ચેલેન્‍જ.edu :: પુસ્તકાલયની અવગણના

Facebooktwitterredditpinterestlinkedinmail

રણછોડ શાહ

અહીં રઝળતા કાગળો છોડીને શબ્દો કયાં ગયા ?
વાવને વગડે મૂકી ખાલી, કહો, જળ કયાં ગયાં ?

                                                               – રમેશ પારેખ

ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ વધી રહ્યું છે. કેરાલા જેવા કોઈ રાજયમાં તો આ આંક નેવું ટકાને આંબી ગયો હોય તેવું જાણવા મળે છે. આ સંજોગોમાં ભણીને સૌ આગળ વધ્યા, પણ ગણ્યા ખરા ? આ પ્રશ્નનો ઉત્તર આપવો ખૂબ કઠિન છે. શાળા કોલેજમાં ખૂબ મોટા પ્રમાણમાં શિક્ષણાર્થીઓ આવે છે પરંતુ તેમાંના મોટાભાગના ઉપાધિ (degree) ઈચ્છુકો હોય છે. તેથી શૈક્ષણિક સંસ્થામાં પુસ્તકાલય હોય તો પણ શું અને ન હોય તો પણ શું તેવું કેટલીક શાળાઓનું મંતવ્ય છે. કેટલીક શૈક્ષણિક સંસ્થાના ગ્રંથાલયમાં થોડાક ધૂળ ખાતાં પુસ્તકો જોવા મળે.

મોટા ભાગના ગામ કે શહેરનો વિકાસ કૂદકે અને ભૂસકે થાય છે. ‘સિમેન્ટનાં જંગલો’ રાતોરાત ઊગી નીકળે છે. આ અદ્યતન હાઉસીંગ સોસાયટીમાં જીમ, કલબહાઉસ, મંદિર કે સ્વિમિંગ પુલનું આયોજન વિચારાયું હોય છે. પરંતુ સોસાયટીની જાહેરાતમાં કયાંક જ પુસ્તકાલયની વ્યવસ્થા અંગે જોવા મળે તો મળે. આ રીતે પુસ્તકાલયનો પસંદગી ક્રમ સૌથી છેલ્લો હોય છે. જો સોસાયટીમાં સારું પુસ્તકાલય હશે તો યુવાનો કદાચ પાનના ગલ્લે ઊભા રહેવાનું ટાળશે. જો કોઈ શહેરમાં પાંચ-દસ વર્ષ અગાઉ ગયા હોઈએ અને ત્યાં આજે જઈએ તો સંબંધીના રહેઠાણને શોધવામાં ખૂબ મુશ્કેલી પડે. હોટેલો, સીનેમાગૃહો, શોપીંગ મોલ જેવી અનેકવિધ સવલતો મળે કે વિકસીત થઈ રહી હોય તેવું નજરે પડે. સીનેમા થીયેટરોને બદલે ‘મલ્ટીપ્લેક્સ’ આવી ગયા. કાપડની દુકાન, જવેલર્સ, કટલરી કે હેર કટીંગ સલૂન વાતાનુકૂલિત થઈ ગયા. કયાંક તો સી.સી.ટી.વી. પણ લાગી ગયા. પરંતુ આ શહેરમાં છેલ્લા પચીસ–ત્રીસ વર્ષમાં એકાદ નવું ‘ગ્રંથાલય શરૂ થયું, તેમ પૂછીએ તો મહદ્‌અંશે જવાબ ‘ના’ માં જ મળે.

આપણે શિક્ષણ પ્રાપ્ત કર્યું પરંતુ કેળવણી મેળવી નથી. યુવાનોએ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઉત્તમ દેખાવ સાથે યુનિવર્સિટીની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય છે. પરંતુ અભ્યાસ દરમ્યાન ગ્રંથાલયનો કેટલો ઉપયોગ કર્યો છે તેમ જાણવા પ્રયત્ન કરો તો ઘોર નિરાશા સાંપડે. માત્ર માર્ગદર્શિકા કે શિક્ષક–પ્રાધ્યાપકની નોટ્‌સને ભરોસે વૈતરણી તરી ગયા હોય તેવા અસંખ્ય દાખલા મળે. શૈક્ષણિક સંસ્થાઓમાં પુસ્તકાલયનો ઉપયોગ કરવાનો રિવાજ જ નથી. શીખવનાર જ ભાગ્યે જતા હોય તો શીખનારા તો શા માટે જાય ? શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો રોજ ગ્રંથાલયો તેમનાથી ઊભરાઈ જતા હોવા જોઈએ. પરંતુ મહદ્‌અંશે પુસ્તકાલયના પુસ્તકો અને ફર્નિચર કોઈ તેનો ઉપયોગ કરે તેની રાહ જોવામાં સમગ્ર જિંદગી પૂરી કરી નાંખે છે ! શૈક્ષણિક સંસ્થાઓ અને સમાજની આ દરિદ્રતા ઉપર દયા આવે છે.

દેશના ભાવિનું જયાં નિર્માણ થવાનું છે તે જગ્યા છે – વિચારોનું દોહન, ચયન અને ચર્ચા કરતું જાગ્રત ગ્રંથાલય. કદાચ શહેરમાં કયારેક પુસ્તકાલય મળે પરંતુ વાચનાલય તો ન જ મળે – વાચકોનો ખૂબ મોટો અભાવ. આપણે વાંચવાનું એટલે માત્ર પરીક્ષામાં પાસ થવા માટે જ વાંચવાનું તેવું સમજી બેઠા છીએ. કદાચ તેનાથી થોડાક વધુ આગળ જઈએ તો સમાચાર પત્રના વાચન ઉપર જતા સુધીમાં તો આપણી મંજિલ પૂર્ણ થઈ જાય છે. બહુ જ ઓછા ઘરોમાં શૈક્ષણિક, સાહિત્યિક, સામાજિક કે બાળ સામાયિકો આવે છે. વર્તમાન પ્રશ્નો, સમજ અને સમાજને સ્પર્શતા પુસ્તકો કેટલા ઘરમાં હશે ? નાનકડું પુસ્તકાલય ઘરમાં હોવું જોઈએ તેવું માનનારા કુટુંબોની સંખ્યા કેટલી ? આજે જેવા છે તેવા ગ્રંથાલયોની પણ મુલાકાત લેનારની સંખ્યા કેટલી હશે ?

આપણે આઝાદીના છ કરતાં વધુ દાયકા બાદ પણ ગ્રંથાલયનું જીવનમાં અગત્યનું સ્થાન છે તેવું મનથી સ્વીકાર્યું જ નથી. નૂતન વિચારોના આગમનને આપણે ગણતરીમાં લીધું નથી. પુસ્તકોનો સમુહ આકર્ષક રીતે ગોઠવાયેલો હોય અને ‘પ્રથમ નજરે જ ગમી જાય’ તેવી સ્થિતિને સાકાર કરવામાં ગ્રંથપાલો સફળ થયા નથી. ગ્રંથાલય વાતાનુકૂલિત હોય, ત્યાં ચા–કોફી–નાસ્તાની વ્યવસ્થા હોય, ત્યાં આરામથી બેસીને કે સૂતાસૂતા પણ વાંચી શકાય તેવી સગવડ ઉપલબ્ધ કરાવવાના વિચારો આપણા મનોજગતમાં અંકુરિત જ થતા નથી.

અદ્યતન ગ્રંથાલય – પુસ્તકાલય પ્રત્યેક શહેરની આગવી આન–બાન–શાન હોવી જોઈએ. આ જગ્યાએ સૌને આવવાનું મન થાય તેવું ‘ગુરુત્વાકર્ષણ જેવડું બળ’ હોવું જોઈએ. ત્યાં તમામ ઉત્તમ અને અદ્યતન વ્યવસ્થા હોવી જોઈએ. કોઈ ફાઈવસ્ટાર હોટેલમાં હોય છે તેવું ભભકાદાર મકાન અને ઉત્તમ પ્રકાશ વ્યવસ્થા સાથેનું ગ્રંથાલય હોય તે આજની માંગ છે. ત્યાં દિવસે ગયા હોય કે રાત્રે મુલાકાત લેતા હોય પરંતુ પ્રકાશ વ્યવસ્થા એટલી ઉત્તમ હોવી જોઈએ કે રાત્રી છે કે દિવસ તેની ખબર જ ન પડે. સામુહિક તથા વ્યકિતગત ઉત્તમ બેઠક વ્યવસ્થા હોવી જોઈએ. હળવાશથી વાંચી શકાય, નોંધ કરી શકાય તેવી સગવડો ઉપલબ્ધ હોવી જ જોઈએ. કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ઝેરોક્ષ મશીન જેવી અદ્યતન ટેકનોલોજી ચોવીસે કલાક પ્રાપ્ત થતી હોય તે તેની પાયાની જરૂરીયાત છે. તમામ ભાષાના સમાચારપત્રો, વિવિધ સામાયિકો અને તત્કાલીન પ્રકાશિત પુસ્તકો અચૂક હોવા જ જોઈએ. New Arrivals માટે એક ખાસ ગેલેરી હોવી જોઈએ.

બીજી અને અગત્યની વાત ગ્રામ પંચાયત, નગરપાલિકા કે કોર્પોરેશન જયારે નવી સોસાયટીઓના બાંધકામ માટે મંજૂરી આપે ત્યારે જેમ ‘કોમન પ્લોટ’ રાખવો ફરજિયાત છે તેમ જયારે સોસાયટીનું બાંધકામ ચાલતું હોય ત્યારે જ સોસાયટીના વિસ્તારને આધારે ક્ષેત્રફળ નક્કી કરી પુસ્તકાલયનું બાંધકામ ફરજિયાત કરાવવું જોઈએ. તેને માટે વિશિષ્ટ પ્રકારનું નિભાવ ભંડોળ ઊભું કરવાનું નક્કી કરી શકાય. સરકાર પણ અનુદાન આપી શકે. દાતાઓ શોધી તેમના નામ જોડવાની શરતે પણ પુસ્તકાલયના વિકાસ અંગે વિચારી શકાય. પ્રત્યેક રહેઠાણના વિસ્તારમાં એક પુસ્તકાલય હોવું જ જોઈએ. રહેઠાણના વિસ્તારમાં એક વિશાળ પુસ્તકાલય માટે સરકાર જગ્યા ફાળવે, જરૂર પડે મકાનના બાંધકામમાં મદદ કરે અને જે તે વિસ્તારના રહીશો પાસેથી ફરજિયાત – મરજિયાત ધોરણે ફાળો ઉઘરાવી તેને તમામ રીતે અદ્યતન બનાવે. જરૂર હોય તો તે વિસ્તારના આ પ્રવૃત્તિમાં રસ ધરાવતા નાગરિકોની એક સમિતિ બનાવી તેને રોજબરોજ દેખરેખ રાખવા અને સંચાલન માટે મદદ કરવા વિનંતી કરી શકે.

ગ્રંથાલયમાં કેન્દ્રસ્થાને ‘ગ્રંથપાલ’ હોય છે. જેટલો ગ્રંથપાલ જાગૃત, સેવાભાવી, પોતાના કાર્યમાં રસ ધરાવતો અને સંવેદનશીલ હોય તેના પ્રમાણમાં ગ્રંથાલયનો વિકાસ થઈ શકે. ‘ગ્રંથપાલ માત્ર સરકારી પગારદાર ન જ હોવો જોઈએ. જરૂર પડે આ પ્રવૃત્તિમાં રસ ધરાવતા નિવૃત્ત અને સારું સ્વાસ્થ્ય ધરાવતી વ્યકિતઓનો સ્વૈચ્છિક સહકાર પ્રાપ્ત કરી શકાય. સમાજમાં કેટલીક વ્યકિતઓ એવી છે કે તેમને વાચનનો ખૂબ શોખ હોય છે પરંતુ તેમના વ્યાવસાયિક સમય દરમિયાન પોતાના કામમાં ગળાડૂબ હોવાથી પોતાના શોખનો વિકાસ કરી શકયા હોતા નથી. આવી વ્યકિતઓને શોધી કાઢવાનું કાર્ય કઠિન હોઈ શકે પરંતુ અશકય નથી. સ્વૈચ્છિક પ્રવૃત્તિ હોવાથી ગમે ત્યારે જઈએ તો ચાલે તેવી વ્યકિતને સંચાલન સોંપી શકાય નહીં. અત્યંત જવાબદાર અને બહોળો વાંચનનો શોખ ધરાવનાર વ્યકિતને પસંદ કરી આ જવાબદારી માટે આમંત્રણ આપી બોલાવી શકાય. સમાજમાં વાચનનો શોખ હોય તેવા નાગરિકો છે, માત્ર યોગ્ય વ્યકિતની શોધ કરવાની છે.

પરદેશમાં આવી વ્યવસ્થાઓ છે. તેનો વિગતવાર અભ્યાસ કરી આપણને જરૂર લાગે તેવા ફેરફારો કરી તેનો આપણે અમલ કરી શકીએ. આજે જે પરિસ્થિતિ છે તેમાં તાત્કાલિક બદલાવ લાવવાની તાતી આવશ્યકતા છે. આપણે જેટલા આર્થિક રીતે સધ્ધર હોઈએ તેનાં કરતાં ઘણા વધુ વૈચારિક રીતે સ્થિતિ સંપન્ન હોઈએ તે આજની માંગ છે. ચાલો, આ પડકારને સ્વીકારી લઈએ.

આચમન :

‘‘ઘરનો કચરો સૌ કોઈ વાળે
દી ઊગ્યે સૌ ઘર અજવાળે
મનનો કચરો વાળે તે દી
દી ઊગ્યો કહેવાય.

                                    – પ્રભુલાલ દ્વિવેદી


(તસવીર નેટ પરથી)


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

2 comments for “ચેલેન્‍જ.edu :: પુસ્તકાલયની અવગણના

  1. Niranjan Mehta
    August 9, 2019 at 12:30 pm

    પ્રભુભાઇએ બહુ જ સચોટ વાત કરી છે. ઈતર વાંચન આજે નહીવત છે તે સુવિદિત છે. વળી તેમનું સૂચન કે સોસાયટીઓમાં આ માટે યોગ્ય વ્યવસ્થા રાખવી તે ભલે આજની તારીખે યોગ્ય n લાગે પણ તે વિચારવા જેવું ખરૂ.

  2. Niranjan Mehta
    August 9, 2019 at 12:34 pm

    મારી ટિપ્પણીમાં રણછોડભાઈને બદલે ભૂલથી પ્રભુલાલભાઈ લખાઈ ગયું તે બદલ ક્ષમસ્વ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *