શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

શંકરદાસ કેસરીલાલ, (જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ – અવસાન ૧૪ ડીસેમ્બર, ૧૯૬૬), જે હિંદી ફિલ્મ જગતમાં શૈલેન્દ્રનાં નામથી અમર છે, તે જેટલા જાણીતા ગીતકાર હતા તેટલા જાણીતા કવિ કદાચ ન હતા. તેમનાં ફિલ્મ માટે લખાયેલાં ગીતો કે તેમનાં કાવ્યોમાં ઉત્કટ ભાવની સ્રળ શબ્દોમાં રજૂઆત સુગેય સ્વરૂપે રજૂ થતી રહી તેટલી જ હૃદયસ્પર્શી તેમની કવિતાઓ પણ રહી છે.

શૈલેન્દ્રને આપણે શૈલેન્દ્ર-હસરતની જોડીનાં કે શંકરજયકિશન-શૈલેન્દ્રહસરત ચતુષ્કોણના એક અવિભાજ્ય અંગ તરીકે વધારે યાદ કરીએ છીએ. તે સાચું પણ છે કે શૈલેન્દ્રનાં મોટા ભાગનાં ગીતો ચતુષ્કોણના ઘેરાવાની અંદર જ રચાયાં છે. તે પછી તેંમણે સૌથી વધારે ગીતો, અનુક્રમે એસ ડી બર્મન અને સલીલ ચૌધરી માટે લખ્યાં છે. પરંતુ આ સિવાય પણ તેમણે બીજા ઘણા ‘અન્ય’ સંગીતકારો સાથે પણ એવી જ ચાહતથી પોતાની રચનાઓ લખી છે. જેમ કે – બંગાળી ફિલ્મ ‘ઈન્દ્રાની (૧૯૫૮)નું એક માત્ર હિંદી ગીત સભી કુછ લુટાકે હુએ હમ તુમ્હારે (ગાયક મોહમ્મદ રફી, સંગીતકાર નચિકેત ઘોષ)

૨૦૧૭નાં વર્ષથી આપણે શૈલેન્દ્રનાં ‘અન્ય સંગીતકારો’ સાથેની લેખમાળા તેમના જન્મના આ ઓગસ્ટ મહિનામાં આપણા’વિસરાતી યાદો..’ના આ મંચ પર કરી રહ્યાં છીએ. આ પહેલાં આપણે, શૈલેન્દ્રનાં ‘અન્ય’ સંગીતકારો સાથેનાં ગીતો માં આપણે શૈલેન્દ્રના અન્ય સંગીતકારોએ સંગીતબધ્ધ કરેલાં ગીતોનું વિહંગાવલોકન કર્યું. તે પછી આપણે શૈલેન્દ્રએ ચોથા ક્રમે સૌથી વધારે ગીતો જેમની સાથે લખ્યાં એવાં શૈલેન્દ્ર અને રોશનનાં ગીતોને યાદ કર્યાં.

આજના આ અંકમાં આપણે શૈલેન્દ્રનાં હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી) સાથેનાં ગીતોને યાદ કરીશું. હેમંત કુમાર સાથે રવિ અને કલ્યાણજી (આણંદજી)ને જોડવા માટેની એક અન્ય કડી છે – હેમંત કુમારે રચેલું ‘નાગિન’ (૧૯૫૪)નું ગીત – મન ડોલે મેરા તન ડોલે. તે સમયે હેમંત કુમારના સહાયક હોવાથી એ ધુનને સુરમાં બેસાડી હતી રવિએ અને એ ગીતમાં વપરાયેલ ‘બીન’ના સ્વરને ક્લેવાયોલિન પર દેહ આપ્યો હતો કલ્યાણજી (આણંદજી) વીરજી શાહે. [1]

શૈલેન્દ્ર અને હેમંત કુમાર

હેમંત કુમાર (મુખર્જી) – જન્મ: ૨૦-૬-૧૯૨૦ – અવસાન: ૨૬-૯-૧૯૫૯ –નીં હિંદી ફિલ્મ જગતની કારકીર્દી ૧૯૪૪ની ફિલ્મ ‘ઈરાદા’નાં ગીત, આરામ સે જો રાતેં કાટેં (સંગીતકાર – પંડિત અમરનાથ, ગીતકાર અઝીઝ કશ્મીરી)દ્વારા પાર્શ્વગાયક તરીકે થઈ. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમની ફિલ્મ ‘આનંદ મઠ’ (૧૯૫૨) હતી, અને યોગાનુયોગ પણ કેવો કે ‘આનંદ મઠ’નાં મોટા ભાગનાં ગીતો શૈલેન્દ્રએ લખ્યાં.

શૈલેન્દ્ર અને હેમંત કુમારે અનુક્રમે ગીતકાર અને સંગીતકાર તરીકે તે સિવાય બે ફિલ્મો ‘ચાંદ’ અને ‘હમ ભી ઈન્સાન હૈ’ (બન્ને ૧૯૫૯) અને એક ગીત (માસૂમ, ૧૯૬૦) તરીકે સાથે કામ કર્યું છે.

આડવાત :

શૈલેન્દ્ર અને હેમંતકુમારનું ગીતકાર અને ગાયક તરીકે પણ આગવું જોડાણ શંકર જયકિશને સ્વરબધ્ધ કરેલ યાદ કિયા દિલ ને કહાં હો તુમ (પતિતા, ૧૯૫૩) અને રૂલાકર ચલ દિયે હસીં બનકર જો આયે થે (બાદશાહ, ૧૯૫૪) તેમ જ આજના અંકમાં અલગથી રજૂ થયેલ ગીતોમાં પણ જોવા મળે છે.)

નૈનોં મેં સાવન,મન મેરે ફાગુન, પલછીન જલે ઔર જલાયે બચપન, યાદ આયે રે – આનંદ મઠ (૧૯૫૨) – ગાયિકા: ગીતા રોય (દત્ત)

પોતાના પિતાને ઘરે વીતેલાં બાળપણથી આજની મઠ સુધીની જીવનયાત્રા પર્દા પર ગીતા બાલી યાદ કરે છે. યાદોમાં વણાયેલી કરૂણાને ઉજાગર કરતા બોલમાં ગીતા દત્ત પ્રાણ ફૂંકે છે.

કૈસે રોકોગે તૂફાન કો – આનંદ મઠ (૧૯૫૨) – ગાયકો: ગીતા રોય (દત્ત), તલત મહમૂદ

પરદા પર, એક તરફ ગીતા બાલી અંગ્રેજ અફસરને આડે પાટે ચડાવતાં આઝાદીની લડતનાં તોફાનને કેમ રોકશો તેવો શ્લેષભર્યો પડકાર ફેંકે છે તો એ જ શબ્દો વડે ભૂતકાળના પ્રેમી, પ્રદીપ કુમાર,ને માનવ સહજ આવેગ કેમ રોકાશે તેવો સવાલ પણ પૂછે છે. જવાબમાં ઝૂંપડાંમાં સંતાયેલ પ્રદીપકુમાર અસંજસ ભર્યો ઉદ્વેગમાં જણાય છે. બન્ને પાત્રોના મનોભાવ ગીતા રોય અને તલત મહમૂદના સ્વરમાં તાદૃશ થાય છે.

આડવાત:

‘આનંદ મઠ’ પ્રદીપ કુમારની પહેલ વહેલી ફિલ્મ હતી.

કભી આજ, કભી કલ, કભી પરસોં – ચાંદ (૧૯૫૯) – ગાયિકાઓ: લતા મંગેશકર, સુમન કલ્યાણપુર

આ બન્ને ક્વચિત જ સાથે ગાયેલં ગીતોમાંના સૌ પહેલાં યુગલ ગીતમાં હેમંત કુમારે બન્નેની ગાયન શૈલીને જાળવીને પણ એક દ્રુત તાલની કર્ણમધુર નૃત્ય રચના પેશ કરેલ છે.

હાય રે કિસ્મત કા અંધેર હાય રે બનતે દેર લગે ન બિગડતે – હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯) – ગાયક: હેમંત કુમાર

વાંસળીના ઉપાડથી શરૂ થતા પૂર્વાલાપમાં માનવ જીવનની હતાશાને ઉજાગર કરયા બાદ હેમંત કુમાર ખુદ એ મનોભાવને આખાં ગીતમાં જૂદા જૂડા સુરોમાં વ્યકત કરે છે.

ઊંચ નીચ કા ભેદ ભુલાકર ગલે મિલો સારે ઈન્સાન – હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯)– ગાયક: હેમંત કુમાર

ભજનની ધુનમાં ઢાળવામાં આવેલ આ ગીતમાં શૈલેન્દ્ર સમાજવાદી સમાનતાની વિચારસરણી વળી લે છે.

ફૂલવા બંદ મહેકે દેખો લહેકે ડાલી ડાલી – હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯)– ગાયિકાઓ: ગીતા દ્તા, સુમન કલ્યાણપુર

કુદરતનાં સાન્નિધ્યમાં ખુશખુશાલ વિહરતી સખીઓનો ભાવ વર્ણવતા શૈલેન્દ્રના બોલને હેમંત કુમારે અનન્ય માધુર્યમાં સંગીતબદ્ધ કરી આપ્યા છે. બન્ને ગાયિકાઓની સ્વાભાવિક ગાયન શૈલીનો પણ બખુબી ઉપયોગ કરાયો છે.

પ્યાર જતાકે લલચાયે મોરા બાલમા – હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯) – ગાયિકા: શમશાદ બેગમ

આ ગીતની સીચ્યુએશન જાણવા માટે આપણી પાસે આ ક્લિપમાં દૃશ્ય ન હોવા છતાં પરાદ પર અને પર્દાની પાછળનાં ગાયિકાઓનો આનંદ તો અછતો નથી જ રહેતો.

નાની તેરી મોરની કો મોર લે ગયે – માસૂમ (૧૯૬૦) – ગાયિકા: રાનુ મુખર્જી

બાળ સુલભ ગીતને અનુરૂપ જ શૈલેન્દ્રના શબ્દો એટલી જ બાળચાપલ્યભરી રજૂઆત કરવા માટે હેમંત કુમારે પોતાના જાદુઇ થેલાંથી તેમની નાની સી દીકરી રાનુ મુખર્જીનો સ્વર પ્રયોજ્યો. આ એક જ ગીત આ ફિલ્મમાં શૈલેન્દ્ર એ લખ્યું છે.

શૈલેન્દ્ર અને રવિ

રવિ (શંકર શર્મા)ને – જન્મ: ૩ માર્ચ, ૧૯૨૬ – અવસાન ૭ માર્ચ, ૨૦૧૨ – હેમંત કુમારે તેમનાં સંગીતબધ્ધ કરેલ ગીત વન્દે માતરમ (આનંદ મઠ, ૧૯૫૨)નાં સહવૃંદમાં ગાયક તરીકે તક આપી તે સાથે અ બન્નેનો હિંદી ફિલ્મ સંગીત જગતમાં સહપ્રવાસ શરૂ થયો. તે પછી, નાગિન (૧૯૫૪) સુધી રવિએ હેમંત કુમારના સહાયક તરીકે કામ કર્યું

શૈલેન્દ્ર અને રવિએ અનુક્રમે ગીતલેખક અને સંગીતકાર તરીકે ચાર ફિલ્મોમાં સાથે કામ કર્યું. આ બધી જ ફિલ્મો રવિની કારકીર્દીની દિશા બદલી નાખનારી ચૌદહવીકા ચાંદ (૧૯૬૦) પહેલાંની ફિલ્મો છે. ચૌદહવી કા ચાંદ પછી રવિએ શકીલ બદાયુની, સાહિર લુધ્યાનવી કે રાજેન્દ્ર કૃષ્ણ સાથે વધારે કામ કર્યું છે.

સાથે કામ કર્યું હોય એવી તેમની પહેલી ફિલ્મ, દિલ્લી કા ઠગ (૧૯૫૮)નાં બે ગીતો – ચલ રે અમીરે ચલ રે ફકીરે (કિશોર કુમાર, સાથીઓ) અને યે રાતેં યે મૌસમ નદી કા કિનારા (કિશોર કુમાર, આશા ભોસલે)- વિષે આપણે શૈલેન્દ્રનાં ‘અન્ય’ સંગીતકારો સાથેનાં ગીતો માં ચર્ચા કરી હતી, એટલે તે અહીં દોહરાવતાં નથી.

યે કૈસી રાત આયી – દેવર ભાભી (૧૯૫૮) – ગાયિકા આશા ભોસલે

રવિનાં સંગીત વિશ્વમાં આશ અભોસલેનું એક ચોક્કસ સ્થાન રહ્યું છે. ઓ પી નય્યરનાં ગીતોની સામે રવિને રચેલાં આશા ભોસલેનાં ગીતોએ આશા ભોસલે કૌશલ્યને એવું વૈવિધ્ય બક્ષ્યું જે આશા ભોસલેને, લાંબા સમય સુધી, ખુબ સબળ સ્પર્ધાત્મક સ્તરે ટકી રહેવામાં અત્યંત મદદરૂપ બન્યું.

કલ કે ચાંદ આજ કે સપને તુમકો પ્યાર બહુત સા પ્યાર – નઈ રાહેં (૧૯૫૯) – ગાયકો: લતા મંગેશકર, હેમંત કુમાર

સુખી ભવિષ્યના આશાવાદના ભાવને માર્દવ માધુર્યથી રજૂ કરવા માટે પુરુષ પાર્શ્વગાયક તરીકે હેમંત કુમારની પસંદગી ગીતને અનેરી આભા બક્ષે છે.

કલ કે સપને આજ કે સપને – નઈ રાહેં (૧૯૫૯) – ગાયિકા: લતા મંગેશકર

જીવનમાં ધારી આશાઓ ન ફળે ત્યારે મૂળ કલ્પનાને કરૂણ સુરમાં ગાઈને રજુ કરવાનું ચલણ હિંદી ફિલ્મોની એક બહુ ખ્યાત પ્રથા રહી છે. શૈલેન્દ્રએ એક સરખા શબ્દો દ્વારા આવા બે અલગ ભાવને રજૂ કરતાં ઘણાં ગીતો આપણને આપ્યાં છે.

તોસે લાગે નૈના, લાગે નૈના, સૈંયા હો તો સે લાગે નૈના – નઈ રાહેં (૧૯૫૯) – ગાયકો: મોહમ્મદ રફી, આશા ભોસલે

શાસ્ત્રીય ઢાળમાં ઢાળવા છતાં ગીતનો ભાવ રોમેન્ટીક હોવાથી તે ગાવામાં સરળ રહે તેવી રવિની આગવી હથોટી અહીં સ્પષ્ટ જણાઇ આવે છે.

કૌન જાને રે બાબા દુનિયામેં પ્રીત પરાયી – જવાની કી બેટી (૧૯૫૯) – ગાયકો: મોહમ્મદ રફી, આશા ભોસલે, ગીતા દત્ત

શેરીઓમાં ગવાતાં ગીતો હિંદી ફિલ્મોમાં એ સમયનો એક ખાસ પ્રકાર હતો.રવિ અને શૈલેન્દ્ર બન્નેએ પોતપોતાનાં ક્ષેત્રની સાહજિક નિપુણતાને કામે વળગાડીને એક સફળ ગીતની રચના કરી છે. રવિ અને ગીતા દત્તે સાથે બહુ કામ નથી કર્યું, પરંતુ શેરીમાં ગીત ગાઈને પેટીયું રળતી એક ટુકડીનાં બે મુખ્ય કળાકારોને નૃત્ય્માં સાથ આપનારી નાની બળાના સ્વર માટે ગીતા દત્તનો સ્વર રવિએ પસંદ કર્યો છે.

શૈલેન્દ્ર અને કલ્યાણજી (આણંદજી)

એક જ સંગીતકારના બબ્બે અલગ અલગ સહાયકો સાથે કામ કરવાનો પ્રસંગ બબ્બે કિસ્સાઓમાં બનવાની ઘટના હિંદી ફિલ્મોમાં બહુ ન ચર્ચાઈ હોય એવી બબત કહી શકાય. શૈલેન્દ્રએ એસ ડી બર્મન અને તેમના એક સમયના સહાયકો જય્દેવ અને આર ડી બર્મન સાથે અને પછી હેમંત કુમાર અને તેમના એક સમયના સહાયકો રવિ અને કલ્યાણજી (આણંદજી) સાથે ગીતની રચના કરી છે. મુખ્ય સંગીતકાર અને તેમના એક સહાયક સાથે પણ ગીતો રચ્યાં હોય એવા શંકર જયકિશન – દત્તા રામ, એસ એન ત્રિપાઠી – ચિત્રગુપ્ત જેવા દાખલા પણ શૈલેન્દ્રના ચોપડે બોલે છે.

જા જા છેડ માન ભી જા – સટ્ટા બાઝાર (૧૯૫૯) – ગાયકો: મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર

હિંદી ફિલ્મોના ખ્યાતનામ ગુજરાતી દિગ્દર્શક રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાટે શૈલેન્દ્રએ આ એક જ ગીત લખ્યું છે.

આજના અંકના છેલ્લાં બધાં ગીતો મોહમ્મદ રફીએ ગાયેલાં છે, જે આપણા દરેકને મોહમ્મદ રફીનાં ગીતથી સમાપ્ત કરવાની પરંપરાની યાદ અપાવે છે. આજના ત્રણ સંગીતકારોમાંથી બે, રવિ અને કલ્યાણજી આણંદજીનાં શૈલેન્દ્રએ લખેલાં મોહમ્મદ રફીનાં ગીતો સાંભળ્યા પછી હેમંત કુમારે રચેલું શૈલેન્દ્રનું મોહમ્મદ રફીનું ગીત તો બાકી ન રખાય !

પ્યારી બોલે બુલબુલ પડોસન બોલે કૌવા – હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯)

ભારે મસ્તીખોર ગીત ! હેમંત કુમાર પાસેથી આવાં મસ્તીખોર ગીતો બહુ ઓછાં સાંભળવાં મળ્યાં હશે.

શૈલેન્દ્રની અન્ય સંગીતકારો સાથેની સફરમાં આવતાં વર્ષે ઓગસ્ટ મહિનામાં ફરીથી મળીશું.


[1] મન ડોલે..’ સાથે જોડાયેલી ખટમીઠી આડવાત

‘મન ડોલે..’નાં સર્જન સાથે જોડાયેલી અનેક કહાનીઓ ચર્ચાતી આવી છે. એચ એમ વી દ્વારા રજૂ કરાયેલ રેકોર્ડનાં કવર પર હેમંત કુમારના એ સમયના સહાયક રવિ અને વાદ્ય વાદક કલ્યાણજીને આ ધુન માટે શ્રેય આપે છે. પરંતુ Shyamanuja ના લેખ Who created the classic been music in Man Dole, Mera Tan Dole?.માં આ બાબતે વધારે વિગતે ચર્ચા કરવામાં આવી છે.

એક બીજી સ-રસ આડવાત –

૧૯૫૪નાં વર્ષમાં ક કલ્યાણજીભાઈના પુત્ર દિનેશ શાહનો જન્મ પણ થયો હતો. યુ ટ્યુબ પર ક્લેવાયોલિન પર ‘મન ડોલે..’ની ધુનની વિડીયો ક્લિપ આપણને દિનેશભાઇ દ્વારા જ સાંભળવા મળી છે.

2 comments for “શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

 1. Samir
  August 11, 2019 at 3:34 pm

  A new angle to Indian film music again ! It was great to know about Shailendra’s pairing with other music directors. It would be a fruitful exercise to imagine Shailendra writing songs composed by O P Nayyar or Naushad !
  Thanks Ashokbhai !

  • August 12, 2019 at 8:43 am

   શૈલેન્દ્રનાં ગીતોની નૌશાદની કે ઓ પી નય્યરની ધુન કેવી હોત તે કલ્પના કરવા જેવી જરૂર છે.
   જો કે આ સંગીતકારો સાથ એતેમણે ક્યારે પણ કામ કર્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *