશભાગ કરી અલ્પસુખ લીધું ન લીધું ને પાછા મુકામે આવતા રહીશું. જુઓ કે, હું વિષયભોગની તલમાત્ર પણ ભૂખી નથી. એ બાબત મારા મનમાં સ્વાભાવિક તૃષ્ણા જ ઓછી છે. પણ અહિં આવીને તમે પછા જાઓ એટલે મારાથી વિયોગે જીવાય નહિ જો. પછી તો તમારી ર્દષ્ટિ આગળ જ મને રાખો તો જ જીવી શકું. તમે જાણો કે એને ઊકળતી આગે નાંખી પત્રથી શાંત કરૂં એ તો ન સમજશો. તેમ આપણે પાસે રહીએ એવો ઉપાય પણ શો છે ?

♣♣


પત્ર # ૫ થી # ૭ હવે પછી….


  1. મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃતાન્ત (1999) ઠાકર, ધીરુભાઈ (સંપા.) (બીજી આવૃત્તિ). અમદાવાદ:ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પાના. નં.૧૪

દિવાળીબાઈના પત્રો‘ વિકિસ્રોત પરથી સાભાર લીધેલ છે.

1 comment for “દિવાળીબાઈના પત્રો – પત્ર #૧ થી #૪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *