સાયન્સ ફેર : ભવિષ્યની ટેકનોલોજી વિષેની ઘણી વાતો માત્ર ભ્રમણા છે

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

આપણને બધાને વાત કરવી ગમે એવો જો કોઈ વિષય હોય તો એ છે ‘ભવિષ્ય’ની વાતો. દરેક માણસને જુદા જુદા કારણોસર પોતાનું, પોતાના કુટુંબનું, પોતાની કંપનીનું, દેશનું, સમાજનું અને આખી દુનિયાનું ભવિષ્ય જાણવાની તાલાવેલી રહેવાની જ! આની પાછળનું સાયકોલોજીકલ કારણ એ છે કે ભવિષ્ય જાણનાર માણસ બીજા સામાન્ય માણસો કરતા વધુ સાચા નિર્ણયો લઇ શકતો હોવાનો ભ્રમ હોય છે આપણને. હા, ભવિષ્ય જાણી લેવાથી મુશ્કેલીઓ દૂર થઇ જશે એવી માન્યતાને ભ્રમ જ ગણવી જોઈએ. જો વિશ્વાસ ન આવતો હોય તો મહાભારતમાં સહદેવના પાત્રની મનો:સ્થિતિનો અભ્યાસ કરી જોજો. ખેર, ભવિષ્ય જાણવાની આપણી અદમ્ય ઈચ્છાને કારણે ફૂટપાથિયા જ્યોતિષીથી માંડીને શેરબજારમાં લિસ્ટીંગ પામેલી કોર્પોરેટ કંપનીના માંધાતાઓ સુધીના લોકો આપણને ઉજ્જવળ ભવિષ્યની વાતો કરી કરીને ઠગી જતા હોય છે! વિજ્ઞાન અને ટેકનોલોજીનું ક્ષેત્ર પણ આ પરિસ્થિતિમાંથી બાકાત નથી. દસ, પચીસ કે પચાસ વર્ષ પછીની દુનિયા કેવી હશે? ગોર્ડન મૂરના નિયમને આધારે શું ભવિષ્યનો સમાજ સંપૂર્ણપણે રોબો-સંચાલિત હશે? શું ભવિષ્યમાં આપણે ગ્લોબલ વોર્મિંગ પર કાબૂ મેળવી લઈશું? બહુ ગવાયેલી ટેકનોલોજીકલ સિંગ્યુલારિટીની થિયરી વાસ્તવિક બનશે? … અને બધાને રસ પડે એવી વાત, શું ભવિષ્યની કાર હવામાં ઉડશે?

ઠરેલ બુદ્ધિના વૈજ્ઞાનિકોનો એક બહુ મોટો વર્ગ એવું માને છે કે સ્વપ્ન જોવા સારી બાબત છે, પરંતુ ટેકનોલોજીના ઓવરડોઝને કારણે આપણને હાથવગી લાગતી કેટલી બાબતો હકીકતમાં જોજનો દૂર છે. ઓટોમોબાઈલ ટેકનોલોજીનો જ દાખલો લો. હાલમાં કાર બનાવતી કંપનીઝ જાત-જાતના સંશોધનો દ્વારા કાર જર્નીને વધુ ઝડપી અને વધુ સલામત-આરામદાયક બનાવવા માટે કટ્ટર સ્પર્ધા કરી રહી છે. એરબેગ્સની ગણના ‘પેસીવ સેફ્ટી સિસ્ટમ’માં થાય, કેમકે તેઓ અકસ્માત થયા બાદ તમારો બચાવ કરે છે. પરંતુ મર્સિડીઝ કંપની કારના તળિયે જે એરબેગ મૂકવાની છે, એ ‘એક્ટિવ સેફ્ટી સિસ્ટમ’ કહેવાશે. કારના સેન્સર્સ દ્વારા જેવો મેસેજ મળશે કે અકસ્માત થવા જઈ રહ્યો છે, કે તરત સ્પેશિયલ ફ્રિક્શન કોટિંગવાળી આ એરબેગ કારના તળિયાના ભાગે ખૂલશે, જે રોડ સાથે ઘર્ષણ ઉભું કરીને કારની ગતિ ધીમી પાડશે. એટલું જ નહિ પણ આ એરબેગને કારણે કાર લગભગ ૮ સેન્ટીમીટર જેટલી ઊંચકાઈને જમીનથી અધ્ધર થઇ જશે! આ એરબેગને પરિણામે ‘હાર્ડ બ્રેકિંગ’ સમયે ગાડીની સ્પીડ ઘટાડવામાં મોટી મદદ મળશે. કદાચ અનિવાર્ય ગણાતો અકસ્માત ટાળી શકાય એમ પણ બને! આ સિવાય અમેરિકાના મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી – MIT ખાતે કેટલાક સંશોધકો V2V (Vehicle to Vehicle) કમ્યુનિકેશનને વધુ બહેતર – અસરકારક બનાવવા માટેનું અલગોરિધમ વિકસાવી રહ્યા છે. જેનાથી ભવિષ્યમાં રોડ પર દોડતી કાર્સ પોતાની મેળે જ એકબીજા સાથે કમ્યુનિકેશન કરીને અકસ્માત ટાળશે.

હવે આ બધું વાંચીને તમને ખાતરી થઇ ગઈ હશે કે પાંચ-સાત વર્ષમાં જો આટલી સ્માર્ટ કાર માર્કેટમાં આવી જવાની હોય તો તો વધુમાં વધુ દસ વર્ષમાં આપણે ‘ઉડતી કાર’માં મુસાફરી કરતા થઇ જશું! ફિલ્મોમાં ભાઈ ગમે એ દેખાડતા હોય, પરંતુ ઉડતી કારના સ્વપ્નમાં ઉડવા જેવું નથી. કારણકે નજીકના ભવિષ્યમાં આવું કશું શક્ય બને એમ નથી! કાર ઉદ્યોગમાં પાયાનો પથ્થર ગણાતા હેન્રી ફોર્ડ જેવા વ્યક્તિને પણ ટેકનોલોજીના ઓવરડોઝની અસર હેઠળ એવું લાગવા માંડેલું કે નજીકના વર્ષોમાં જ આપણે કારમાં ઉડતા થઇ જઈશું! છેક ઇસ ૧૯૧૭માં પહેલવહેલી વાર ‘ઓટો-પ્લેન’ બનાવવાના પ્રયાસો થયેલા. એ સમયે ધી ગ્રેટ હેન્રી ફોર્ડે પૂરા આત્મવિશ્વાસ ભવિષ્યવાણી કરેલી કે ઇસ ૧૯૪૦ સુધીમાં તો આપણે ‘ઉડતી કાર’માં ફરતા થઇ જઈશું! હકીકતમાં શું થયું એ આપણે જાણીએ છીએ.

અત્યારે સાયન્સ અને ટેકનોલોજીને લગતા ઘણા બ્લોગ્સ ઉપર ઉડતી કારના પ્રોટોટાઈપ્સ વિષેની વાતો-ચિત્રો જોવા મળશે. પરંતુ વાસ્તવિક ધોરણે ઉત્પાદનની વાત કોઈ નથી કરી રહ્યું. એક સમયે નાસાએ ફ્લાઈંગ કાર પ્રોજેક્ટ માટે સંશોધકોને ફંડ પૂરું પાડવાની શરૂઆત કરેલી. પરંતુ પ્રોજેક્ટની ફિઝીબીલીટી નેગેટીવ લાગતા નાસાએ પણ ફંડિંગ બંધ કર્યું છે! સંશોધકોને હવે એક માત્ર આશા અમેરિકાની ડિફેન્સ પ્રોડક્ટ બનાવતી સંસ્થા DARPA (ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી) પ્રત્યે છે. પરંતુ આતંકવાદીઓ દ્વારા ઉપયોગની શક્યતાને ધ્યાને લેતા DARPAએ પણ હજી સુધી ફ્લાઈંગ વિહિકલ બનાવવામાં રસ દાખવ્યો નથી. આમ હાથવગું લાગતું ઉડતી કારનું સ્વપ્ન થોડા વર્ષો પૂરતું તો અભરાઈએ ચડી ગયું છે.

આજ પ્રમાણે, ટેકનોલોજીના નિષ્ણાંતોના મતે ‘ટેકનિકલ સિન્ગ્યુલારીટી’ની પરિકલ્પના પણ માત્ર પરીકથા જેવી જ ભાસે છે. (આ રસપ્રદ વિષય ઉપર ફરી ક્યારેક વાત) પોતાનું ટાર્ગેટ જાતે જ નક્કી કરીને હુમલો કરવા માટેનો નિર્ણય લેતા મિલીટરી ડ્રોન્સનો એક વિડીયો સોશિયલ મીડિયા પર બહુ વાઈરલ થયેલો. પરંતુ ડિફેન્સ એક્સપર્ટના માનવા મુજબ આવા ડ્રોન્સ બનાવવા માટે જે પ્રકારના પ્રોગ્રામિંગની જરૂર પડે, એમાં હજી દિલ્હી બહોત દૂર હૈ!

હકીકતમાં આ બધી ટેકનોલોજીઝ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે, એ વિકસાવતા જ આપણે ખાસ્સા વર્ષો લાગવાના છે. ફરીથી ઉડતી કારનો જ દાખલો લો. સુરક્ષિત ઉડાન, મોંઘુદાટ હવાઈ ઈંધણ, કાર ઉડાડનારા ડ્રાઈવર્સ/પાઈલટ્સની સ્પેશિયલ ટ્રેઇનિંગ, લેન્ડિંગ-ટેકઓફ માટે સ્થળોની ફાળવણી જેવા પાસાઓનો વિચાર કરો તો સમજાય કે આખો મામલો કેટલો પેચીદો છે. અત્યારે જે ફ્લાઈંગ કાર્સના પ્રોટોટાઈપ્સ જોઈને લોકો આશાવાદી થઇ રહ્યા છે, એ બધા હકીકતમાં ‘રોડેબલ (રસ્તા ઉપર થોડું અંતર કાપી શકે એવા) એરક્રાફ્ટ’ જ છે. અને તે અતિશય મોંઘા છે. આવા એક એરક્રાફ્ટની કીમત ઇસ ૨૦૧૧ના ભાવ મુજબ લગભગ બે લાખ ડોલર જેટલી આંકવામાં આવેલી! બોલો, કરવી છે ખરીદી?


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images / videos in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *