હુસ્ન પહાડી કા – ૧૧ – એન. દત્તા અને એમની પહાડી રચનાઓ

ઝુકતી ઘટા ગાતી હવા સપને જગાએ /\ દિલકી તમન્ના થી મસ્તીમેં

– ભગવાન થાવરાણી

               સકળ  સૃષ્ટિ  રહે  કે  ના  રહે  એક  વાત  નિશ્ચિત  છે
               પહાડી   ગુંજતો   રહેશે   સદાકાળે   ગગન – ગોખે …

કહે છે, સંતાનને માતા-પિતા સમજી શકે એ કરતાં દાદા-દાદી વધુ સમજી શકે. આ વિધાનનો તાર્કિક વિરોધ થઈ શકે પરંતુ હકીકત એ છે કે એમાં સચ્ચાઈ છે. દુનિયા જોઈ લીધા પછીના અનુભવના કારણે આવેલી સમજદારી અને પરિપક્વતા એમાં કારણભૂત છે.

ફિલ્મી ગીતોની બાબતમાં કંઈક આવું જ બને છે. યુવાન હતા ત્યારે ( કદાચ ) ધુન માણી શકતા તો શબ્દો ન સમજાતાં અને બન્ને સમજાય તો શબ્દોમાં સમાયેલું કવિતા-તત્ત્વ અને ફિલ્મીકરણની બારીકીઓ પકડાતી નહીં. હવે આવા ગીતોને સળંગ રચના તરીકે પામવા-મૂલવવા-આત્મસાત કરવાના દિવસો છે.

આ ઉઘાડ સાથે આજે સંગીતકાર દત્તા નાયક ઉર્ફે એન.દત્તાની પહાડી બંદિશોમાં ડોકિયું કરીએ. પરંતુ એ પહેલાં એક પ્રશ્ન. મહાન શાયર અને ફિલ્મી ગીતકાર સાહિર લૂધિયાનવીએ સૌથી વધુ ફિલ્મો કયા સંગીતકાર સાથે કરી, વારૂ ? બર્મન દાદા ? રોશન ? ઓકે, રવિ ? નહીં. એમની સૌથી વધુ ફિલ્મો – પૂરી ઉન્નીસ – આ દતા સાહેબ સાથે છે. બન્ને જિગરી દોસ્ત હતા. એ હદે કે એન. દત્તાના વળતા પાણી થયા એ પછીની એમની છેલ્લી ફિલ્મ  ‘ ચેહરે પે ચેહરા ‘ માં પણ સાહિર હતા :

       लोग   तो   चलते   बनेंगे   दे   चिता  को  आग, पर
       अंत  तक  हाज़िर  रहेंगे  –  दोस्त  आखिर  दोस्त  हैं ..

એન. દત્તા મૂળ ગોવાના. શરુઆત ગુલામ હૈદરના સહાયક તરીકે કર્યા બાદ દસેક ફિલ્મોમાં બર્મન દાદાના સહાયક રહ્યા. દાદાના સહાયક હોવું એટલે શું એ આપણે મદન મોહન, જયદેવ અને એમના સુપુત્ર રાહુલદેવ દ્વારા જાણી ચુક્યા છીએ. ધમાકેદાર શરુઆત એમણે રાજ ખોસલાની ૧૯૫૫ની  ‘ મિલાપ ‘ થી કરી. ( યે બહારોં કા સમા, ચાંદ તારોં કા સમા – લતા / હેમંત ). પછી તુરંત આવી સિપ્પીની પ્રથમ ફિલ્મ  ‘ મરીન ડ્રાઈવ ‘  ( અબ વો કરમ કરેં કે સિતમ મૈં નશે મેં હું – રફી ) . એ પછી નિયમિત અંતરે છેક ૧૯૭૧ સુધી એમની એકાધિક ફિલ્મો આવતી રહી.

આજની એમની પહાડી બંદિશોમાં પ્રથમ એટલે બી.આર. ચોપરાની અત્યંત સફળ  ‘ ધૂલ કા ફૂલ ‘ નું સાહિર લિખિત આ યુગલ ગીત :  ( આશા – મહેન્દ્ર કપૂર )

झुकती  घटा  गाती  हवा  सपने जगाए
नन्हा-सा दिल मेरा मचल – मचल जाए

महके   हुए   बहके  हुए   मस्त  नज़ारे
निखरे   हुए  बिखरे  हुए  रंग  के  धारे
आज  गगन  होके  मगन हमको बुलाए..

                    रवां है छोटी – सी कश्ती हवाओं के रुख़ पर
                    नदी  के  साज़  पर  मल्लाह  गीत  गाता  है
                    तुम्हारा  जिस्म  हरेक  लहर  के  झकोले  पे
                     मेरी   शरीर   निगाहों   में   झूल   जाता   है
                          ( मेरी  खुली  हुई  बाँहों  में  झूल  जाता  है )

जिस्म   मेरा  जाँ  भी मेरी तेरे लिए है
प्यार  भरी  दुनिया  सजी  तेरे लिए है
आँखों  पे  हैं छाए तेरे जलवों के साए
      ( होटों पे लहराए तेरे होटों के साए ) …

‘ ધૂલ કા ફૂલ ‘ યશ ચોપરા દિગ્દર્શિત પહેલી ફિલ્મ. બી. આર ફિલ્મ્સની પરંપરા અનુસાર આ ફિલ્મમાં પણ કુંવારી માતા, પુરુષ-પ્રધાન સમાજ, ધાર્મિક વાડાઓ જેવી સામાજિક વિસંગતિઓ સમાવી લેવાઈ છે. એન. દત્તાએ પહેલાં જ  ‘ સાધના ‘ ફિલ્મ દ્વારા ચોપરા કેમ્પમાં પ્રવેશ સફળતાપૂર્વક મેળવી લીધેલો. રહી-સહી કસર આ ફિલ્મ અને એના સંગીતની સફળતાએ પૂરી કરી. ( એ પછીની  ‘ ધર્મપુત્ર ‘ માં પણ દત્તા જ હતા). ફિલ્મમાં રાજેન્દ્ર કુમાર હીરો હોવા છતાં એમનું પાત્ર પ્રતિ-નાયક સમકક્ષ છે. માલાસિંહા, નંદા, અશોકકુમાર અને મનમોહન કૃષ્ણ અન્ય કલાકારો હતાં.

રાજેન્દ્ર કુમાર અને માલા સિંહાના પ્રેમ (અને બે દિલકશ યુગલ ગીત) થી શરુ થતી કથામાં નાટકીય વળાંક ત્યારે આવે છે જ્યારે બન્નેના શરીર-સંબંધથી સગર્ભા બનેલી કુંવારી નાયિકાને ત્યજીને સ્વાર્થી નાયક, પિતાના માલેતુજાર મિત્રની પુત્રી નંદા સાથે લગ્ન કરી લે છે.

નવપરિણીત યુગલ પોતાની કનવર્ટીબલ કારમાં. સ્ત્રી સમૂહ-સ્વરોમાં શરુઆત અને પછી તુરત આશાનો આલાપ. ‘ ઝૂકતી ઘટા ગાતી હવા ‘ મુખડાનો લહેજો, તરજ અને લય અદ્દલોઅદલ  ‘ ચોરી ચોરી ‘ના ગીત  ‘ પંછી બનું ઉડતી ફિરું મસ્ત ગગન મેં ‘ જેવા છે. જોકે બન્ને ગીતોના અંતરાઓનો મિજાજ અલગ છે. નંદાનો પાલવ કારની બહાર લહરાય છે. બન્ને કોઇક નદીના બંધ આગળ પડાવ નાંખે છે. મુખડા પછી ફરીથી આશાનો ઉલ્લાસમય આલાપ. કેમેરાથી તસવીર ખેંચતો નાયક અને એ જમાનાની મર્યાદા અનુસાર લજાતી નંદા !

આશાના કંઠે પ્રથમ અંતરો. નાયિકા છલકાતી જળરાશિ અને ઘેરાતા વાદળોને નિહાળે છે. અંતરા બાદ તુર્ત જ ફરી એ મીઠડા સમૂહ-સ્વરો. નદીમાં લાંગરેલી કેટલીક નૌકાઓ નજરે પડે છે. એક સાવ જ નાનકડી કશ્તી જળમધ્યે હાલક-ડોલક અને મહેન્દ્ર કપૂરના કંઠે એક એવો કત્આ ( મુક્તક ) જે ગીતનો અને ગીતના કેન્દ્રીય લયનો હિસ્સો નથી. એ દરઅસલ સાહિરની એક જાણીતી લાંબી નઝ્મ  ‘ પરછાઇયાં ‘ નો નાનકડો હિસ્સો છે. આ યુગલ ગીતમાં મહેન્દ્ર કપૂરનું પ્રદાન કેવળ આ ચાર પંક્તિઓને લય વિના ગાવા પૂરતું છે. એ મુક્તકની પ્રત્યેક પંક્તિની સમાપ્તિ વખતે આશા જે સુર પુરાવે છે એ ગીતની ખૂબસૂરતીમાં અનન્ય ઉમેરો કરે છે.

બીજી એક દિલચસ્પ વાત. અસલ નઝ્મમાં આ મુક્તકની સમાપન પંક્તિઓ આમ છે :

    तुम्हारा जिस्म हरेक लहर के झकोले से
    मेरी  खुली  हुई  बाँहों  में झूल जाता है

સેન્સરને કદાચ એ વાતે વાંધો પડ્યો હશે કે નાયિકાનું બદન નાયકના બાહુઓમાં ઝૂલી જાય એવી  ‘અભદ્ર’ વાત કેમ સાંખી લેવાય ? એટલે સાહિર સાહેબે ફેરવી તોળ્યું કે લો, ‘ ખુલી હુઈ બાહોં મેં ‘ નહીં પરંતુ  ‘ શરીર ( ચંચળ ) નિગાહોં ‘ માં નાયિકાને ઝૂલાવીએ ! રાજી ? બારીકાઈથી જોઈએ તો રાજેન્દ્રના હોઠ સ્પષ્ટપણે  ‘ ખુલી હુઈ બાહોં મેં ‘ ઉચ્ચારતા દેખાય છે !

ખેર ! નંદાએ વાળેલા પ્રત્યુત્તરમાં કવિ ફરી ગુસ્તાખી કરે છે. અંતરાની સમાપ્તિમાં એમણે જે લખ્યું તે છે  ‘હોઠોં પે લહરાએ તેરે હોઠોં કે સાએ’. ફરી સેંસરવાળા ચોંક્યા ! અરે, આ તો ચોક્ખું ચુંબન કહેવાય ! નહીં ચલેગા ! ફરી શબ્દોના સ્વામી મૂછમાં મરક્યા. એમણે સુધાર્યું.  ‘આંખોં પે હૈં છાએ તેરે જલવોં કે સાએ’ સેંસર રાજી ! બાપડા દર્શકોને તો એ તમા નથી કે નંદાના હોઠ તો અસલ  ‘ વાંધાજનક ‘ પંક્તિઓ પર જ ફરકે છે !

માલા સિંહાના અનૌરસ પુત્રના મુસ્લિમ અબ્દુલ ચાચા દ્વારા ઉછેર (તૂ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા), માલાનો બેરિસ્ટર અશોકકુમાર દ્વારા અંગીકાર, રાજેન્દ્ર – નંદાના બાળકનું કરુણ મૃત્યુ, રાજેન્દ્ર કુમાર દ્વારા પશ્ચાત્તાપ અને બાળકના પોતાની અસલી માતા સાથેના મિલન સંગે ફિલ્મ સુખદ અંતને વરે છે.

ફિલ્મનું અન્ય એક કરુણ-મંગલ હાલરડું  ‘ તૂ મેરે પ્યાર કા ફૂલ હૈ કે મેરી ભૂલ હૈ ‘ ( લતા ) પણ પહાડીમાં છે.

બીજી ફિલ્મ અને બીજા ગીત પર આવીએ. ખ્વાજા અહમદ અબ્બાસની  ‘ ગ્યારહ હજાર લડકીયાં ‘ જેવું વિચિત્ર નામ ધરાવતી આ ફિલ્મ ૧૯૬૨માં ક્યારે આવી અને ક્યારે ગઈ એ કોઈને ખબર ન પડી ! ઢંગધડા વગરની, ભારત ભૂષણને પત્રકાર જેવી, એને અને દર્શકોને ન જચે એવી ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ તો ન સ્વીકારાઈ પણ એનું આ પહાડી ગીત દરેક દ્રષ્ટિકોણથી લાજવાબ છે અને હજી પણ આપણે નિરંતર સાંભળતા આવીએ છીએ. ગીત આનંદ અને વિષાદ એમ બે મૂડમાં છે. આનંદમય યુગલગીત  (રફી – આશા) ના મજરુહ લિખિત શબ્દો :

दिल  की  तमन्ना  थी मस्ती में मंज़िल से भी दूर निकलते
अपना भी कोई साथी होता हम भी बहकते चलते – चलते

होते  कहीं  हम  और  तुम  ख़्वाबों  की रंगीन वादी मे गुम
फिर उन  ख़्वाबों  की  वादी  से उठते आँखें मलते – मलते

हँसती  ज़मीं  गाते  क़दम   चलते  नज़ारे  चलते जो हम
रुकते हम तो रुक – रुक जाता ढलता सूरज ढलते-ढलते

और शामे – ग़म  बन के अगर  दुख के अंधेरे करते सफ़र
राहों के दीपक बन जाते प्यार भरे दिल  जलते – जलते …

અબ્બાસ સાહેબે એમના સાથી અલી સરદાર જાફરી સાથે મળીને બનાવેલી આ ફિલ્મનો મૂળ આશય હતો એમની સામ્યવાદી અને કામદાર-તરફી વિચારસરણીનો પ્રચાર કરવાનો પરંતુ ફિલ્મમાં અન્ય વ્યાપારી તત્ત્વો ઘુસાડીને લોકભોગ્ય બનાવવાના પ્રયાસમાં એ બન્ને બાજુએ ન્યાય નથી કરી શક્યા. મુંબઈમાં કામ કરતી અગિયાર હજાર છોકરીઓની પરિસ્થિતિ અને એમના શોષણ વિષે પત્રકાર ભારત ભૂષણ પોતાના સમાચાર-પત્રમાં પર્દાફાશ કરે છે. રેશનીંગ ઓફીસમાં કામ કરતી માલા સિંહા એ વિચારો અને વ્યક્તિત્વથી આકર્ષાય છે. એ પોતે પણ આર્થિક સંકડામણ અને છ બહેનોના પરિવારની જવાબદારીથી ભુક્તભોગી છે. બન્ને વચ્ચે પ્રેમ પાંગરે છે. એક દિવસ પત્રકાર મહોદય પ્રેમિકાને મળવા ધોળે દિવસે પ્રેમિકાની અગાસીએ જઈ ચડે છે.

પિયાનો અને વ્હીસલીંગથી શરુઆત. ભારત ભૂષણ અગાસીમાં રમતી નાયિકાની નાનકડી બહેનને રમતમાં ઝુલાવતો પ્રવેશે છે. રફીના અવાજમાં મુખડો. નાયિકા ક્ષણાર્ધ રિસાયેલી રહે છે પછી તુરંત મુખડામાં સાથ આપે છે.

દ્રષ્ય બદલાય છે. હવે નદી-કિનારો. મુખડા અને અંતરાઓમાં  ‘ આમ હોત તો આમ થાત ‘ વાળી ખૂબસૂરત શબ્દ-રમત છે. ગીતનો લય અગાઉ ચર્ચેલા કેટલાક ગીતોની જેમ WALTZ પ્રકારનો છે.

બીજા અંતરામાં સ્થળ બદલાઈને નાળિયેરીના ઝૂંડોમાં પલટાય છે. રફી અંતરાનો ઉત્તરાર્ધ દોહરાવે છે ત્યારે આશા જે રીતે સુરીલો હોંકારો પૂરાવે છે એનાથી ગીતની માદકતામાં ચાર ચાંદ ઉમેરાય છે, બિલકુલ અગાઉના ગીતની જેમ.

ત્રીજા અંતરા વખતે ફરી નવું લોકેશન પણ રફીની હલક અને આશાની સુર-પૂરણીમાં એ જ મસ્તી. જે વ્હીસલીંગથી ગીત શરુ થાય છે એનાથી જ પૂર્ણાહુતિ.

ગીતની સોલો રફી આવૃત્તિ ત્યારે રજૂ થાય છે જ્યારે નાયિકા નાયકથી મોં ફેરવી લે છે. નાયકનો માલેતુજાર બાપ મુરાદ કાવતરું રચી નાયિકાને એવું કરવા મજબૂર કરે છે. ગીતના એ હિસ્સાના શબ્દો :

दिल  की  तमन्ना  थी मस्ती में  मंज़िल से भी दूर निकलते

अपना भी कोई साथी होता  हम भी बहकते चलते – चलते

साथी  मिला  युं  तो  मगर   रस्ते  में  था  चाँदी  का नगर

चाँदी की नगरी भाई उसे हम  रह गए आँखें मलते – मलते

उसने  ये  दिल  ठुकरा दिया  शीशा ही था सोना तो न था

सिक्कों की झनकार में खो गए  गीत वफ़ा के ढलते – ढलते

यादों  की  धूल  आँखों  में है  दामन की हसरत हाथों में है

ख़्वाबों  के  वीराने  में तन्हा  थक गया राही चलते – चलते ..

અહીં નાયક, સ્ત્રી કર્મચારી સંઘના વાર્ષિક જલસામાં અતિથિ-વિશેષ રૂપે પોતાની રચના પ્રસ્તૂત કરે છે.

અહીં પણ અગાઉના વર્ઝનની જેમ ત્રણ અંતરા છે પરંતુ એ જ તરજ હોવા છતાં મૂડ સાવ અનોખો છે. મહદંશે એમાં રફીની બહુવિધતા કારણભૂત છે. એ ચમત્કારિક અવાજ, બદલાયેલી પરિસ્થિતિને સુપેરે વ્યક્ત કરે છે. અંતરાઓ વચ્ચે આવતા સંગીતમાં પણ ઉચ્છૃંખલને બદલે ધીરગંભીર સુરાવલિઓ છે. ગીતના શબ્દોમાં પણ સાહિર-નુમા શબ્દ-બાણ છે ( રસ્તે મેં થા ચાંદી કા નગર ). બાજુમાં બેઠેલી નાયિકા એ શબ્દો પાછળનો આશય અને દર્દ સમજે છે. બીજા અંતરા વખતે સહન ન થતાં એ ઊઠીને ચાલી પણ જાય છે. અંતિમ અંતરાના શબ્દો  ‘ યાદોં કી ધૂલ આંખોં મેં હૈ ‘ સૌથી અસરકારક બન્યા છે.

ભારત ભૂષણ એમના અભિનયના કારણે નહીં તો નસીબજોગે મળેલા આવા અનેક ગીતોને કારણે હમેશાં યાદ રહેશે.

ગેરમાર્ગે દોરવાયેલી નાયિકાની યુવાન બહેન, એના હાથે અનાયાસ થતું વિલનનું ખૂન, બહેનને બચાવવા ઇલઝામ વહોરી લેતી નાયિકા, બચાવમાં વકીલ તરીકે ઝંપલાવતો નાયક અને ખાધું, પીધું, રાજ કર્યું.

ફિલ્મમાં મહાન કવિ ફૈઝ અહમદ ફૈઝની વિખ્યાત નઝ્મ  ‘ चंद रोज़ और मेरी जान फ़क़त चंद ही रोज़ ‘ નું ઉચ્ચારણ નાયક-નાયિકા બે વાર કરે છે એ ફૈઝના ચાહકો માટે લહાવો છે તો કૈફી આઝમીની જાણીતી કૃતિ  ‘ मेरी महबूब मेरे साथ ही चलना है तुझे ‘ પણ ઉત્તમ તરજ સાથે રફીના અવાજમાં રજૂ થઈ છે.

એક નૃત્ય-ગીત  ‘ પહચાનો હમ વોહી હૈં દેખો તો આંખ મલ કે ‘ પણ છે લતાના કંઠમાં અને રાગ પહાડી પર આધારિત. એમાં નૌશાદના  ‘ દિલ મેં છુપા કે પ્યાર કા તૂફાન લે ચલે ‘ ની સ્પષ્ટ છાંટ છે.

અબ્બાસ પટકથા-સંવાદ લેખક તરીકે રાજકપૂરના જમણા હાથ હતા. એમણે સ્વતંત્ર ફિલ્મો પણ અનેક બનાવી જેમાંની કેટલીય ફિલ્મોએ અનેક પુરસ્કાર પણ જીત્યા, પણ ટિકિટબારી હમેશાં એમને હાથતાળી આપતી રહી !

અહીં અટકીએ.

હવે પછી મળીએ હેમંત કુમારની પહાડી બંદિશોના સથવારે.શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Facebooktwitterredditpinterestlinkedinmail

12 comments for “હુસ્ન પહાડી કા – ૧૧ – એન. દત્તા અને એમની પહાડી રચનાઓ

Leave a Reply to ken Cancel reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.