મોજ કર મનવા : જિજ્ઞાસા

Facebooktwitterredditpinterestlinkedinmail

કિશોરચંદ્ર ઠાકર

તે દિવસે ઝાડ પરથી સફરજન પડવાનાં બે પરિણામો આવ્યાં. એક તો મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટને ગુરરુત્વાકર્ષણની શોધ કરી અને બીજું, અંગ્રેજી પાઠપુસ્તક અશોક રિડર્સના -ન્યુટન અને બીજા ઘણા વૈજ્ઞાનિકોનાં ઉદાહરણો આપીને જ્ઞાન પ્રાપ્તિ માટે જિજ્ઞાસા હોવી જોઈએ એ સમજાવતા- એક પાઠમાંનું “Asking Question Is a Royal Road Of Knowledge” એવું વાક્ય અમારે ગોખવું પડ્યું. પછીથી તો જિજ્ઞાસાનું મહત્ત્વ્વ સમજાવતી અનેક વાતો વાંચવામાં અને સાંભળવામાં આવી.

પરંતુ ન્યૂટન કે અન્ય વૈજ્ઞાનિકો જિજ્ઞાસાના જે પ્રદેશો ખેડી શકે તેમ નથી તેવા અનેક પ્રદેશો આપણી આજુબાજુના કેટલાક લોકો ખેડતા રહેતા હોય છે. એમની જિજ્ઞાસા ફળની આસક્તિ વિનાની હોવાથી નિષ્કામ ભાવે પ્રગટ થતી રહે છે. વાચકોને તેમના વિષે જાણવાની જિજ્ઞાસા હશે જ એમ માનીને આજનો લેખ લખવા પ્રેરાયો છું.

દૂધિયા દાંત પડી ગયા પછી જેમ નવા દાંત આવે છે તેમ બાળપણની જિજ્ઞાસા પણ મોટપણે બદલાઈ જતી હોય છે. આપણી જિજ્ઞાસામાંથી વિસ્મયનું તત્ત્વ્વ ગાયબ થઈ જાય છે અને જુદા જ પ્રકારની જિજ્ઞાસાઓ ફૂટી નીકળે છે.

આપણામાંના ભાગ્યે જ કોઈ એવા હશે કે જે આ પ્રકારના જિજ્ઞાસુના સંપર્કમાં ન આવ્યા હોય. ઘરની બહાર નીકળતાં જ સામે મળતા જિજ્ઞાસુઓને “કયાં જાઓ છો? “ એમ પૂછવાની ઈચ્છા અવશ્ય થતી હોય છે. આ સવાલના ત્રાસથી છૂટવા માટે જ કોઈ ચબરાક માણસે ઉપજાવી કાઢ્યું હોય એમ લાગે છે કે ‘કોઈને “ક્યાં જાઓ છો?“ એમ પૂછવાથી અપશુકન થાય.’ પરંતુ “ક્યાં જઈ આવ્યા?“ એ સવાલથી આપણે બચી શકતા નથી. હાથમાં થેલી જેવી વસ્તુ હોય તો ક્યાં જઈ આવ્યા, ઉપરાંત શું લઈ આવ્યા એવા સવાલનો પણ સામનો કરવો પડતો હોય છે.

ગામડાંમાં આવા જિજ્ઞાસુઓના ડાયરાની બેઠક સરિયામ રસ્તા ઉપર આવેલી કોઈ એવી વ્યૂહાત્મક જગ્યાએ હોય છે કે જ્યાંથી આવતા જતા લોકો પર નજર રહે. ડાયરામાં ગમે તેટલી ગંભીર ચર્ચા ચાલતી હોય પરંતુ એસ ટી બસમાંથી ઊતરેલા અજાણ્યા મુસાફરને જોતાવેંત આ ચર્ચા થંભી જાય છે. કવિ કા‌ન્તના ‘અતિજ્ઞાન’ કાવ્યમાંના ‘દુર્યોધન પ્રેષિત દૂત’ને જોઈને નગરજનોમાં થયેલી જિજ્ઞાસામાંથી ભય અને સંદેહ બાદ થયા પછી વધેલી જિજ્ઞાસાના પ્રભાવમાં આખો ડાયરો આવી જાય છે. આગંતુક ચાલતો ચાલતો તેના લક્ષ્ય સ્થાન સુધી પહોંચે ત્યાં સુધી તેના પર ચક્ષુકૅમેરા ફરતા રહે છે, છેવટે આવેલા મહેમાનના યજમાન બાબતની જિજ્ઞાસા તૃપ્ત થયા પછી અગાઉની ચર્ચા અધૂરી જ રહી જાય છે અને આવનાર કોણ હશે અને કયા પ્રયોજનથી આવ્યો હશે તેવી જિજ્ઞાસાઓ પ્રેરિત નવી ચર્ચાઓ શરૂ થઈ જાય છે!

અમદાવાદ જેવા શહેરમાં દરેક પોળના એકાદ ઓટલા ઉપર આવા જિજ્ઞાસુઓની હાજરી અવશ્ય હોય છે. પોળમાં પ્રવેશેલા અજનબીએ પોતે જેની મુલાકાત લેવાની છે તેનું ઘર બરાબર જોયું ન હોવાથી તે અંગે પૂછપરછ કરે તો એ જિજ્ઞાસુને લોટરી લાગી હોય તેવો આનંદ થાય છે, અને જરૂરી માહિતી આપવાના બદલામાં આગંતુકની શક્ય તેટલી વિગતો જાણી લે છે.

પોતાના સગાસબંધીઓ વિષે સામાન્ય માહિતી તો દરેકને પાસે હોય જ છે, પરંતુ તેમની રોજબરોજની ગતિવિધિ જાણવાની જરૂર હોતી નથી. જોવા એવું મળ્યું છે કે સગાસબંધીઓના પરસ્પરના સંબંધો વણસે છે ત્યારે એકબીજાની દૈનિક ગતિવિધિ માટેની જિજ્ઞાસા અચાનક વધી જાય છે. ગણિતની ભાષામાં કહીએ તો લોકોની પોતાના સગાસબંધીઓ માટેની જિજ્ઞાસા તેમના પરસ્પરના સબંધોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

મહોલ્લામાં કે રસ્તા પર એકઠા થયેલા ટોળાના પ્રયોજન માટેની જિજ્ઞાસા લગભગ સાર્વત્રિક હોય છે, ટોળાનું કારણ ઝઘડો હોય તો જિજ્ઞાસા ઉપરાંત મનોરંજનનું તત્ત્વ ઉમેરાય છે.

માણસ પોતે બીમાર પડે છે પરંતુ તેની જિજ્ઞાસા માંદી પડતી નથી. એ સત્ય મને થોડા સમય પહેલા સમજાયું. એક દિવસે હું મારા મિત્રને મળવા તેને ઘરે ગયો. મિત્રના પિતા બીમાર હતા અને તેમને પથારીમાંથી ઊભા નહિ થવાની કડક સૂચના ડોક્ટરે આપેલી. આ સૂચનાનું બરાબર પાલન થાય એ માટે મિત્રે બાપુજીને કહી રાખેલું કે કાંઈ જોઈતું હોય તો કહેજો, પણ તમે જાતે ઊભા થતા નહિ. અમે બે મિત્રો વાતે વળગ્યા તેવામાં અચાનક બાપુજીએ તો ઊભા થઈને સામે પડેલા ટેબલ પરનાં ચશ્મા હાથમાં લીધાં. આ જોઈને “તમારે ચશ્માનું કંઇ કામ છે? ” એવા મિત્રના ગભરામાણ અને કાંઇક અંશે ગુસ્સાના મિશ્રણ જેવા સવાલના જવાબમાં બાપુજીએ જણાવ્યું કે ”મારે ચશ્માનું કંઈ કામ નથી પરંતુ હું જાણવા માગતો હતો કે આ ચશ્મા મારા છે કે તારી બાના!”

બાલાશંકર કંથારિયાએ ‘ન માગ્યે દોડતું આવે, રહે છે દૂર માગો તો’ એમ કહીને પ્રારબ્ધને ભલે ઘેલું કહ્યું હોય પરંતુ આ પ્રકારની જિજ્ઞાસાને તો હું અવળચંડી જ કહીશ. કેટલીક વખત એવું બને છે કે બે વ્યક્તિઓ વચ્ચે એક છાપું હોય તો બન્ને જણા ઉદારતા બતાવીને “પહેલે આપ, પહેલે આપ” કહે છે. છેવટે બેમાંથી એક જણ ત્યાગ કરીને બીજાને વાંચવાની તક આપે છે. પરંતુ બને છે એવું કે જેવું એક વ્યક્તિ છાપું વાંચવા લાગે છે કે તરત જ બીજાની જિજ્ઞાસા જાગી ઊઠે છે અને છાપાની નીચે કે ઉપર જેમ અનુકૂળતા પડે તેમ ડોકું ફેરવીને અન્યના હાથમાંનું છાપું વાંચવા લાગે છે!

આવું જ એક ઉદાહરણ એક અંગ્રેજી ફિલ્મમાં જોવા મળ્યું. જાહેરાતનું ચોપાનિયું વહેંચતો એક માણસ જે પણ વ્યક્તિને ચોપાનિયું આપે તે તરત જ વાંચ્યા વગર ફેંકી દેતી. પછી પેલા ભાઈએ યુક્તિ કરીને ચોપાનિયાનો ડૂચો વાળીને આવતા જતા લોકોને આપવાનું રાખ્યું, અને ધાર્યા મુજબ જ પરિણામ આવ્યું કે દરેક વ્યક્તિ કાગળને સરખો કરીને તેમાંની વિગતો વાંચવા લાગી!

મહિલાની ઉંમર માટેની જિજ્ઞાસા પર સભ્ય લોકોએ અંકુશ મૂક્યો છે. પરંતુ મૃત્યુ પામનાર વ્યક્તિના સમાચારની સાથે તેની ઉંમર માટેની જિજ્ઞાસા શિવપાર્વતીની જેમ જોડાયેલી હોવાથી આ સમાચાર આપવાની સાથે જ તેની ઉંમર જણાવવાનું ફરજિયાત થઈ ગયું છે.

આજકાલ ચારેબાજુ જોવા મળતું સ્માર્ટ ફોનનું વ્યસન એ બીજું કંઈ નથી પરંતુ મગજે જિજ્ઞાસા પરનો ગુમાવેલો કાબૂ માત્ર છે. બીજી રીતે કહીએ તો સોશિયલ મીડિયાની જિજ્ઞાસા એ ચોપાટની ગાંડી થયેલી કૂકરી છે!

ગમે તે કહીએ પરંતુ આપણે ઉપર વર્ણવેલા જિજ્ઞાસુઓ એ સમાજની વ્યક્તિઓ જીવંત હોવા ઉપરાંત આપણા વિષે જિજ્ઞાસા વ્યક્ત કરીને આપણે પોતે પણ જીવંત છીએ તેનું ભાન કરાવે છે. વધુમાં ચોતરફ હિંસા, નફરત, ધિક્કારની વચ્ચે પણ સમગ્ર સૃષ્ટિને જ્ઞેય માનીને આ જિજ્ઞાસુઓ તેને જેવી પણ છે તેનો સ્વીકાર કરે છે. જીવનરસ આથી તો વિશેષ કયો હોઈ શકે?.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

8 comments for “મોજ કર મનવા : જિજ્ઞાસા

 1. રેખા શાહ
  August 11, 2019 at 10:10 am

  કિશોરભાઇ ઠાકર ,
  આપનો લેખ “જિજ્ઞાસા “ વાંચ્યો ખૂબ ગમ્યો વિવિધ વિષયોપર ના લેખોના આપની સુંદર અને સરળ લેખન શૈલી ગમેછે

 2. Kishor Thakr
  August 12, 2019 at 9:14 am

  આભાર રેખાબેન

 3. ગૌતમ ખાંંડવાલા
  August 12, 2019 at 7:52 pm

  જિજ્ઞાસા એ જ્ઞાનતરસ્યાનો ગુણ છે. અને જ્ઞાન મેળવવાનો સૌનો અધિકાર છે.
  સરસ નિબંધ. મજા આવી, કિશોરભાઈ

  • Kishor Thaker
   August 12, 2019 at 8:25 pm

   આભાર ગૌતમભાઈ

 4. Ashvin S Patel
  August 18, 2019 at 12:33 pm

  કિશોરભાઇ, ખૂબ મઝા આવી. Your observation towards curiosity is really appreciable that too with humour. Enjoyed fully.

 5. Kishor Thakr
  August 19, 2019 at 12:19 pm

  Thank you very much Ashwinbhai

 6. Samir
  August 19, 2019 at 1:50 pm

  જે દિવસે જીજ્ઞાસા ના રહે ત્યારે સમજવું કે આપણું માનસિક મોત થઇ ચુક્યું છે !
  કિશોરભાઈ ની કલમ માં ચિંતન સાથે રમુજ પણ હોય છે તેથી વધુ મજા આવે છે..
  આભાર કિશોરભાઈ !

  • Kishor Thakr
   August 21, 2019 at 9:07 pm

   આભાર સમીરભાઇ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *