ટાઈટલ મ્યુઝીક : ૧૫ : તરાના (૧૯૭૭)

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

1989 માં રજૂઆત પામેલી, ટૂંકમાં ‘એમ.પી.કે.’ તરીકે ઓળખાતી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ અનેક રીતે સીમાચિહ્નરૂપ ગણાવી શકાય. પણ તેના થકી સૌથી મોટું પરિવર્તન ગણાવી શકાય તે હતું રાજશ્રી પ્રોડક્શનની કાયાપલટ. અત્યાર સુધી સીધીસાદી, ઓછા ખર્ચમાં બનતી, ઓછા જાણીતા કલાકારો ધરાવતી, (અમુક અપવાદ સિવાય) મોટે ભાગે ગ્રામ્ય પરિવેશવાળી, સંગીતપ્રધાન ફિલ્મોનું નિર્માણ કરનાર આ બેનર હવે ભવ્યાતિભવ્ય, સ્ટારકેન્દ્રી ફિલ્મનિર્માણ તરફ વળ્યું. આ બેનરની ફિલ્મોના સંગીતકાર પણ ઓછા જાણીતા રહેતા. રવીન્દ્ર જૈન, બપ્પી લાહિરી, રામ-લક્ષ્મણ, રાજકમલ જેવા સંગીતકારો પોતાની કારકિર્દીના આરંભે આ નિર્માણગૃહની ફિલ્મોમાં સંગીત આપતા હતા.


(‘રાજશ્રી’ના સ્થાપક તારાચંદ બડજાત્યા)

‘મૈંને પ્યાર કિયા’નું સંગીત ‘રામલક્ષ્મણ’નું હતું, જેમણે ત્યાર પછી આ જ બેનરની ‘હમ આપ કે હૈ કૌન’, ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મોમાં પણ લોકપ્રિય સંગીત પીરસ્યું.
‘રામલક્ષ્મણ’ હકીકતમાં કોઈ એક નહીં, પણ સંગીતકાર જોડીનું નામ છે, તેથી ‘રામ-લક્ષ્મણ’ લખાવું જોઈએ. 1977 માં રજૂઆત પામેલી ફિલ્મ ‘એજન્ટ વિનોદ’ દ્વારા આ જોડીનો પ્રવેશ હિન્દી ફિલ્મસંગીતક્ષેત્રે થયેલો, પણ ‘એજન્ટ વિનોદ’ રજૂ થાય એ પહેલાં જ આ જોડી પૈકીના ‘રામ’નું અવસાન થયું. આ જોડીના બન્ને સંગીતકારોનાં નામ વિજય પાટીલ ઉર્ફે લક્ષ્મણ પાટીલ અને સુરેન્દ્ર હેન્દ્રે છે. વિજય પાટીલ એટલે કે લક્ષ્મણ પાટીલ તે લક્ષ્મણ અને સુરેન્દ્ર હેન્દ્રે તે રામ.


સંગીતકાર જોડી રામ (જમણે)-લક્ષ્મણ (ડાબે)

લક્ષ્મણે ફિલ્મોમાં સંગીતકાર તરીકેની સફર આગળ વધારી, પણ તેમણે નામ પોતાનું એકલાનું રાખવાને બદલે ‘રામ-લક્ષ્મણ’ની જોડીનું નામ ચાલુ રાખ્યું. જો કે, આ સંગીતકારનાં ગીતોમાં મર્યાદિત સર્જકતા છે. એવું મને અંગત રીતે લાગે છે.


‘રાજશ્રી’ની દીપક બાહરી નિર્દેશીત ‘તરાના’ ફિલ્મની રજૂઆત 1979માં થઈ, જેમાં મિથુન ચક્રવર્તી, રંજીતા, ડૉ. શ્રીરામ લાગૂ, જગદીપની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મનાં ગીતોમાં મુખ્ય પુરુષસ્વર શૈલેન્દ્ર સીંઘનો અને મહિલાસ્વર ઊષા મંગેશકરનો હતો. ફિલ્મમાં અધધ કહી શકાય એટલાં બાર ગીતો હતાં, જેમાંના ઘણા બધા જાણીતા બનેલાં. આ ગીતો રવીન્દ્ર રાવલ અને તિલકરાજ થાપર દ્વારા લખાયેલાં હતાં. ‘સુલતાના સુલતાના, મેરા નામ હૈ સુલતાના’ (ઊષા મંગેશકર), ‘મેરી આંખ ફડકતી હૈ’ (ઊષા મંગેશકર, વર્ષા ભોંસલે), ‘કાન્હા રે કાન્હા’ (આરતી મુખરજી), ‘ભૂલીબિસરી યાદેં લેકર આતી હૈ’ (ઊષા મંગેશકર ), ‘જો બહારોં સે નઝારોં સે ચુને’ (શૈલેન્દ્ર સીંઘ ), અને ‘દુનિયા મેં બાપ કે દ્વાર સે બેટી કી બિદાઈ’ (જગજીત સીંઘ) જેવાં ગીતો રવીન્‍દ્ર રાવલે લખ્યાં હતાં. જ્યારે ‘હમતુમ દોનોં સાથ મેં, ભીગ જાયેંગે બરસાત મેં’ (ઊષા, શૈલેન્દ્રસીંઘ), ‘ગૂંચે લગે હૈ કહને, ફૂલોં સે ભી સુના હૈ’ (શૈલેન્દ્ર સીંઘ ), ‘મેરી દિલરુબા તુઝકો આના પડેગા’ (શૈલેન્દ્રસીંઘ ), ‘કૈસી યે જુદાઈ હૈ’ (ઊષા, શૈલેન્દ્રસીંઘ) , ‘ઈસ મૌસમ મેં તુમ જો હોતી’ (શૈલેન્દ્રસીંઘ), થામ કે બૈઠો દિલ કો યારોં (ઊષા મંગેશકર, શૈલેન્દ્રસીંઘ ) – આ ગીતો તિલકરાજ થાપરે લખ્યાં હતાં.


અહીં આપેલી ‘તરાના’ ફિલ્મની આખી લીન્કમાં ટાઈટલ મ્યુઝીક 0.28 થી આરંભાય છે. તંતુવાદ્યસમૂહથી થતો ઉપાડ અને ત્યાર પછી ઊમેરાતો તાલ બહુ કર્ણપ્રિય લાગે છે, પણ 1.14 થી ઉમેરાતું કોરસ બહુ સરસ અસર ઊભી કરે છે. આ કોરસ એટલે ‘ગૂંચે લગે હૈ કહને’ ગીતમાંનું સંગીત. વચ્ચે વચ્ચે અન્ય સંગીત પણ ઉમેરાય છે, પણ થોડી વારે કોરસ પાછું આવે છે તેને લઈને બહુ સરસ અસર ઊભી થાય છે. ધ્યાનથી સાંભળતાં કોરસમાં બે સમાંતર આલાપ માણી શકાય છે. ટાઈટલ મ્યુઝીક 2.51 સુધી છે.

કેવળ નોંધ ખાતર એટલું ઉમેરવું જરૂરી છે કે આ અગાઉ 1951 માં ‘તરાના’ નામે ફિલ્મ આવી હતી, જેમાં અનિલ બિશ્વાસનાં સંગીતબદ્ધ કરેલાં અદ્‍ભુત ગીતો હતાં.


(તમામ તસવીરો અને લીન્‍ક નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *