કચ્છનું રણ અને આખ્યાયિકાઓ – ૧૪ – ૧૯૮૦ : પરમકૃપાની ચરમ સીમા…

Facebooktwitterredditpinterestlinkedinmail

image

કૅપ્ટન નરેન્દ્ર ફણસે

કાશ્મિરના સંવેદનશીલ એવા પૂંચ-રજૌરી અને તંગધારના ‘high altitude’ વિસ્તારમાં લગભગ ત્રણ વર્ષ સેવા બજાવી અને બદલીનો હુકમ આવ્યો. સશસ્ત્ર સેનાઓમાં સામાન્ય શિરસ્તો છે કે અતિ પરીશ્રમભર્યા અને દુર્ગમ વિસ્તારમાં ત્રણ વર્ષ સેવા બજાવ્યા બાદ અફસરોને પરિવાર સાથે રહી શકાય તેવા શાંત વિસ્તારમાં બદલી અપાતી હોય છે. ગુજરાતમાં મારું બે વાર પોસ્ટીંગ થયું હતું તેથી ત્રીજી વાર ત્યાં બદલી થાય તે અશક્ય હતું. મેં અમારા ડાયરેક્ટર જનરલને વિનંતી કરી કે મને જમ્મુ શહેરમાં પોસ્ટીંગ મળે. જનરલે મને જણાવ્યું કે જમ્મુનાં પોસ્ટીંગ થઈ ચૂક્યા હતા. હું ગુજરાતનો હતો તેની તેમને જાણ હતી તેથી તેમણે જ મને સૂચવ્યું કે જો મને ભુજ જવામાં કોઈ વાંધો ન હોય તો તેઓ તેની વ્યવસ્થા આસાનીથી કરી શકશે. મારા માટે આનાથી વધુ સારો મોકો કયો હોઈ શકે?

એક મહિના બાદ મારી ટ્રાન્સ્ફરનો ઑર્ડર આવ્યો. મારા હોદ્દાનો ચાર્જ સોંપવા બટાલિયન હેડક્વાર્ટર જવાની સૂચના મળી તેથી “વિમલા” પોસ્ટમાંથી ઉતરીને ચોકીબલના બેઝ કૅમ્પમાં આવીને રાત રોકાયો. ચોકીબલમાંના જવાનોએ મને “બડા ખાના” (આ એક ભોજન સમારંભ હોય છે જેમાં અફસરો અને જવાનો અગત્યના સમારંભની ઉજવણી કરવા માટે સાથે ભોજન કરતા હોય છે) માટે નિમંત્રણ આપ્યું. રાત્રે ભોજન સમારંભ અને ભાંગડામાં અમે બધાએ ખુબ આનંદ માણ્યો. બીજે દિવસે સવારે દસે’ક વાગે જીપ તૈયાર રાખવા મેં અમારા ડ્રાઈવર દાસરામને હુકમ કર્યો. મારી સાથે કર્ણા જવા મારો સાથી સિપાહી તોતારામ અને લાન્સનાયક બલજીતસિંહ તૈયાર હતા.  દાસરામ બારામુલ્લાની નજીક આવેલા ગામનો કાશ્મિરી પંડિત હતો. અમારા કમાન્ડન્ટની રજાથી તે ચોકીબલમાં તેની પત્ની અને દોઢ વર્ષના પુત્ર સાથે રહેતો હતો. નીકળતાં પહેલાં  દાસરામ મારી પાસે આવ્યો.

“સા’બજી, આપને વાંધો ન હોય તો મારી પત્ની અને મારા દીકરાને આપણી સાથે જવાની રજા આપશો? અમારાં સગાંવહાલાં કર્ણામાં રહે છે. આપની રજા હોય તો તેમને અમે મળી શકીશું.”

મેં રજા આપી. દસે’ક મિનીટમાં દાસરામ અને બલજીતસિંહ જીપમાં બેસી મારી રુમની બહાર કમ્પાઉન્ડમાં આવ્યા. કોઈ પણ પ્રવાસે કે ડ્યુટી પર જવાનું થાય તો હું મારી બ્રીફકેસમાં મારા ઈષ્ટદેવની છબી રાખ્યા વગર કદી ન જતો. આમ તો હું બહુ ધાર્મિક માણસ નથી, પણ તોતારામ જબરો ભગત માણસ હતો.  રોજ સવારે અને સાંજે બાબાની છબી સામે ઘીનો દિવો અને અગરબત્તી તૈયાર રાખે. નાહીને હું દિવો પ્રગટાવી પ્રાર્થના કરું. તોતારામ શ્રદ્ધાપૂર્વક પગે લાગે. ડ્રાઈવરની નજીક હું બેઠો અને તોતારામે મને મારી બ્રીફકેસ આપી. દાસરામે જીપ ચાલુ કરી. મેં બ્રીફકેસ ખોલી, ઈષ્ટદેવને નમસ્કાર કર્યા. અમે બધાંએ મળી “સચ્ચા પાતશાહ, વાહે ગુરુ, વાહે ગુરુજીકા ખાલસા, વાહે ગુરુજી કી ફતેહ” નો ઉચ્ચાર કર્યો અને સાધના પાસ તરફ પ્રયાણ કર્યું.

ચોકીબલથી સાધના-નસ્તાચુન પાસ જવાનો રસ્તો અત્યંત ખતરનાક છે. ચોકીબલ ૭૦૦૦ ફીટની ઉંચાઈએ અને ત્યાંથી નસ્તાચુન પાસ ૧૧૦૦૦ ફીટ પર. રસ્તામાં થોડે થોડે અંતરે ‘હેર-પિન બેન્ડ’ આવે. ગાડી ચલાવવામાં થોડી શરતચૂક થઈ તો સમજવું કે હજાર-બે હજાર ફીટની ખાઈમાં ગાડી ફંગોળાઈ જવાની. આવી કેટલીયે જગ્યાએથી ખીણમાં પડેલા થ્રી-ટન ટ્રક, જીપ વિગેરેની એક્સલ, બારણાં તથા બૉડીનાં ટુકડા અને પૈડાં જોવા મળે.

અમારા બેઝ કૅમ્પની બહાર નીકળીએ કે તરત પહાડી રસ્તો શરુ થાય. અમારી જમણી બાજુએ પહાડ અને ડાબી બાજુએ ખીણ. અમે એકાદ કિલોમીટર ગયા હઈશું ત્યાં અચાનક દાસરામે જીપને એકદમ જમણી તરફના પહાડના કઠણ ઢાળ પર ચઢાવવાનો પ્રયત્ન કર્યો. મેં તેને મોટેથી કહ્યું, “યે ક્યા કર રહા હૈ દાસરામ? તુમ્હારા દિમાગ તો ઠીક હૈ ના?”

મેં દાસરામ તરફ જોયું તો તે ફાટી આંખે રસ્તાની સામે જોઈ રહ્યો હતો. ફાટેલા અવાજે તેણે રાડ પાડી,  “સાબ જી….બ્રેક ફેલ હો ગયા….” 

પહેલી વાર જ્યારે દાસરામને ખબર પડી કે જીપના બ્રેક ફેઈલ થયા છે, તેણે ગાડીને જમણી તરફના ઢાળ પર ચઢાવીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેમાં નિષ્ફળતા મળી. જીપ ખડક પર અથડાઈને સડક પર પાછી આવી. ભયગ્રસ્ત થયેલા દાસરામે ક્લચ અને બ્રેક બન્ને જોરથી દબાવી રાખ્યા હતા.  બ્રેક તો ફેલ થયા હતા, પરંતુ ક્લચ દબાવવાથી ગાડીનું ટ્રાન્સમીશન ફ્રી થયું અને જીપની ગતિ વધુ તેજ થઈ. દાસરામની બૂમ સાંભળી મારા કલેવરમાં અને અવાજમાં અચાનક ફેરફાર થતો હોય તેવો મને આભાસ થયો. એકા એક હું એક સાક્ષીભાવમાં આવી ગયો. મારા શરીરની બહાર રહી હું નરેનને જોઈ રહ્યો હતો. મેં નરેનને બોલતાં જોયો – સાંભળ્યો. મારા કાનમાં નરેનના સ્વરમાં કોઈ અન્ય શક્તિનો અવાજ સંભળાયો.

“દાસરામ, ડરના નહિ. હોંસલા રખો. સ્ટીયરીંગ મજબૂત પકડે રખો.”

મેં નરેનનો જમણો હાથ ગીયરની સ્ટીક પર જતાં જોયો. હળવેથી આ હાથે સ્ટીકને ચોથા ગીયરમાંથી સીધા ફર્સ્ટ ગીયરમાં નાખી. જીપને આંચકો લાગ્યો અને આંચકા- ડચકાં ખાતી ખાતી ગાડીનું એન્જીન થોડા અંતર પર જઈ બંધ પડી ગયું. ચારે તરફ અવર્ણનીય શાંતિ હતી. સાક્ષી-નરેને દાસરામ તરફ જોયું તો તે એક મૂઢ, અવાક્ પૂતળાની જેમ સ્ટીયરીંગ વ્હીલને મજબૂત પકડીને બેઠો હતો. તેનાં કાંડાં અને મ્હોં ફીક્કાં અને સફેદ થઈ ગયા હતા. બધા સ્તબ્ધ થઈ પુતળાની જેમ સ્થિર બેઠા હતા. પૃથ્વી થંભી ગઈ હતી. આકાશમાં વાદળાં નહોતાં. પંખીઓનો કલરવ સંભળાતો નહોતો. ધીમે ધીમે નરેન અને સાક્ષી-નરેન  એક થઈ ગયા. ‘હું’ હોશમાં આવ્યો ત્યારે પ્રથમ તો મને આ અલૌકીક શાંતિનો અહેસાસ થયો, પણ બીજી ક્ષણે જીપની પાછળના ભાગમાંથી આવતો મંદ રુદનનો અવાજ સાંભળ્યો. કહેવાની જરુર નથી: આ મિસીસ દાસરામ હતાં. ભયભીત થતાં તેમણે પોતાના દોઢ વર્ષના બાળકને વક્ષ:સ્થળમાં એટલા જોરથી દબાવી રાખ્યું હતું કે તેના મ્હોંમાંથી પણ ગુંગળાતા સ્વરમાં હિબકાં આવી રહ્યા હતા. હું જીપની બહાર નીકળ્યો. સામે નજર કરી તો હેબતાઈ ગયો. મારા મુખમાંથી ભયમિશ્રીત આશ્ચર્યના શબ્દો નીકળ્યા: “ઓહ માય ગૉડ!!!”

જીપથી દોઢે’ક મીટરના અંતર ઉપર ૧૦૦૦ફીટ ઉંડી ખીણ હતી. ખીણમાં તેજ ગતિથી વહેતી નદી હતી, અને તેના કિનારા પર કાશ્મિરની નદીઓ અને નાળામાં હોય છે તેવા લિસા ગોળ ખડક અને પત્થરના ખડકલા હતા. પહેલગામની મુલાકાતે ગયેલા સહેલાણીઓએ નદીના પટમાં પડેલા આવા પત્થર જોયા હશે. ખીણમાં આ અગાઉ પડેલી ગાડીઓની એક્સલ તથા ભંગાર આટલી ઉંચાઈએથી પણ સ્પષ્ટ દેખાતા હતા. જમણી બાજુએ જ્યાં રસ્તો વળતો હતો, ત્યાં ઉલટાવેલા અંગ્રેજી U જેવો હેર-પિન બેન્ડ હતો. જીપ જ્યાં થંભી હતી ત્યાંથી આ વળાંક ત્રણ-ચાર મિટર પર હતો. આ જોઈ મારું શરીર કંપી ઉઠ્યું. આ એવી સ્થિતિ હતી જેમાંથી અમે કોઈ પણ હિસાબે બચી શકીએ તેવું નહોતું.

હું કશું કહું તે પહેલાં તોતારામ બોલી પડ્યો,”સાબ જી, આજ તો બાબેને બચા લિયા. નહિ તો હમ સારે….” કહેતાં તેનો અવાજ રુંધાઈ ગયો. બલજિતસિંહ આંખ બંધ કરીને “એક ઓમકાર, સતનામ શ્રી વાહે ગુરુ, વાહે ગુરુ,” બોલી નામ સ્મરણ કરી રહ્યો હતો. દાસરામ રડી રહ્યો હતો. મેં તેને સાંત્વન આપ્યું અને હિંમત આપી. ત્યાર બાદ અમે જીપની નીચે બ્રેક લાઈન જોઈ અને દાસરામ બોલી પડ્યો, “રબ્બા વે!” (હે ભગવાન!) ગાડીકી તો બ્રેક લાઈન હી ટૂટ ગઈ હૈ!” બ્રેક લાઈન બરાબર વચ્ચોવચ કપાઈ હતી. જ્યાં કપાઈ હતી ત્યાં બે છેડા લટકતા હતા.બ્રેક -ફલ્યૂઈડની નાનકડી ટાંકીમાં એક ટીપું પણ  ફ્લ્યૂઈડ નહોતું. હાઈડ્રોલિક બ્રેકના આ સૌથી મહત્વના ભાગ છે.

આજે પણ આ પ્રસંગ યાદ આવે છે, શરીરના રોમે રોમ ખડા થઈ જાય છે. હજાર ફીટ ઉંડા  અને પાંચસો ગજ પહોળા મૃત્યુના મુખમાંથી અમને બચાવનાર કોણ હતું? કોણે મારા શરીરનો ‘કબજો’ કર્યો હતો, જેણે એવી શાંતિથી આ બધી કાર્યવાહી કરી કે જીપમાં બેઠેલા સાડા પાંચ રાખનાં રમકડાં જીવી ગયા?

ઘણાં વર્ષ સુધી મેં પેલી તુટેલી બ્રેક લાઈનનો વિચાર કર્યો નહોતો. એક દિવસ સાંજે આ પ્રસંગની સ્મૃિતમાં ખોવાયો હતો. હંમેશની જેમ સમગ્ર પ્રસંગ જાણે ગઈ કાલે જ બન્યો હોય તેમ નજર સામે ઉભો રહ્યો. આ વખતે મારા મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા:

બ્રેક લાઈન પ્લાસ્ટીકની મજબૂત ટ્યુબ હોય છે. અમારી જીપની બ્રેક લાઈનને તપાસી જોતાં જણાયું હતું કે તે એવી સફાઈથી ‘તુટી’ હતી, જાણે તેને બ્લેડ અથવા તીક્ષ્ણ છરી વડે કાપવામાં આવી હોય!

જો એમ જ હોય તો એવો કોણ ક્રુર માનવી હતો જેણે આવું અમાનુષી કૃત્ય કર્યું હતું? શા માટે?

છેલ્લો સવાલ: જે રીતે અમે બધાં બચી ગયા, તેનો વૈજ્ઞાનિક ખુલાસો કોઈ આપી શકશે? કે પછી તેને એક રહસ્ય જ માનવું રહ્યું?

મારી મિલીટરીની નોકરી દરમિયાન જ નહિ, પણ સમગ્ર જીવનમાં કદી જાણી જોઈને કોઈને દુભવ્યા નહોતા.  મારી દૃષ્ટિએ મારા જીવનમાં (ત્યારે અને અત્યારે પણ!) મને કોઈ દુશ્મન નહોતો . આ કામ કરનાર માણસ કોને નુકસાન પહોંચાડવા માગતો હતો? અને ખુન કરવું જ હોત તો જીપમાં પ્રવાસ કરનાર એક સ્ત્રી અને દોઢ વર્ષના બાળકનો જીવ જશે તેનો તેને ખ્યાલ ન આવ્યો? શું તેના માટે આ collateral damage હતો? આ વાતને ૨૫ વર્ષના વહાણાં વાઈ ગયા તેમ છતાં હું સમજી શક્યો નથી કે આ વ્યક્તિ કે વ્યક્તિઓને કોના પ્રત્યે દુશ્મનાવટ હતી? ડોગરા રાજપુત ખાનદાનનો તોતારામ સજ્જન હતો. બલજીતસિંહ ધાર્મિક વૃત્તિનો લોકપ્રિય જવાન હતો. તેમને કે દાસરામને કોઈ દુશ્મન હોય તેનો સંભવ નહોતો. અગર મારા પ્રત્યે કોઈને અંગત દુશ્મનાવટ કે અસૂયા હતી તો તેનું કારણ જાણવા માટે હું અસમર્થ હતો. આ બટાલિયનમાં મારી બીજી વાર બદલી થઈ હતી. આ જ બટાલિયનમાં ૧૯૭૧ના યુદ્ધમાં દુશ્મનના તોતિંગ ફાયરીંગની પરવા કર્યા વગર મારા સૈનિકોની મોખરે રહીને મેં જે કામગીરી કરી હતી તે માટે મને રાષ્ટ્રપતિનો પોલિસ ઍન્ડ ફાયર સર્વિસીઝ મેડલ ફૉર ગૅલન્ટ્રી (જેનો ક્રમાંક વીર ચક્ર બાદ અને સેના મેડલની ઉપર આવે છે) એનાયત થયો હતો. તે વખતની મારી કંપનીના સૈનિકોમાં સબ-ઈન્સ્પેક્ટર દર્શન સિંહને સેના મેડલ, ઠાકુર કરમચંદને રાષ્ટ્રપતિના પોલિસ મેડલ સમેત દુશ્મન સામેની બહાદુરી માટે સાત અન્ય બહાદુર જવાનોને વીરતા માટેના મેડલ મળ્યા હતા. આ કારણસર કેમ ન હોય, પણ જુના અને નવા સૈનિકો તથા અફસરોમાં હું અપ્રિય તો નહોતો જ. બટાલિયનના ઈતિહાસમાં મારી સેવા સંબંધી વાત લાંબા સમયથી નોંધપાત્ર ગણાતી હતી. મારા મનમાં હાલ ઉપસ્થિત થયેલ શંકા કદાચ અસ્થાને પણ હોય! હું હજી પણ મારા મનને મનાવવા માગું છું કે આ કેવળ અકસ્માત જ હતો.

અહીં એક વાત કબુલ કરીશ કે આ પ્રસંગ થયો તેના ઘણાં વર્ષો અગાઉ ટ્રેનિંગ દરમિયાન અમારા મિકેનાઈઝ્ડ ટ્રાન્સ્પોર્ટના ઈન્સ્ટ્રક્ટરે તેમના લેક્ચરમાં કાર અકસ્માતનાં કારણોનાં વર્ણનમાં બ્રેક ફેલ થવા વિશે વાત કરી હતી. “મોટર એક્સીડેન્ટમાં ડ્રાઈવર ગાડી પરનું નિયંત્રણ ખોઈ દે અથવા ગાડી ચલાવતી વખતે કોઈ ભુલ કરે એ અકસ્માતનું સૌથી મોટું કારણ હોય છે. ત્યાર પછીના ક્રમમાં આવતું બીજું કારણ છે બ્રેકમાં ક્ષતિ ઉભી થવી. જો મોટરની ગતિ ધીમી હોય તો  મોટરના ગીયરને નીચા – એટલે સીધા ફર્સ્ટ ગીયરમાં લઈ જવાથી કારની ગતિ એકદમ ઓછી થઈને રોકાઈ જવાની શક્યતા વધી જાય છે. આવી હાલતમાં બચાવનાર ફક્ત પરમાત્મા હોય છે. બચાવનારનું નિમિત્ત ડ્રાઈવર બને છે, કારણ કે ગાડીનું નિયંત્રણ તેના હાથમાં હોય છે. ગાડીનો ચાલક પ્રસંગાવધાન અને માનસિક ધૈર્ય ન જાળવે તો ઘાતક અકસ્માતમાંથી બચવાની શક્યતા નહિવત્ હોય છે. કદાચ વર્ષો પહેલાં સાંભળેલી વાત મારા સુષુપ્ત મનમાં અંકાઈ ગઈ હતી અને અણીને વખતે તે પ્રત્યક્ષ થઈ. હું તે માનવા તૈયાર નથી. અમારી સાથે બનેલા પ્રસંગમાં જીપનાં નિયંત્રણો – સ્ટીયરીંગ અને ક્લચ- દાસરામના હાથમાં હતાં. નરેનના હાથે કેવળ ગીયર ફેરવ્યા હતા. તે એ પણ જાણવા અસમર્થ હતો કે દાસરામનો પગ  ક્લચ પર હતો કે નહિ. ચોથા ગિયરમાંથી ફર્સ્ટમાં ગિયર કેવી રીતે પડી  ગયો તે પણ જાણવું શક્ય નહોતું. દાસરામ પોતે એવો ભયગ્રસ્ત થઈ ગયો હતો કે તેને કશાનું ભાન નહોતું.  હું તો એટલું જ કહીશ કે એક અદૃષ્ટ શક્તિ અમારા જીવનનું રક્ષણ કરી રહી હતી. તોતા રામના શબ્દો  “બાબેને બચા લિયા” હજી મારા કાનમાં રણકે છે!

આ પ્રસંગને દાયકાઓ વિતી ગયા છે. મારા માટે તો તે ગઈ કાલે જ બન્યો હોય તેવો અવિસ્મરણીય છે, અને તેના વિચાર માત્રથી શરીર કાંપી ઉઠે છે.


ક્રમશઃ


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

2 comments for “કચ્છનું રણ અને આખ્યાયિકાઓ – ૧૪ – ૧૯૮૦ : પરમકૃપાની ચરમ સીમા…

  1. Purvi
    August 9, 2019 at 6:25 am

    Adbhut, Keval Adbhut Narnji

  2. Niranjan Korde
    August 9, 2019 at 9:27 am

    કપ્તાન નરેન્દ્ર ના લશ્કર જીવનનો કેવળ એક અદભુત પ્રસંગ છે. તેમના ‘જીપ્સીની ડાયરી’ પુસ્તક’ માં દૈવી સાથે રુવાંટા ઉભા કરે તેવા શૌર્યતા ના અનુભવો ના અન્ય જરૂર વાંચવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *