ખરી ખરીદીની મઝા તો અમદાવાદમાં –

Facebooktwitterredditpinterestlinkedinmail

– મિનળ પંડ્યા

મોટા ભાગના લોકો માને કે ખરીદી કરવા તો પરદેશ માં જવું. પણ મને લાગે કે ખરી ખરીદીની મઝા તો અમદાવાદ માં છે.

આવી રીતે કૈક શરૂઆત થાય. તમે કોઈ સાડી ની દુકાન પાસેથી પસાર થતા હો. સાડી ખરીદવાનો કોઈ ખાસ વિચાર પણ ના હોય. સાડી ની દુકાન રસ્તામાં આવે એટલે જરા નજર જાય. જો તમે અજાણ્યા હો તો તમને પહેલા તો તમને શંકા થાય કે આ દુકાન ખુલ્લી તો છે ને?  કારણકે દુકાન થોડી અંધારી હોય.એકાદ ઝીણી બત્તી ચાલતી હોય, પંખો બંધ હોય. પણ જેવા તમને જુએ એટલે ક્યાંકથી કોઈક ” આવો બેન, આવો” કરીને તમને જાણે તેમના ઘરમાં આમંત્રણ આપતા હોય તેમ આવકારે। ફટાફટ બે ત્રણ ટ્યૂબલાઈટ  અને બે પંખા ચાલુ થઈ જાય. તમે જેવા ચંપલ કાઢીને અંદર આવો એટલે સફેદ ચાદર પાથરેલી જાડી ગાદી  અને મોટા સફેદ તકિયા તમારો આવકાર કરવા તૈયાર હોય. અહીંયા સુવાની તૈયારી કરવી કે બેસવાની તેમ વિચારતા તમે જરા તકિયાને અઢેલીને બેસો। ત્યાં તમારા યજમાન યાને કે દુકાનદાર પૂછે, “બોલો બહેન, શું બતાવું?”. હવે તમને સંકોચ થાય કે હું તો ખાલી આ બહાર લટકતી સાડી જોવા આવી હતી. એટલે તમે કહો, “ના,ના, ખાસ કઈ નહીં જરા પેલી સાડી બતાવશો?”

આટલી વારમાં તો તમને એ દુકાનદારે પુરા માપી લીધા હોય. સૌથી પહેલા તો તમારા બે શબ્દ પરથી અને કપડાં પરથી અનુમાન કરી લીધું હોય કે તમે અહીંના છો કે પરદેશથી આવ્યા છો. જો પરદેશી લાગ્યા તો તો તમારો આવકાર થોડો વધારે મીઠાશથી થાય. તમારી ચંપલ, કપડાં, વાતચીત બધું એની નજર માં ગોઠવાતું હોય. એ બધાના માપે તમે કેવા કુટુંબમાં થી આવો છો, કેટલા પૈસા ખર્ચવાની શક્તિ ધરાવતા હશો એ બધો હિસાબ થઈ ગયો હોય. વાણીમાં કેટલી મીઠાશ ભરવી તે પણ નક્કી થઈ ગયું હોય.  હાર્વર્ડ માં કે IIM  માં  MBA કરેલા ને પણ આટલી જલ્દી આ સમજણ કદાચ નહીં આવતી હોય એટલી ઝડપથી તમને સમજી જાય.

તમે હજી વિચારો કે શું કરવું એ પહેલા તો તમારી આગળ સાડીઓનો ઢગલો થતો જાય.  રંગ બેરંગી, સરકતી, ચમકતી, લસરતી, લહેરાતી। હવે તમારી અંદરનો સાડીનો જુગ જુનો પ્રેમ વધારે જાગૃત થાય, તેટલામાં તો દુકાન વાળો એરકંડીશન ચલાવે। અને પૂછે, ” બેન, ચા ચાલશે કે કઈ ઠંડુ?”આહા, શું આનદં। ધેર જવાની ઉતાવળ ભૂલીને તમે શાંતિ થી એક પછી એક સાડી પકડીને રંગ અને ડિઝાઇન ઉપર “હા, હું, સરસ, ઠીક,” એમ બોલતા જાઓ.

ધીરે ધીરે ઢગલો મોટો થતો જાય. એ દરમિયાન માં એ તમારા હાવભાવ જોતા જોતા નક્કી કરે કે ક્યાં તમે અચકાવો છો અને ક્યાં તમારી આંખો ચમકે છે. જો તમે બે ચાર લોકોની સાથે ગયા હો તો તો તમારી અંદર અંદરની વાતચીત પણ મદદ કરે. છેવટે તમે જ્યારે ઢગલા માં થી સાત આઠ જુદી પાડો ત્યારે હવે ખરો શો શરૂ થાય. ચા આવે. તમે જેમ ધીમે ધીમે ઘૂંટડા લેતા હો ત્યારે એ તમને દરેક સાડી પોતાના ઉપર પહેરીને બતાવે। કોઈ સંકોચ નહીં, કોઈ ગેરસમજ નહીં। બસ ખાલી સાડી કેવી સરસ લાગે છે તે બતાવવાની હોશ.

છેવટે તમે એક ને બદલે પાંચ સાડી લઈને બહાર નીકળો। અને હોંશે હોંશે રસ્તામાં પાણી પૂરી ખાઈને ઘેર પહોંચો। એ પણ ખુશ અને તમે પણ ખુશ.

આતો થઈ સાડી ની દુકાન ની વાત પણ શાકવાળી લો કે ફળ વેચવા વાળી  તે પણ એટલા પ્રેમ (?) થી બે શાક વધારે લેવડાવે।

“આજની પાપડી તો બસ તમારે માટે જ ખાસ આવી છે” “લો આ પપૈયું જુઓ. મીઠું મધ જેવું છે” ” આજે મારે તમારી બોહણી જ કરવી છે”. ”  લો થોડા કોથમીર અને મરચા મારા તરફથી”

ક્યાં આ ખરીદી અને ક્યાં  અમેરિકામાં શોપિંગ મોલ મા હેંગર ઉપર લટકતા કપડાં ઉભા ઉભા જોતા જોતા પસંદ કરી અને કિંમતની ચીઠી શોધી ને દૂર રાખેલા અરીસામાં પ્રતિબિંબ જુઓ. દસ વાર આમ તેમ ફરીને છેવટે પાછા હેંગર પર એ કપડાં લટકાવો। અને ખાલી હાથે ઘેર પાછા! અમેરિકામાં જાતજાત ના સેલના ફરફરિયા ઘેર આવે જેમાં ખૂબ ધ્યાન થી, ખૂબ રિસર્ચ કરીને તમને દુકાન માં લાવવાનો પ્રયત્ન હોય અને સફળ પણ થાય પણ પછી જ્યારે એ સ્ટોર માં પહોંચો ત્યારે પહેલા તો સેલ્સમેન ના મળે, પછી એને એ ફરફરિયાવાળો ડ્રેસ ના મળે, પછી તમારી સાઈઝ ના મળે, પછી જ્યારે એ બધું મળે ત્યારે ખબર પડે કે સેલની ડેટ તો ગઈ…..


સુશ્રી મિનળ પંડ્યાનાં સંપર્ક સૂત્રો

ઈ-મેલઃ meerapublications@gmail.com

બ્લૉગઃ http://chintan-gujaratikavita.blogspot.com/

4 comments for “ખરી ખરીદીની મઝા તો અમદાવાદમાં –

 1. vimla hirpara
  August 4, 2019 at 5:25 am

  મીનલબેન, તમારા લેખમાં મજા પડી. આમ જુઓ તો વેચાણ એક માનસશાસ્ત્ર છે. ગ્રાહક શું વિચારે છે એ ચતુર વેપારી પકડી પાડે છે. એવી કેટલીય યુક્તિ જુઓ. બધા ગ્રાહકોને સસ્તું ને સારુ જોઇએ. અંહી પરદેશમાં વસ્તુંની કિંમત લખે.$4.99. પાંચમાં એક પેની ઓછી!પણ ગ્રાહકને પ્રથમ ચાર જ વંચાય. એટલે સસ્તું લાગે. તો એક જ સરખી વસ્તુંને બાજુ બાજુમાં અલગ કિંમતમાં મુકી હોય. સ્વભાવિક લોકો સરખામણી કરીને ઓછી કિંમતની વસ્તુ ઉપાડે. ખરેખર એ જ મુળ કિંમત હોય.એજ પ્રમાણે two for dollar. લોકો સમજે કે એક ડોલરમાં બે ચીજ. ખરેખર એ ચીજ 50 સેન્ટ કરતા ઓછી કિંમતની હોય. એ જ પ્રમાણે તહેવારમાં સેલને નામે જુનો માલ પધરાવી દેવાતો હોય છે. જે લોકો જરુરિયાત પ્રમાણે ખરીદી કરે ને બજારકિંમતના જાણકાર હોય એ બહુધા છેતરાતા નથી. આજના સમયમાં ખરીદી પણ કળા છે.

 2. Samir
  August 5, 2019 at 1:42 pm

  બિલકુલ સાચું,મીનલબેન !
  એમ પણ કહી શકાય કે ખરીદી ની ખરી મઝા ગીર્દી માં,ધક્કામુક્કી માં . ખરી મઝા ભાવતાલ કરવામાં જેમાં અમદાવાદી ને કોઈ ના પહોચે .

 3. Meenal Pandya
  August 12, 2019 at 10:50 pm

  વિમલાબેન,
  ખુબ આભાર. સાચી વાત છે કે ખરીદી એક કળા છે. તેવી જ રીતે ઘર ચલાવવું એ પણ એક કળા છે. બીજા કોઈ લેખમાં એ વિષે વાત કરીશું

  મિનલ

 4. Meenal Pandya
  August 12, 2019 at 10:51 pm

  સમીરભાઈ
  આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *