ફિર દેખો યારોં : નદીયા કિનારે ફિરું પ્યાસી

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

કોઈ રમૂજી ફિલ્મનું દૃશ્ય કલ્પી લો. બે અલગ અલગ વ્યક્તિઓ વિશાળ કદની કોઈ એક જ ચીજના અલગ અલગ હિસ્સા બનાવી રહી છે. પોતાના કામમાં તેઓ એટલી ગળાડૂબ બની ગઈ છે કે આસપાસનું ભાન વીસરાઈ ગયું છે. આખરે એ ઘડી આવી પહોંચે છે કે બન્ને જણના કામનું સમાપન થાય છે, અને તેઓ જે ચીજ બનાવી રહ્યા હતા એનું અનાવરણ થાય છે. પણ આશ્ચર્ય! પોતપોતાનો હિસ્સો એકદમ ચોકસાઈપૂર્વક બનાવવા છતાં એ બેયનો એકબીજા સાથે કોઈ મેળ નથી. સરવાળે સમગ્રતયા એ આખું સર્જન નકામું બની રહે છે. ચાર્લી ચેપ્લિન કે લૉરેલ-હાર્ડીની કોઈ ફિલ્મમાં આવી પરિસ્થિતિ હશે જ, જે દર્શકોને ભરપૂર રમૂજ પ્રેરે છે. પડદા પર આવું દૃશ્ય મનોરંજક લાગે, પણ વાસ્તવિક જીવનમાં આ કૃત્ય અત્યંત ગંભીરતાપૂર્વક થતું જોઈ શકાય છે.

બીજી બધી વાત રહેવા દઈએ, ચોમાસા પૂરતી વાત કરીએ. કોઈ પણ ગામ કે શહેરમાં તમે વસતા હો, કેટલીક બાબતો બધે સામાન્ય હશે. આજકાલ રસ્તાઓ પહોળા કરવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. આ કાર્યક્રમમાં રસ્તાની બન્ને બાજુએ આયોજનપૂર્વક ઉગાડાયેલાં વૃક્ષોને બેરહેમીપૂર્વક કાપી નાખવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ઘણા નાગરિકો કે સંસ્થાઓ વૃક્ષરોપણના કાર્યક્રમો યોજી રહ્યા છે, વિવિધ ફળના બીજને ભેગા કરીને બનાવેલા ‘સીડબૉલ’ અજાણી જગ્યાઓએ નાખી રહ્યા છે, જેથી કશા આયોજન વિના વૃક્ષો ઊગે. આવું જ પાણીના આયોજન બાબતે છે. એક તરફ જળસંચયની વાતો ચાલી રહી છે, બીજી બાજુ શહેરોમાં માંડ અડધા કલાકનું ઝાપટું વરસતાં પાણીનો એવો સંચય થઈ જાય છે કે તેના નિકાલ માટે ગટરનાં ઢાંકણાં ખોલી કાઢવા પડે. ચોમાસું બેસવાનું થાય એ અગાઉ કોણ જાણે કોના સૂચનથી, અચાનક વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપો બેસાડવાનું કામ શરૂ થઈ જાય છે. આ કામ માટે રસ્તા ખોદાય, ઠેરઠેર માટીના ઢગલા થાય, ટ્રાફિકને એટલી બધી અગવડ પડે અને એમ લાગે કે કામ અનંત કાળથી ચાલતું આવ્યું છે. આ કામ માંડ પતે એ દરમિયાન કે પછી વરસાદ પડે તો ભૂવા પડે, ફરી પાણી ભરાય, આ સ્થળે ન ભરાય તો એવા સ્થળે ભરાય કે જ્યાં અગાઉ કદી ભરાતું નહોતું. મુશ્કેલ છે છતાં માની લઈએ કે આમાંની એકે તકલીફ ન થઈ અને રોડ યથાવત બની ગયો, વાહનવ્યવહાર પૂર્વવત શરૂ થઈ ગયો તો? તો થોડા જ દિવસોમાં બીજા કોઈ ખાતા દ્વારા કશાક કામ માટે રોડને ફરી ખોદવામાં આવશે, અને કામ પત્યે તેને થિંગડા મારવામાં આવશે.

શહેરમાં સૌ કોઈ એટલા વ્યસ્ત હોય છે કે તેમને એક સ્થળે ઊભા રહીને ફોન પર વાત કરવાની પણ ફુરસદ નથી હોતી. આથી તેઓ મોટે ભાગે ચાલુ વાહને વાત કરતા જોવા મળે છે. એક તરફ ક્યાંક પહોંચવાનો ઉદ્દેશ્ય, બીજી તરફ ફોન પર થતો વાર્તાલાપ અને ત્રીજી તરફ વાહન પર રાખવાનું નિયંત્રણ. આવી સ્થિતિમાં કોઈ પૂછવાની દરકાર પણ શી રીતે કરે કે કયો રોડ શા કારણથી ખોદાયો છે. ગાંધીજીએ અંગ્રેજોના શાસન દરમિયાન આરંભેલું અસહકાર આંદોલન એ હદે સફળ રહ્યું કે અંગ્રેજોની વિદાયને સાત સાત દાયકા વીતી જવા છતાં લોકો હજી સામાન્ય કાયદાપાલન બાબતે અસહકારના મૂડમાં જ હોય છે. સ્વસલામતિના નિયમોનું પાલન સુદ્ધાં જાહેર માર્ગો પર મૂકાયેલા સી.સી.ટી.વી. કેમેરામાં ઝડપાઈ જવાની અને તેને પગલે દંડ ભરવાની બીકના કારણે જ લોકો કરતા જોવા મળે છે. આ બધાના પરિણામે આ લેખની શરૂઆતમાં કલ્પેલું દૃશ્ય ખડું થાય છે. જો કે, તેનાથી મનોરંજન મળતું નથી, બલ્કે હાલાકી વધતી રહે છે. કામ થતું જોવા મળે છે, ઠેકઠેકાણે અવનવા ખાડાટેકરા સર્જાતા રહે છે, પણ માત્ર અડધા પોણા કલાકના ધોધમાર વરસાદમાં ખાબોચિયાં ભરાઈ જાય ત્યારે બીજા કોઈને નહીં, પણ વરસાદને જ દોષ દેવાનું બને છે. ખ્યાતનામ જળવિશેષજ્ઞ ડૉ. રાજેન્‍દ્ર સીંઘે તાજેતરમાં એક અખબારી મુલાકાતમાં જણાવ્યું કે અગાઉ પાણી પહેલાં પાળ બાંધવાનો રિવાજ હતો, જ્યારે હવે સરકાર પાણી વહી ગયા પછી પાળ બાંધે છે. એક સમયે જળની વિપુલતા ધરાવતો આપણો દેશ જે રીતે આ મહામૂલા સ્રોતને ઉલેચવા લાગ્યો છે એ ખતરનાક છે. તેમના જણાવ્યા મુજબ આવતા વરસ સુધીમાં ચેન્નાઈ, બેંગલુરૂ, દિલ્હી, હૈદરાબાદ સહિતના એકવીસ મોટાં શહેરોમાં ભૂગર્ભ જળ ખાલી થઈ જશે. તેને કારણે દસેક કરોડ લોકો અસરગ્રસ્ત થશે. પાણીના વ્યવસ્થાપન માટે અલાયદા જળશક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી છે, અને તેના દ્વારા ઘેરઘેર નળ દ્વારા પાણી પહોંચાડવાની ઘોષણા થઈ છે. પણ પાણી જ નહીં રહે તો પાઈપોમાં થઈને શું વહેશે?

પાણીના ટીપેટીપાના સદુપયોગ બાબતે ઈઝરાયલને અનુસરવું જોઈએ એ સૌને ખબર છે, પણ ખરેખર કોણે અનુસરવું એ અસ્પષ્ટ હોય છે. સૌને એમ જ છે કે સરકાર અમુકતમુક કામ કરશે એટલે બધું ઠીક થઈ જશે. વરસાદના પાણીના સંગ્રહની વાત હજી એટલી ચલણી બની નથી. આ ઉપરાંત વપરાયેલા પાણીને સ્વચ્છ કરીને તેનો પુન:ઉપયોગ કરવા બાબતે પણ એવી જાગૃતિ નથી. પાણીના વ્યય બાબતે કંઈ કહેવા જેવું જ નથી. મોટા ભાગના લોકોને હજી એમ જ છે કે નળમાં પાણી નહીં આવે તો બહારથી ખરીદી લઈશું.

જે રીતે ચોમાસું નબળું જઈ રહ્યું છે, પાણીનો વ્યય થઈ રહ્યો છે, અને પાણીને લઈને કોઈ નક્કર ભાવિ આયોજન ખાસ જાણવા મળતું નથી એ જોતાં જળયુદ્ધની સ્થિતિ આવી જતાં આપણે ધારીએ છીએ એટલી વાર પણ નહીં લાગે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫- ૭ – ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ –

અહીં લીધેલ તસ્વીર / ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે. તેમનો ઉપયોગ અહીં માત્ર સંકેતિક સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

2 comments for “ફિર દેખો યારોં : નદીયા કિનારે ફિરું પ્યાસી

 1. August 1, 2019 at 9:39 pm

  ARANYER RUDAN…… No water will shake in any one’s tummy..

  • બીરેન કોઠારી
   August 6, 2019 at 10:11 am

   દાદુ, અરણ્યેર રુદન હોય તો પણ એ કરવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *