ફિર દેખો યારોં : ઘણાય એવાં છે જેની દુઆ સારી નથી હોતી

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

એક તરફ અખબારોમાં અનાવૃષ્ટિ તેમ જ અતિવૃષ્ટિના સમાચારો સાથોસાથ આવી રહ્યા છે, ત્યાં બીજા પણ એક સમાચાર ચમકી રહ્યા છે. આગામી માસમાં આવી રહેલા ગણેશોત્સવ દરમિયાન વગાડાનારી ડી.જે.સિસ્ટમનો અવાજ અમુકથી વધુ રાખી નહીં શકાય. અમુકતમુક મંડળ જળસ્રોત બાબતે જાગૃતિ ફેલાવવા માટે ફટકડીની બનેલી ગણેશજીની મૂર્તિઓ બનાવશે. ગણેશજીની મૂર્તિ અમુક ફીટથી વધુ ઉંચી નહીં રાખી શકાય. કેટલાક લોકો માટીની મૂર્તિ બનાવીને પર્યાવરણનો સંદેશ પ્રસરાવશે. ગણેશોત્સવની પહેલાં દશામાના વ્રતના દિવસો આવશે અને પ્લાસ્ટર ઑફ પેરિસની બનેલી, તૈલી રંગો વડે રંગાયેલી મૂર્તિઓ જળાશયોમાં વિસર્જિત કરાશે. અલબત્ત, જળાશય માત્ર નામનાં હશે, કેમ કે, તેમાં જળ રહ્યું હોય એવી સંભાવના પાતળી હશે. ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ જળાશય પણ બનાવવામાં આવે છે. ગણેશોત્સવ માંડ જશે કે તરત મોહરમ આવશે અને તાજીયાને ટાઢા કરવા માટે જળાશયોમાં ડૂબાડવામાં આવશે. આના પરથી ખ્યાલ આવે છે કે હજી જળસંકટને આપણે ગંભીરતાથી બિલકુલ લીધું નથી.

તહેવારોની આપણી પરંપરા જૂનીપુરાણી છે, પણ તેની ઊજવણીમાં દિનબદિન ઉન્માદ અને જંગલિયત વધતાં ગયાં છે એ હકીકત છે. જે તહેવાર ક્યારેક એકધારા જીવનક્રમમાં હળવાશ અને મુક્તિનો અહેસાસ કરાવતા હતા એ હવે અરાજકતા, શક્તિ પ્રદર્શન કે નકલી સાંસ્કૃતિક ઓળખનાં પર્વ બની રહ્યાં છે, જેમાં ધ્વનિ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ કેન્‍દ્રસ્થાને હોય છે. આ બાબત તમામ ધર્મ, સંપ્રદાય કે ફિરકાઓને લાગુ પડે છે. કોઈ તેમાંથી બાકાત નથી.

જળસંચય કે જળ વ્યવસ્થાપનની હજી આપણને જરાય સમજણ નથી, કે તે કેળવવાની જરાય ઈચ્છા નથી. આપણને જળ પ્રદૂષણ કરતાં જ આવડે છે. ખુલ્લા રહેલા મોટા ભાગના જળસ્રોતો કે જળાશયોમાં કચરો ઠાલવી ઠાલવીને આપણે તેમને પ્રદૂષિત કરી મૂક્યા છે અને હજી તેને કરતા જ રહીએ છીએ. વરસોથી કોઈ તહેવાર ઊજવતા આવ્યા છીએ તેથી તેને ઊજવવો જ જોઈએ અને હિંદુ ધર્મ સિવાયના અન્ય ધર્મોના તહેવારો બાબતે કોઈ કેમ કંઈ બોલતું નથી એવી દલીલ આવા સમયે કરવામાં આવે છે. આવી દલીલ કાયમી હાથવગું હથિયાર હોય છે, પણ મુશ્કેલી એ છે કે પર્યાવરણ પ્રદૂષિત થવા લાગે ત્યારે તેમાં એવી વ્યવસ્થા નથી કે આ હિંદુ પરંપરાને કારણે થયું, કે અન્ય કોઈ પરંપરાને લઈને દૂષિત થયું, અને તેનો ભોગ કેવળ જે તે ધર્મ કે સંપ્રદાયના લોકો જ બનશે. આવી અવિચારી ઉજવણીઓની અસર હંમેશાં ધર્મનિરપેક્ષ હોય છે. મોટે ભાગે અવિચારીપણા અને ઉન્માદમાં જ વિવિધ ધર્મ કે સંપ્રદાયો એકબીજાની હરિફાઈ કરતા જોવા મળે છે. વિચારશીલ પહેલ કરવાનું કોઈને ભાગ્યે જ સૂઝે છે. જે તે સંપ્રદાય કે ફિરકાઓના વડાનો આશય પોતાના અનુયાયીઓનો સમુદાય વિસ્તારતા રહેવાનો છે, તેમનું કહેવાતું આધ્યાત્મિક ઉત્થાન કરવાનો છે, પણ નાગરિકધર્મ કે અન્ય મૂળભૂત ફરજો બાબતે જાગૃતિ લાવવાનો બિલકુલ નથી હોતો. આને કારણે માણસો ભક્ત, અનુયાયી, સેવક, સત્સંગી કે મહાત્મા બની રહે છે, પણ તેઓ કદી નાગરિક બની શકતા નથી.

આપણે ઘેર નળમાં આવતું પાણી ડહોળું આવે તો તંત્રની નિષ્ફળતાને છાપે ચડાવવામાં આવે છે, જે બિલકુલ યોગ્ય છે. એ રીતે ચોમાસા અગાઉ વરસાદી કાંસની સફાઈ ન કરવામાં આવે તો પણ કાગારોળ મચાવવામાં આવે છે. પણ વરસાદી પાણીના વહેવા માટે બનાવેલા કાંસમાં કચરો ન નખાય એવી સમજણ આપણે હજી કેળવી શક્યા નથી. ગટરમાં પ્લાસ્ટિકની કોથળીઓ ન વહાવાય એ હજી આપણને સમજાતું નથી.

આ બધી સમજણ કેળવાય ત્યારે ખરી, પણ હજી ગણેશોત્સવ કે મહોરમના તહેવારોને આડે સમય છે ત્યારે તેની ઉજવણીની તરાહ બદલાય એવી પહેલ થવી જોઈએ. માટીના કે ફટકડીના ગણેશ જળસ્રોતને બચાવવાનો ઊપાય નથી. એ ઉપાય હશે તો પણ તેની અસર ઊંટના મોંમાં જીરાના વઘાર જેટલી જ હોય છે. મિથ્યા અને માની લીધેલી ધાર્મિક સાંસ્કૃતિક ઓળખને બદલે નાગરિક તરીકેની નક્કર ઓળખ ઊપસાવવા માટે આ યોગ્ય સમય છે. પરંપરાને નામે પ્રદૂષણ ફેલાવવામાં એકબીજાની સ્પર્ધા કરવાને બદલે જળસ્રોતની જાળવણી બાબતે કંઈક પગલાં ભરાય તો જ કોઈ અર્થ સરે! દેવ બિચારા નથી નારાજ થતા કે નથી રાજી થતા. એમ હોત તો પોતાના નામે ચાલતા આવા અવિચારીપણાને તેમણે ચાલવા જ ન દીધું હોત. પાણીનો વેડફાટ, જળસ્રોતનું નિકંદન નીકળતું હોય એવા તમામ ધર્મના તહેવારોની ઉજવણી બાબતે ધરમૂળથી ફેરવિચારણા કરવાનો આ જ સમય છે.

પર્યાવરણ સાથે સુસંગત હોય એવી મૂર્તિઓ કે તાજિયાની વાત કરવાનો અર્થ નથી. એનાથી કશો જ ફરક પડતો નથી, એ આટલા વરસે પણ ન સમજાય તો પછી એમ માનવું રહ્યું કે આપણે સહુ પ્રદૂષણને જ લાયક છીએ.

આ મુદ્દે રાજકારણીઓ પાસેથી ખાસ અપેક્ષા રાખી શકાય એમ નથી. પર્યાવરણની ફિકર કરનારાઓ એમ પૂછતા હોય છે કે ભાવિ પેઢી માટે આપણે કેવો વારસો મૂકી જઈશું. પણ સ્થિતિ આવી રહી તો ભાવિ પેઢી નહીં, આપણા ભાગે જ આ વારસો ભોગવવાનો આવશે એમ શક્યતાપૂર્વક નહીં, ખાત્રીપૂર્વક કહી શકાય. જળસંચય તો વરસાદ પડ્યા પછી કરાય, પણ જે જળસ્રોત અસ્તિત્ત્વમાં છે તેમાં કશાયનું વિસર્જન ન કરવાનું નક્કી કરવું રહ્યું. કાનૂની રાહે એ પ્રતિબંધિત થાય એ શક્યતા નથી, પણ સમજણ વિકસાવવા માટે કાનૂન બને ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. આમેય કાનૂન બને પછી આપણી સમજણ તેના પાલનમાં નહીં, પણ તેમાં છીંડા શોધવા બાબતે જ વિકસતી જોવા મળે છે.

વ્યક્તિગત રીતે સહુ એટલું નક્કી કરે કે આગામી જળસંબંધી પર્વોમાં પોતાની અંધશ્રદ્ધા, ગેરસમજણ અને ધાર્મિક મિથ્યાગુમાનનું જ વિસર્જન કરવું, એ સિવાય બીજી કોઈ ભૌતિક ચીજનું નહીં, તો પણ પૂરતું છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૧-૦૮– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *